અમદાવાદ આજકાલ રમણે ચડ્યું છે..
જબરજસ્ત ફેસ્ટીવલ સીઝન ચાલી છે,
આજના મોટાભાગના ફેસબુક સ્ટેટસ અરિજિતસિંગ નાઈટ સરદાર પટેલ સ્ટેડીયમના છે ,કેહવાય છે કે ત્રીસ ટકા પાસ વધારે વેહ્ચાયા છે અને પડે એના કકડા છે સ્ટેડીયમમાં ..
આઈઆઈએમ ચાર રસ્તા તો પ્રેકટીકલી આજે સવારથી આખો દિવસ જામ રહ્યા છે , ત્યાં સાત્વિક ફૂડ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે અને રાત પડે સપ્તક ચાલે છે..
ભદ્ર પ્લાઝામાં કવિ સંમેલન અને રીવર ફ્રન્ટ પર સાબરમતી ફેસ્ટીવલ અને પતંગ મહોત્સવ .. સવારે આખો દિવસ રીવર ફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે..
ગુજરાત યુનીવર્સીટી સેપ્ટમાં અત્યારે ગુજરાતી લીટરેચર ફેસ્ટીવલ ચાલી રહ્યો છે,અને કાલે રવિવારે લગભગ દરેક કલબમાં તુક્કલ કે પતંગ કોમ્પીટીશન છે અને ક્યાંક વિન્ટેજ કારનું પણ સરસ પ્રદર્શન છે ..
સાલું એકાદ બે દિવસોમાં એટલું બધું એકસાથે અમદાવાદમાં આવી ગયું છે કે મારા જેવા રંગરસિયા જીવ ને તો એમ થઇ ગયું કે ક્યાં જાઉં અને ક્યા ના જાઉં
રાત ના ઘેર આવતા બે કે અઢી વાગે છે સપ્તકમાંથી અને બપોર આખી જાય લીટરેચર ફેસ્ટીવલમાં સાંજ જીમમાં અને સવાર ફ્લાવર શો ..
યાર ચોવીસ કલાક ઓછા પડે છે રખડપટ્ટીના, જો કે આજે તો પછી મોબાઈલ ને ગોળી મારી દીધી અને ઊંઘી ગયો ..મિસકોલ દેખાડે છે જીમ ના ટેણીયા અને સપ્તકના રસિયા મિત્રોનો ..એક વાગ્યો છે
કાલે સવારે સાત્વિક ફૂડ ફેસ્ટીવલમાં જવાનું છે..મોઢામાં અત્યારથી પાણી છૂટી રહ્યું છે..
મજાના દિવસો ચાલી રહ્યા છે મારા અમદાવાદના, ફૂલ ગુલાબી ઠંડી થઇ ગઈ છે
લાગે છે કે ઉતરાયણ સુધરી જશે જો આવી ને આવી મસ્ત મસ્ત ઠંડી રહી તો .. હવે સોમવાર અને મંગળવાર બે જ દિવસો આડા રહ્યા છે ,
બુધવારે તો કતલની રાત આવી જશે અને ગુરુવારની સવાર તો આખા અમદાવાદની ધાબે પડશે તે છેક શુક્રવાર રાત સુધી અમદાવાદીઓ ધાબે પડી રેહશે..
હું પેહલા પણ લખી ગયો છું કે ઉત્તરાયણ એ સૌથી સસ્તો અને સૌથી વધુ મજા અને આનદ આપનારો તેહવાર છે,
ગમે તેવા શોખીનની ઉતરાયણ બે પાંચ હજાર રૂપિયામાં આખા ફેમીલીની સાથે પૂરી થઇ જાય અને પાછા એમાં મિત્રો કે સગાવાહલા જેને જેની સાથે ફાવતું હોય તે બધે બધા ભેગા થઈને ફૂલટુન મસ્તી મારે ,નાને થી મોટા કોઈ જ બાકી નહિ .. આખુ અમદાવાદ બસ ધાબે ..
મને તો આ શુક્રવારથી તે આવતા રવિવાર સુધી બસ મોજે મોજ છે..
એક્સાઈટમેન્ટના માર્યા અત્યારે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ છે,બાળપણની ખાનપુરની ઉતરાયણ યાદ આવી ગઈ..
સવારે પાંચ વાગ્યામાં બેઠા થઇ જતા અને મમ્મી પકડીને ઊંઘાડે એ હજી અજવાળું નથી થયું ઊંઘી જા..ધાબાને લોક કરી રાખતી મમ્મી અને ચાવી પપ્પા ના ઓશીકાની નીચે ..
નહિ તો સવારના પાંચ વાગ્યાથી પતંગ ચડાવવા પોહચી જતા અમે..
ચીકી અને શેરડી ,બોર અને જામફળ .. ખિસ્સા ભરેલા હોય અને જમવા માટે પણ ધાબેથી નીચે ઉતરે એ બીજા .. સાંજ પડે સફેદ પતંગો ચડે અને અમારા સીનીયરો જે અત્યારે લગભગ સાહીઠની નજીક પોહ્ચ્યા છે એ લોકો ખુબ મોટો પતંગ ચડાવે રાત્રે તુક્કલ માટે અને પછી લાઈનસર તુક્કલો છૂટે ..અને પછી પેચ થાય ..
ભાઈ ભાઈ ..
રાતે અગિયાર બાર વાગે અને પછી પથારીમાં પડ્યા એવી સવાર.. અમારા આખા દિવસના મેલા કપડા પણ મમ્મીને બદલવા પડતા એવા ઊંઘી જતા .. ખિસ્સામાંથી દોરીના લચ્છા અને ગુદરપટ્ટી નીકળે અને હાથ દોરીથી લાલ લાલ અને આંગળીઓમાં કાપા..
ઊંઘતા શૈશવના હાથ મમ્મી ગરમ પાણીથી ધોવે અને સોફરામાય્સીન લગાડે પણ બીજે દિવસે એવા ને એવા કાપાવાળા હાથે ઘાયલ સિપાહી લડવા માટે પાછો ધાબે ચડી જાય ..
એ જમાનામાં પતંગોના નામ પણ કેટલા બધા ..
ઢાલ ,અડધીયો ,આખીયો ,ચાંદેદાર ,ચાપટ,લક્કડીયો ,ફૂદ્દી ,ચીલ ,પાવલો ,રોકેટ ,આંખેદાર,પટ્ટેદાર …
એક પણ ઢાલ જો ચડી તો એને કાપે જ છૂટકો કરવાનો બસ ખેંચો જ ખેંચો…પેહલા ફૂલ દોરી છોડવાની અને પછી ચલ ચલ ચલ લપેટ લપેટ લપેટ કરતા જવાનું અને ખેંચતા જવાનું ..
હવા પડે તો ઠમકા મારી મારી ને હાથ દુખે પણ આપણો પતંગ તો ચડવો જ જોઈએ..અને પતંગની પણ પાછી કેટલી કળાઓ .. લોટણીયો,છાશીયો ,ગોથ મારે..
અમુક પતંગ એવા ડાહ્યા હોય કે બધું તમારું કીધું કરે અને અમુક સાલા એવા હેરાન કરે ગમે ત્યારે ગોથ મારે અને છાશ ખાય કે પછી લોટે તમને એમ થાય કે યાર આને જલ્દી કોઈ ખેંચી જાય તો આ પતંગમાંથી હું છુટું ..
પણ એવા ગાંડા અને કહ્યું ના કરતા પતંગ જ વધારે ચાલે ..
જોકે જીંદગી પણ આવા જ રંગ દેખાડે છે ને અત્યારે ..કહ્યું કરતા લોકો ભાગ્યે જ મળે અને એનો સાથ ક્યારે પૂરો થાય એ ના ખબર પડે અને લોટણીયા અને છાશીયા બહુ લાંબો સમય ચાલે..
જો કે આજકાલ મારી ઉતરાયણ બપોર પછી ચાલુ થાય છે પણ પૂરી તો રાત્રે અગિયાર કે બાર વાગ્યે જ થાય છે..
ક્યારેક નસીબ અને પવન સાથ આપે તો હજી પણ ત્રીસ ચાલીસ તુક્કલો એક પતંગ પર ચડાવી દઉં છું ,જો કે ચાલીસ તુક્કલ સુધી પોહચવા પવન અને ફૂલ સ્ટાફ જોઈએ એકાદ બે માણસની મદદથી ચાલીસ તુક્કલો ના ચડે..ઓછામાં ઓછા પંદર વીસ જણા જોઈએ..(જે તુક્કલથી પતંગ ચડાવી હતી તેનો ફોટો મુક્યો છે )
ખાલી એના પ્રોટેક્શનમાં સાત આઠ પતંગો જોઈએ નહિ તો મારા જેવા ઘણા શેતાનો દસ બાર તુક્કલ ગઈ ના ગઈ ત્યાં તો પતંગ ને ખેંચી મારે એટલે તુક્કલમાં પતંગની આજુબાજુ કમાન્ડોઝ ઘણા જોઈએ..!
ચાલો યારો ઊંઘ પાછી આવી રહી છે અને કાલનો સાવ ટૂંકો રવિવાર માથે છે સવારે દસ વાગ્યે તો ઉઠવું જ પડશે..સખત ટાઈટ શેડ્યુલ બનાવ્યો છે ..
સવારે અગિયાર વાગે કીટલી ,બાર વાગે સાત્વિક ફૂડ ફેસ્ટીવલ ..બે વાગ્યે લીટરેચર ફેસ્ટીવલ તે સાંજના છ વાગ્યા સુધી ,પછી મમ્મી પપ્પા અને બૈરી છોકરા સાથે કલબ પર ડીનર અને પાછા આવી ને સીધા સપ્તક તે પડશે રાતના બે..!
અને પછી માથે પડશે રે પરભાત સોમવારનું ..છોગાળા શૈશવની.
છોડતા નહિ તમે પણ..આવતા અઠવાડિયાને મન ભરીને માણી લેજો..!!
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો થાક ઉતારવા પાછળ શનિરવિ મળવાના છે, એટલે ગાભરું નકો ..!
ડુ મોજ ..
શુભ રાત્રી
શૈશવ વોરા