હાશ…છૂટ્યા..!!
એકે એક વોટ્સ ગ્રુપમાં બબાલો ચાલતી હતી ભાજપ અને કોંગ્રેસની..! પેલો મેસેજ ખરેખર સાચો છે કે
“કેટલાક તો એવી રીતે લડતા કે જાણે પોતે જાતે ચૂંટણી લડતા ના હોય..?!!!”
આપણને ખરેખર એમ થાય કે યાર આ માણસને શું છે ?
પણ કેમ..?
અલ્યા બસ હવે,
પણ ના..ખેંચ પકડ મુઝે જોર આતા હૈ..!!
ક્યાંક હદ બહારની ચમચાગીરી..બાપ..રે..બાપ..!
અને ક્યાંક હદ બાહર ની નફરત..!
કોણ જાણે કોણે કોને શું બંધાવી દીધું..?અને તું રહી ગયો.. જોર જોર બરાડે બરાડા પાડી પાડીને વોટ્સ એપમાં પ્રજા બાઝી..!
જેટલા જેટલા લોકો એ મોદી મોદી કર્યું છે એમાંના એકેય ને નોટબંધીમાં સો નું બંડલ સુધ્ધા ભાજપનો કાર્યકર આપી નથી ગયો, અને જેટલા જેટલા એ કોંગ્રેસ કોંગ્રેસ કર્યું એમાંના એકેય ને આટલા
૨-જી,કોલ-જી વગેરે વગેરે કરોડોના ભ્રષ્ટાચારમાં ચાર આની પણ મળી નહિ હોય..!!
પણ બાકી અકબર અને રાણા પ્રતાપ નહિ લડ્યા હોય એમ સોશિઅલ મીડિયા પર “આવામ” અને “પ્રજા” લડી છે..!!
દરેક વોટ્સ એપ ગ્રુપમાં બે ચાર લડવૈયા લડતા અને બીજા બે-ચાર એમના માટે હોંકારા પડકારા કરે અને બાકીના પ્રેમથી તમાશા જોવે..!
એકાદ બે “સળીખોર” સેહજ “સળી” કરીને ભાગી જાય, અને પચીસ-ત્રીસ મેસેજીસનો ઢગલો થઇ જાય..
એક વાતની દાદ આપાવી પડે પ્રજાને, ગમે તે વાત હોય સાલુ સાતેય પેઢીની કબર ખોદી નાખે,અને પેલાની સાતમી પેઢીની દાદી મુમતાઝ મરી ત્યારે ક્યા રંગના લૂગડાં પેર્યા હતા એ પણ પ્રજા શોધી લાવતી હતી..!
પેલું સી-પ્લેન આવ્યું અને જનતાએ એનું નખ્ખોદવાળી કાઢ્યું, કયુ પ્લેન ક્યાંથી આવ્યું ,કેટલા ચૂકવાયા કોની માલિકી એની ટોટલ ફ્લાઈટ ડીટેઇલ અને પેલો અડધો ચડ્ડો પેહરેલો કો-પાયલોટ અને પાયલોટ એની સીટીઝનશીપ ક્યાંની બધ્ધે બધ્ધું જનતા ખોદી લાવી..!!
ગુગલના જમાનામાં “જીઓ” ના રોજના એક જીબી અને બે જીબી ડેટાનો ભરપુર ઉપયોગ થયો..
અમુકવાર કેટલાક લોકો તો એવા બહાવરા થઈને ફોન કરે કે જાણે ભાજપની સરકારના આવી તો એના ઘરબાર બધું ય લુંટાઈ જવાનું હોય..એ પ્લીઝ યાર હો ભાજપને વોટ આપજે હોં..
અને બીજા જબરજસ્ત નફરત, જાણે ભાજપના કોઈક સમલૈંગિક કેહવાતા કાર્યકર્તાએ એની સાથે દુષ્કર્મ કર્યું હોય અને સમાજની બીકે એ જાહેર ના કરી શકતો હોય, એટલે ખાનગીમાં એની ઉપર દાઝ ના કાઢવાની હોય..!
અમુક વોટ્સ એપ ગ્રુપમાં ભાજપની મેજોરીટી થતી અને બાપરે બાપ ત્યાં જે મુજરા ચાલે..એક આડા ચૌતાલનો ખાલી ઠેકો વગાડે..ધીન, તીરકિટ..અને તબલું, નાલ, ઢોલક,ખડતાલ, બધાય એક જ બોલ વગાડે અને પછી એકાદો સરંગીયો(સારંગીવાળો) એન..એન..એ..એ.. કરીને એની સારંગી છેડે,પછી ગ્રુપ-એડમીનનો નજીકનો ગીત છેડે..”આજ કી રાત બડી દેર કે બાદ આયી હૈ..” અને છેક છેલ્લે પેલા ગ્રુપ એડમીન આડા ચૌતાલ ઉપર ઘૂંઘરું પેહરીને છન છન છન કર્રતો નાચે..!!
સાવ છેલ્લે રાતે બાર-એક વાગે મારા જેવો પછી એકાદો લાંબો બ્લોગ નાખી ને બંદુકનો ધડાકો કરે એટલે આખી મંડળી શાંત થઇ ને ઊંઘે..તે વેહલી પડે સવાર, અને વોટ્સ એપ કુકડા ગુડ મોર્નીગના મેસેજોથી કુકડે કુક કરીને ગામ ગજવે ત્યાં સુધીની શાંતિ..!
ઓવર ઓલ “મનોરંજક” રહી આ ચૂંટણી..!!
હોસ્ટેલમાં રેહતા કોલેજના છોકરા કપડાફાડ હોળી રમતા હોય એવી આ ચૂંટણી રહી..
કોઈ એ કોઈના દૂર દૂર સુધીના સગાને બાકી ના રાખ્યા..!
પેહલા વિકાસની મજા લીધી, એમા વરસાદ પડ્યો અને રોડ-રસ્તા હતા-નોહતા થઇ ગયા, ત્યારે તો વિકાસને જનતાએ જોર જોર ગાંડો કર્યો, પછી ભાજપને ખબર પડી કે “હાહરું આ તો વિકાસને ગોંડો કરી મેલ્યો..” એટલે પછી ચકરડી ઉંધી ફેરવાઈ અને “ગોંડા” ને ડાહ્યો કરીને સત્તા જોડે પરણાવાય એવો ફરી તૈયાર કરીને માર્કેટમાં મુક્યો..પણ કોંગ્રેસ વાર તેહવારે મજા લેતી કે “આ`તો ગોં`ડો સે..!!”
પછી ચાલી મંદિર મંદીર્ર…!!
લાલો ભગત થઇ ગયો એટલે પેટમાં તેલ રેડાયું … હવે..?
કઈ નહિ, હિંદુ છે જ નહિ એવું રાખો એટલે મંદિરના આંટા ખોટા પડી જાય..તે પછી એ ચાલી ચાલી..તે ખાલી ગુપ્તાંગ જ ચેક કરવાના બાકી રાખ્યા..!
ભાઈ..એવું પણ થતું અમદાવાદમાં,
એ દિવસો પણ અમદાવાદે જોયેલા છે, કોમી હુલ્લડના એ દિવસોમાં કૈક લોકોના કપડા ઉતારીને ચેક કરવામાં આવતું કે હિંદુ છે કે મુસલમાન અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, આ ઘૃણાસ્પદ પ્રક્રિયામાં..!!
અત્યારે બધું વોટ્સ એપ પર બોલાય અને લખાય છે, બાકી સામે ધારિયા, ગુપ્તી અને રામપુરી લઈને વીસ-પચ્ચીસ ઉભા હોય અને બુમ પડે.. અને “આપડાવાળો” કે “અપણેવાલા” ના હોય તો આંતરડા ખેંચી કઢાતા, વાડીલાલ સારાભાઇના પોસ્ટમોર્ટમ રૂમમાં પીએમ કરતો ડોક્ટર પણ લાશ જોઇને બેભાન થઇ જતો..
એ દિવસોને યાદ કરીએ તો આ ૨૦૧૭ના વોટ્સ એપ યુદ્ધ ઘણા સારા લાગે..એમ થાય કે ભલે “લડી” લેતા લોકો, અને પોતાની “ભડાસ” કાઢી લેતા,વર્ષો સુધી “ભડાસ” ભેગી થાય અને “ખુન્નસ”માં બદલાય અને પેહલા આંખો લડે પછી “ઝેર” ભરાય અને છેવટે એ ઝેર એક માં ના લાડકવાયાને લેતી જાય..
જનાજો ઉપડે કે ઠાઠડી..
એક માં ની કુખ તો નંદવાતી જ હતી..!
ગોધરાકાંડ પછી એકપણ કોમી હુલ્લડ નથી થયા..હ્રદયપૂર્વક આભાર..!!
નવી જે સરકાર આવે તે એના માટે ઈશ્વરને પ્રાર્થના કે ગુજરાત પોલીસની બંદુકોની બેરલ બહારથી ભલે ઘસાઈ જતી પણ એમાં અંદરથી તો ભયંકર કાટ ચડી જાય અને એને વાપર્યા વિના જ ફેંકી દેવી પડે..! એકપણ કોમી હુલ્લડ આવનારા એકપણ વર્ષમાં ન થાય..
નાત,જાત,પાત,ધરમ..નવા આવનારા ૧૮૨ને વિનંતી ચૂંટણી લડવા કહો ના કહો એનો ભરપુર ઉપયોગ કર્યો, પણ વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં જ્યારે પગ મુકો ત્યારે સૌ એક સમાન થજો..
ત્રણ અક્ષરના બે શબ્દો “વિકાસ” અને “વિનાશ” માં બે જ અક્ષર જુદા છે, વિનાશ નોતરે એવા વિકાસને પેહલા જ ઓળખી અને અટકાવી દેજો..
આપણું જીવન તો ઠીક મારા ભાઈ એક, બે,સાહીઠ, સિત્તેર કે સો વર્ષનું છે,પણ માનવજીવન તો અમર છે..
અશ્વસ્થામાની જેમ અમરત્વ પામેલા માનવજીવન ને એકાદા ખોટવાયેલા અંગ સાથે જીવવામાં ઘણી તકલીફ પડશે, એટલે વિકાસ કરતા કરતા માનવજીવનનું એકાદું અંગ ખોટવાઈના જાય એનું ધ્યાન રાખજો બાપલીયા..!
અને વોટ્સ એપ ગ્રુપના લડવૈયાઓ,યોદ્ધાઓ ચાલુ રાખો લડાઈ..
મંથન થશે તો રત્નો મળશે, ભલે ઝેર તો ઝેર, એને પી નારો મહાદેવ પણ મળી જ રેહશે..પણ ક્યારેક ભગવાન ધન્વન્તરી કે અમૃત પણ હાથ લાગી જશે..હું પણ મચેલો જ રહીશ..!
નમઃ પા`રવતી પતે હર હર મહાદેવ…!!!!!
શુભ રાત્રી
શૈશવ વોરા