એક ટ્વીટ જોયું , જગત કાજીનું .. હમણાં કોઈ ગુજરી ગયું તો લખ્યું કે સારુ થયું ગુજરી ગયા ,હવે કોઈને હેરાન તો નહીં કરે …!!!
મને ખરેખર ગમ્યું ..!!
મોટાભાગના દરેક ગ્રુપોમાં કોઈ ગુજરી જાય એટલે ” ૐ શાંતિ” લખવાનો રિવાજ થઈ પડ્યો છે, પણ થોડાક સમય પહેલા એવી વ્યક્તિ ગુજરી ગઈ કે જેના માટે મને ઓમ શાંતિ લખવાની બિલકુલ ઈચ્છા ન થઈ ,
મને છેક આંગળીને ટેરવે આવી ગયું કે “ૐ શાંતિ” ની બદલે “ઘણી શાંતિ ” લખી નાખો…
વિચારજો , તમારી આજુબાજુમાં પણ ક્યાંક થોડીક એવી વ્યક્તિઓ તો ચોક્કસ મળી આવશે કે જેના મરવાથી એના પરિવારને એના મિત્રોને એની આજુબાજુમાં રહેતા તમામ લોકોને એમ થાય કે હાશ છુટ્યા…
અને પાછું ઉપરથી આવા લોકો માટે પાછા ઘણા બધા લોકો સારું સારું લખે બોલે , તમને એમ થઈ જાય કે આવું કેમ ભાઈ શું કરવા ? આટલી બધી ચાંપલાશ પટ્ટી કરવી એના કરતા “ઘણી શાંતિ” થઈ છે તો “ઘણી શાંતિ” લખો ને ભાઈ..
પણ કેવું છે કે આપણે ત્યાં અત્યારે પોઝિટિવિટીના વાયરા વાયા છે, ચૈતર વૈશાખ ના વાયરા તો વાતા વાયા પણ પોઝિટિવિટીના વાયરા એટલા બધા વાઈ ગયા છે કે નિંદા કૂથલી કરવાનું લોકો ભૂલી જ ગયા છે લગભગ..
અને સોશિયલ મીડિયા ઉપર જરાક કોક કે પોતાના વિચાર રાખે તો દે ધનાધન , દે ધનાધન .. પબ્લિક એની ઉપર તૂટી પડે છે , પણ ક્યારેક આડ ખીલી રૂપ ના કહેવાય , પણ આખો વાંસડો કે જે જગત આખાના નડતો હોય, એનું જીવતર ઝેર હોય સાથે બીજાનું પણ ઝેર કરીને બેઠો કે બેઠી હોય આવી વ્યક્તિ મરે તો એમાં ૐ શાંતિ ને બદલે “ઘણી શાંતિ” લખીને છૂટી પડાય ,મૂઓ મર્યો ..
સારું થયું , પણ આપણને આવું લખતા ઘણું જ કષ્ટ થાય છે, શું માનવું તમારું..?
તમને એમ થાય કે એવો તો કયો ગયો ..?
તો કહું ..ગામનો ઉતાર , જુવાનીમાં ગામની એકે છોડીને છોડે નહીં , બૈરા એના માટે થઈને તો માથે ઓઢી નીકળે , દારૂ પીવે પીવડાવે અને વેચે , કંઈક લોકોના વ્યાજમાં ઘર લૂંટ્યા , જુગારને રવાડે ચડાવ્યા .. બીજા ઘણા બધા અપલખ્ખણ ..
આવી વ્યક્તિ ગુજરી જાય તો શું કરવાનું ???
ઘણી શાંતિ જ લખાય ને ???
દશેરા એ રાવણ બાળવાનું ભૂલી ગયા છીએ અને ફાફડા જલેબી ખાઈ અને ગાંડા કાઢીએ છીએ, ત્યાં સુધીની ઘેલછા છવાઈ છે કે રાવણના પણ ગુણગાન ગવાય છે , રાવણને એટલો બધો ડાયલ્યૂટ કરવામાં આવ્યો છે કે હવે આવનારા દિવસોમાં એક સમય હવે એવો આવશે કે રામ અને રાવણમાં શું હતું ? કે તકલીફ શું હતી? એની બૈરી જ ઊઠાઈ ગયો હતો ને ? અડ્યો તો નહોતો ને ? કશું કર્યું નહોતું તો પછી આટલી બધી ધમાલ શું કરવા કરી ભઈ..? એ તો થોડી વધારે ધીરજ રાખી હોત તો લડાઈ ટાળી શકાય હોત અને જે લઈ ગયો હતો એ જ પાછા મૂકી ગયો હોત સીતાજી ને ..!!!
અત્યંત અહિંસા ને વરેલો અહિંસક થઈ ગયેલો સમાજ પોતાના માટે ખૂબ ઘાતક પુરવાર થાય છે, સમાજ લોકોથી બને છે અને લોકોનો બહુ મોટો ભાગ પોતાના વિચારો ને દબાવતો થઈ ગયો છે,
સત્ય અને સ્વાર્થ આ બેને બહુ દૂર દૂરનો સંબંધ નથી જ્યોતિષની ભાષામાં કહું તો બિયાબારું છે…
બાર ઘરનું અંતર, અને 13 મું ઘર હોય જ નહીં એટલે ઉત્તર દક્ષિણ કહીએ ને તો 180 ડિગ્રી થાય આ 330 ડિગ્રી થાય સત્ય અને સ્વાર્થ વચ્ચે આટલું મોટું અંતર છે જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં સત્ય દબાઈ જાય છે,
મારી જિંદગી મારી રીતે જીવવી છે, મારે કોઈ સ્ટ્રેસ લેવો નથી મારે ફક્ત અને ફક્ત મજા કરવી છે અને મજા ના મળે તો મારે અવેલેબલ બધા જ વ્યસન કરી છૂટવા છે , સ્ત્રી હોય કે પુરુષ હોય દરેકને અત્યારે આ એક જ વાત મનમાં રમતી હોય છે ,મજા જ્યાંથી કરવા મળે ત્યાંથી કરી જ લે છે પ્રજા, આ મજા ના રવાડે ચડેલી પ્રજા પહેલી વ્યસનની અને બીજી આતતાયીની ગુલામ બનતી હોય છે … વ્યસન ઘણા બધા પ્રકારના હોય, રોજ એક જ પ્રકારની ધાર્મિક ક્રિયા કરવી ,એક જ પ્રકારનું જમવાનું જોઈએ જ, અને એ ક્રિયા ના કરવા મળે તો આખા ઘરને હેરાન પરેશાન કરી મૂકવું એને પણ વ્યસન જ કેહવાય..!!
જરૂર છે વાંચનની, સત્યની અભિવ્યક્તિની ..
જે લોકો ઠેકો લઈને બેઠા છે એ લોકો ધાર્મિક ગ્રંથોના વાંચનની કથાને બિલકુલ કમર્શિયલ રૂપ અને આનંદ કરાવવાની વાત છે એમ કરીને જઈ રહ્યા છે , અને લોકો આનંદ કરવા માટે પણ જાય છે , અરે બહુ મજા આવી.. સાથે તમને પણ ખેંચે અરે આવો ને યાર બહુ મજા આવે મસ્ત ટાઈમપાસ થઈ જાય…
બોલો શું કરવા ગયા હતા??? આપણો આનંદ, આપણો પ્રમાદ, આપણી મજા, ત્યાં સુધી છે કે જ્યાં સુધી બીજી વ્યક્તિ તમારી ઉપર મહેરબાની રાખે, કારણ શું તો તમે ૐ શાંતિ લખતા થઈ ગયા છો,
ઘણી શાંતિ લખવાની હિંમત કે તાકાત નથી ધરાવતા અથવા તો એનાથી બચો છો…માથાકૂટમાં નથી પડવું ..!!
નિંદા કૂથલી માણસને અસુર બનતા અટકાવે છે, એક અજાણ્યો ભય અને સાથે સાથે નૈતિકતાની અજાણી તાકાત આપે છે, બીજી સારી વાત એ પણ થાય છે કે આ તો જે હશે એ મોઢ કહી દેશે અથવા ગામ આખામાં બોલશે આવું સમજી અને અસુરી તત્ત્વો જરાક એ વ્યક્તિથી દૂર પણ ભાગે…
મારી સાથે આવું બને છે , આ તો લખી નાખશે એવી વાત ઘણાના મોઢે સાંભળું છું ..!!
મજા આવે મને આવું સાંભળવાની ..!
કોઈની ઘણી શાંતિ લખીએ એટલે આપણી ઘણી શાંતિના લખાય એની બીક આવે , ઘણી બધી વસ્તુઓથી બચી જવાય,
જો કે આ વાત સાધારણ માણસોને લાગુ પડે હોં , બાકી બહુ મોટા ઘણી શાંતિ લખી અને નાગાઈ પણ કરી લ્યે..!!
પણ ઘણી શાંતિ ચાલુ થવું જોઈએ ..!!
ઘણી શાંતિ ની બીકે ઘણા અધર્મો થતા બચશે ..
એક અસુર ગુજરી ગયો હતો , જીવનભર બધાને નડ્યો હતો , કોઈને ત્યાં વેહવારમાં ના જાય અને જાય તો કંઈક ડખો ઊભો કરે કરે અને કરે જ ..
હવે થયું એવું કે એના આવા સ્વભાવને કારણે એના સંતાનો પણ આવા ડખાડીયા જ પેદા થયા , કોઈની સાથે સરખી વાત ના કરે , પરિણામ શું આવ્યું ?
તો કહે અસુર ગુજરી ગયો તો એનું બેસણું ના રાખ્યું .. કેમ ??? તો કહે આપણે કોઈને ત્યાં ગયા હોઈએ તો કોઈ આપણે ત્યાં આવે ને ?
આજે એના ડખાડીયા સંતાનો અંદર અંદર બાખડી અને અડધા થઈ ગયા છે બધા જ પોતાની દુનિયામાં જીવે છે …
પેલું ઘણી શાંતિ નો રિવાજ હોત તો જરાક અસુરના અસુર વેડા ઓછા થયા હોત , કદાચ..!! ડખાડીયા ના થઈ ને સરખા રહી શક્યા હોત ..
ઘણી શાંતિ બીજી એક વાત ક્લિયર કરીને આપે , લખનારો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય મૂકે છે , મને આ વ્યક્તિ નડતો હતો , નોહતો ગમતો , દૂધ અને દહીંમાં જીવવાનું મને નથી ગમતું મને એક જ વાત ફાવશે ..!!
જગત કાજી એ જે ઘણી શાંતિનો ઉપયોગ કર્યો છે એ મેસેજ આપણને તો ગમ્યો , તું મને નડતો હતો .. એક બે ને સાડા…
જો કે હું હજી ઘણી શાંતિ લખવાની હિંમત કેળવી શક્યો નથી એટલે ઘણી બધી વખત ફક્ત બે હાથ જોડી અને છૂટી પડુ છુ, ચાતરી જવું એ ભારતીય સ્વભાવ છે..!!
ઘણી શાંતિ લખવા માટે આપણે સમાજ તરીકે ફરી એકવાર ખરા અર્થમાં રાવણ દહન કરવું રહ્યું , હિંમત કેળવવી પડશે ..!
હંમેશા બીજાનું ધ્યાન રાખવું , નફા નુકસાનના સતત સરવાળા બાદબાકી કરતી પ્રજા ઘણી શાંતિ લખવાની હામ ખોઈ બેસે છે ,
પંગો લેવાની પણ તાકાત જીવનમાં જોઈએ …
મૂઓ મરતો.. મરી ગયો / ગઈ .. હળગી ગઈ/ ગયો ,
હવે ક્યાં બેઠો/બેઠી થવાની છે ?????
કાંઈ નથી લખવું ઘણી શાંતિ ..
આપણી શાંતિ ભંગ થઈ જશે … લખી કાઢો ૐ શાંતિ …!!!
અરેરે..
અલ્યા કોઈ આતંકવાદી એન્કાઉન્ટરમાં મરે અને એના સમાચાર આવે ને તો ઘણી શાંતિ લખજો , શરૂઆત કરો ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*