પેહલા તો બધાને હેપી ફ્રેન્ડશીપ ડે ..
હવે થોડા ચાબખા મારી લઉં ..
નવરાત્રી વખતે કોન્ટ્રાસેપ્ટીવ (ગર્ભ નિરોધક) ના આંકડા જાહેર કરતી પ્રજા ને કેહવાનું કે આજે કેટલું વેચાણ વધ્યું એના આંકડા મેળવી લેજો હો..!!!!
તમારામાંથી ઘણા ને એમ થશે કે આજે કેમ કોન્ટ્રાસેપ્ટીવ ના વેચાણ વધે ..?
તો ભાઈઓ અને બેહનો આજે ફ્રેન્ડશીપ ડે છે, અને આજકાલની જનરેશનમાં ફ્રેન્ડસની જુદી જુદી ડેફીનેશન અને પ્રકાર હોય છે, અને એમાંનો બહુ જ પોપ્યુલર એવો પ્રકાર છે એ છે “ફ્રેન્ડસ વિથ બેનિફિટ”..
આ “ફ્રેન્ડસ વિથ બેનિફિટ” ની વ્યાખ્યામાં એવું આવે કે તને અને મને બંને ને “મજા” આવે એવી મિત્રતા, અને એ સજાતીય હોય કે વિજાતીય ગમે તે હોય, એમાં કોઈ જાતના `કમીટમેન્ટ` નહિ..
ટૂંકમાં હમ તુમ દોનો જબ મિલ જાયેંગે .. એક નયા ઈતિહાસ બનાયેંગે ..એવું બધું કઈ નહિ,હમ તુમ દોનો જબ મિલ જાયેંગે , પછી જરૂર પડી તો તું આઈ-પીલ લઇ લેજે નહિ તો તું બીજે અને હું ય ત્રીજે, ચોથે, પાંચમે…
અરે હા જરાક આજના દિવસના હોટેલોમાં કલાકના ભાવ પણ જાણી લેજો હો..
હોટેલવાળા પણ વેલેન્ટાઈન અને આજના દિવસનાં ભાવ થોડાક વધારે જ લ્યે છે..!
જો કે હજી સવાર સવારમાં તો હોટેલો ખાલી રેહવાની ખાલી `પેલા` પ્રિપ્લાનવાળા `ફ્રેન્ડસ` જ સવાર સવારના પોહચવાના, બાકી `પેલા` બધા તો બપોર પછી પેહલા મોલમાં રખડશે, ખાશે-પીશે, પછી ક્યાંક ગલી ખાંચે બેસીને પપ્પી કરશે, અને પછી હોટેલ ભેગા થશે વાયા મેડીકલ સ્ટોર…!!
ચાબખો પૂરો….!!
ફ્રેન્ડશીપ ડે અને ફ્રેન્ડસ ..
પેહલી વાત કે સબંધ હમેશા હૈયા ના જ હોય, એને ના સમય કે ના ઉંમર કે પછી વિચાર કશાયનું બંધન ના હોય ..!!
મન મળેલા હોય એટલે બહુ..
હું ચોક્કસ માનું છું કે સ્કુલ કોલેજ કે ભણતા ભણતા થયેલી ફ્રેન્ડશીપ અને પેહલી મુલકાતમાં થયેલી ફ્રેન્ડશીપ મોટેભાગે જીવનભર રેહતી હોય છે..
કારણમાં એટલું જ કે એકબીજાને જેવા છે તેવા `સ્વીકારી` લીધા હોય ..
દાખલા,દલીલો અને માથાકુટો થાય, પણ બધું એક લીમીટમાં રહીને ..
દોસ્તી ટકાવવામાં આ “સ્વીકારવું” એ બહુ મોટું ફેક્ટર હોય છે..
એક સરપ્રાઈઝ ઓબ્ઝર્વેશન છે, પણ છે..
લગ્ન થયા પછી છોકરીઓની પોતાની ફ્રેન્ડસ અને પોતાના ફ્રેન્ડસ સાથેની દોસ્તીમાં ઘણી ઓટ આવી જતી હોય છે ,સબંધ રહે છે બે છોકરીઓમાં પણ જે રીતે છોકરાઓના ગ્રુપ જીવનભર ટકેલા અને ડોહા થાય ત્યાં સુધી જોડે રખડતા હોય છે એમ સ્કુલ કે કોલેજની છોકરીઓ ની દોસ્તી ડોસીઓ થાય ત્યાં સુધી ટકતી નથી હોતી..!!
કદાચ લગ્ન પછી છોકરી એટલું બધું સ્વીકારે છે કે પછી એના માટે એની જ પોતાની મિત્રો ને સ્વીકારવાની જગ્યા બચી રહી હોતી નથી…!!
મમ્મી મને “જેક ઓફ ઓલ” કહે છે, અને આ જેક ઓફ ઓલ હોવાને લીધે જુદા જુદા ફિલ્ડના ચારેબાજુથી મિત્રો મળ્યા છે, અને હજી પણ મળતા રહે છે , મિત્રોની યાદી લાંબી ને લાંબી થતી જ જાય છે..
પણ ક્યારેક દોસ્તો સાથે સભાનપણે વર્તવું પડે છે જે મને કઠે છે, જે તે ફિલ્ડના મિત્રો સાથે જે તે ફિલ્ડની વાતો કરવી પડે છે અને બીજા ફિલ્ડની વાત કરીએ તો સામેથી એક રેઝીઝટન્સ આવે છે..
જેમકે જીમના મિત્રો જોડે હું રાગ-રાગીણીની વાત નથી કરી શકતો, અને સાથે ભણતા મિત્રો જેમની સાથે એક જમાનામાં કેમેસ્ટ્રી ના ડિસ્કશન થતા એમની સાથે બાયસેપ ટ્રાયસેપની વાત નથી થતી..
એક જમાનામાં દરેક મિત્ર સાથે દરેક વાત કરવાની કોશિશ કરી લીધી પણ પછી લાગ્યું કે રેહવા દે શૈશવ નકામો તું જ ભેખડે ભરાઈશ..
દોસ્તી કરવા માટે કે ટકાવવા માટે બહુ જ જરૂરી વસ્તુ છે એ છે મોઢા પરની સ્માઈલ.. મિત્ર આવે કે મળે કે તરત જ મોઢા પર સ્માઈલ આવી જવી જોઈએ બસ એ દોસ્તી સાચી..
બાકી બધું આવો આવો…કેમ છો સેઠ ..? મોટા માણસો આવો ને ભઈ.. ક્યારેક તો મળો ..
આ બધું ખોટું..
બીજી એક વાત દોસ્તીમાં એ છે “વાપરી” લેવાની વૃત્તિ..
ઘણીવાર દોસ્તીમાં “વાપરી” લેવાની વૃત્તિ બહુ દેખાય છે અને એમાં પછી બહુ લાંબુ નથી ચાલતું .. હા દોસ્ત માટે `વપરાઈ` જવું એ જુદી વસ્તુ છે અને એમાં ક્યારેક જે વપરાઈ કે ઘસાઈ જતો દોસ્ત હોય ને એ હમેશા બિચારો તૂટાતો રહે અને સામેવાળો નફફટ “લાભ” લીધા જ કરે..
જે કહો તે પણ દોસ્તી એ એક જ એવો સબંધ છે કે માણસ જન્મ્યા પછી પોતે જાતે નક્કી કરે છે..
આપણી પાસે માંબાપ ભાઈ બેહન આ બધું “ચૂઝ” કરવા નો અધિકાર નથી , જે મળ્યા અને જેવા એનાથી જ ચલાવવાનું છે જિંદગી આખી ..
દોસ્ત એ એક જ એવો સબંધ છે કે જે આપણે જાતે નક્કી કરીએ છીએ અને એ સબંધ ને નિભાવી જાણીએ છીએ..
જીવનમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ ત્યારે સગા ભાઈ બેન કરતા દોસ્તો સાથેના સબંધો ઘણીવાર વધારે ગાઢ થયેલા જોવા મળે છે અને આજ ના જમાનામાં જયારે બધા એક કે બે ભાઇબેન જ છે ત્યાં સારેખોટે પ્રસંગે દોસ્તોથી જ રૂડા લાગીએ છીએ..
અને આવનારા સમયમાં તો જ્યાં ખાલી ને ખાલી એક સંતાન રેહવાનું છે ત્યાં તો દોસ્ત ભાઈ,બેન પિતા માતા એવી ઘણી ભૂમિકામાં જોવા મળશે..
ટૂંકમાં કહું તો ઓગસ્ટના પેહલા રવિવારે મનાવાતો આ તેહવાર આવનારા સમયમાં આગળ વધશે..
આપણે તો ભઈ નસીબના બળિયા છીએ અને રેહ્વાના આ દોસ્તોની બાબતમાં..
દિલથી પ્રેમ કરનારા બધા મળ્યા છે , ક્યારે કયો આવીને હુંડી સ્વીકારીને જતો રહે છે, એની પણ ક્યારેય ખબર નથી પડી અને આપડું ગાડું ગબડ્યા કરે છે..
ચાલો સાંજ પડી છે ,બાહર પાર્કિંગ ની ડ્રાઈવને લીધે ભીડ થોડી ઓછી છે પણ હોટેલો ગણવામાં આજે બહુ સાર નથી એટલે ઘેર જ રહી ને સુખપાવની ના ભોજનીયા કરશું ..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા