ફાઈનલી ગઈકાલે ધાબે ચડી ને ગુરુ શનિ ને ફક્ત એક ડીગ્રી દૂર રહેલા જોઈ લીધા , અને મોંઘા માઈલા મોબાઈલથી ૫૦ x ઝૂમ કરી ને કચકડે મઢ્યા..!! પણ સરખા ના આવ્યા..!!
આમ તો લોક્ડાઉન થયા પછી જીમ જવાનું બંધ થયું ને ઘરના ધાબા ઉપર જીમ કરવાનું ચાલુ કર્યું ત્યારથી રોજ નભમંડળ ને નિહાળવાની તક સરસ મળે છે ,
વચ્ચે પેલું ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર દેખાઈ ગયું હતું એકવાર ,એ પછી મંગળ પણ ઘણો ચમકતો દેખાતો હતો છેલ્લા બે મહિનાથી અને ગુરુ શનિ ને તો રોજ નજીક આવતા જોતા હતા…!! કાલ થી હવે દૂર જતા જોવા મળશે..!!
જીવનનો એ પણ એક ભાગ જ છે ,પેહલા નજીક આવો ને પછી દૂર જાવ..!!!
આમ તો દર બે ચાર વર્ષે કૈક નવા નવા ખગોળીય નજારા જોવા મળતા જ હોય છે શરત એટલી કે નજર ઉંચી કરવા નો સમય જોઈએ..!!
ખગોળની જોડે જોડે જ્યોતિષને પણ જોડતા ફાવે તો મજા થોડી વધે ..
એક એવી વાત ,કિસ્સો .. જુનો ચિઠ્ઠો ખોલું છું ..ડોહો થતો જાઉં છું નહિ …?!!!
કોલેજના જમાનામાં અમે જ્યોતિષ શાસ્ત્રના ચોપડા વાંચતા હતા જયારે ત્યારે ખાલી ને ખાલી શોખથી એવી જ પ્રકારની ચોપડીઓ વાંચતા બીજા મિત્રોની સાથે ચર્ચાઓ થતી ને એકબીજાની ખીલ્લી ઉડાવતા..!
એકવાર પ્રભુ શ્રી રામચન્દ્રજી ની કુંડળી ક્યાંક છાપામાં છપાઈ હતી .. અત્યારે ગુગલ ઉપરથી લઈને શબ્દોમાં મુકું છુ..!
भगवान राम का जन्म कर्क लग्न और कर्क राशि में हुआ। इनके जन्म के समय लग्न में ही गुरु और चंद्र, तृतीय पराक्रम भाव में राहु, चतुर्थ भाव माता के भाव में शनि, और सप्तम पत्नी भाव में मंगल बैठे हुए हैं। नवम भाव में उच्च राशि गति शुक्र के साथ केतु, दशम भाव में उच्च राशि का सूर्य और एकादश भाव में बुध बैठे हुए हैं।
હવે આ કુંડળી ને મેં કાગળ ઉપર ચીતરી કાઢી ને પછી એક મિત્ર ને કીધું આ કુંડળી જો તો જરાક ,આ ભાઈ ને તકલીફો ઘણી છે..!!
પેલો પણ મારા જેવો નવ`સિખીયો` ..એટલે ચાલુ કર્યું ભાઈએ બોલવાનું કર્ક લગ્ન છે, ગુરુ ચન્દ્ર જોડે છે એટલે ગજ કેસરી યોગ થાય પણ લગ્નમાં ગુરુ છે એટલે સ્થાનભ્રષ્ટ કરે ગુરુ એટલે જીવનના અમુક વર્ષો ગજ કેસરી ફળ ના જ આપે ..!!
આપણે મનમાં વિચાર્યું , વાત તો સાચી , ચાલતા ચાલતા જ ભટક્યા છેક લંકા સુધી.. બોલ આગળ..!
સાતમાં સ્થાનમાં મંગળ બેઠો છે એટલે પત્ની સરસ મળે પણ લગ્ન અચાનક થાય અને પછી બહુ બને નહિ ,જોડે ના રહી શકે..!!
મેં કીધું બને નહિ એ વાળી વાત તારી ખોટી , પણ જોડે નથી રહ્યા બહુ..!!
મિત્ર આગલા બોલ્યો .. તુલા નો શની ઉચ્ચ નો અને સામે દસમે મેષ નો શની પણ ઉચ્ચ નો એટલે બાપા જોડે ઝઘડા બહુ ,ઉચ્ચના ગ્રહો છે એટલે બાપા નું કીધું બધું કરે ખરા પણ બાપા ને એકલા જ રેહવું પડે ઘડપણમાં અને આ ભાઈ ને એમના છોકરા સાથે પણ બધું એવું જ રેહવાનું..!!
પછી એ મિત્ર ના દિમાગની ટ્યુબલાઈટ ઝબકી.. અલ્યા કોની કુંડળી છે આ ..?
કર્ક લગ્નમાં ઉચ્ચ નો ગુરુ અને ચન્દ્ર ..શનિ ,મંગળ ,સૂર્ય બધુંય ઉચ્ચ નું છે .. એ મિત્ર નો અવાજ ઉંચો થયો છે કોણ બે શૈશાવ્યા આ હસ્તી ..?
મેં કીધો બોસ માણસ છે અલ્યા .. પેલો અકળાયો બે..એ… છે કોણ ?
મને લાગ્યું બહુ ખેંચવામાં સાર નથી એટલે મેં કહી દીધું કે બકા આ તો ભગવાન રામચન્દ્રજીની કુંડળી છે..!!
પેલો રીતસર દુઃખી થઇ ગયો અરે રામ રામ રામ ..આખી દુનિયાના લેખ લખનાર અને સર્જનહારની કુંડલી જોવાનું પાપ તે મારી જોડે કરાવ્યું .. શંભુ શંભુ ..શિવ શંભુ આ શું થઇ ગયું મારાથી ?
જાણે મહાપાતક થઇ ગયું હોય એવી વાત..! સખ્ખત `સેન્ટી` થઇ ગયો..! મેં કીધું સોરી યાર પણ એવું હોય તો ચલ મંદિરે ત્યાં જઈને સોરી કહું બસ ..!!
મંદિર તો મને લઇ ગયો એ મિત્ર , પછી જરાક શાંત થયો..!! પણ પછી એ જેમની પાસેથી શીખતો હતો ત્યાં લઇ ગયો અને એ કાકા એ જયારે એને કીધું કે એમાં કશું પાપ ના લાગે ,દેવ ની કુંડળી છે તો શું થયું ? જોવાય એમાં કઈ વાંધો નહિ ,પછી શાંત થયો એના મન નો ઉદ્વેગ..
ત્યારે એ કાકા એ જ્ઞાન આપ્યું કે કોઈ ની પણ કુંડલી જોતા પેહલા ગુરુ અને શનિ ની પોઝીશન ખાસ જોવી ,જેથી આવી રીતે ભરાઈના જવાય છેલ્લા સો વર્ષમાં શનિ અને ગુરુનું ગોચર કેમનું હતું એનું ધ્યાન રાખી ને જ કુંડળી જોવી નહિ તો લોકો આવી પરીક્ષાઓ પણ ઘણી કરશે..!!! અને ભરાઈ જવાય..!!
વાત સાચી ..!
આજે ગુરુ અને શનિ કોઈ કહે છે ચારસો વર્ષ અને કોઈ કહે છે આઠસો વર્ષ પછી યુતિમાં આવ્યા છે..!!
જ્યોતિષ શાસ્ત્ર ને બાજુ ઉપર મુકીએ તો પણ ખરેખર ગુરુ અને શનિ ને એકદમ નજીક આવેલા નિહાળવા નો હજી પણ થોડાક દિવસ સારો અવસર છે..!!
એ પણ તદ્દન ફ્રી ..!
વળી આકાશ પણ ચોખ્ખું છે ,
હેમંત ઋતુમાં સંધ્યા અને ઉષા બંને ના રંગો જબરજસ્ત ખીલે , જયારે સમય મળે ત્યારે સાંજે છ વાગ્યાથી કોઇપણ સેહજ ઊંચા બિલ્ડીંગના ધાબે ચડી જજો અને ઉત્તર પશ્ચિમ તરફ નજર ફેરવજો અને એવું કોઈ બિલ્ડીંગ ના મળે તો કોઈ ખુલ્લી જગ્યાએ .. અને હાથમાં એકાદો ગરમ ગરમ ઉકાળો ચૂસકી ભરવા માટે ..!!!
ઘણા ફ્લેવરવાળા ઉકાળા બજારમાં મળતા થઇ ગયા છે..!! સરખું પેહરી ઓઢી ને પણ હો..!!! ઠંડી ઝટ કોઈ ની સગી થતી નથી અને એમાં પણ મારી તો ધરાર નહિ..!!
ગઈકાલે પણ જયારે આ જ ખગોળીય ઘટના ને દક્ષીણ પશ્ચિમના આકાશમાં એસજી હાઈવે ઉપર ગાડીમાંથી નિહાળી ત્યારે એવો સવાલ આવ્યો કે જ્યોતિષની દ્રષ્ટિ એ શું અસર પડે ?
ગુરુ અને શનિ ની યુતિ એટલે જીવ અને શિવ ની યુતિ કેહવાય છે, મકર રાશીમાં થઇ રહેલી આ યુતિમાં શનિ સ્વગૃહી અને ગુરુ નીચત્વ ભોગવે , બંને ગ્રહો આમ તો સાચું કરવાવાળા , શનિ તો પ્યોરલી ન્યાય નો દેવતા અને એની જોડે ગુરુ આવે એટલે સકળ સંસાર નો ન્યાય તોળી કાઢે..!!
દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે..!!
સમયગાળો ઘણો લાંબો ચાલશે આ..!
મકર રાશીમાંથી શનિ આગળ પણ એની પોતાની કુંભ રાશીમાં જશે, જો કે ગુરુ મહારાજ તો એમની ગતિ થી આગળ ભ્રમણ કરી જશે એટલે સમીકરણો બદલાય .!!
ટૂંકમાં કહું તો આવનારા ચાર પાંચ વર્ષ ન્યાય ના વર્ષો હશે મોનોપોલીઓ તૂટશે..!!
સર્જન અને વિસર્જન બધુય થશે..!!!
આખે આખા દેશો ના દેશ નો ન્યાય તોળી કાઢશે , નહિ જોયેલા સારા અને ખરાબ બંને દિવસો આવશે..!!
ગભરાવાની જરૂર નથી , અમારે જુના મિત્રોનું વોટ્સ એપ ગ્રુપ છે શેરબજાર જરાક તૂટે એટલે એક મિત્ર બહુ પેનિક થાય પછી હું એને પૂછું કે અલ્યા તે કેટલા રોક્યા છે બે પાંચ કરોડ ખરા..? તો બોલે ના રે ના બે ચાર લાખ માંડ .. !
એવું જ આ અત્યારના ગ્રહો નું છે , જેના પાંચ પચ્ચીસ કરોડ લડતા હોય એને તકલીફ, બાકી તો લાખ કમાયા નથી ને લખેશરી થયા નથી એને શનિ શું અને ગુરુ શું નડે ?
મોજ કરો .. મારી જેમ ઉંચી નજર રાખજો સાંજે..!!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*