ગરીબો કી સૂનો, વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દસ પૈસા દેગા…!!
સાચ્ચે એવું હોય ખરું ?
આ”જા”દી .., સોરી આઝાદીના પંચોતેર વર્ષે તમારા ઘરની બહાર આવું ગીત ગુંજે અને રોડ ઉપર બેટરી બેકઅપવાળું ધ્વનિ ઉદઘોષક યંત્ર લઈને મોટા અવાજે આ ગીત વગાડે ત્યારે શું સમજવું ? ગરીબી જીવે છે કે પછી લાલચ ..? આટલી સરકારી યોજનાઓ પછી પણ આ કામ ..??
નગરી અમદાવાદે કોમનવેલ્થના ડંકા વાગ્યા,
પણ એ પેહલા પાણી પી પી ને અંગ્રેજી સલ્તનત અને હુકુમતને કોસ્યા, વિન્સ્ટન ચર્ચિલ જેવા વિસ્તારવાદી ને મારા જેવાએ નવી નવી ગાળો ઇન્વેન્ટ કરીને નવાજયા પછી પણ કોમનવેલ્થ માટે પ્રેમ દેખાડવો કેટલો યોગ્ય ?
અમેરિકા કેમ કોમનવેલ્થમાંથી નીકળી ગયું ? શું આપણે પાકિસ્તાન છીએ કે બંધારણીય કટોકટી આવે તો સલ્તનતે બ્રતાનિયાને પાછા આપણા બંધારણીય વડા બનાવવા પડે? એવી આપણી પરિસ્થિતિ હવે તો નથી રહી તો પછી હવે ખીલો ઉપાડ્યો જ છે તો એને સરખી રીતે પોંખી લ્યો, જાન વળાવી અને કોમનવેલ્થને જીવ્યા મૂઆ ના જાજા જુહાર કેમ ના કહી દેવા ???? ઘણું થયું ..
ભૂતકાળ ભૂલવામાં જ સાર … સારો કે ખરાબ..
તો હવે આંગણે અવસર ઊભો જ કર્યો છે તો પછી એક વધુ સવાલ અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે કેટલું તૈયાર ?
આજ ની તારીખે કહું તો જરાય નહીં, તમારે સ્ટેડિયમની બાહર ગરીબો કી સૂનો કે પછી ઔલાદ વાલો તુમ ફૂલો ફલો જ સાંભળવાનું રહેશે ..
દરેક ટ્રાફિક સિગ્નલ ઉપર નર્યા ભિખારી જ ભિખારી .. રિક્ષા ડ્રાઈવર ડ્રેસ વિનાનો ,પોલીસ ટ્રાફિકવાળી તો કહે ઉઘરાણી ક્લાર્ક , કોની ઉઘરાણી કરે ? જવાબ તમારી મુનસફી ઉપર છોડ્યું..
રોડ રસ્તા ? તો કહે થૂંકના સાંધા..!!!
બીઆરટીએસ??? અરેરે રે… ચકલી નાની અને ફૈડકો મોટો ..!!
મેટ્રો ..?? સફેદ હાથી ..કામ લેતા નથી આવડતું એની પાસે,
બુલેટ ટ્રેન?? ઐરાવત ..ઇન્દ્ર બિરાજે ત્યારે સાચો..
ફૂટપાથ ??? લારી ગલ્લા અને શહેર આખું “ભાજા” પાંવ અને પાણીપુરીઓના ખુંમચાથી ખદબદે .. દરેક રહેણાંકના કોમપલેક્ષમાં બદમાશ ખાણીપીણીવાળાઓ એ બહુ જ ખરાબ રીતે ભેલાણ કરી અને મોટા ખાણીપીણીના ધંધા જમાવી દીધા છે, વર્ષો ધંધા કર્યા પછી એમણે પરદેસમાં બ્રાન્ચીસ ખોલી નાખી , અનહદ રૂપિયા કમાયા છતાંય હજી એમની મોડ્સ ઓપરેન્ડી એની એ જ છે .. રહેણાંક વાળા બિલ્ડિંગમાં જ ઘૂસવાનો..
જેમ અશાંત ધારો છે એમ કોઈક “શાંતિ રહેણાક ધારો” લાવો …જેથી વઘાર અને તળેલાની વાસ વિના રહેણાક વિસ્તારના લોકો શાંતિથી જીવી શકે ..
નખ્ખોદ વાળી મૂક્યું છે દરેક રોડ રસ્તાનું , એકે એક રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જી દીધી છે ,નવા બનતા શોપિંગ કોમપલેક્ષ અને કોમર્શિયલ કોમપલેક્ષમાં ખાણીપીણી તો આવવા જ નથી દેતા , લખાણ જ લઈ લે છે , દરેકને ખબર છે કે કોઈપણ સ્કીમની પરણી નાખવી હોય તો ખાણીપીણી એલાઉડ કરો પછી જુવો પાંચ વર્ષમાં કોમ્પલેક્ષની હાલત …
બિચારા મધ્યમવર્ગના રેસિડેન્શિયલ કોમ્પલેક્ષમાં તો શું હોય કે “સક્કરટેટી” કે “ચૌદશમેન” ને જરાક ક્લચમાં લઈ લેવાનો એટલે લખાણ મળી જાય , પછી આજુબાજુના લોકો નું જે થવું હોય તે થાય …ટ્રાફિક ?????
એક માણેકચોક ,એક ચાંદની ચોક ,એક લોગાર્ડન,એક સરાફા બજાર એટલું ઘણું થયું પણ આ તો ગલીએ ગલીએ .. ટ્રાફિકનું શું ? તો જાય એની માં પરણવા જાય હું તો “પીજા” ભચડવા સર્જાયો / સર્જાઈ ..
છ કરોડ જાજરૂ બાંધ્યા પછી ભાન થયું કે જ્યાં ને ત્યાં હંગવા ન બેસાય ..! તો પછી જ્યાં ને ત્યાં જમવા બેસાય ખરું ..???
બહુ ગંદી પરિસ્થિતિ છે , વીસ વીસ વર્ષના બાળુડાઓના રીપોર્ટસમાં કોલેસ્ટ્રોલ હાઈ આવે અને બી ટ્ વેલ અને ડી થ્રી ની વાત નહીં, અરે હોમોસિસ્ટીન લેવલ પણ હાઈ આવે .. ચાર રાત ગરબા ગાય તો અડધો મરવા પડે ..!! આ પાપ કોનું ?
પાપ નો બાપ તો શોધ્યો ના જડે …! બધાને સુફિયાણી વાતો કરવી છે પણ ક્યારેક તેલના તાવડે પેલા મીટર નાંખો ત્યારે સમજાશે કે શું તળાઈ રહ્યું છે …! તમારી અને મારી જિંદગી ..!!!
લગ્નોમાં તો બાપરે… હટ મૂઆ ફાટી પડ .. ચાલીસ આઇટમ ,પચાસ સો આઇટમ ખાવાની ચીજ વસ્તુઓનું વરવું પ્રદર્શન થઈ રહ્યું છે , માતા અન્નપૂર્ણાનું અપમાન માનું છું …!!!
હમણાં એક લગ્નમાં બધા એંશી ઉપરના દાદીઓની જવાબદારી આવી હતી એમને જમાડવાની , એક પાક્કા વૈષ્ણવ દાદી બહુ જ થોડું થોડું લીધું અને જમ્યા પછી થાળી એવી સાફ કે જાણે એ થાળીમાં કોઈ જમ્યું જ નથી …!! મિતાહારી..
અન્નનો આદર એમના મુખમંડળ ઉપર પ્રકાશી રહ્યો હતો …!!! મેં હાથ જોડી એમને નમન કર્યા ..
થાળી ભરી ભરીને ડોઝુ ભરતાં ભૂખ્ખડો ના મોઢા જોજો .. ભૂખડીબારશ … એક જ શબ્દ વપરાય ..બીજું કશું યાદ ના આવે ..
પબ્લિક ટ્રાન્સપોર્ટ અત્યારથી સુધારવું પડે , બીઆરટીએસમાં વચ્ચે સ્થાનિક ” લુખ્ખાઓ” પાડેલા બાખા પૂરવા પડે , તમારે અને મારે યુ ટર્ન લેતા શીખવું પડે , ગાય કાઢી, કૂતરાં કાઢવા પડે , દર બસ્સો મીટર એ ટ્રાફિક સિગ્નલ કે ચાર રસ્તા ન હોય..
મહાનગર બનાવો છો તો મહાનગરની જેમ વર્તન કરવા પડે..
રહી વાત દારૂબંધીની તો એમાં ગાંધીના નામ જોડે દારૂબંધી જોડી દીધી એટલે હવે સહિયારું ચાલ્યું છે , બાકી તો હવે બૃહદ કર્ણાવતી મહાનગર પાલિકાની જાહેરાત ક્યારે થાય છે એ જોવું રહ્યું ..
મારી દ્રષ્ટિએ અમદાવાદ ,ગાંધીનગર અને ગિફ્ટ સિટી જોડીને બૃહદ કર્ણાવતી મહાનગર પાલિકાની સ્થાપના કરી અને ભાટ ગામના નવા બની રહેલા રિવર ફ્રન્ટ ઉપર નવો મ્યુનિસિપલ કોઠો બનાવવો જોઈએ જેથી વિકાસભાઈને તકલીફ ઓછી પડે ..
હજી એકાદ દસકો તો સત્તાનું કેન્દ્ર નવી દિલ્લી રહેવાનું પણ પછી આ શહેર એ જીવવાનું છે અને માથું ઊંચું રાખીને જીવવાનું છે ,105 મિલ્સ હતી ત્યારે અચ્છા અચ્છા અહીં નજર માંડતા , સેમીકોનની ગાડી દોડાવી છે પણ જન જન ધંધા કરે એવા ધંધા ગોઠવવાના બાકી છે , વિકસિત શહેરમાં ખૂમચા નહીં પણ મોલ્સ અને પ્રોપર દુકાનો હોય , નહીં કે ગલ્લા, લારી…!!!
શેર બજારિયા અત્યારે ઓનલાઇન બેઠા સટ્ટા કૂટી ખાય છે એમાં અમદાવાદનો સિંહફાળો ખરો પણ પ્રોડક્શન નક્કર કરે એવી જીઆઇડીસીઓ નવી બનતી નથી ..
જમીનના રૂપિયા હવે જમીન ઉપર નહીં ઊતરે તો વિકાસને પોલિયો થઈ જાય એવું પણ બને ૨૦૩૦ પછી ..!!
બૃહદ કર્ણાવતી મહાનગર પાલિકામાં કમ સે કમ દારૂ પાંચ સિતારા હોટલમાં પીરસવાની છૂટ હોવી જોઈએ …
આ શહેરને લારી ગલ્લા અને ગેરકાયદેસર કે પછી ઇમ્પેક્ટ ભરી અને ખોટી જગ્યાએ ધંધા કરતા લોકોથી બચાવી લેવાની તાતી જરૂર છે, મોટા મોટા કોમ્પલેક્ષના ઓટલા તોડી અને પાર્કિંગ આપો , જાહેર જનતા માટે બનેલા પાર્કિંગથી ડેસ્ટિનેશન ઉપર પહોંચવા માટે ફીડર બસ આપો , બીઆરટીએસ,,મેટ્રો સુધી પહોંચવા ફીડર બસો શોધી મળતી નથી ..
એક જબરજસ્ત હન્ટર લઈને ફરી વળવું પડે એવી હાલત છે ..
પંરપરાગત દેશી હાટ પ્રકારના બજારોને તિલાંજલી આપવી રહી ..
યુપીઆઇ ની સફળતા પછી ઇ રૂપી લાવવામાં આટલી વાર શાને થઈ રહી છે????
ચોપડે ચડશે ત્યારે આંખો ખુલશે કે પાણીપુરીનો ખૂમચો કેટલા કમાઈ રહ્યો છે અને કેટલા બતાવી રહ્યો છે …
ભારત દેશ માનીએ છીએ અને ચાર રસ્તા ઉપરના ભિખારી જોઈને પણ માની લઈએ એટલો ગરીબ હવે નથી તો હવે સમય છે સચ જૂઠ કરવાનો ..
જુઠ્ઠા ને સજા અને સાચા નું ઉત્થાન.. એક મહિનો ભિખારીઓને પકડીને કોઈ ટેમ્પરરી ભિક્ષુક ગૃહોમાં ભેગા તો કરો.. અમદાવાદને ભિક્ષા મુક્ત કરો , ટ્રાયલ બેસીસ ઉપર પણ પ્રયત્ન તો કરો …!!
ગરીબો કી સૂનો તુમ એક પૈસા દોગે તો વો દસ પૈસા દેગા …
એ ગાંડો છે ??? ડાયરેક્ટ ગરીબના ખાતામાં બે પૈસા ટ્રાન્સફર કરી દે તો એને તો આઠ પૈસા બચે ને ????
ત્યારે શું વળી !!!!
ભગવાન સહિત એકબીજાને મૂર્ખ બનાવવાની વાતો અને એ જ સદીઓ પુરાણી ઘરેડમાંથી નીકળવું નહીં …
મારા વિચારો છે , ચર્ચાને અવકાશ નથી , સહમત થવું કે ના થવું તમારી મરજી પણ ખોટી કૉમેન્ટ્સ નહીં , સ્ક્રોલ કરી જજો …
દુભવ્યા હોય તો માફી..પણ ચાર રસ્તે ગાડીના કાચ ઉપર સિક્કાથી થતું એંશી કિલોની ભિખારણ દ્વારા ટકટક સહન નથી જ થતું , અને રોડ રસ્તે ઊભા ધીમા ઝેર ખાતાપીતા લોકો નથી જોવાતા..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*