જુલાઈ પૂરો થયો અને ઓગસ્ટ આવશે..
ફરી એકવાર જહાજો ના જહાજ ભરાઈને ભારતના ડોક્ટર અને એન્જીનીયર કે પછી બીજી ઉચ્ચશિક્ષા મેળવેલા છોકરા છોકરીઓ નોર્થ અમેરિકા ભણી ને સ્વર્ગથી મહાન એવી ભારતભૂમિ ને કાયમ માટે છોડીને ભાગશે..!
ક્યારેક તો આપણી જાતને પણ પૂછવાનું મન થાય કે કેવી “આઝાદી” મેળવી છે કે જેમાં વધારે ભણેલાને એક નોકરી પણ આપણે નથી આપી શકતા ..?
અરે બાર વર્ષની સ્કુલ, ચાર વર્ષ ના ગ્રેજ્યુએશન ,બે વર્ષનું પીજી, અને પછી પણ આગળ ભણેલા છોકરા છોકરીને તમે છાતી ઠોકી ને એમ ના કહી શકો કે તારો પગાર બાર મહીને દસ લાખ પાક્કો..!!
અને અહીંથી “ભાગી છુટેલા” ને ..?
જો `આટલી` બધી ડીગ્રી “ત્યાં” રહી ને ભેગી કરી હોય તો બિન્દાસ્ત લાખ સવા લાખ ડોલર પાડતો થઇ જાય..!
મારો એક હાડોહાડ રાષ્ટ્રવાદી મિત્ર એક ઉક્તિ હંમેશા બોલે .. હે ભગવાન ભારતભૂમિ ઉપર જન્મોજન્મ તું જન્મ આપજે પણ સામાન્ય માણસ બનાવી ને ક્યારેય ના આપતો..!!
કેવું પરમ સત્ય..!!
ગમ્મે તેટલું ભણ્યો હોય લાલો, પણ અમદાવાદ જેવા શેહરમાં ત્રણ બેડરૂમ હોલ કિચન નો ફ્લેટ નવા લેવાનો હોય તો લાલો અને એની લાલી આખ્ખી જિંદગી તૂટાય તો જ ફ્લેટના હપ્તા પુરા થાય અને “ત્યાં” ..?
લાલો લાલી બંને મચી પડે તો પાંચ, અને બહુ થયું તો સાત વર્ષમાં ઊંચું મૂકી દે..!!
બહુ જ ગંદા સંજોગો ઉભા થયા છે આ દેશમાં ..
જો કે આજકાલના નથી, લગભગ સાહીઠના દાયકાથી આવું જ ચાલી રહ્યું છે, પણ વિડંબણા તો એ છે કે આજે પચાસ પચાસ વર્ષથી પણ કોઈ જ ફર્ક નથી પડ્યો પરિસ્થિતિમાં ..!!
છેલ્લા બે દસકામાં તો પરિસ્થિતિ ઓર બગડી છે ..
પેહલા તો ઓછી ફી માં ભણેલા છોકરા છોકરી “ભાગી છૂટતા” ..
આજે તો માંબાપ ને પ્રેક્ટીકલી ખાલી કરી નીચોવી ને છોકરા પરદેસ જાય છે ..
જો કે મોટ્ટા ભાગના છોકરા પેહલું કામ દેશમાં પોતાના બાપના દેવા ભરવાનું કરતા હોય છે, પણ અમુક કપાતર હોય છે જેને ત્યાં ના હવા પાણી ઉતરતાની સાથે જ લાગી જતા હોય છે …
ઓળખું છે એવા બે ચાર ને પણ ..બાપના ઘર વેચાવે અને માંબાપ બિચારા જિંદગી આખીની કમાણી અને ઘર બધું ગુમાવી અને જીવનના અંત સુધી મેહનત કર્યા કરતા હોય છે..!
નવી શિક્ષણ નીતિ ,અને બીજું ઘણું બધું આવી રહ્યું છે પણ મારો સવાલ તો એ જ છે કે મને એવી કોઈક ડીગ્રી આપો કે જે પરીક્ષા આપ્યા પછી મને આટલા રૂપિયાની નોકરી પાક્કી..!!
હવે અહિયાં દોઢ છપ્પન થઇને આઈઆઈએમ ના ગ્રેજ્યુએટના કેમ્પસ રીક્રુટ ના આંકડા મુકવાની જરૂર નથી..
હું મોટ્ટા `માસ` ની વાત કરી રહ્યો છું..
એક નાનકડો છોકરો મને થોડાક સમય પેહલા પુનામાં મળી ગયો હતો ..એણે વાત કરી એ પ્રમાણે સાદી એન્જીનીયરીંગ ની કોલેજમાં ,જ્યાં ફી લગભગ બાર મહીને બે લાખ જેવી હોય છે, એવી કોલેજના કેમ્પસ ઈન્ટરવ્યું આવે ત્યારે એ લોકો સારી હોટેલના વેઈટર કરતા પણ નીચી ઓફર આપતા હોય છે અને ઈનફેક્ટ એ છોકરો ફક્ત એક્સપીરીયન્સ માટે અત્યારે એવી એક જોબ કરી અને રોજના બાર કલાક પ્રેકટીકલી ઝુડાવી રહ્યો છે..!!
દોઢ લાખ રૂપિયા બાર મહિનાના હાથમાં આવે છે ,પેટ્રોલ બાદ કરતા અને એન્જીનીયરીંગ ની ફી દસ લાખ એના બાપે ભરી હતી..!!
મને કહે ભાઈ બોલો તમે કેટલા વર્ષે મારા બાપના રૂપિયા હું પાછા વાળીશ ..?
એ જ છોકરાના જીવનની બીજી બાજુ..પાંચ વર્ષમાં એનો બાપ રીટાયર્ડ થશે અને પાંચ વર્ષમાં એને પરણવાનું ફરજિયાત છે ..!!
સાલ્લુ પ્રેશરમાં આવી ને છોકરો દારૂ સિગારેટના રવાડે ના ચડે તો જાય ક્યાં ? યોગ ના ક્લાસમાં ..?
હવે આ જ પોપટ જો “ગમે તેમ” કરી ને ભારત નામના પિંજરમાંથી બહાર ઉડી જાય તો ?
જવાબ બધાને ખબર છે,
આજે મારી જોડે જીમ કરતા એક ત્રેવીસ વર્ષના છોકરાની જિંદગીમાં મેં ઝેર ઘોળ્યું..
મેં હલકાઈ કરી .. એ છોકરા ને મેં એમ કીધું કે તારે ત્રીસ વર્ષે તારી જિંદગીમાં શું જોઇશે એનું લીસ્ટ બનાવ ..અને તને તે જોઈએ છે એ બધું તું એમ ધારી લ્યે કે તને મળી ગયું તો એનું મેન્ટેનન્સ કેટલું આવશે એ લખી નાખ ..જીવનના ત્રીસમાં વર્ષે તારો એપ્રોકસીમેટલી ઘર ખર્ચ કેટલો હશે એ ગણી ને મુક અને એ ખર્ચો તું કેવી રીતે પૂરો કરતો હોઈશ એ સ્ટ્રેટેજી અત્યારથી બનાવ..!!
અત્યારે મને એમ થાય છે કે મેં હળાહળ વખ ઘોળી મુક્યું છે એની મસ્ત મજાની દરિયાની લેહરો જેવી ઉછળતી કુદતી જિંદગીમાં..!!
મને બસ્સો ટકા ખાતરી છે કે એ છોકરું રીતસર બઘવાઈ જશે ..ખાલી ને ખાલી એક ઘર,ગાડી,લગન, હનીમુન અને હનીમુનની પ્રોડક્ટ એક છોકરું, એ છોકરાની સ્કુલ ની ફી ..
આટલું જ જો એ વિચારી ગયો તો આજ ની રાત એન્જીનીયર થયેલું બાળક ઊંઘવાનું નથી ..સિવાય કે બે પેગ ની ક્યાંક થી વ્યવસ્થા થઇ તો..!!
આઈઆઈએમ ,આઈઆઈટી ,મેડીકલ કોલેજો અને બીજા આવા ચાર પાંચ પ્રકારના ઉચ્ચ સંસ્થાનો સિવાય નકરા ઢોરાં પુરવાના ડબ્બા બનાવ્યા છે કે જ્યાંથી ઢોરાં બાહર નીકળી રહ્યા છે..!
એક કોલેજકાળ નો મિત્ર હમણાં નરોડા જીઆઈડીસી ના એક બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો .. મેં ગાડી ઉભી રખાવી અને એને બેસાડી દીધો.. મેં સ્વભાવિક રીતે પૂછી લીધું અલ્યા કેમ લાલબસ ..?
મને કહે શૈશાવ્યા યાર જો મારે નવ થી પાંચની નોકરી પેટ્રોલ બાળું તો મહીને ત્રણ ચાર હજાર જાય અને આ એના ત્રીજા ભાગમાં પતે..પેહલું સ્ટેન્ડ મારું ઘર ,અને છેલ્લું સ્ટેન્ડ કારખાનું અને યાર હજી જો ત્રીસ પગાર છે, છોકરી હજી હમણાં નોકરીએ લાગી , સાત હજાર લાવે છે ,છોકરો અગિયારમાંમાં આવ્યો સાયન્સ લીધું છે, એની ક્લાસની ફી ઓ ,અને તારા ભાભી કઈ કરે નહિ, એક ની કમાણીએ કેટલું જોર થાય ..?
સંપૂર્ણ સત્ય એકપણ શબ્દ ચોર્યા વિનાનું ..!!
જીવનના પચાસમાં વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો માણસ ત્રીસ હજારે પોહચે છે..!!
ચાર પેટ પોતાના અને બે પેટ ઘરડા માંબાપના ઉપરથી દવાઓ અને વેહવારો..દસકામાં રીટાયર્ડ થવાનું બચત તો કરવી જ રહી ..અને અમદાવાદ જેવું શે`ર ..!!
દુઃખ થાય ..અને પેલું વાક્ય યાદ આવે ..
હે ભગવાન ભારતભૂમિ ઉપર જન્મોજન્મ તું જન્મ આપજે પણ સામાન્ય માણસ બનાવી ને ક્યારેય ના આપતો..!!
એ ભલે જતા , ભલે જતા ..
મારી માં તો હંમેશા કહે છે દિકરા તો દેશાવર ભલા..અને હવે તો દિકરા દિકરી એકસમાન..
ના રોકશો કોઈ ..ભલે રહ્યા તમારા કાળજા ના કટકા ..
એક દસકા પછી તમારા ઘડપણ માથે આવશે અને ત્યારે એમની પીડા જ તમારાથી નહિ જોવાય..!!
બહુ જ પ્રેક્ટીકલ વાત છે..
રૂપિયો ભગવાન નથી તો એનાથી કઈ કમ પણ નથી..!
આખો બ્લોગ “માસ” માટેની વાત નો છે, બે પાંચ હજાર સફળ થયેલાને અપવાદ ગણવા..!
સત્યને સ્વીકારો ..
અમે તો વીસ-પચ્ચીસ વર્ષ પેહલા સ્વીકારેલું અને મારી મોટીબા એ પચાસ વર્ષ પેહલા..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*