GST
GST માટે આટલા દિવસોમાં મોટાભાગના છાપાઓમાં કોઈ નક્કર ફાયદા કે ગેરફાયદા થશે એવી ચોખવટ વિનાના નિબંધો આવ્યા..
એકપણ પત્રકાર કે કોલમિસ્ટ કશું જ પરફેકટલી લખતા નથી,ચોખ્ખું લખું તો હજી કોઈને “સાંધા” મળતા નથી કે GSTથી ફાયદો થશે કે ગેરફાયદો..!
GSTના કાયદાનો મુસદ્દો બધા જ કાયદાની જેમ ગોળ ગોળ ભાષામાં આવ્યો..! દરેક એસોસીએશન કે પછી ધંધાકીય મિત્રોએ વોટ્સ એપમાં આખે આખી પીડીએફ ફાઈલને ફેરવી,પણ કઈ કોમોડીટી ઉપર કેટલો GST એ બધું હજી નક્કી જ નથી..!
કોઈ ૧૮ ટકા GST લખે અને કોઈ ૨૪-૨૬ ટકા GST લખે છે..કોની ઉપર કેટલો GST એ તો જેટલી સાહેબ જાણે..!
પણ સો વાતની એક જ વાત જેટલો GST અને બીજો ટેક્ષ ઉંચો એટલી ટેક્ષની ચોરી વધવાની..!
ઉંચો ટેક્ષ હમેશા રોકડાની ઈકોનોમીને ગતિ આપે, અને ધોળા નાણા ફટાફટ કાળા થઇ જાય..
અને દુનિયાની કોઈપણ ઈકોનોમીમાં જેમ જેમ રોકડા વધે એટલે ગમે તે સરકાર હોય એ ભીંસમાં આવે, અને પછી ભીંસમાં આવેલી સરકાર જેમ નબળો ધણી બૈયર પર શૂરો એમ સરકાર નામનો ધણી એની બૈયર જેવા એના અધિકારીઓ ઉપર તડી બોલાવે, અને પછી શરુ થાય રેડ પાડવાનો દોર..!
અને રેડ પડે એટલે થાય તોડપાણી..!
સરવાળે થાય ભાગાકાર..!!
એટલે જો જેટલી સાહેબ રાજા ટોડરમલની નીતિ પર ચાલશે અને ઓછો GST રાખીને વધુ લોકોને ટેક્ષ ભરવા માટે પ્રેરી શકે તો વાંધો નહિ આવે નહિ તો ફરી એકવાર “ઇન્સ્પેકટર રાજ” પાછુ આવશે..!
આમ જુવો તો અત્યાર સુધીમાં આર્થિક મોરચે લગભગ નિષ્ફળ ગયેલા જેટલી સાહેબ અને જોડે જોડે સાહેબ પણ પ્રજાને કોઈ કારણ વિના ધમકાવી રહ્યા છે ૩૦મી સપ્ટેમ્બર પછી જો તમારી પાસે “બ્લેક મની” છે તો તમારી ખેર નથી..!
હવે જેની પાસે “સારી” એવી એમાઉન્ટમાં “બ્લેક મની” છે એનું તો તમે ભૂલથી પણ કશું ઉખાડી શકવાના નથી..તમે જાતે જઈને રેડ પાડો તો મેળ પડે બાકી તો ગમે તેટલી ધમકીઓ આપો અને રેડો પાડો પણ “તોડપાણી” થઇ જાય એટલે તમારી વાર્તા પૂરી…!
કદાચ તમને થશે કે રહી રહીને હું પાછો ૩૦મી સપ્ટેમ્બર પર કેમ આવું છુ? પણ દોસ્તો પ્રધાનમંત્રી જયારે જાહેરમાં મીડિયામાં લોકોને ચેતવણી આપે એ મને થોડું અજુગુતુ લાગે છે,
કાળાનાણાના મૂળમાં જવાને બદલે ડાળા પાંદડા કાપવાની વાતો થાય છે..
નરેન્દ્ર મોદી પાસેથી આવી “ધમકીઓ” સિવાયની ઘણી બધી અપેક્ષા છે..!
બારસો વર્ષથી ગુલામીમાં જીવતી પ્રજાને પેહલા તો અનુભવ કરાવો કે સરકાર હવે તમારી છે, અને તમારા મેહનતના રૂપિયા જેને ઇન્કમટેક્ષ ભરતા લોકો “હાર્ડઅર્ન મની” કહે છે, એ ટેક્ષ ભરતી પ્રજાને પ્રોપરલી પ્રજા પોતે સમજી શકે એવી ભાષામાં હિસાબ આપો કે તમારા રૂપિયા હવે ભ્રષ્ટાચાર કરીને રાજકારણી અને સરકારી અધિકારી નથી “ખાઈ” જઈ રહ્યા..!
અમે તમારા ટેક્ષ ભરેલા રૂપિયાનો સદઉપયોગ કરી રહ્યા છીએ,કાળાનાણાની બુમો બહુ પાડી પણ હવે થોડા પકડી અને એને સારી રીતે ક્યાં વપરાઈ રહ્યા છે એવો ફોડ પાડો..
વિશ્વાસનું આ લેવલ અત્યારના સંજોગોમાં નરેન્દ્ર મોદી જ ઉભું કરી શકે તેમ છે, અને એની બદલે જેટલી સાહેબ અને સાહેબ જાહેર મીડિયામાં ધમકીઓ આપે છે..!
GST ની નેટમાં કદાચ ખુબ નાના નાના વેપારીઓ પણ લઇ લેવાની સરકારની ગણતરી હોય એમ લાગે છે..
મોટેભાગે કન્ઝ્યુમર પાસે પોહચતી પ્રોડક્ટ ૬ થી ૧૦ પ્રોસેસમાંથી પસાર થઇ ને કન્ઝ્યુમર પાસે પોહ્ચે છે..
અહિયાં “કન્ઝ્યુમર”ની વ્યાખ્યા એટલે સામાન્ય માનવી, અને ઉદાહરણમાં લઈએ તો શ્રાવણ મહિનો ચાલે છે તો બટાકાની વેફરનું પડીકું લઈએ..
બટાકું ખેડૂત પાસેથી કોલ્ડસ્ટોરેજમાં જાય, ત્યાંથી APMCના વેપારી, ત્યાંથી હોલસેલમાં ડીઝલના ચુલા પર વેફર બનાવવાવાળા પાસે, ત્યથી પછી વેફર હોલસેલર અને પછી ફરસાણની દુકાન, અને ફરસાણની દુકાનથી આપણી પાસે આપણા પાપી પેટમાં, અને પછી વાયા ગટર એ બટાકું ગયું સુએઝ ફાર્મ ..!
બટાકાની સદ્દગતિ થાય..!
ટૂંકમાં “કન્ઝ્યુમર” એટલે જે ગમે તેવી પ્રોડક્ટ હોય એને છેલ્લે ભંગારમાં ફેરવી નાખે અને પછી એ પ્રોડક્ટનો કોઈ જ ઉપયોગ બાકીના રાખે એને “કન્ઝ્યુમર” કેહવાય..!
હવે જેટલી સાહેબ GSTમાં ખેડૂતને તો આંગળી અડાડશે નહિ, બહુ મોટી વોટ બેંક છે..! પછી વારો આવ્યો કોલ્ડસ્ટોરેજનો ત્યાં પણ સળી થાય એમ નથી તો APMC ને અડ્યા તો એવું બુચ વાગે કે જવાદો ને વાત…!
એટલે એ વારો આવ્યો પેલા ડીઝલના ભઠ્ઠા પર બટાકાની વેફર તળતા માણસનો પકડો..દોડો…દોડો..પકડો..પકડો.. એને તો નાં જ છોડાય ભાઈ..
હવે રહ્યો પેલા હોલસેલર..એ ઝાલી જ લ્યો એને પણ GSTમાં નાખો પછી તો કહે ફરસાણની દુકાન ..અરે યાર એની માં ન્નને માર્જીન જોયો છે ફરસાણવાળાનો કેટલો બધો છે…! ઉપાડી જ લો સાલ્લાને ..!
છ જણામાંથી ત્રણ જણા હાથમાં આવ્યા GST માટે…!!!
એટલે હવે તો મેક્સીમમ ટેક્ષ ઠોકવો જ રહ્યો..!
દુનિયાભરમાં GST છે, પણ આપણે તો બાકી SGST અને CGST કરવાની ફિરાકમાં છીએ,એટલે શું ? તો કે રાજ્યનો GST છે એને SGST કેહવાનો અને કેન્દ્રનો GST છે એને CGST..
અલ્યા તો પછી અત્યારની પરિસ્થિતિમાં અને GST માં ફેર શું..?
નવી બાટલીમાં જુનો દારુ..?
છેલ્લા ઘણા બધા બજેટમાં કોઈ નાણામંત્રી કઈ ખાસ કરી શક્યા નથી, અને જેટલી સાહેબ પણ ટેક્ષ પર સેસ નાખીને આવક વધારવા સિવાય કઈ બહુ ખાસ ઉકાળી શક્યા નથી…!
GSTની કમિટીમાં અરવિંદ પનઘડીયા છે, ચમત્કારની આશા રખાય..?
આશા અમર છે નિરાશા નક્કી છે..!
આલ્યાની ટોપી માલ્યાને અને માલ્યાની ટોપી ટાલીયાને..!
જોઈએ હવે જેટલી સાહેબ GST માં બીજા કેટલા વાળ ખેરવે છે..!
શુભ સંધ્યા
શૈશવ વોરા