કોઈ સારા બોડી બિલ્ડરનું નાની ઉંમરમાં મૃત્યુ થાય એટલે ચર્ચા થવા માંડે કે આટલું સરસ બોડી હતું તો ગુજરી કેમનો ગયો ?
મારા જેવો જિમ ફ્રિક તરત જ નિશાન ઉપર આવે ,જુવો જુવો જરાક ધ્યાન રાખો ..
આજકાલ કરતા લગભગ ત્રેવીસ વર્ષ થશે જિમ જતા જતા..
લગભગ મહેણા મારવામાં કોઈએ બાકી નથી રાખ્યું ,
આ રોજ જિમમાં જાય છે તો એબ્સ કેમ નથી ? તારું બોડી તો દેખાતું નથી ? જિમમાં જઈને શું કરે છે ?
આ સિવાયના અહીંયા ના લખી શકાય એવા ઘણા બધા સવાલો મહેણા ના સ્વરૂપે પૂછવામાં આવ્યા પણ આપણે આપણી ગતમાં ચાલ્યા અને હજી ચાલી રહ્યા છીએ ..
મને ખુદને એટલી ખબર પડે છે કે છપ્પન વર્ષે હું મારી જાતને ઘરડો પરાણે માનું છું.. બાકી શરીર જે વર્ષે જિમ કરવાનું ચાલુ કર્યું હતું એ વર્ષે જ અટકેલું છે ..!!
મારી આટલા વર્ષોની જીમ જર્ની માં મેં નેવું ટકા લોકોને ફક્ત અને ફક્ત જિમની ફી ભરવા આવતા જ જોયા છે ,
મોટેભાગે નવા એડમિશન સલમાનખાન અને કરીના કપૂર બનવા માટે જ આવતા હોય છે , એટલે બહુ ઝડપથી જિમ છૂટી જાય છે એમના..!! એક મોટો ભાગ સાવ લબરમુછીયા નો આવે છે ,પછી સોશિયલ મીડિયા અને યુટ્યુબ વિડિઓ જોઈ જોઈ ને પાવડર દે દે નાખે , જરાક શરીરે દેખાય પણ ખરું,…
પણ પછી ચાલુ થાય… એકેય છોકરીમાં મેળ તો પડતો નથી ..!! અમારા જેવા સિનિયર કહે બકા જિમમાં બોડી બનાવવાથી કોઈ એમ હા ના પાડે , તમારે તમારી પર્સનાલિટી કલ્ટીવેટ કરવી પડે.. પછી કંઈક મેળ ખાય ,
બીજી પછી જરાક આગળ મજાક પણ કરી લઈએ કે બોડી જોઈને છોકરી તો આવતા આવશે પણ છોકરા જરૂરથી પાછળ પડી જશે ,
એટલે જરાક સમજી વિચારીને ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકજો…
પણ તમે કેમ જિમ કરો છો ??
બકા ફિટ રહેવા માટે, તારા પપ્પા કેટલા વર્ષના ?
બાવન ..
અને હું છપ્પન નો.. ના હોય તમે જુઠ્ઠું બોલો છો ..
ના બકા થૅન્કસ ..
બે મારા પપ્પા તો ઘરડા લાગે છે અને તમે તો જુવો…!!
આવા ઉદગારો સાંભળવા મળે ત્યારે આપણને સંતોષ..
રોજ મીનીમમ 6 એક્સરસાઇઝ અને દરેકના ત્રણ સેટ એટલે અઢાર સેટ મીનીમમ, ટ્રેડમિલ કે ક્રોસ ટ્રેઈનર મારા માટે એક એવી જગ્યા જ્યાં કાનમાં ભુંગળા ઉર્ફે ઈયર પ્લગ નાખીએ અને રાગ રાગિણીની જમાવટ થઈ જાય ,ક્યારેક મને પણ વિચિત્ર લાગે રાત્રીનો પહેલો પ્રહર જતો હોય અને હું ભૈરવ કે કાલિંગડા સાંભળતો હોઉં …
પણ ઠીક છે હવે..
સમયનો અભાવ નડે..
ઈશ્વર બહુ ઓછા લોકોને શોખ આપે , અને આપે તો એને એક લેવલ સુધી લઈ જવાની તક આપે ,
શૈશવ એમ નસીબવાળો પાક્કો ..
ટ્રાવેલ, લખવાનું ,સંગીત , બાઈકિંગ , જિમિંગ, જ્યોતિષ, આ સિવાયના નાના નાના શોખ, માછલા બહુ રાખ્યા , લેબમાં ઘુસી અને નવા નવા કેમિકલ્સ બનાવવા .. આવું બધું ભગવાનની દેન ..!!
અને આ બધાથી ઉપરનો શોખ એટલે પંચાત.. સખ્ખત ગમે , એબ્સ્યુટલી પંચાતિઓ સ્વભાવ, કૂટી જ ઘાલવાની ખાયણી દસ્તો લઈને ..!
ચાલો આજની પંચાત શેર કરું
આજે એક બહુ સિનિયર જિમર જોડે બે સેટની વચ્ચેના સમયમાં વાત થઈ .. મેં કીધું કેમ બકા બહુ દિવસથી દેખાતો નથી…???
એણે જવાબ આપ્યો ..ભાઈ સવારે આવું છું , પણ એક વસ્તુ બીજી માર્ક કરી છે, સવારે વર્કઆઉટ છે ને એક કલાકમાં બધ્ધું ફટાફટ પતી જાય છે , અને સાંજે એ જ વર્કઆઉટ અને એટલા જ સેટ કરવામાં દોઢ બે કલાક ઉપર નીકળી જાય છે..
મે હસીને કીધું.. બકા સવારે , એટલે તારે કોઈની જોડે વાત કરવાની ના હોય ને , અને એકલું વર્કઆઉટમાં કોન્સન્ટ્રેટ કરવાનું હોય, એટલે ફટાફટ ફટાફટ થાય તારા અઢાર કે કેટલા 20-25 કેટલા સેટ કરે છે ??? એ બધા સેટ તારા પતી જાય..
પેલો હસીને કહે.. હા સાચી વાત છે ભાઈ , પણ એવું કેમ ???
મેં કીધું બકા સવારે આવે છે ને એ કાકા અને બા ઓને મરવું નથી એટલે કસરત કરે છે , અને સાંજે જે આવે છે ને આ ટેણીમેણી છે એ બધાને જીવવું છે એટલે કસરત કરે છે..એમને બોડી બનાવવું છે અને જગતને બતાડવું છે , પેલા લોકોને ટકવાનું છે..!
જીવવા માટે થતી કસરત કરવામાં મોજ આવે ..
મોતને ભગાડવા થતી કસરતમાં થાક લાગે લાલા..
પેલો હસીને કહે .. યાર ગજ્જબ ફિલોસોફી લાવ્યા યાર તમે ..
મેં કીધું જો પેલો ધોળિયો ઓળખે ને તું? પેલા એ માથું ધુણાવ્યું હા..
મેં કીધું એનો પ્રેમ અત્યારે પરવાન ચડ્યો છે , સાડા પાંચે આવે છે કલાકમાં વીસ બાવીસ સેટ પતાવે છે અને અહીંથી રેપિડો કરીને સાડા છ પોણા સાથે પેલી ને મળવા અને પછી એના એક્ટિવા ઉપર રખડવા ભાગે છે ..
પણ એ તો ગાડી લાવે છે ..
હા એના બાપા ચેક કરવા આવે છે જિમ પર, અને નીચે ગાડી જોઈને જતા રહે છે પેલો એમને મૂરખ બનાવે .. અઠવાડિયે બેવાર બોડીના ફોટા અપલોડ કરે એટલે બાપા એના ફોટા જોવે અને માની લ્યે કે છોકરો ખરેખર કસરત કરે છે પણ છોકરો જિમ સિવાય પણ બીજે ક્યાંક કસરત કરે છે , એમને મૂરખ બનાવી ને….
પેલો ગાંડો થઈ ગયો હસી હસીને …યાર તમને ઈન ડિટેઇલ ખબર પડી જાય છે ..
મેં કીધું આ દાઢી અને બચ્યા કૂચ્યા માથાના વાળ બધું ધોળું છે … કલર મારેલો છે…!!!
આવું છે…
જેન ઝી થી ભરેલું જિમ રોજ કંઈક અવનવું લાવે , મજા આવે જોવાની સાંભળવાની..અને સાથે કસરતની..!!
બાકી તો વાર્તા લખી છે એક “ગામ નો ઉતાર ” , બેંતાલીસ પત્તા થયા છે , આ વખતે પૂરી લખીને આપવી છે , “સાયકલ મિટિંગ” માં બહુ પ્રેશર આવી જતું , ટાઇમસર ના અપાય તો …
અહીં વિરમું છું
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*