ગરમી કેવી પડે છે..? આવા સવાલનો જવાબ શું આવે ?
માથું ફાડી નાખી એવી “કાળઝાળ” છે..!
ખરેખર આગ વરસી રહી છે,અને કુદરત બિચારી બેલેન્સ કરવાના બધા પ્રયત્ન કરી રહી છે વૈશાખે વરસાદ પાડે કરા પાડે અને પોતાની રીતે ધીખતી ધરાને ક્યાંક ક્યાંક હાશકારા આપે છે..!
આમ જુવો તો અત્યારે આપણે તો હવે “પારકા” થઇ ગયા છીએ ધરતી અને આકાશ માટે, એ લોકો એકબીજાને સાચવે છે અને કુદરતને બેલેન્સ કરે છે..!
રત્નગર્ભાનો રોજે રોજ ગર્ભપાત થઇ રહ્યો છે,બાપદાદાએ એકવાર સમુદ્રમંથન કર્યું અને ચૌદ રત્નો કાઢી લીધા અને આપણે અટકતા જ નથી 24*7 સતત ચાલ્યા જ કરે છે,ચાલ્યા જ કરે છે..!
ક્રુડ ઓઈલ ૩૫૦૦ ફૂટ નીચેથી મળતુ એ હવે ૬૫૦૦ ફૂટે મળે છે અને એને સીધું કાર્બન ડાયોક્સાઈડ અને મોનોકસાઈડ ,નોક્સ (NOX) માં ફેરવી અને ધરતીથી 50,000 ફૂટે ઉપર આકાશમાં છોડી દઈએ છીએ..!
એરક્રાફ્ટમાં બેઠા બેઠા ક્યારેક વિચાર તો આવે કે આપણે પાંચ દસ હજાર રૂપરડી ખર્ચીને આ જહાજમાં ચડી બેઠા અને કેટલા બધા ગેસીસ પચાસ હજાર ફૂટે હવામાં રમતા કરી દીધા..!
ક્યા હક્કથી કર્યા..? ટ્રેઈનમાં જવાય તેમ હોય તો પણ એમ વિચારીએ કે એટલા બધા કલાકો કોણ પડી રહે, જાણે શું “મોટા કામ” કરીને બેઠા..!!
મિનીટ મિનીટની કિમત “હૂય” એવા વર્તન અને વાણી થઇ ગયા છે દુનિયાના, પાંચ પૈસા શું કમાયા ગરમી અને ઠંડી બધું સીધું મગજ પર ચડી જાય છે..
ગઈકાલે રાત્રે બે પાર્ટીમાં જવાનું થયું હતું, રીઝલ્ટની સીઝન છે અને છોકરાઓ ટોપ કરે એટલે સ્વાભાવિક માંબાપને હૈયે હરખ હોય,અને હોવે પણ જોઈએ,એક જગ્યાએ તો એસી હોલ હતો એટલે બધું ચુપચાપ બેઠું રહ્યું પણ બીજી જગ્યાએ નોન એસી હતું ,પણ પ્રેમ નો વરસાદ હતો ,છતાં પણ મારા જ મોઢામાંથી નીકળી ગયુ અલ્યા મને ઠંડો કરો યાર..બે લીટર પાણી પરસેવામાં નીકળી ગયું..!
અને રાજાને નાગો કોણ કહે..? નાનુ બાળક..!
એ ન્યાયે એક નાના દીકરાએ મને કહી દીધું તમને “મગજમાં ગરમી” બહુ છે.. ખરેખર રાત્રે સાડા અગિયારે મને એસી ની “તલબ” લાગી હતી..!
આ એ જ હું છું કે જે ધોમધખતા તાપમાં ભમરડા ફેરવતો અને લખોટીઓ રમતો, બપોર પડે બે ત્રણ વાગ્યે બાજુવાળા દાદી અમને પરાણે એમના ઘરમાં લઇ અને કેરીનો બાફલો પીવડાવતા અને પછી ચેસ કે વેપાર રમતા અને સાંજે પાંચ સુધી તો માંડ માંડ પકડાયેલા રેહતા ફરી પાછા ઘરની બહાર..!
જે બફારો અત્યારે અકળાવે છે, એ જ બફારો ત્યારે સેહલાવતો..પરસેવાને અડતો પવન ઠંડો થઇ જતો અને એસીની ગરજ સારતો..!
ધાબે ઊંઘવાની પરંપરા લગભગ લુપ્ત થઇ ગઈ..ખુલ્લા ચોકવાળા ઘર ગયા અને (બોક્સ ટાઈપ) ખોખા આવી આવી ગયા, ચૂનો અને સાગોળના પ્લાસ્ટરની બદલે સિમેન્ટના પ્લાસ્ટર આવી ગયા દીવાલો પોતે પણ ગરમી છોડતી થઇ ગઈ..!
ઇંટો જે ભઠ્ઠીમાં પક્વાતી એ ભઠ્ઠીમાં ઇંટો જલ્દી પાકે અને બળતણ ઓછું વપરાય એના માટે ઇંટોમાં મીઠું નાખવામાં આવે છે..! ઈટો પકાવતી વખતે નાખેલુ એ મીઠું કાળક્રમે પ્લાસ્ટરમાં થઇને બહાર આવે અને તમારા મોંઘા મોઘા પેઈન્ટની પથારી ફેરવે,પછી કલર બચાવવા લગાડો પુટ્ટી અને પુટ્ટો..! તો ય ચાર પાંચ વર્ષમાં ઠેરના ઠેર..!
ઇંટોનું મીઠું પણ ગરમી છોડે..રાત આખી કુદરત વાયરો વીંઝે પણ મીઠાયુક્ત ઇંટો ઠંડી થવાનુ નામ ના લ્યે..!
ગુફાના કુદરતી વાતાવરણને ચોક બનાવી ને કુદરતએ ઘરમાં લાવેલા,એ ચોકને ઘરની બહાર કાઢી નાખી અને જોડે જોડે કુદરતને પણ ઘરની બહાર ધકેલી દીધી..!
યુરોપિયન સ્ટાઈલના સેન્ટ્રલી એસી ઘર આવી ગયા..!
ચોકનો સૌથી મોટો ફાયદો એ હતો કે ક્રોસ વેન્ટીલેશન મળતુ અને હવા ઘરની દશે બાજુથી ફરતી રેહતી..આપણે દિશા દસ ગણી છે ચાર વત્તા ચાર અને એક આકાશ અને બીજી ધરતી..
અત્યારે ફ્લેટોમાં બાલ્કનીના બારણા ખોલાતા નથી અને બંગલા, રોહાઉસ બધુ જામ-પેક બંધ હોય.. કુદરતી વેહતી હવા કોઈના થી ખમાતી જ નથી..એલર્જી થઇ જાય છે ડસ્ટની..! ડસ્ટ આટલી બધી ક્યાંથી આવી અને કેમ આવી અમદાવાદમાં..?
એકવાર બહુ ભારપૂર્વક સવાલ આવ્યો ગરમી ગાંધીનગરમાં પણ કેમ વધે છે..? સીધો હિસાબ છે જેમ દરિયો આગળ આવે એમ રણ પણ આગળ વધી રહ્યું છે રાજસ્થાનના રણ ને રણથંભોર ના જંગલો અટકાવે છે,આપડે રણને રોકતો અરવલ્લીને બોડો કરી નાખ્યો,આબુ અંબાજીના ડુંગરા સાવ બોડા કર્યા તે પછી ગાંધીનગર અને અમદાવાદ ધખે જ ને..
રાધનપુરથી આગળ આવતા નામના પણ જંગલ રસ્તામાં રહ્યા નથી ધબાધબ જમીનો “નવરી” કરી અને “છુટ્ટી” કરી નાખી,
અલ્યા લઇ લો જમીનો લઇ લો માણસ વધશે જમીન થોડી વધશે ? જમીન તો છ એટલી જ રેહશે પોંચ દસ વીઘા રાખવા સોકરાના સોકરા અને ઇના સોકરા યોદ કરશી તમને..!
સોકરાના સોકરા અને ઇના સોકરા ..
પેદા થશે તો યાદ કરશે ને..? જમીનની માલિકીની એટલી ખતરનાક વાસના આજે ભારતભરમાં ફેલાઈ છે કે એક એક જણ રેહતો ક્યાંક હોય અને જમીન કયાની ક્યાં લઈને પડ્યા હોય જીવનમાં પોતે ખરીદેલી જમીન જોઈ સુધ્ધા ના હોય પણ બસ સટ્ટો ચાલ્યો સરકારો થી લઈને છેવાડાનો માણસ જમીન પોતાના નામેં કરી લેવાની ખતરનાક વાસનાથી ગ્રસ્ત છે..
ધરતીનું પ્રેમથી જતન કરી અને માંની જેમ પ્રેમ કરતો આને ધરતીને માં કેહનારો માણસ મરી ગયો અને આપણને ખબર પણ ના પડી કે એ ક્યારે મરી ગયો..!
હવે બચ્યો છે એ ધરતી માતાનો ઉપભોગ કરતો માણસ રહ્યો છે આ ધરતી ઉપર..!
માતા નો ઉપભોગ…?
લાજ ખરી ? મને તો આ શબ્દ વાપરતા પણ શરમ આવે છે..!
તારું તને અર્પણ એવી ભાવના ક્યાંક ખોવાઈ છે..તારુ એ જ મારું અને હું કહું એ સાચું મારે જેમ કરવું હોય તેમ કરું..!
સગી અને કાકા મામાની દીકરીઓ જોડે પરણ્યા હવે જનેતા જોડે ક્યારે પરણે છે આ માણસની જાત એ જ હવે જોવાનું છે..!
બીજું કઈ થાય કે ના થાય કમ સે કમ ચાર કાપડની થેલી તો ઘેર રાખો અને ઘરથી બહાર જતા કાપડની થેલીમાં વસ્તુ લાવીએ તો પણ પ્લાસ્ટિક ઓછુ વપરાશે અને અને કચરા ઓછા થશે..
ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે, હું લગભગ પ્લાસ્ટિકની થેલીઓ ના ઘરમાં આવે કે ના વાપરવી પડે એવો પ્રામાણિક પ્રયત્ન કરું છુ,તમે પણ કરજો..!
માં ગરમ ગરમ સુખડી બનાવીને દોડતી રસોડાની બહાર આવે અને ફૂંક મારતી જાય અને ખવડાવતી જતી હોયને તો બે ટુકડા માંના મોઢામાં મુકવાની આપણી પણ ફરજ છે..!
માં સુખડી બનાવીને ખવડાવવાનું નથી ભૂલી પણ આપણે લાગણીથી એના મોઢામાં બે ટુકડા મુકવાનું ભૂલ્યા છીએ, માટે ફરજ શબ્દ વાપરવો પડે છે..!
ધરતી માં તરફની લાગણી છૂટી ગઈ છે, કારણ તો કહે માં ના માલિકો સાત બારના ઉતારે ચડી બેઠા છે,
કોની ભૂમિ કોની નદી કોની સાગરધારા
સંધ્યા ઉષા કોઈના નથી..!
આકાશ ગંગા સૂર્ય ચન્દ્ર તારા ..
સંધ્યા ઉષા કોઈના નથી..!
માં “ગુલામ” થઇ ગઈ છે માલેતુજારોની..!
મહાકાલ ને તાંડવ રમવાનો સમય નજીક છે..!
૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં દોઢ જ મિનીટ તાંડવ ખેલ્યું અને કેટલાય માં ના “માલિકો” સાત બારના ઉતારેથી ગાયબ થઇ ગયા હતા..
માં ને માલિકોથી એ જ છોડાવશે..
નમઃ પારવતી પતે હર હર મહાદેવ ..!!
આપનો દિવસ શુભ રહે પ્લાસ્ટિક ઓછું વારપર્જો
શૈશવ વોરા