ગંદકી ઉપર લખવાનું કેહવામાં આવ્યું છે..
પેહલા પણ લખી ચુક્યો છું ગંદકી ઉપર,પણ સબ્જેક્ટ એવો છે કે વર્ષોના વર્ષો લખાય એવા એવા જુદા જુદા પ્રકાર ગંદકી ઉપરના મળ્યા જ કરે,
ઉત્ક્રાંતિની સાથે સાથે માનવના પણ મગજનો વિકાસ થયો બીજા પ્રાણીઓની સરખામણીમાં માનવના મગજનો વિકાસ ઘણો વધારે થયો અને માણસ ક્રિયેટીવ થયો અને સર્જનાત્મકતા જન્મી..
પેહલા કુદરત એકલી સર્જન કરતી પછી કુદરતની જોડે જોડે માણસે પણ સર્જન કરવાનું ચાલુ કર્યું…!
માનવજાત પેહલા સર્જન કરે છે અને એના સર્જનનો પછી એનો ઉપભોગ કરીને સર્જન જેટલું કર્યું એટલું જ સામું ઉત્સર્જન કરે છે..અને એ ઉત્સર્જનનું વિસર્જન ના થાય અને ઉત્સર્જન એમનુ એમ પડી રહે એનું બીજું નામ એટલે ગંદકી..!
સ્પુટનીક બનાવીને સ્પેસમાં મોકલ્યો ત્યાર પછી અત્યાર સુધીમાં કદાચ લાખો ઉપગ્રહો સ્પેસમાં મોકલ્યા, સર્જન થયું જોડે ઉત્સર્જન પણ થયું,અને વિસર્જનનું ઠેકાણું પડતું નથી..! એટલો બધો કચરો સ્પેસમાં ભેગો થયો છે કે હવે નવા ઉપગ્રહો ક્યાં ગોઠવવા એ સમજાતું નથી..!
એક મેગેઝીનમાં ક્યાંક વાંચ્યું હતું કે બધા દેશો ભેગા થઇને જેમ આપણે ઘેર પેલી “લીલી કચરા ગાડી” આવે છે એવું કૈક સ્પેસમાં મોકલવું અને એ બધો કચરો સાફ કરવો, સાફ કરીને પછી પણ એને નાખવો ક્યાં ..? તો કહે મારી દેવા નો ધક્કો સ્પેસમાં એટલે જાય કાળની ગર્તામાં..! ધરતીની માટીમાંથી ઉત્પન્ન કરેલી વસ્તુ સ્પેસમાં ક્યાંક ઠોકી દેવાની..!
પણ હમણાં ક્યાય આવો પ્રોજેક્ટ ચાલુ થાય કે થયો હોય એવુ સંભળાયું નથી કેમકે હાલત એવી છે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર બનાવ્યું હતું એને પણ હવે મોટેભાગે રશિયા અને અમેરિકા ભેગા થઇ ને મેન્ટેઇન કરે છે.. અબજો ડોલરના આંધણ થાય છે એમાં અને ખીસ્સામાં કડકી વર્તાય છે..!
ગંદકીની સમસ્યાની શરૂઆત અહીંથી જ થાય છે, સર્જન કરી નાખીએ છીએ ઉત્સર્જન પણ થઇ જાય છે, પણ વિસર્જન થતું નથી..!
સીઝન છે તો યાદ કરી લઈએ..પ્લાસ્ટર ઓફ પેરીસના ગણપતિ..
કેવા રૂડા રૂપાળા લાગે “બાપા” જયારે એમનું સર્જન થાય ત્યારે..!!
ગુલબાઈ ટેકરે નાક દબાવીને જાવ તો દિલખુશ થઇ જાય એવા એકથી એક ચડે એવા ગણપતિ જોવા મળે..પણ બધા પ્લાસ્ટર ઓફ પેરીસના..વિસર્જન??
તો કહે નામનું જ વિસર્જન થાય..બાકી તો બાપા દરિયા અને નદી બધું બગાડી નાખે..! તો પણ બાપા અડધા પોણા બાકી રહે..!
હવે ઇન્ડસ્ટ્રીઝ પર તો સ્વચ્છતાની સરકારશ્રી એ સેસ નાખી પણ POP ના ગણપતિ ઉપર કઈ થાય..?
જો આવું કઈ થાય તો ..? બધા ભેગા થઇને સરકારની પથારી ફેરવી નાખે..!
કોઈ જ રીતે જનતા માનવા તૈયાર નથી..સગવડ જોઈએ છે, મજા પણ કરવી છે પણ સફાઈ કે બાયો ડીગ્રેડીએબીલીટી આવું બધું જાણવું પણ નથી, સમજવું પણ નથી..
છેક નાસાના સાયન્ટીસ્ટથી લઈને ગુલબાઈ ટેકરે ઝુપડામાં બનતા ગણપતી સુધી દરેકની આ પરિસ્થિતિ છે ..! સર્જન કરી ઉપભોગ કરીને ઉત્સર્જન કરી ને છૂટી પડવું છે વિસર્જનનું વિચારવું પણ નથી..અને ગંદકીના ઢગ ખડકાય છે..!
બાકી રહી નાની મોટી ગંદકી માટે જે સામાન્ય ટેવ પાડવાની વાત છે એ સ્કુલથી પાડવામાં આવે તો જલ્દી દૂર થાય પણ અત્યારે સ્કુલ કોલેજ એટલે જ્યાં તોફાની બાળકમાંથી માણસ જિમ્મેદાર નાગરિક થઈને ભારતીય બની ને બહાર નીકળે એ સ્કુલ અને કોલેજો નોટો છાપવાના મશીનોમાં ફેરવાઈ ગયા છે..!
સીવીક્સમાં સિવિક સેન્સ આપવી જોઈએ, પણ એ બધું જાય છે ઓપ્શનમાં અને પછી આખો દેશ બને ઉકરડો..!!
પીરાણાના કચરા ડુંગર પર પણ એક બ્લોગ લખ્યો હતો,પેહલો એવો ડુંગર હશે દુનિયામાં કે જે મારી આંખ સામે દિવસે ના વધે એટલો રાત્રે વધે છે..!
નહિ તો એક ડુંગર ને કે પર્વતને બનતા લાખો હજાર્રો વર્ષ થાય છે..!
પ્રજાને બધું બધું વાપરી જ લેવું છે, દરેક કુદરતી સંસાધનને વાપરીને પુરા કરવા છે, અને સરકાર કોની તો એ જ પ્રજાની, અને એના નેતાઓ એમ કહે પાછા દરેક કુદરતી સંસાધનો પર પેહલો હક્ક લઘુમતીનો છે..!
એટલે જામે લઘુમતી અને બહુમતી નો જંગ કોણ પેહલા બધું વાપરી ખાય છે..!
પક્ષ વિપક્ષની બોલી બદલાઈ જાય છે, માથે આવે એટલે પોપટ સીતારામ સીતારામની બદલે રામસીતા રામસીતા બોલતો થાય,શબ્દોની રમત ચાલુ થાય..!
કુદરતના સર્જન એવા માણસને હવે પોતાના સર્જિત એવા સંસાધનોની આદત પડી ગઈ છે અને આજે વીજળી વિના એક કલાક ચાલતું નથી પણ એ પેદા કરવા ન્યુક્લિયર વેસ્ટ જે ઉભો થયો એ ક્યાં નાખવો સમજાતું નથી.!
સાહેબ શૌચાલયની વાર્તા કરે છે, જો કે ઘણી બધી પ્રજા એવી છે કે જેમને ગોબર ગેસમાં વધારે રસ પડે છે ન્યુક્લીયર એનર્જી કરતા..! પણ વધતી વસ્તી ને ગોબર ગેસથી પોહચી વળાય એમ નથી..!
શેહરોમાં ઢોરોથી થતી ગંદકી પેહલા કેટલું લખ્યું, સાચું ખોટું ઘણું બધું ચાલ્યું પણ છેવટે સાહેબ બોલ્યા ખરા ગૌરક્ષકોની દુકાન..!!
એક હકીકત નો સ્વીકાર કરવોજ રહ્યો ..”માણસ અને પ્રાણી ના સહજીવનનો યુગ સમાપ્ત થઇ ગયો છે..!”
પ્રાણી અને માણસ..જે વાત ગઈ સદીમાં ઘેર ઘેર હતી એ લગભગ રેર થઇ ગઈ છે.. ! અને કદાચ જતી રેહશે .!
પણ હજી સાપ ના લીસોટા જેવા પોદળા શેહરો ને બગાડી રહ્યા છે..
અણઘડ ટાઉન પ્લાનીગ પણ ગંદકીની સમસ્યા વકરાવે છે..કચરો ભેગો કરતા થયા તો સમસ્યા આવી કે નાખવો ક્યાં ..? કચરાને ટ્રીટમેન્ટ આપવાની હોય એવી ખબર તો નેતાઓ અને આઈએએસ ઓફિસરો હજી વીસ વર્ષ પેહલા જ પડી..!
હવે ખબર મોડી પડી એટલે ઠોક્યું બધું પીરાણાના ખાડામાં અને ખાડો ભરાઈ ગયો એની જગ્યાએ થયો મોટો ડુંગર.. ચાલો હવે વધવા દો એનો પણ પછી કૈક રસ્તો કરીશું..!
કચરા ડુંગર પર માટી નાખી અને એની ઉપર ગાર્ડન બનાવીશું અને પછી જો સેટિંગ પડે તો ઊંચા ભાવે થોડીક જમીન વેચી મારશું..?
ગમે ત્યાંથી જમીન હાથમાં આવવી જોઈએ..જમીન ના દલાલનું પેહલું વાક્ય માણસ વધશે પણ જમીન વધશે એ તો જેટલી છે એટલી જ રેહવાની ..માટે કરો તમતમારે ઇન્વેસ્ટ..!!
ફરી પાછો કચરા પર આવું..એક રસ્તો છે જે કુદરતે અપનાવ્યો એ અપનાવીએ તો ગંદકીમાંથી છુટકારો મળે..
કુદરતના દરેક સર્જનનું વિસર્જન કુદરત જાતે કરે છે એમ કૈક ગોઠવાય તો થાય બાકી તો આપણા સર્જનના વિસર્જનની જવાબદારી કુદરત પર નાખો તો પછી એમાં કુદરત સમય પણ લેશે, વિસર્જન પણ કરશે અને એ વિસર્જનની કિમત કુદરત પોતાની રીતે વસુલ કરી લેશે..!
કિમત તો ચૂકવવી પડશે તૈયારી રાખો..
ખાલી સમયની રાહ છે..!
આપની રવિવારની સાંજ આનંદમય રહે
શૈશવ વોરા