આશરે બાવીસ ત્રેવીસ વર્ષ પેહલા મારી સાથે એક ઘટના ઘટી હતી…
એક મિત્રને ત્યાં બાબો આવ્યો …આ પણ બીજી એક ઘટના જ હતી , એને ત્યાં બાબાનું આવવું ..!!
મને એવું ખરું કે રોજ મંદિરે જાઉં , સર્જનહારને મળુ અને બે વાત કરી લઉ ,પણ જો ઈશ્વરના સાક્ષાત દર્શન કરવા હોય ને જન્મેલું બાળક જુવો , સર્જનહારની અકળ લીલા એટલે જીવનની શરૂઆત જન્મ..
મને હંમેશા એ નવજાતમાં ઈશ્વર દેખાયો છે , અને જો કોઈ નજીકનું હોયને તો એક બે વાંસા ના બાળક ને ખોળામાં લઈને કલાકો બેસી રહું , એના ડાયપર હોય કે પોતિયા ,હું જાતે બદલી નાખું અને સરસ રીતે ફરી પાછું કપડામાં બાંધીને પાછો ખોળામાં લઈને બેસું…
આપણને ક્યાં ઈશ્વર એનું કોઈ કામ ક્યારેય સોંપે છે ? સાક્ષાત ઈશ્વર આ જ છે ..!! જીવનની શરૂઆત..
હવે તે બાબા પિતા મિત્ર સાથે ઘણી નજીકની મિત્રતા , એટલે એક તો હૈયે હરખ સમાય નહીં અને બીજું એમ કે આની સાથે તો રમવાની અને તોફાન કરવાની ભવિષ્યમાં મજા આવશે .. એવા ઘોડા ઘડતો હું એના ઘેર પોહચી ગયો ..હૈયે હરખ ઉછાળા લ્યે..
બાબા પિતા મિત્રના મમ્મી ,પપ્પા ,ભાઈ ,બેન બધાને અદ્વિતીય હરખ મારી જેમ , શૈશવને જોઈ ને બધા ખુશ ખુશ આપણે તો રૂમમાં જઈને પારણામાંથી એના દીકરાને ઉપાડ્યો , હજી નીરખવાનું ચાલુ કરું નંદકુમારને ત્યાં તો પેલી સુવાવડી ખાટલેથી ઊભી થઈને બાજ ઝડપે આવીને મારી પાસેથી એનો દીકરો છીનવી લીધો..
હું હક્કોબક્કો.. અરે શું થયું ? મને આવડે છે બાળપણથી નાના બાળકને તેડતા,હું પંદર વર્ષનો હતો ત્યારે મારા માસીને જોડિયા બાળકો હતા ત્યારે હું જ એમનું બધું કરતો મને પરફેક્ટ આવડે છે …
સુવાવડી કહે ખોટું ના લગાડતો પણ એમ બધા તેડે તો છોકરો નજરાઈ જાય…મેં સેહજ કાતિલ નજરે જોયું એની સામે ,
પછી એને એમ લાગ્યું કે ભાંગરો વટાઈ ગયો છે એટલે ફેરવી તોળ્યું એને ઇન્ફેક્શન ન લાગે ને એટલે આ બધું સાયન્ટિફિક જ છે …
આપણે તો બાહર ,એના ઘર ની ….
જે ઘરમાં ત્રણ ત્રણ પેઢી ગ્રેજ્યુએટ કરી ગઈ ત્યાં આવું ? પણ હકીકતે એવું હતું કે વઢકણી વહુએ દીકરો જણ્યો હતો ..
એ દિવસ અને આજ નો દિવસ ક્યારેય એના છોકરાને આંગળી નથી અડાડી, ભૂલથી અડી જાઉં એના દીકરાને તો સોરી કહી દેવાનું પણ અડી ન જવાય એનું સભાનપણે ચોક્કસ ધ્યાન રાખવાનું ..
આઘાત હતો… પણ વઢકણી વહુએ દીકરો જણ્યો હતો એ પણ પાંચ સાત વર્ષના વાંઝિયામેણા પછી ..! ચડીબેઠી હતી..
આ થઈ જૂની વાત ..
હવે લેટેસ્ટ બે કિસ્સા ..
એક જિમનો મારો બાળક , શૈશવનો સારો એવો ભક્ત , રૂપિયા ચિક્કાર પણ ઉછેર ગામડાનો અને એની વહુ પણ ગામડેથી લાવ્યો , શૈશવકાકા લગ્નમાં વાજતેગાજતે જાનમાં ગામડે ગયા ,મજા કરી ..
પછી આવ્યો કાળમુખો કોવિડ .. ઘણાબધા યુગલોએ સંતાનને જન્મ આપવાનું એ સમયે ટાળ્યું , એમાં આ પણ એક યુગલ , પણ પછી પડ્યા લોચા …
ઈશ્વર દેતો હોય ત્યારે લ્યે નહી અને પછી માંગ્યુ મળે નહીં ..
ઘણી મેહનત પડી ડોક્ટરોને પણ , છેવટે એક સાથે બે ખોળાના ખૂંદનાર દીધા..
હજી તો ઊંવાં ઉવાં થયું નથી કે વિડિઓ કોલ આવ્યો શૈશવકાકા બાબો બેબી બેઉ આવી ગયા, હવે ઝટ આવો તમે , બધું સરસ છે પણ તમે આવો કાકીની હારે .. બંને ધણી બાયડી કાગડોળે રાહ જોવે …
એક પેઢી નાના છોકરા એટલે આપણને સેહજ સંકોચ થાય ,પણ એક દિવસમાં ત્રણ ફોન આવ્યા , પત્નીજીને કીધું જવું પડશે હોસ્પિટલ .. દિકરીઓ મારી પાછળ થઈ અમારે પણ નાનું નાનું બાબુ જોવું છે , જુના કડવા અનુભવોને લીધે ઘેરથી સૂચના આપી કોઈ એ નવજાતને અડતા નહીં…કોઈ ને ગમે પણ ખરું અને કોઈને ના ગમે …
હોસ્પિટલ પહોંચ્યા.. ફાઇવ સ્ટાર હોસ્પિટલનો સ્યુટ રૂમ .. અમે સપરિવાર સોફામાં બેઠા , નવા નવા બનેલા દાદા દાદી નાના નાનીને હૈયે હરખ ન સમાય.. બીજા પણ ત્રણ ચાર સગાં હાજર..
કેમ છે બાળકો ? વહુમાં કેમ છે અમારી ? હજી પૃચ્છા કરું ત્યાં તો દાદી નાની એક એક નવજાતને લઈને આવ્યા અને સીધા અમારા ખોળામાં આપી દીધા .. લ્યો ભાઈ માથે હાથ મૂકો તમારી દિકરીઓ જેવા થાય ..કેવો સુંદર ભાવ..આંખ ભીની થઈ ગઈ મારી .. મેં કીધું એમનાથી પણ આગળ લઈ જાય મારો હરિ અને હર..
ખાસ્સું બે કલાક કૃષ્ણ સુભદ્રાને ખોળામાં લઈને બેઠો.. મન , હૃદય ભરપૂર..!
પેલો જૂનો ટ્રોમા ગાયબ …
હવે લેટેસ્ટ..
ક્યાંક સામાજિક પ્રસંગમાં જવાનું થયું ,
વીસ વર્ષના હતા ત્યારથી “પ્રેમ” કરતા, પચ્ચીસે પરણ્યા , પછી પાંચ મજા કરી, અને ત્રણ વર્ષ ડોકટરોને સાથે રાખીને મેહનત કરી ત્યારે મુખડું દીઠું …
હવે ખાસ્સું એવું તવંગર ઘર , હાઉસ મેનેજર સાથેનું એટલે સમજી જાવ કે કયું લેવલ હશે… મહેલ શબ્દ નાનો પડે..
ખબર પૂછવાનો કે જોવા જવાનો તો સવાલ જ નોહતો , જેમ રાણી એઝિલાબેથ એમના સંતાનોના દીદાર માટે આખો પ્રસંગ ગોઠવતા એમ એક વર્ષ પછી બિલિયન ડોલર બેબીના દીદાર નો ઓચ્છવ ગોઠવાશે ત્યારે જોવાના ઠાકોરજી ને ..ત્યાં સુધી ઓઝલ પડદામાં ..
પણ પણ પણ થયું એવું કે એક સામાજિક મેળાવડામાં છ સાત મહિનાનું બાળક લઈને ભૂલથી આવવું પડ્યું.. હતું કોઈ કંપ્લઝન ..
પત્નીજીને હરખ આવ્યો .. બચ્ચું તેડવા ગયા એની નેની પાસેથી લઈને , માતા બોલ્યા અરે. ..નહીં નહીં ..એને સેહજ તાવ જેવું છે ..
મેં જરાક જોરથી પત્નીજીનું બાવડું ખેંચી અને કાનમાં કીધું આ જર્મોફોબિક છે , અડતી નહીં એના છોકરાને એક સેઈફ ડિસ્ટન્સ રાખી અને વખાણ કરી લ્યે..
આ એક નવી પ્રજાતિની માતાઓ આજકાલ જંબુદ્વીપે ભરતખંડે જન્મી છે.. એમને સતત ભય લાગે કે એમના નવજાત ને કે બાળકને કોઈક ના જર્મસ લાગી જશે ,એટલે એ લોકો એમના સંતાનની નજીક એમની નેની, એનો બાપ અને મા સિવાય કોઈને આવવા જ ન દયે…દાદા દાદી કે નાના નાની પણ નહી …!
નંદોત્સવની તો કલ્પના જ નહીં કરવાની ..
એમને દરેક સ્ત્રીપુરુષમાં માસી પૂતના જ દેખાય ,એમને એમ જ થાય કે હમણાં કોઈ મારા લાલ/ લાલી ને સ્તનપાનના બહાને જર્મ રૂપી ઝેર આપી દેશે ..કોઈ જ આસપાસ જોઈએ જ નહીં..
હું ભલી અને મારું બચ્ચું ભલું, મારા એકદંડિયા મહેલમાં..
નકરા ચારેબાજુ મહેલમાં ડેટોલના પોતા કરાવે ઘરમાં ,કોઈ આવવું જ ના જોઈએ , બાળકને ક્યાંયથી કોઈપણ પ્રકારે ઇન્ફેશન ન આવવું જોઈએ , દુનિયાભરની રસીઓ એને અપાઈ જાય , બધું જ ડિસ્પોઝેબલ વાપરવાનું….
શંભુ શંભુ.. કૃષ્ણ કૃષ્ણ ..
અમને તો સોસાયટીમાં માટી રેતી નોહતી તો શૈશવ રેતી શોધવા નીકળ્યો હતો.. બે મોટા ખાલી કોથળા પચાસ કિલોના ગાડીમાં નાખી અને કામા હોટલના ઢાળેથી નદીના ભાઠામાં ગધેડા ઉપર રેતી ભરી અને વેચતાને શોધવા નીકળ્યો , એક ગધેડું રેતી લઈને ઘર આવ્યો , બંને દીકરીઓ અને હું રેતીમાં રગદોળાયા ત્યારે જીવને જપ વળ્યો હતો, નાની દિકરી બે વર્ષની અને મોટી પાંચ વર્ષની …
પછી એ વાત અલગ હતી કે મમ્મીએ ઝાંપો બંધ કરી દીધો કે આવા રેતીવાળા ને ઘરમાં નહીં આવવા દઉ , ચાલો જાવ ચોકડીમાં અને પેહલા ત્યાં નહાવા જાવ..
રેતીમાં રગદોળાયા અને પછી ત્રણે બાપ દિકરી ચોકડીમાં નાહ્યા.. બોલો કેવો આનંદ ..!!
જર્મ, ફર્મ, નજર કશુંય નહી ..!!!
જો કે આજકાલ તો બાળક જ જોવા મળતું નથી ,
અમારા માબાપઓએ અમે બે અમારા બે કર્યું , અમારામાં ઘણાએ પેહલો બાબો આવે તો અટકી જ જાય , જાણે મુઘલ સમ્રાટનો વારસદાર આવી ગયો ,અને હવે વાળા એક જ .. બાબો કે બેબી કોઈ માથાકૂટ નહીં..
ભયંકર દુકાળ છે બાળકોનો મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં ..
મારો શ્રીજી નાથદ્વારામાં બેઠેલો શ્રીનાથજી એ સાત વર્ષના બાળકનું સ્વરૂપ છે , એ પછીનો કૃષ્ણ અપૂજ ગણે છે ઘણા લોકો..
શૈશવ તો ઘેર ઘેર ખાઇ ને મોટો થયો છે , મમ્મી પપ્પા ડૉક્ટર હોવા છતાં ક્યારેય એવો ભય નોહતો રાખ્યો કે મારા છોકરાને ઇન્ફેક્શન લાગી જશે.. અત્યારની નવી પેઢી બાળકને રડવા નથી દેતી અને જૂની પેઢી કહે રડે તો જ એના ફેફસાં મજબૂત થાય …
કેમ ડોહાઓ અને ડોશીઓ વેન્ટિલેટર ઉપર પણ મહિનાઓ ખેંચી જાય છે એ સમજાયું હવે ?
આ જેમોફોબિકના જણેલા કેમના જીવશે ?
બળ્યું આપણે તો સવાસો વર્ષ જીવી લઇશું પછી જે થવું હોય તે થાય દેખવું ય નહીં ને દાઝવું નહીં.. જે થવું હોય તે થાય ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*