ત્રણ ચાર દિવસ પેહલા ગુરુપૂર્ણિમા ગઈ..
આખે આખી ફેસબુક અને વોટ્સ એપ ની વોલ લગભગ ગુરુઓને લોકો એ પ્રણામ કર્યા છે..!
જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે “ગુરુ સ્થાન ભ્રષ્ટ કરોતિ..”
એટલે ગુરુ જે સ્થાન પર બેઠો હોય એ સ્થાનની પત્તરફાડી ને મૂકી દે ..!
ગુરુની દ્રષ્ટિ જ સારી…પંચમી ,સપ્તમી અને નવમી એમ ગુરુ ત્રણ દ્રષ્ટિ કરે, પણ જ્યાં બેઠા ગુરુ બેઠા હોય એ સ્થાન ને બગાડીને મૂકી દે ..!
તમે `માર્ક` કરજો મોટાભાગના મધ્યમવર્ગના કુટુંબો ક્યારેય કોઈ ગુરુને ઘરમાં નહિ ઘાલે.. ગુરુને ત્યાં જઈને એમની દ્રષ્ટિ લઇ આવશે, પણ ઘરમાં નહિ ઘાલે..
લગભગ દરેક માતાપિતાની સ્ટ્રીક સુચના હોય છે કોઈ ને ઘરમાં નહિ ઘાલવાના ..!
વગર જ્યોતિષ શીખ્યે મોટાભાગનો આખો મધ્યમવર્ગ કોઈ જીવતા ગુરુને ઘરમાં નથી લાવતો, અને નીચલા વર્ગના ઘરમાં ઘુસવા ગુરુ તૈયાર નથી હોતા..!
તમે બીજું પણ `માર્ક` કરજો કે કોઈપણ ધર્મના ગુરુના રવાડે ચડેલા લોકોની જિંદગીના રસકસ એમના `જીવતા` ગુરુએ ખેંચી લીધા હોય છે ,
ગુરુ ના રવાડે ચડેલા ચેલાઓ જીવતે જીવત સંસારમાં રહી ને મૃત્યુની કોઈ કારણ વિના નજીક પોહચી જતા હોય છે..!
દુનિયાભરની `ચરી` પાળતા હોય છે..
મને પોતાને મર્યા પછીની જિંદગી માટેના ખેલાતા જંગ માટે બહુ ક્રોધ છે ..
મર્યા પછી મળનારા સ્વર્ગ ,જન્નત ,હેવન કે પછી મોક્ષ આ બધા ને મેળવવા માટે અત્યારની જિંદગીને ઝંડ કરી મુકવાની ક્યાં જરૂર છે ..?
આજ સુધી એકેય મરેલો `રીસીપ્ટ` આપી નથી ગયો કે હું ક્યાં છું ..!
મસાણમાં લાકડાની રસીદ મળે એ છેલ્લી રસીદ ,એકવાર ધુમાડો થઇ ગયો પછી પાર્ટી ક્યાં છે એની ખાલી મનઘડંત કલ્પના અને વાતો છે..પણ લોકો બિલકુલ માનવા તૈયાર નથી, મોટાભાગના ગુરુઓ એવું ઠસાવી જ દે છે કે તારી આજ બહુ જ ખરાબ છે અને કાલ સુધારવી હોય તો પછી મારે શરણે આવો ..!
પત્યું..
પછી ચાલુ થાય દુનિયાના તમામ “વાદ” ..અને વિવાદ..!!
બાઝી મરો..
ઈશ્વર નામની સંસ્થા કદાચ મરઘી પેહલા કે ઈંડું પેહલા એવા અનેકો અનેક સવાલોના જવાબરૂપે કોઈએ સર્જી હશે..
થોડુક કોઈક ને રેશનાલીસ્ટ લખાણ લાગશે, પણ જીવનમાં થોડાક ઘણા જોયેલા અને થોડાક જાણેલા ગુરુઓની `હાલત` અને `હાલાત` નો વિચાર કરું ને તો બહુ કફોડી પરિસ્થિતિ દેખાય છે..
જો કે ગુરુ નું એક બીજું મોટ્ટું લક્ષણ એટલે અહંકાર ..
હું પેહલા પણ લખી ચુક્યો છું અને બહુ જાણીતી ઉક્તી છે ..
“અહંકાર અને આત્મવિશ્વાસ ની વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી હોય છે..”
કોઈ વ્યક્તિ અહંકારથી આત્મવિશ્વાસ કેળવે છે અને કોઈ આત્મવિશ્વાસથી અહંકાર..
સાદી ભાષામાં કહું તો તમે અને હું કોઈ ટોપિક ઉપર વાત કરતા હોઈએ ત્યારે જો મારી આદત પ્રમાણે હું જ્ઞાન છીડકતો હોઉં ,અને એ જ્ઞાન જોડે તમે કન્વીન્સ થાવ તો મારો આત્મવિશ્વાસ ,
તમે જો સામી દલીલ કરો અને જો એ દલીલ ને હું કન્સીડર ના કરું , મારો કક્કો સાચો તમારો ખોટો તો એ મારો તમારા માટે અહંકાર ..
ભલે ને હું ખરેખર સાચો હોઉં ..!
ગુરુ બનવું બહુ અઘરું છે જીવનમાં,
જરૂરી કે બિનજરૂરી એવા અસંખ્ય જ્ઞાન ના ભાર વેંઢારવા પડે છે ગુરુ ને, કોઈપણ સબ્જેક્ટ ઉપર પોતાનો મત આપવાની તૈયારી રાખવી પડે છે ,પાછું મત આપી અને છૂટી નથી જવાતું એ મત ને સાચો સાબિત કરવા માટે કોઈક આધાર (રેફરન્સ) પણ તૈયાર રાખવો પડે છે ..
કેમ કે ચેલાઓ પાસે તો બે ચાર જ સવાલ હોય છે,
જેમ જેમ ચેલાની બુદ્ધિ મત્તા નો આંક ઉંચો તેમ તેમ ચેલો એક પછી એક સવાલો પૂછે સાદી બુદ્ધી એમ પૂછે, આવું કેમ ? થોડોક આગલા વધેલો ચેલો … આવું કરવાથી ફાયદો શું ? એનાથી વધારે બુધ્દી વાળો .. કોણે આવું કર્યું હતું ? અને સળંગ ડાહ્યો ..મને તમે કીધું કરવાથી ખરેખર ફાયદો થશે ?
એકપછી એક એવા ઘણા સવાલોના જવાબ ગુરુએ આપવાના હોય છે..
આપણા મોટાભાગના શાસ્ત્રોના જ્ઞાન કથા વાર્તા રૂપે પુસ્તકોમાં પડ્યા છે અને મજાની વાત એવી છે કે દરેક કથા કે વાર્તા ને તમને ફરી લખવાની કે ઓલ્ટર કરવાની ,ટીકા કરવાની છુટ્ટી છે..
ખાલી ને ખાલી રામાયણ અને મહાભારત ની વાત કરું તો બંને ઘણા બધા એ અનેકો અનેકવાર પોતાની રીતે લખી છે..
એક સાવ સાદું અને દરેક વ્યક્તિને સાંભળેલી સત્યનારાયણની કથાનું ઉદાહરણ લઇએ ને તો ઉપરના લગભગ દરેક સવાલના જવાબ કથામાં છે..ઘણી બધી કથાઓમાં સત્યનારાયણની કથાની પોપ્યુલારીટી નું કારણ જ આ છે ..
કથા કરવાથી કોને શું ફળ મળ્યું અને તમને શું ફળ મળશે એની કલેરીટી બહુ સરસ છે, બહુ ઓછા વિધિવિધાન પ્લસ છેલ્લે આરોગવા મળતો મસ્ત મસ્ત મીઠો મધુરો પ્રસાદ .. જબરું કોમ્બીનેશન સેટ કરેલું છે..
જ્યોતિષના આધારે શરુ કરેલ બ્લોગને જ્યોતિષ ના આધારે જ પૂરું કરું .. જ્યોતિષશાસ્ત્ર એ આપણને બધા ને એક એક રાશી એલોટ કરેલી છે અને એક રાશીમાં ૩૦ ડીગ્રી હોય છે ,ટોટલ બાર રાશી ભેગી થઈને ૩૬૦ ડીગ્રી બને છે ..
કોઇપણ “માણસ” ગમે તેટલું મથે તો પણ ૩૦ ડીગ્રીથી વધારે ક્યારેય આગળ નથી વધવાનો ..
ફક્ત એક પાત્ર કે વ્યક્તિત્વને આપણા ઋષિમુનીઓ એ ૩૬૦ ડીગ્રીમાં સર્જ્યું છે..
હા એ જ …
“વસુદેવં સુતમ દેવં કંસ ચાણુર મર્દનમ
દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ’’
૩૬૦ ડીગ્રીનું આ પાત્ર , લખતા જન્મારો જાય અને તો પણ કેહવું પડે કે ફરી બીજો જન્મ જોઇશે અધૂરું રહી ગયું..!
આવા ગોવિંદ ને દેખાડે એવા ગુરુને પ્રણામ ચોક્કસ હોય,
પણ રોકડા ખણખણતા ગણી લેતા હોય એવા ગુરુ ને પ્રણામ કરીને કામ શું છે ?
રોકડા ગણતા ગુરુ એકાઉન્ટએબલ ની કેટેગરીમાં આવે છે ..
આજકાલના ગુરુઓ પણ સ્માર્ટ છે, પોતાના હોસ્પિટલ ,સ્કુલ ,ગૌશાળા કે પછી બીજા ચેરીટેબલ ટ્રસ્ટમાં રૂપિયા લ્યે છે એકાઉન્ટએબીલીટી મારી ખતમ ..
ચેરીટી કમિશનર જાણે,
એ ઓડીટ કરી આપે છે..
અને છેલ્લે પર્સનલ બ્લોગ છે એટલે એટલું ક્લીઅર કરું..
“સુનો સબ કી કરો મન કી..”
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*