નરેન્દ્ર મોદીના હડિયાપાટા..
જો કોઈ જણ નરેન્દ્ર મોદીની આ વિદેશયાત્રાને જો એમ કેહતું હોય કે ભાઈ નરેન્દ્ર મોદી મોજ કરવા માટે વિદેશ જાય છે,
તો ભાઈ તારું નામ ચોક્કસ રાહુલ જ હોય..અને નાં હોય તો બદલી નાખજો કેમ કે વિદેશ જઈને જલસા તો તમે અને જીજાજી એ જ કરી જાણ્યા છે..!!
સાત દિવસમાં પાંચ દેશ..! ઓ માડી રે..!! કેટલા કિલોમીટર થાય..?
એરક્રાફ્ટ હોય તોય શું ..? ગાભા નીકળી જાય, અને ભઈલા કઈ દોહા,કાબુલ કે કેલીફોર્નીયામાં મસાજ પાર્લર નથી..દરેક જગ્યાએ જઈને કામ કરવાનું છે..!
એટલે જ હું આ યાત્રાને હડિયાપાટા કહીશ..!!
અને આવા હડિયાપાટા કરવા એ કાચાપોચાનું કામ નથી, બ્રેવો બ્રેવો..!
એક બીજી વાત મને બહુ ગમી..પ્રેસિડેન્ટ ઓબામા સાથેનું સંયુક્ત બયાન જયારે જારી કર્યું ત્યારે સાહેબે હિન્દીનો ઉપયોગ કર્યો..!
નરેન્દ્ર મોદીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખરેખર સારું હશે,પણ જયારે જયારે સાહેબ અંગ્રેજી બોલે છે ત્યારે ત્યારે એમના અંગ્રેજીમાં મેહસાણાની છાંટ હોય છે, જેમ કે “ઈઝ” ને બદલે મોટેભાગે “ઇજ” જ બોલાય છે..
“ઈઝ ઓફ બીઝનેસ” માં હમેશા “ઇજ ઓફ બિજનેસ” થઇ જાય છે,હવે આ “ઝ” નો “જ” થઇ જવો એ ઉત્તર ગુજરાતનો બહુ જુનો પ્રોબ્લેમ છે..
અને આવા લોચા મારવા એના કરતા આપણી જે ભાષામાં પકડ અને કમ્ફર્ટ હોય એ ભાષા વાપરવી એ વધારે યોગ્ય છે, જોઈએ કાલે અમેરિકન કોંગ્રેસને સંબોધન પણ હિન્દીમાં થાય છે કે પછી..ઇજ ઓફ બિજનેસ..
બીજો એક સુધારો હવે પછીની વિદેશયાત્રામાં થાય તો હવે સારુ..
બહુ થયા હવે મેડીસન સ્ક્વેર, જ્યાં જઈએ ત્યાં ભારતીય મૂળના લોકોની વચ્ચે જઈને બેસી જવાનું અને ભાષણ કરવાનુ..!!
નવા નવા હતા ત્યાં સુધી બરાબર હતુ,અમેરિકન વિઝા નોહતા મળ્યા અને પછી વટ થી પ્રધાનમંત્રીની રુએ મળેલો યલો પાસપોર્ટ પર વગર વિઝાએ અમેરિકા ગયા, નેન્સી પોવેલને ભૂંડેહાલ ભગાડ્યા ..અને પછી મેડીસન સ્ક્વેર પર જઈને સિંહ ગર્જના કરી..
બસ પણ હવે, જુના થઇ ગયા હવે આપણે કદાચ આ બધુ જરૂરી નથી ચાલે હવે..!!
અને હવે જો આ બધું ચાલુ રાખીએ તો પેલા કાઠીયાવાડના પંચોતેર વર્ષના “ભાભુ” જેવું લાગે..
“ભાભુ” જ્યાં જાય ત્યાં પોતાની પાંચ સાત દેરાણીઓ ,પિયરીયાના ઝુંડ અને વહુઆરુના ટોળામાં વચ્ચોવચ ફરે અને પોતાના અને પોતના કુટુંબના “ભાભુ” વખાણ કરે અને યજમાન જોડે પણ પરાણે કરાવે..
એવુ નથી કરવુ હવે,બીજા ઘણા બધા પ્લસ છે તમારામાં અને તમારા કામમાં..
તમે જે રીતે કામ કરો છો એ રીતે લોકો સ્વયંભુ જ તમારા વખાણ કરશે અને કરે પણ છે,એના માટે હવે વર્કરો જોડે બેસીને બ્રેકફાસ્ટ કરવો જરૂરી નથી..
બહુ થયું હવે મોદી..મોદી..મોદી..અતિરેક થાય છે ક્યાંક..!!
NSG અને MCRT બંનેમાં અમેરિકા અને સ્વીઝરલેન્ડ સપોર્ટ કરવા તૈયાર થઇ ગયું અને મેક્સિકો પણ થઇ જશે એ પણ નક્કી છે..
કામ કરો છો એ સારી વાત છે, અને કરતા રેહશો એ વિશ્વાસ છે, પણ અમેરિકામાં અત્યારે સત્તા પરિવર્તનનો પવન ચાલ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો વિનમાં છે, હિલેરી ક્લીન્ટન થોડા આઘા આછા છે, અને આમ પણ ઓવલ ઓફીસમાં વારો હવે રીપબ્લીકન નો છે, થોડુ એ બાજુ કામ થાય તો સારું થશે..
મિત્ર બરાક હવે આથમતો સુરજ છે, હિલેરી ક્લીન્ટન આવે તો થોડી તકલીફ ઓછી થશે, બીલ ક્લીન્ટનના સમયથી જ એમને ઇન્ડીયા તરફી થોડા પલાળી અને ઢીલા કરી રાખ્યા છે, હિલેરી ક્લીન્ટન આવ્યા તો અમદાવાદના “સેવા” ઇલાબેન ભટ્ટવાળો કોન્ટેક સાહેબ ચોક્કસ વાપરી લેશે,અને વાપરવો પણ જોઈએ રાજનીતીમાં જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવી લેવા પણ જોઈએ..
સલામતી સમિતિમાં એન્ટ્રી એ છેક જવાહરલાલ નેહરુના સમયથી ભારતનું સપનું રહ્યું છે પણ હજી ક્યાય કોઈ મેળ બેસતો નથી, સાહેબના નસીબમાં જશ લખેલો છે અને જો એમના ટેન્યોરમાં આ સપનુ સાચું થાય તો તો પછી ભાઈ ઝાલ્યા નહિ ઝલાય..!
રહી વાત પરમાણુ ઇંધણ ની..અઘરું છે, ગમે તેટલું કરો પણ યુરેનિયમ મારા વાલા કોઈ એમ આપણને આપે એમ નથી, આખી દુનિયાને ખબર છે કે આપણને અણુબોમ્બ બનાવતા આવડે છે, અને હવે તો બેલેસ્ટિક મિસાઈલ પણ આપણા ભાથામાં છે છેક લંડનથી ટોક્યો સુધીની રેંજ છે.!
જે રોકેટના માથે સેટેલાઈટ મૂકીને મંગળ સુધી જવાય એ જ રોકેટ ના માથે દોઢ ટનનો અણુબોમ્બ ભરીને અડધી દુનિયામાં ગમે ત્યાં ઠોકી દેવાય..!
એટલે એમના ઘરે જઈએ અને હા પાડે અને પછી પાછળથી ફરી જાય એવા ઘાટ થાય તો નવાઈ નહિ,અને એવું કરવામાં પાકિસ્તાન અને ચીન મોટો ફાળો નોધાવશે..!
યુરેનિયમ એ અત્યારે દેશની દુ:ખતી રગ છે,આપણે કોઈપણ રીતે વીજળી પેદા કરવાની છે, સોલાર અને વિન્ડ એનર્જી ધોળા હાથી સાબિત થઇ છે , જળ વિદ્યુત પણ નથી, રહી વાત કોલસાથી વીજળી પેદા કરવાની તો ઝરીયા અને ધનબાદની ખાણો ખાલી છે ..
અદાણીએ ઓસ્ટ્રેલીયામાં કોલસાની ખાણો ખરીદી એક મોટું આશાનું કિરણ જન્મ્યું હતું, પણ એમાં ગઈકાલના શ્રી ગૌતમ અદાણીના બયાને ગભરામણ વધારી દીધી..
ઓસ્ટ્રેલીયાની મેઘા પાટકર આડી ફાટી છે, ત્યાના પર્યાવરણવાળા બધું અટકાવીને બેઠા છે..ત્યાંથી કોલસો મળે એમ નથી.!
એટલે હરીફરીને વાર્તા ન્યુક્લિયર એનર્જી પર જાય છે..વીજળી વિનાનું મેઇક ઇન ઇન્ડિયા વાંઝણું છે..!
આ બધી પરિસ્થિતિઓની વચ્ચે નરેન્દ્ર મોદી ઝઝૂમી રહ્યા છે..સરાહનીય છે
રાજનાથસિંહ કહે છે કે છપ્પન ઇંચની છાતીમાંથી એકપણ ઇંચ ઓછો થયો નથી વિશ્વાસ રાખો…!!
ના જ થવો જોઈએ નહિ તો દેશ બરબાદ થઈ જશે..!! રાહુલો અને કન્હૈયા કુમારો તૈયાર જ બેઠા છે બાકી બચ્યું રામવૃક્ષો પૂરું કરશે..
લાગે રહો નરેન્દ્રભાઈ,કરતા રહો હડિયાપાટા,
ટીકા ચોક્કસ કરીશું, પણ રહીશુ તો તમને જ વળગેલા..!
શુભ રાત્રી
શૈશવ વોરા