ભારતનું ચન્દ્રયાન અવકાશમાં પોતાના ગંતવ્ય તરફ આગળ વધ્યું.. સોશિઅલ મીડિયા એ વધામણીના કંકુ ચોખા વેર્યા,લગભગ જન જન ના હૈયે હરખ હરખ થઇ ગયો અને હરખના અતિરેકમાં કેટલાય લોકો એ “બીજા” ને મેં`ણા પણ મારી દીધા ..
અમુક દેશોના ઝંડામાં ચાંદ છે અને અમુક દેશોના ઝંડા ચાંદ ઉપર છે.. કે પછી એક દેશ `ચાંદ`ના ચક્કર કાપી રહ્યો છે અને બીજો દેશ `ચંદા` માટે ચક્કર કાપી રહ્યો છે..!!
બંને મેસેજીસ પાકિસ્તાનની આજુબાજુ ફરી રહેલી આપણી માનસિકતા નું પ્રતિક છે..!
ભારતીય જન જન ના દિલો દિમાગમાં ભરેલા હાડોહાડ નફરતના ધધગતા જ્વાળામુખી ની સમય સમય પર ઉડતી રાખ છે આ મેસેજીસ.!
પણ સમય બહુ ખતરનાક છે..
એકલી નફરત કર્યે મેળ નથી પડવાનો, અમદાવાદથી ફક્ત અને ફક્ત અઢી હજાર કિલોમીટર દૂર જંગના મંડાણ થયા છે..!
ગુગલમાં અમદાવાદથી તેહરાન નું અંતર પૂછીએ તો ફક્ત અઢી હજાર કિલોમીટર દેખાડે છે, મારા જેવા `અભાગિયા` ટ્રાવેલરને જીવનમાં ઘણી બધીવાર ફક્ત ચાર પાંચ કલાકમાં અઢી હજાર કિલોમીટર ખેડવાના આવ્યા છે..
શૈશવ આજે કલ્પના કરતા ધ્રુજી જાય છે કે એના ઘરથી ફક્ત અને ફક્ત અઢી હજાર કિલોમીટર દૂર એક નવું “કુરુક્ષેત્ર” આકાર લઇ રહ્યું છે ..!
રોજ એક પછી એક નવા હથીયારો ને લઇ ને પશ્ચિમના દેશોની સેનાઓ ઈરાન તરફ આગળ વધી રહી છે..
ચાર દિવસ પેહલા શૈશવ ભારતના એક સૈનિક હવાઈ મથક ઉપર હતો, રાત્રીના પ્રથમ પ્રહરે `સમય ઉપર ઉડાન ભરતી` એવી એક એરલાઈન એ મને જહાજમાં ભરી ને પૂરી દીધો હતો ..
ઉડાન ભરવા માટે મારું જહાજ ટેક્ષી રનવે ને પાર કરી ચુક્યું હતું, ત્યાં અચાનક રન વે ઉપર કાળું ડિબાંગ અંધારું છવાઈ ગયું અને મારા જહાજે બ્રેક મારી, જહાજ રન વે ઉપર ઉભું રહી ગયું…
શૈશવનું દિમાગ ચાલ્યું..
એન્ની માં ને આજે તો પૈસા વસુલ થશે વિન્ડો સીટના..!!
ખરેખર જહાજની બારીમાંથી બાહર નજર કરી અને કાન ઉપરથી હેડફોન કાઢી લીધા.. તો એક લાઈનમાં ધીમી ચાલે ચાલતા મારા દેશના બે શેર ઘરઘરાટી કરતા નજરે પડ્યા ..!!
હવાઈ અડ્ડા નો ટેમ્પરરી કબજો વાયુસેનાના હાથમાં આવી ચડ્યો હતો.. બે ફાઈટર પ્લેન મારા જહાજની બાજુમાં આવી ને ઉભા હતા..!!
મને ફાઈટર પ્લેનના ટેઈક ઓફ જોવા સખ્ખત ગમે છે ..અને એ પણ આટલા નજીકથી.. ફાઈટર પ્લેનના એન્જીનથી ઘરઘરાટી અને એના એક્ઝોટમાંથી નીકળતી આગ .. જય હો ..રન વે ઉપર ધીમે ધીમે ગુર્રાતું ગુર્રાતું આવતું ફાઈટર પ્લેન ..
નમઃ પારવતી પતે હર હર મહાદેવ …જાણે સાક્ષાત નટરાજ તાંડવ કરવા અંગડાઈ લઇ ને કેહતો હોય અરે ઓ લગાવ આડા ચૌતાલા ..પછી જેમ ધીમે ધીમે વિલંબિત આડા ચૌતાલની લય પકડાય .. ધીન તીરીકિટ ..તુંન નાં ..અચાનક ફાઈટર પ્લેન દ્રુત લયમાં આવી ને ચોગુન કરી ને ધીન તીરીકીટ ,તુંન ના , ક્ત્ ….છાતી ની આરપાર જાય એવી ઘરઘરાટી બોલાવતું , એક્ઝોસ્ટમાંથી નીકળતી અગન ઝાળ ના ગોળા ને અલપઝલપ બતાડતું ફાઈટર પ્લેન રોકેટની સ્પીડે ટ્રોપોસ્ફીયરમાં જતું રહે..!!
એ આથમતી સંધ્યા મહાકાલ ને રીયાઝ કરવાનું મન થયું હતું..
પછી તો એક પછી એક એમ દસ બાર ફાઈટર પ્લેનના લેન્ડીંગ અને ટેઈક ઓફ થયા મારી નજર સામે,
દિલમાં ભરી લીધી મહાકાલની એ લય..!!
મોજે આકાશ ..!!
હાશકારા થાય હૈયે…!
*ભલે ને આપણાથી અઢી હજાર કિલોમીટર જ દૂર જંગ કેમ ના ખેલાતો હોય પણ કોઈ ભૂલ ભૂલમાં રડ્યો ખડ્યો આવી ચડ્યો તો પોંખવા `અભિનંદન` તૈયાર જ બેઠો છે.!!*
મિંયા ઇમરાન કટોરો લઈને પોહચી ગયા છે..ભારતીય મીડિયા એ ખીલ્લી ઉડાવવામાં કઈ બાકી નથી રાખ્યું , પણ ભીખ માંગવા મોટી ગાડી લઈને ના જવાય, એ સારી પેઠે જાણતા મિયાં ઇમરાનખાન કતર એરવેઝના જહાજમાં અમેરિકા ગયા છે અને ત્યાની મેટ્રોમાં બેસી અને પાકિસ્તાન એમ્બેસીમાં રોકાયા.. હોટલની બદલે..!!
જોરદાર “સાદગી” ની માયાજાળ રચી છે..!!
એક વાત આપણે યાદ રાખવાની છે આ આખા ઘટનાક્રમમાં .. કે ઈરાન કે ઉત્તર કોરિયા પાસે પરમાણું હથિયાર હોવાની શંકા માત્રથી પણ જગત જમાદારે એની માથે કટક ખડું કરી દીધું છે જ્યારે પાકિસ્તાનને તો પરમાણુ ધડાકા કરવા દીધા છે..!!
એટલે મિંયા ઇમરાનખાન ઇસ્લામાબાદ ખાલી હાથે તો નહિ જ આવે એ નક્કી, પણ જગત જમાદાર એની સગ્ગી માં ઇંગ્લેન્ડને પણ કશું મફત આપે એવો નથી એટલે રૂપિયો આપી અને કઈ કલ્લી કાઢી જાય છે એ જોવાનું છે..!
મોટેભાગે તો પાકિસ્તાન અને ઈરાનમાં ફેલાયેલા બલુચ વિસ્તારો ઉપર જ જગત જમાદાર નો ડોળો બેઠેલો છે ,અઢળક ખનીજોના ભંડાર છે એ ઇલાકામાં અને હજી દોહન થયા વિનાના પડ્યા છે એટલે “કલ્લી” ત્યાંથી કાઢે એવી શક્યતા ભરપુર છે..
એક દિવાસ્વપ્ન છે, પણ આવું કૈક થાય તો આપણે બીજા પચાસેક વર્ષની શાંતિ થઇ જાય અને જમાદાર ને એનો લાગભાગ મળ્યા કરે ..
ઈરાન-પાકિસ્તાનમાં આવેલા આખા બલુચ વિસ્તાર ને એક કરીને ઓટોનોમી આપી દયે જગત જમાદાર તો જમાદાર ને ઘણો ફાયદો થાય તેમ છે અને આપણે સાપ પણ ના મરે અને લાઠી અકબંધ રહે..!
ઈરાન અમેરિકા ક્યારે એલાને જંગ કરશે એની રાહમાં દુનિયા બેઠી છે, અને જંગ કરતા જંગ થવાનો ભય દુનિયાભરના બજારો ને હંમેશા સતાવતો રહ્યો છે , મોટેભાગે દુનિયાના ખેલાયેલા બધા જ જંગ પછી જ બજારો તેજી દેખાડતા હોય છે ..
ઉત્તર કોરિયાની બબાલમાં તો આપણે દૂર રહ્યા હતા, પણ ઈરાનમાં એવું ચાલે તેમ નથી એક તો ઘરઆંગણે છે અને આપણી ઈકોનોમી નો ઘણો મોટો આધાર ઈરાન ઉપર રહેલો છે એટલે હાથ જોડીને બેસાય તેમ નથી ..
જયશંકર ને વિદેશ મંત્રાલયની કમાન આપી ને મોદી સાહેબે હાથ જોડી ને નથી બેઠા એ પ્રમાણ પણ દુનિયા ને આપી દીધું છે ..
વિદેશમંત્રી નો ભૂતકાળ આરબ ઇસ્લામિક દેશોની રાજનીતિ સાથેનો જોડાયેલો રહ્યો છે એટલે ધરપત તો ખરી કે વી આર ઇન સેઈફ હેન્ડ્સ ..!
ઝટ રાફેલ ની ડીલીવરી આવે તો ક્યારેક સૈનિક હવાઈ અડ્ડા ઉપર એના રીઆઝ નિહાળીએ..!
અહી અટકું છું ..
મારા દેવ ના આજે પણ રખોપા કરતા બાપ હમીરસિંહજી ગોહિલ `સમરી` ને સહુ ને જય સોમનાથ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*