શિક્ષણને બજારને હવાલે કર્યું , અને હવે એના જે હાલવાલ થયા છે એ આપણે શાંતિથી મૂંગા મોઢે જોયા કરવાનું ..!!
ગલગોટો મેં ઝૂકીને લીધો કે પછી ગલગોટો ચૂંટીને લીધો ?
વિવાદ હોઈ શકે પણ આપણને તો મજા આવી ગઈ પેલા બેન જે બોલ્યા છગડા અને નવડાવાળું ઉદાહરણ આપે છે ..!!!
તમારો છગડો મારો નવડો અને મારો નવડો તમારો છગડો હોઈ શકે છે , બહુ સરસ રીતે બોલ્યા ,
પણ અત્યારે તો વટાણા વેરાઈ ગયા જગત આખાની સામે હવે શું કરશો ?
હા , એ બહેને પોતાની કાબેલિયત ચોક્કસ પુરવાર કરી દીધી, મુખ્યધારાના રાજકીય પક્ષોના એક પ્રવક્તાની જેમ બેને સુપેરે દલીલ કરી , મીડિયા તથા પ્રેસને સંભળાવી અને સમજાવી દીધું …
રાજકીય પક્ષો માટે પ્રવક્તા તરીકે હાયર કરવા જેવી એક વધુ યોગ્ય વ્યક્તિ મળી ગઈ એવું કહી શકાય…!!!
ઇન્ટરનેટ થકી આખી ઘટના દુનિયાભરમાં ફેલાઈ ગઈ ,હવે લીપાપોથી નો કોઈ અર્થ રહ્યો નહીં આખી ઘટનામાં જેટલું કોઠી ઉલ્લેચીને કાઢીશું એટલો કાદવ જ હાથમાં આવવાનો છે,
થોડા સમય પેહલા એક યુનિવર્સિટીની જાહેરાત આવતી હતી ટીવીમાં કે અમે 300 એકરમાં યુનિવર્સિટી ઉભી કરી રહ્યા છીએ, એવા ટાઈમે મારા જેવા કોકે કીધું કે અમારે છોકરાઓને ત્યાં ભણવા મોકલવાના છે ચરવા નહીં..!!
આપણે ત્યાં આજે પણ કેમ્પસ કેટલું મોટી એની ચર્ચા થાય છે લેબોરેટરી કેટલી મોટી અને લેબોરેટરીમાં કયા પ્રકારના , કેટલા મોંઘા અને કેટલા લેટેસ્ટ ઈક્વિપમેન્ટ છે એની ક્યાંય ચર્ચા થતી નથી,
દુનિયાભરની યુનિવર્સિટીઓ અને એમના સ્ટુડન્ટ્સ એમના તરફથી રિસર્ચ કરીને પ્રોડક્ટસ ઇન્ડસ્ટ્રીઝને આપે છે , અથવા ઇન્ડસ્ટ્રીના લોકો રિસર્ચ કરવા માટે યુનિવર્સિટીની લેબોરેટરી અને બાળકોનો ઉપયોગ કરે છે, જેથી યુનિવર્સિટીના બાળકો શીખે અને ઇન્ડસ્ટ્રીને રિસર્ચનો લાભ મળે ,
પણ આજ દિન સુધી શૈશવ એ જેટલી યુનિવર્સિટીની એક ઉદ્યોગકાર તરીકે વિઝીટ કરી છે એમાં મને તો નામ બડે ઔર દર્શન ખોટે એવી વાર્તાઓ લાગી છે..!!!!
એક ધંધાદારી તરીકે એટલું ચોક્કસ કહીશ કે કોઈપણ યુનિવર્સિટીને ઇન્ડસ્ટ્રીઝ માટે રૂપિયા ખર્ચવા નથી , એના ટ્રસ્ટીઓને ફક્ત અને ફક્ત પોતાના નામ અને રૂપિયા બનાવવા સિવાય બીજો કોઈ રસ છે જ નહીં…!!
સંશોધનના નામે યુનિવર્સિટીઓમાં આજે પણ મીંડું છે, ભારત દેશનો ઉદ્ધાર કરવો હોય તો યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રીઝને નજીક લાવવા પડશે , કોઈપણ યુનિવર્સિટીનો ચાન્સેલર જે દિવસે નાનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનશે એ દિવસે ભારતનું ઉદ્ધાર થશે ,
અહીંયા બીજી પણ સ્પષ્ટતા જરૂરી કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પોતાના રૂપિયે જ્યારે કોલેજો બનાવે છે કે યુનિવર્સિટી બનાવે છે એમાં મહદ અંશે નાળિયેર ઘર ભણી જ ફેકાતું હોય છે… અને છેલ્લું ટાર્ગેટ રૂપિયા થઈ જાય છે..
બાકી એકેડેમીશયન હંમેશા આગળ નીકળે એ વાત ચોક્કસ પણ એકેડેમિકમાં જેણે કેરિયર બનાવી હોય એ ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં કેરિયર નથી બનાવી શકતો , ત્યાં સુધી કે કન્સલ્ટંટ થઈને કન્સલ્ટન્સી પણ કરી નથી શકતો , ફક્ત અને ફક્ત એના માટે પોથીના રીંગણા થઈને બેસે છે…
આજે જે ફજેતી થઈ છે એ જોઈને મને ખરેખર આનંદ થાય છે કે યુનિવર્સિટીઓના જુઠાણા બહાર આવી રહ્યા છે , દુનિયાને ખબર પડે કે પોતાના છોકરાને આપણે શું ભણવા મોકલી રહ્યા છીએ… લાખો કરોડોની ફીઓ ની શું દશા છે…
તમારું ભણતર તમને રોજગારી ના અપાવી શકે તમારા બિલ ના ભરી શકે તે ભણતરનું શું લાભ ?
આ દેશમાં ગાડરીયા પ્રવાહ જે રીતે ચાલે છે એમાં ઘેટા બકરા ના ટોળેટોળા છે એ આજે એ આઈ માં ઘૂસ મારવા માટે મથી રહ્યા છે ..
નાનામાં નાના માણસને પોતાના સંતાને ભણાવવો છે, મજૂરી નથી કરાવી કોઈને, બ્લુ કોલર જોબ કરવી નથી, બધાને વાઈટ કોલર જોબ જોઈએ છે ,એમાં કોઈ વાંધો ના હોઈ શકે ..
પ્રગતિએ દરેકનો અધિકાર છે અને તક મળવી પણ જોઈએ પરંતુ અત્યારે જે સ્ટ્રક્ચર ઉભા કર્યા છે એમાં તક ફક્ત અને ફક્ત શિક્ષણનો વેપલો કરતા લોકોને મળતી હોય એવું દેખાય છે ..
કેમ્પસ પ્લેસમેન્ટમાં બીએ ,બી કોમ , બીએસસી થયેલા કેટલા લોકોને જોબ મળે છે ??? દસમા ધોરણની અંદર પરીક્ષામાં કેટલા લાખ છોકરા બેસે છે ?? અને એ છોકરાઓ પાંચ કે સાત વર્ષ પછી એ શું કમાતા થઈ ગયા છે ??? અને કમાતા થયા છે તો શું એ પોતાનું પેટ ભરી શકે અને પોતાના લાઈટ બિલો અને પેટ્રોલ બીલો કાઢી શકે છે???
એક એ પણ પ્રશ્ન બહુ મોટો છે કે જે ફિલ્ડનું ભણ્યા છે એ ફિલ્ડમાં જ એ બાળક નોકરી કરી રહ્યું છે ? ભણ્યા એ ફિલ્ડમાં જ એ પોતાની કરિયર બનાવી રહ્યું છે કે પછી સાવ ઈદમ તૃતીયમ જગ્યાએ એ બાળક લાગી ગયું છે..???
છેડા બહુ ખરાબ રીતે ગુંચવાઈ ગયા છે શિક્ષણમાં ,
જેમ ઉતરાયણમાં ચાર ફીરકી લીધી હોય વત્તા બે ફીરકી એક્સ્ટ્રા લીધી હોય કે એકાદીમાં કંઈક ગડબડ થાય તો આપણી ઉત્તરાયણ ના બગડે એવી આશા રાખી હોય એમ શિક્ષણમાં સરકારી કોલેજોમાં ગડબડ થઈ કે ચાલે છે ,એટલે શિક્ષણને બજારના હવાલે કરી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ , કોલેજો ઊભી થવા દીધી અને હવે એ બધી ફીરકીઓ પણ હવે ગૂંચવાડે ચડી ગઈ છે નાના નાના ટુકડા મળે છે સળંગ ક્યાંય કોઈ તારના છેડા મળતા નથી.. એક ઉતરાયણ નહીં 10 ઉતરાયણ જતી રહે તો પણ ગુચાયેલા છેડા ખુલે એવી પરિસ્થિતિ રહી નથી…
મોટાભાગના મા-બાપને ખબર જ નથી કે મારો છોકરૂ શું ભણી રહ્યું છે , સ્કૂલોના સિલેબસ તો બાજુ પર ગયા એમાં કદાચ ક્યાંક થોડા ટપ્પા પડતા હોય મા બાપને , બાકી કોલેજના કયા કયા સબ્જેક્ટ એમના છોકરાઓના કયા યર્સના કે સેમેસ્ટરમાં છે એની સમજણ સુધ્ધાં મા-બાપને હોતી નથી ,
અને છોકરાઓના હોર્મોનલ લેવલ એટલા હાઈ હોય કે એ લોકો મોજશોખને આનંદ પ્રમોદ સિવાય બીજું કંઈ દેખાતું નથી હોતું , એનો પૂરેપૂરો લાભ યુનિવર્સિટીઓ લે છે…
અમે અમારો સિલેબસ ભણાવી દીધો. અમે અમારાથી બનતી બધી કોશિશ કરી લીધી હવે તમારું છોકરું ના ભણ્યું તો તમે જાણો અને તમારા નસીબ જાણે અમને અમારી ફી મળી ગઈ અમારી વાર્તા પતી ગઈ…
ઘણું નેગેટિવ બ્લોગ લાગશે આજનો ,પણ જે રીતે દુનિયાભરમાં ફજેતી થઈ છે એ ફજેતી એને આપણે લાયક છીએ..
બાળપણથી દુનિયા ફરતો આવ્યો છું દુનિયાના ઘણા દેશો અને આજે ભારત મંડપમ કે જૂનું પ્રગતિ મેદાન એના કે એનાથી ઘણા ઘણા મોટા એક્ઝિબિશનમાં ગયો છું પણ છેલ્લા બે દિવસમાં લગભગ રમખાણ જેવી જે પરિસ્થિતિ હતી ભારત મંડપમમાં એ જોતા એવું લાગે છે કે દેશ હજી ટોળાશાહીમાંથી બહાર નથી આવ્યો.
ઘણું શીખવાનું છે ,ઘણું સમજવાનું છે, ઘણું દુનિયા પાસેથી આપણામાં ઉતારવાનું છે ,
એઆઈ એઆઈ કરી અને આંધળી દોટ મુકવાની જરૂર નથી, થોડું હાર્ડવેર તરફ પણ ધ્યાન આપવું પડે એવું છે,
સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર કરીને બુમ પડાય છે પણ સર્કિટ કે જેની ઉપર સેમી કંડકટર લાગવાના છે એ ઇન્ડસ્ટ્રીના ભારતના એસોસિએશનના ઉપપ્રમુખ પદે હું રહી ચૂક્યો છું , પરિસ્થિતિ ઘણી ગંભીર કહેવાય તે પ્રકારની છે , નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો થઈ છે છતાં પણ મોટાભાગના રો મટીરીયલ ઈમ્પોર્ટ કરવા પડે છે..
એ વિશે વધુ નથી લખતો પછી આત્મશ્લાઘા ગણાશે,
પણ એટલું નક્કી કે ઉજળું એટલું દૂધ નથી ચમકે એટલું સોનું નથી, મહેનત અને રૂપિયા નાખવા પડે તેમ છે અને એ પણ શુદ્ધ રાષ્ટ્ર પ્રથમની નીતિથી, નહીં કે દેખાડા કરી અને ઘર ભરવાની વાત ..
છેલ્લે એક વાત કહીશ થોડાક સમય પહેલા ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે ગયા હતા. આશરે ત્રણેક વર્ષ પહેલાં , ત્યાં બાળકોને સ્વાવલંબી બનાવવા માટે સાબુ બનાવતા પણ શીખવાડતા હતા.
મને થોડુંક ત્યાં કઠિયું હતું કે હવે આ જમાનામાં સાબુ બનાવીને સ્વાવલંબી બનાવવાની ક્યાં જરૂર છે કંઈક it ને લગતું શીખવાડે ,
જોકે એનો પણ એક આખો ડિપાર્ટમેન્ટ અલગ હતો પણ અત્યારે એટલા માટે યાદ આવ્યું કે શુદ્ધ અમદાવાદની ભાષામાં આપણે ઘણી વખત કહીએ છીએ કે શું લેવા ગયો હતો? લાટા લેવા ગયો હતો..???
તો સરકાર સમાજ માતા-પિતા બધાએ એક વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવું કે આપણું સંતાન લાટા લેવા તો નથી ગયું ને??
ચેક એન્ડ બેલેન્સ ખૂટે છે , હજી વધુ યુનિવર્સિટીઓને એકાઉન્ટટેબલ બનાવવાની જરૂર છે… પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ પાસે વાકપટુતો હોવી એ સારી વાત છે, પણ આવો ખોટો ઉપયોગ થઈ જાય અને ચોરી ઉપર સીના જોરી થાય તો આખા દેશનું ખરાબ દેખાય એ તો નક્કી જ છે,
અહીં પૂરું કરું
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક. ફરી એકવાર તમારું છોકરું લાટા લેવા તો નથી જતું ને ધ્યાન રાખજો
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*