ગરબા શાસ્ત્રીય નૃત્ય કેમ નહિ ????
ગુજરાતના ગરબા શાસ્ત્રમાં કેમ નહિ ???
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ..!
નગરી અમદાવાદે આસોની નવરાત્રીના પાસીસ શ્રાવણી પૂનમ પેહલા “આઉટ” થઇ ગયા છે ..!!
બજારમાં નવરાત્રીના પાસીસ વેચવાવા આવી ગયા છે,જલદી ખરીદી લ્યો નહિ તો રહી જશો ..!!
અને જો “રહી જશો” તો બ્લેક માર્કેટમાંથી ખરીદવા પડશે ..!
ગઈસાલ ૨૦૨૪માં છેલ્લા છેલ્લા દિવસોમાં પાસીસના કાળાબજારએ માઝા મૂકી હતી, રીતસરના સટ્ટા રમાયા હતા ..!
સાંભળવામાં આવ્યું છે કે ગઈસાલ નગરી અમદાવાદે એક બહુ હાઈ-ફાઈ ગરબાના પાસીસ જીજે -૧૨ પાસીંગની ગાડીએ ૩૨,૦૦૦/- રૂપિયાનો એક પાસ એવા ૪ પાસ ખરીદ્યા હતા ,
સાચુંખોટું માતાજી જાણે પણ બાર હજાર તો હશે ને ?? ત્યારે બત્રીસનો આંકડો આવ્યો,
સવા લાખ રૂપિયા આપી અને ચાર ગુજરાતી એક રાત ગરબા રમે …!!!
હર હર મહાદેવ …
શંભો શંભો …!!
દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન , કિતના બદલ ગયા ઇન્સાન ..!!
તો ભારત સરકારને વિનંતી કે આ વર્ષે નવરાત્રીના પાસીસ માટે એક ઓનલાઈન નવરાત્રી પાસ એક્ષચેન્જ ખોલી અને તેને ઓફીશીયલ કરી નાખો જેથી સરકારને આવક પણ થાય, અને આખા ગુજરાતને તેમાં સમાવી લ્યો તો શું થાય કે છેલ્લે પત્રકાર મિત્રોને પણ સરળતા રહે કે આંકડો કેટલો આવ્યો ..!
કાળાબજાર અટકે અને સટ્ટો ઓફિશિઅલ થઇ પડે ..!
આવતા વર્ષે એટલે કે ૨૦૨ની નવરાત્રીમાં માહિતી ખાતાને પણ સાચ્ચો આંકડો પ્રગટ કરતા ફાવે, કે આટલા કરોડના પાસીસ વેચાયા ..
(વેહચાયા અને વેચાયા, આ બે શબ્દનો ફર્ક ખબર ના હોય એવા “પિત્તળબંબા”શ્રીઓ, તેમણે આગળ વાંચવું નહિ )
અને આટલા કરોડના કપડાં, આટલા કરોડના ઘરેણા ,આટલા કરોડના ખાણીપીણી વેચાયા અને અર્થતંત્રને આટલો વેગ મળ્યો અને હવે “આટલા” પ્રવેગથી અર્થતંત્ર આગળ ધપશે..!
કોણ જવાબદાર આ બધા માટે ..??????
જેણે જેણે ગરબાના રૂપિયા “ખાધા” એ બધા જ જવાબદાર ..!!!!
દસ વખત આ લાઈન વાંચો … અને વિચારો ..
ગરબાના રૂપિયા કોણે ખાધા..???
જેમણે જેમણે ગરબાના રૂપિયે ઘર ચલાવ્યા ,મોજ મજા કરી એ બધા જ જવાબદાર..!!
તો કોણ બાકી છે ..?
ગરબા આયોજન કરતુ મંડળ અથવા ઇવેન્ટ મેનેજર , ગરબા ગવડાવતો ઢોલીડો ત્યાંથી લઈને સ્ટેજ ઉપર શકીરાની જેમ લગભગ ખુલ્લી છાતીએ આવતા ગુજરાતી ગાયકો (લિંગ ભેદ ના કરવું ), એ લોકો કે જે બ્રાન્ડીંગમાં માને છે , રેડીયાના આરજેથી લઈને તમામ લોકો કે જેમણે પોતાનું બ્રાન્ડીંગ કર્યું..
એ લેખકો પણ ખરા કે જેમણે ગરબા રચ્યા અને દરિયામાં નાળીયેર રમતા મૂકી દીધાં…!!!
કોઈ કરતા કોઈ બાકી નથી ગરબાની આ દુર્દશા કરવામાં ..!!
ભવિષ્ય શું ?
તો કહે અતિ સર્વત્ર વર્જયતે …!
ધડામ કરતુ તૂટી પડશે ..
હજી સમય છે ગુર્જર નરનારીઓ તમારી પાસે ,
સાવધાન થઇ જાવ ..!! સમય વર્તે ..
આ કહી રહ્યો છે શૈશવ વોરા ,
કે જેનો જન્મ જ ભાદરવાની અમાસની સમી સાંજે થયો છે,જેના જીવનની પેહલી સવાર હતી આસો સુદ એકમની, નોરતાની સવાર..!!!
શૈશવ વોરાના જીવનની પેહલી સવાર પડી મા ભદ્રકાળીની આરતીના નગારા, શંખ, ઝાલર અને ઘંટારવથી ..!!
શૈશવ વોરા જન્મ્યો ત્યારથી ગરબા સાંભળતો આવ્યો છે ,કંઠેથી ગાતો આવ્યો છે નિજાનંદ માટે ,અને પગેથી ફરીને રમતો આવ્યો છે, શૈશવના જીવનનું પંચાવનમું વર્ષ આ નોરતે પૂરું થશે..!
ગુજરાત ચૂક્યુ ક્યાં ?????????????????
પોળો ,શેરીઓ ,મેહ્લ્લા નાતની વાડીએ કે ગામને પાદરે રમતો ગરબો રૂપિયાની માયાજાળમાં કેમનો ફસાઈ ગયો ?
કોની આ લાલસા હતી ?
બીજારોપણ ક્યાંથી આ વિષવૃક્ષનું ..??
મનોમંથન માંગે છે બુદ્ધિજીવીઓનું હવે આજની પરિસ્થિતિ ..!!
ગરબા કલાસીસમાં અત્યારે જે દે ઠોક ચાલી રહ્યું છે એમાં ક્યાંક નિયંત્રણ માંગે છે,
સરકાર ,પોલીસ કે સમાજનું નહિ પણ બુદ્ધિજીવીઓનું ..!
ગયા વર્ષે પત્નીજીએ એમના જીવનના અડ્તાલીસમાં વર્ષે આરંગનેત્રમ્ કર્યું,
એમના જીવનની વર્ષોથી ચાલી રહેલી એમની ભરતનાટ્યમ નૃત્યની સાધનાનો એક પડાવ પૂર્ણ કર્યો ..
નાનકડો પારિવારિક સમાહરોહ કર્યો હતો, ત્યાં એમના કલાગુરુઓ હાજર હતા , એમાં પાક્કા ગુજરાતી એવા એક કલાગુરુએ એક સવાલ કર્યો ક્યાં સુધી ગરબાને લોકનૃત્ય લોકનૃત્ય કર્યા કરશો ? શું શાસ્ત્રીય નૃત્યમાં પરિવર્તિત નહિ કરી શકાય ?
(અહિયાં કોઈ મોટું નામ લખવાથી હું બચી રહ્યો છું કારણકે કોઈના નામે બીલ ફાડી દેવું એ ખુબ સેહલું છે..)
મને પણ આ સવાલ હ્રદયમાં ઘા કરી ગયો, આટલો વર્ષોની કલા સાધના શૂન્ય થઇ ગઈ મારી , મારું બધુ સંગીત અચાનક પારકું થઇ ગયું..!
માટે જ હું આ સવાલ ગુજરાતના કલાજગત સામે મૂકું છું …
શું ગરબાને શાસ્ત્રના બંધનમાં લાવી અને શાસ્ત્રીય નૃત્ય ના જાહેર કરી શકાય ?
શા માટે ગરબાને શાસ્ત્રીય નૃત્યની કેટેગરીમાં ના લાવી શકાય ?
જે લોકોને ખબર નથી એમના માટે માહિતી ..
ભારતમાં મૂળે છ શાસ્ત્રીય નૃત્ય હતા જે અત્યારે આઠ છે..
૧ ભરતનાટ્યમ (તમિલનાડુ)
૨ કથ્થક (ઉત્તરપ્રદેશ)
૩ કથ્થ્કલી (કેરળ)
૪ કુચીપુડી (આંધ્રપ્રદેશ)
૫ ઓડીસી (ઓરિસ્સા)
૬ મણિપુરી (મણીપુર)
૭ સત્તિયા (આસામ)
૮ મોહિનીઅટ્ટમ (કેરળ)
બધે “નંબર વન” રેહવાવાળા ગુર્જરપ્રદેશવાળા ક્યાં છો તમે અહિયાં ?????????
નામોનિશાન સુધ્ધાં નથી…
નર્મદ ફરી શું નહિ જન્મે ?
શું કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરી મહારાજ સાહેબ જેમણે ગુજરાતીને પોતાની લીપી આપી વ્યાકરણ આપ્યું ,
એમના જેવા કોઈ મહાત્મા ગુજરાતી કલાજગત પાસે નથી કે ગુજરાતના ગરબાને શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન અપાવી શકે ????
ચલો શરૂઆત કરું.. કોઈ વિદ્વાનનો માંહ્લો જાગે અને શાસ્ત્રીય નૃત્યમાં નવમું નામ મારા ગરબાનું આવે..!
આ લખનારો શૈશવ વોરા ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનમાં વિશારદ છે ,જે તાલ અને રાગરાગીણીઓને જાણે છે..
અને હજી પણ વિદ્યાર્થી જ છે સંગીતનો અને રસાયણશાસ્ત્રનો ..
જયારે ત્રણ ત્રણ તાલીના ગરબા શૈશવ રમે ત્યારે `સમ` ઉપરથી જ શૈશવનો પગ ઉપડે, નહિ કે દે ઠોક, ધમ્મચકડ ધમ્મચકડમાં ગમ્મે ત્યાંથી..
દસ સ્ટેપનું દોઢીયુ થાય ત્યારે ગરબામાં વાગતા ધમ્મચકડ ધમ્મચકડમાં જપતાલનો ઠેકો શૈશવ શોધતો હોય છે,
એવી રીતે ચૌદ સ્ટેપનું દોઢિયું રમવું હોય તો ઠેકો દીપચંદી કે કોઈ બીજા ચૌદ માત્ર કે પછી રૂપકને બે વાર લઈએ ..
આટલો કકળાટ કરવાનું મૂળે કારણએ છે કે લોકનૃત્યને `લોક` જયારે ગાતું હોય, માણતું હોય, ત્યારે જે ધમ્મચકડ વાગતું ગાતું હોય તે ચાલે,
પણ હવે આજે બિલાડીના ટોપની જેમ ગરબા કલાસીસ ફૂટી નીકળ્યા છે એમાં ઢગલા મોઢે રૂપિયા લોકોના જાય છે ત્યાં હવે શાસ્ત્રને હવે તમે ઇન્ટ્રોડયુસ નહિ કરો તો મનમાની થશે, અને ભોગ આખે આખી ગરબાની કલા બનશે..
ગરબા શાસ્ત્રીય પદ્ધતિમાં નથી એટલે ગરબા ગાવા રમવા માટે કોઈ બંધન પણ નથી,
એટલે મોંકાણ એ થાય છે કે જેમ અને તેમ હાથ અને પગના ઉલાળા અત્યારે ગરબા કલાસીસમાં થઇ રહ્યા છે ,
તાલના જ્ઞાન વિનાના માણસો જેમ ફાવે તેમ ગરબાને મારી મચડી અને નખ્ખોદ વાળી રહ્યા છે ..
યાદ રહે સારામાં સારા રાસના રચિયતા નરસિંહ મેહતા શાસ્ત્રના જાણકાર હતા અને કેદારો ગીરવે મુકવાની “કેપેસીટી”માં હતા..!!
શાસ્ત્રનું બંધન ગાવા,વગાડવા અને નૃત્ય ત્રણેયને એક બંધનમાં બંધાશે જેના ફળસ્વરૂપ આવનારા વર્ષોમાં ગરબાને એક દિશા મળશે, ગરબા નૃત્યકલાનું સંવર્ધન થશે…
બહુ થયું લોકોનૃત્ય ,લોકનૃત્ય હવે સમય છે શાસ્ત્રના બંધનમાં બાંધીને સંવર્ધનનો,
ગરબા માટે નવા શાસ્ત્રની રચના કરવાનો ..
જગતના તમામ શાસ્ત્રીય નૃત્યોની શરૂઆત લોકનૃત્યથી હતી અને આજે એ જ નૃત્યો શાસ્ત્રના બંધનમાં ખીલી રહ્યા છે ..
આપણે ગુજરાતીઓ ગરબા માટે ફક્ત અને ફક્ત આત્મશ્લાઘામાં રચ્યાપચ્યા રહ્યા છીએ, વિશ્વનો સૌથી લાંબો ડાન્સ ફેસ્ટીવલ ..
અલ્યા ડાન્સ ફેસ્ટીવલ લખો તો પછી શું થાય ? નૃત્યનું અંગ્રેજી ડાન્સ કરવાની જરૂર નથી અંગ્રેજી પણ નૃત્ય શબ્દ પોતાનામાં સમાવવા દ્યો ..
સરકારો આપણી છે, કલાકારો અને સાહિત્યકારો એક થાવ અને ગરબાને શાસ્ત્રના બંધનમાં બાંધો અને નવા શાસ્ત્રની રચના કરો ,
આઠ શાસ્ત્રીય નૃત્ય છે એનો સ્વીકાર પણ નવમું શાસ્ત્રીય નૃત્યમાં ગુજરાતના ગરબા…!!!
દુનિયાના કલા જગતમાં ડંકો વગાડો …
જે રીતે ગરબા કલાસીસમાં ભીડ છે એ જોતા ઓછામાં ઓછા એક લાખ શાસ્ત્રીય ગરબા નૃત્યકારો આપણે જન્માવી શકીએ તેમ છે ..!
ગુજરાતી છોકરા છોકરીઓના લોહીમાં છે ગરબા બસ બંધનની જરૂર છે શાસ્ત્રના ..!
ગરવી ગુજરાતણ અને ગુજરાતીને ગૌરવ અપાવો કે ગરબા ફક્ત લોક નૃત્ય નથી એ શાસ્ત્રીય નૃત્ય પણ છે..!!
સહમત થાવ તો પોહચાડો આ બ્લોગને ગુર્જર જન જન સુધી અને જવાબદારો સુધી..!
જવાબદાર કોણ ???
તો કહે એક એક ગુજરાતી અને ફરી એકવાર જેણે જેણે ગરબાના રૂપિયા ખાધા એ બધ્ધા ગાનારા,વગાડનારા, લખનારા અને ગરબા રમનારા..!
બોલ મારી અંબે જય જય અંબે
લખ્યા તારીખ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫
શૈશવ વોરા
તા.ક . :- પલીતો ચાંપુ છુ, જોઈએ કેટલા હૈયા સળગે છે, બાકી હું તો ભડભડ સળગી રહ્યો છું છોડીશ નહિ..
આ મેહણું ગુજરાતને માથેથી કાઢવું રહ્યું..
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*