ધરાગુર્જરી ઉપર તો આજે જાણે સ્વર્ગ ઉતરી આવ્યું ….
શાસન સમ્રાટએ આદેશ કર્યો કે નવરાત્રીએ આપણો પોતીકો તેહવાર છે પોલીસકાકા, એમાં આમ ના કરાય , તમતમારે ચાલવા દો ગરબા સવારો સવાર..!!
જય હો..જય હો ..
ચીકીનો મોહનથાળ અને મોહનથાળમાં નકલી ઘીની રેલમછેલ કર્યા પછી અસલી કામ થયું ખરું ..
પણ નકલી ચીઝ બટર ખાઈ ખાઈને ઉછરેલા અને વિટામીન B-12 અને D-3 ની ઉણપથી પીડાઈ રહેલા ગુર્જરબાળ હવે સવારોસવાર સુધી ગરબા રમવાની ક્ષમતા ગુમાવી ચુક્યા છે..!
થાકી જાય છે ..
પણ એક વાતે સરકારનો આભાર કે જ્યાં જ્યાં ગરબા ચાલે છે ત્યાં ચારે બાજુ નગરી અમદાવાદે ખડે પગે ICU વાળી એમ્બુલન્સ ઉભી છે..
હજી સુધી ક્યાંય અમંગળ નથી સંભળાયું ..
મા`ડી મેર કરે અને નવે નવ નોરતા આમ ને આમ આપણા બાળુડા હસતા રમતા ખેલી લ્યે એટલે ઘણું ..!
જો કે મધરાતે નાસ્તાપાણી કરે ત્યારે જરાક બીક જેવું હવે લાગે છે..જે રીતે નકલી નકલી બધું ચાલ્યું છે એ જોતા સરકારને માથે બીજા નવા ટાર્ગેટ આવી ગયા છે , ખાણીપીણીના જલ્લાદોને પકડવાના..
દિવાળી માથે છે ને ઘેર નાસ્તા બનાવવાની વાત લગભગ ભુલાઈ ચુકી છે, પણ તૈયાર જે કઈ લાવો અને પીરસો કે ખાવ એમાં જરાક ધ્યાન રાખજો ..
અંબાજી મંદિરના પ્રસાદને જો લોકો ના મૂકતા હોય તો તમે અને હું કઈ વાડીના મૂળા ?
નકલી ઘી ના પગેરા કાઢી રહી છે પોલીસ, બિલકુલ એમ જ આપણે ઘરમાં આવતી ચીજ વસ્તુઓના પગેરા આપણે કાઢવા રહ્યા , શાકભાજી,પીઝા ,પાસ્તા , બ્રેડથી લઈને તમામ ચીજ વસ્તુઓ ઉપર નજર રાખો ..
સળંગ એકધારા ગરબા નથી રમી શકતા તમારા સંતાનો તો આ એક એલાર્મ છે ,એના ખાવામાં તમે કંઈ જાણે અજાણ્યે ભેળસેળયુ ખવડાવ્યું છે એના જીવનમાં..!
બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લારીઓવાળા નથી તમારા દેરીયા-જેઠિયા કે નથી તમારા પિયરીયા ..
સેવાનો ભાવ તો એ લોકોમાં હરગીઝ નથી, ધરતી રસાતળ જવામાં હવે કઈ બહુ બાકી નથી તો કેમ એ લોકો શુદ્ધ જમવાનું તમને અને તમારા બાળકોને જમાડે..?
ભાઈ ઔર બેનો ..સોચો સોચો ..!
હું એક એવી દિકરીને ઓળખું છું કે જે નાના બાળકોની પ્રીપ્રાયમરી સ્કુલ ચલાવે છે, સ્કુલના બાળકોને અપાતો નાસ્તો પેહલા પોતાના બાળકોને આપે પછી સ્કુલના બાળકોને આપે ..
મેં પૂછ્યું એવું કેમ ?
તો કહે શૈશવભાઈ કશુંક નાસ્તામાં આઘુપાછું હોય તો મારા બાળકોને તકલીફ થાય પણ સ્કુલના બાળકોને તકલીફ થાય તો મારે ઉપરવાળાને શું જવાબ આપવાનો ?ભગવાન તો બેઠો છે ને ? અને બને ત્યાં સુધી નાસ્તો હું જાત્તે જ બનાવું છું ,હેલ્પર ચોક્કસ રાખું પણ કરવાનું જાત્તે અને આપણી નજર નીચે..
હવે આવી ઉચ્ચ ભાવના તમારા અને મારા સંતાનો જે લારી નાસ્તા ઠુસે છે એ લારીવાળાની ખરી ? તમે જે મીઠાઈની દુકાનેથી મીઠાઈના પડીકા લઇ આવો છો દુકાનદારની ખરી ? તમારા ખાખરા જે “બેન” ને ત્યાંથી આવે છે એ “બેન” ના “સગલાં”ની ખરી ?
બજારમાં મળતી બટાકાની વેફરો ઘણી બધી જગ્યાએ ડીઝલ ફાયર્ડ ભઠ્ઠામાં બને છે, કારખાનાઓમાં નાસ્તા બને છે, ત્યાં કોણ બધું સાચવે છે ?
સેહજ કોઈ આવ્યું ઘેર કે તરત જ ઓર્ડર કરો બહારથી ..પત્યું ..!
કષ્ટ નહિ લેવાનું અને નહી આપવાનું ..
કાયા તો કાયા છે એને કષ્ટ અપાય ?
છૂટી પડો રૂપિયા આપીને..!
કઈ દિશામાં જઈ રહ્યા છીએ ?
નવા પરણેલાઓને શરૂઆતમાં છોકરા થઇ ગયા તો થઇ ગયા, જરાક બે ત્રણ વર્ષ જવા દીધા કે વાર્તા પૂરી ..
એ પેલા ઇનફર્ટીલીટી કલીનીકના ચક્કર શરુ ..!
જે ને તે નકલી માલ ખાઈ ખાઈને ..
જણનારીમાં અને જણમાં , બંનેમાં જોર નથી રહ્યા..!!!!
કમાય ઇનફર્ટીલીટી કલીનીક..
નોરતા ગજ્જબ જામ્યા છે એકેએક સ્ટોરી ગરબાની જ દેખાય છે..
થોડાક લોકોને માઈક અને અવાજ સામે કકળાટ અને ઉકળાટ બંને છે, પણ ઠીક છે..નબળા ધણી બૈયર ઉપર જ શૂરા થવા જાય , જાણે ભારત દેશે બીજે ક્યાંય અને ક્યારેય કોઈ ભૂંગળા વાગતા જ ના હોય..!!
બીજે ભૂંગળા વાગે ત્યારે શું કરો કકળાટકુમાર ?
ખૈર .. જેટલા હજી પણ ઘરમાં પડ્યા પડ્યા ઘોરતા હોય એમને માટે હવે છેલ્લા થોડાક દિવસો છે ..સોરી રાતો છે ..
નેકળી પડ્યો લ્યા ..
અને હા સાલું આટલા વર્ષોથી ચાલતા ગરબા કલાસીસની અસરો હવે સ્પષ્ટ વર્તાઈ રહી છે, સાવ સાદી અને સામાન્ય જગ્યાઓ પણ ટેકનીકલ ગરબા ગવાઈ રહ્યા છે, મારી બેટી નવી જનરેશન હવે ગરબા ફરવામાં બહુ બધા વેરીએશન લાવી લાવીને ગરબા કરી રહી છે ખરેખર સુવર્ણયુગ શરુ થયો કેહવાય ..
પેલા ઠેસ મારીને બે તાલીના ગરબા હોય કે એકે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલનો ત્રણ તાલીનો ગરબો કે હીંચ, હવે બહુ જુદી જુદી રીતે બાળુડાઓ કરે ..
મજ્જા આવી જાય છે..!
આપણને તો શીખવામાં જરાય શરમ નહિ એટલે પ્રયત્ન ચોક્કસ કરી લઈએ છીએ અને ક્યારેક આવડી પણ જાય છે કોઈક અઘરા સ્ટેપ ,પણ હવે કુદકાને ઠેકડા મારીને ગરબા રમતા જરાક બીક લાગે છે,
આ પંચ્યાસી કિલોની કાયા જો હેઠી પડી તો રીપેરીંગમાં ઘણો સમય માંગે ,એટલે પેલું કહું છું જવાનીને પાછી વળી જા કરી લેવાનું હો ભઈ ..
બાકી તો બાળુડાઓની મધરાત પડે છે સવારે સાત વાગે અને પરોઢ થાય છે બપોરે બે વાગે ..
ક્યારેક અમારું પણ એવું જ હતું ..
ચલો નીકળો નીકળો કાલથી મારા ભાભીને લઈને હોં .. ગરબે ઘુમવા ..પથારી તો પછી બારેય મહિના છે ..ઘોરજો પછી..અત્યારે રમી લ્યો..!
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*