હર એક ફ્રેન્ડ ઝરુરી હોતા હૈ..
રવિવારની સવારે છાપા ખોલીએ એટલે કૈક નવા ની અપેક્ષા હોય, પણ આજે ઓગસ્ટનો પેહલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે..
કૃષ્ણ-સુદામા અને કૃષ્ણ-ક્રિશ્ના, રામ-સુગ્રીવ થી લઈને કેટલાય ઉદાહરણો આવી ગયા, છાપાની “છાપેલી યુનિવર્સીટી”માં ..
વોટ્સ એપ યુનિવર્સીટીના જ્ઞાન ભંડારમાં થી એવું પણ આવ્યું કે દોસ્ત એટલે તમે જાત્તે પસંદ કરેલો ભાઈ કે બેહન..
ઘણું બધું હેન્ડ્યું છે આજે ,એટલે આપણને થાય હેંડો ત્યારે આપણે પણ હેંડાડી દઈયે..
સોશિઅલ મીડિયાને ગાળો આપતી અને સોશિઅલ મીડિયાને ઝડપથી સ્વીકારી ના શકતી પ્રજા એને બહુ પ્રેમથી ગાળો આપી રહી છે..
સોશિઅલ મીડિયાને લીધે મળવાનું ઓછું થઇ ગયું ,આમ ને તેમ ..
પણ યારો ,
એક જમાનામાં ટીવી આવ્યું ત્યારે પણ આવો કકળાટ અને ઉકળાટ લોકો કાઢતા હતા, હવે આ મોબાઈલ અને સોશિઅલ મીડિયા નો વારો આવ્યો..
એક મેસેજ એવો ફરે છે કૈક કે દોસ્તો ને મળતા રેહજો નહિ તો હાર્ટ એટેકની શક્યતા વધી જશે..
હું તો ખાલી એટલું જ કહું કે મળવાનું શક્ય ના થાય તો એક મેસેજ નાખતા રેહવો બહુ થઇ ગયું..
આ જમાનામાં મળી ને કઈ બહુ કાંદા કાઢી લેવાના નથી હોતા..
ખટક્યું ને ..
એટલે જ લખ્યું ..
દરેક સબંધમાં એક વસ્તુ બહુ જ મહત્વની હોય છે,
અને એ છે સ્વીકાર્યતા ,અને આ સ્વીકાર્યતા જો દોસ્તીમાં ના કેળવી શક્યા હો તો દોસ્તી ખાલી નામની જ છે એવું માનજો..
આપણે તો માનીએ છીએ કે દોસ્તીનું બીજું નામ બકxx ઉર્ફે બકવાસ ..!
મતલબ વિનાની વાતો , અને એકબીજાની કોઈ કારણ વિના `લઇ પાડવાની` અને બેફામ રીતે `ખેંચી નાખવા` ની સબંધમાં મોકળાશ ના હોય તો પછી એવા દોસ્તોને મળી ને હાર્ટએટેક આવવાની શક્યતા ઘટવા ને બદલે વધી જાય છે ..
દોસ્તોની સાથે મળી અને બકવાસ ના કરી શકાય તો પછી મળવું બેકાર છે..!
એટલે જ્યાં બકવાસ શક્ય ના હોય એવા દોસ્તો ને મળવું એના કરતા સોશિઅલ મીડિયા પર હાય હેલ્લો ના સબંધ રાખવા સારા..
દોસ્તોને મળીએ ત્યારે બકવાસના ટોપિક ગમે તે હોઈ શકે, જરૂરી નથી કે આઈએમએફ અને વર્લ્ડ બેંકની ફાડવી, કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ ની પત્તર ઝીંકવી .. ટોપિક ગમ્મે તે હોય બસ બકવાસ થવો જોઈએ..!
જીવનમાં બહુ મોટી ચર્ચાઓ જેટલો આનંદ આપે છે, એના કરતા નિર્દોષ બકવાસ વધારે મજા આપતો હોય છે..
આપણી દોસ્તી પણ કૈક આવી જ છે બકવાસ ઉપર આધારિત..
ચાલો બકવાસ આદરું…
આ કૃષ્ણ સુદામાની વાત કરીએ તો સુદામા છેક અટકી ને ઉભા રહ્યા ત્યારે કૃષ્ણ પાસે ગયા…
હવે યાર હું કૃષ્ણ હોઉં તો પેહલા તો સુદામા ને બે ખેંચી ને ગાળ આપું અને પછી કહું યાર તને તો ખબર હતી કે હું અહી નો રાજા છું તો આટલો મોડો કેમ આવ્યો અહિયાં..અને તારા પ્રોબ્લેમમાં હું નહિ ઉભો રહું તો કોણ આવશે બકા..? પેહલેથી આવ્યો હોત તો આટલા વર્ષો હેરાન નાં થવું પડતે ને યાર..
હવે સુદામા હોઉં તો હું જ જવાબ આપું .. પણ યાર કાલીયા એક તો યાર તે તારું સ્ટેટ્સ આટલું ઊંચું કરી મુક્યું, અને હું રહ્યો પેહલેથી `આવો`, મારે તું એક, પણ તારે તો આ શૈશવ્યા જેવા કેટલા બધા..? અને આ બધાને તું આપ આપ કરે તો તારો આ મેહલ જ વેચાઈ જાય અને આમ પણ માંગતા મર્મ છૂટે રે .. એટલે હું તો સાચું કહું આ મારા બૈરા એ બહુ કકળાટ કર્યો એટલે આવ્યો બાકી તો મને થયું કે લાવ તને મળતો જાઉં અને તને સાંભરે રે મને કેમ વિસરે રે કરતો જાઉં..! તારાથી વહીવટ થાય તો કરવો.. એઝ પર રૂલ્સ બાકી હું તો મનરેગાના ખાડા ખોદી આવીશ..! મારું ટેન્શન કર તું ભાઈ..
કૃષ્ણ બોલે .. હવે એ બધું મુક અને જમવા હેન્ડ ,તારી ભાભી રાહ જોતી બેઠી હશે ..
સુદામા બોલે જલસા તો ખરા હો તારે કાળું , આ બાર વાના ને તેર પકવાન..
કૃષ્ણ બોલે જવા દે ને ભાઈ કાજુ બદામ ના શાક થોડા ખવાય..? આ રોજની દુનિયાભર ની બાબલો સુલટાવવાની ..તારે બોલ છોકરા ભાભી બધું બરાબર..!!?
સુદામા બોલે.. જવા દે ને યાર અહિયાં એ બધાને યાદ કરાવી ને શું કામ “લોડ” નાખે છે યાર..
કૃષ્ણ બોલે ..તું મારી નસો ખેંચે છે તો ..
સુદામા બોલે .. સારું સારું નહિ બસ નહિ ખેંચું , તારે ય જલસા નહિ ,અને મારે ય જલસા નહિ .. જલસા તો આપણે નાના હતા એકડિયામાં ત્યારે હતા.. તને યાદ છે કાળું તું ને હું કેવા ભટકતા જંગલોમાં કોઈ ચિંતા હતી ..
કૃષ્ણ બોલે ..સાચ્ચે બકા કેવી મોજ હતી ..ઝાડ ઉપર ચડતા ને .. પડતા…
ખરેખર જીવનમાં દોસ્ત કોને કેહવો એવી ખબર કદાચ એકડિયામાં જઈએ ત્યારથી પડતી હોય છે ,
આજકાલ તો માવરુંઓ પણ પરાણે ફ્રેન્ડશીપ કરાવતી હોય છે,
અ`લી બો`ન એના કરતા બીજું છોકરું થવા દે ને પેલું આપો આપ દોસ્ત બનાવતું થઇ જશે..
પણ `હમારે ઝમાને` મેં તો ..
બસ, દોસ્ત બની જતા..! અચાનક અનાયાસે બનેલા દોસ્તોની જ મજા છે ,
`જબરજસ્તી` બનતા દોસ્ત `મજા` ઓછી ને `તકલીફ` વધારે આપતા હોય છે..!
આ ઇન્શ્યોરન્સ અને એમએલએમ ના જમાનામાં એકબીજાને ફાયદો કરાવે એને દોસ્ત જ માનવામાં આવે છે..! આજે ખુલ્લે આમ કેહવામાં આવે છે કે જે માણસ ધંધો ના આપે એ માણસ તમારા કામ નો નથી અને નકામાં માણસ ની પાછળ બહુ ટાઈમ આપવાની જરૂર નથી હોતી..!!
માણસને માણસની હુંફની જીવનભર જરૂર રેહતી હોય છે..
ખુલી જીવવાની મજા છે, પણ એ લેતા આવડવી જોઈએ ..
મોટા ભાગ ના લોકોને કોઈકની પાસેથી કઈક લઈ જ લેવું હોય છે અને જ્યારે લેવા ની ભાવના બળવત્તર હોય છે ત્યારે કશું આપી જ નથી શકાતું..
અલ્ટીમેટલી આપી પણ નથી શકતા અને લઇ પણ નથી શકતા ..
છેલ્લે વોટ્સ એપ માં ગુડ મોર્નીગ ગુડનાઈટ ના મેસેજીસ ફોરવર્ડ કરી જાણે ..
જય હો ..
અહી તો લાખ કમાયા નથી અને લખેશરી થયા નથી..
નકરા વાતોના વડાં..!!
અરે હા જો આ વડા ઉપરથી યાદ આવ્યું.. જીમમાં એક નાનકડી પચ્ચીસ વર્ષની દીકરી બે મહિના પછી બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમાં ભાગ લેવાની છે, સખ્ખત મેહનત કરે છે , એક દિવસ મેં એને સળી કરી .. અલી છો`ડી આ બોડી જ બનાવે છે કે પછી રાંધતા કરતા શીખી છે ..?
જબ્બર જવાબ આવ્યો..અરે કાકા પટેલની છો`ડી છું મારા ધણી ને રોજ નવું નવું ખવડાવું છું રાંધી ને..
મેં પાછો વાત નો તંત ના મુક્યો .. જુઠ્ઠું ના બોલે હવે ,આ ચાર ચાર કલાક તો તું જીમમાં પડી રહે છે તે રાંધતા ક્યારે શીખી ..?
અને મારી બેટી અસ્સલ પટલાણી નીકળી બે દિવસ પેહલા મસ્ત બાજરાના વડાં લઈને આવી આખ્ખો ડબ્બો ભરી.. લો કાકા છાનામાના પુરા ,કરો ઘેર લઇ જઈને , અહિયાં જીમમાં ખબર પડીને તો તમારા ભાગે એક નંગ પણ નહિ બચે ..આ પેહલવાનો માટે તો મારા સાસુ ગામડેથી આવશે ને ત્યારે પાંચ કિલોના કરીને લેતી આવીશ અને એ પણ ઓછા પડશે..
મારું બેટું પટલાણી ને ખરેખર રાંધતા આવડે છે..જે જોર વડાં બનાવી ને લાવી હતી..ગજ્જબ ..
દિલથી મોણ નાખ્યું હતું , મેથી ,તલ ,લસણ અને તો પણ એકદમ ક્રિસ્પી..
કાન પકડવા પડ્યા અલી છોડી તે તો વડાં શૈશવકાકા ને દાઢે વળગાડ્યા..!
છો`ડીની કાકી વડાં ના ખાલી ડબ્બામાં મસ્ત સેવ ભરતી હતી પણ આપણે અટકાવી ના રેહવા દયો બોડી બિલ્ડીંગ કરે છે પ્રોટીન બાર મુકવી પડશે ..
ડબ્બો ખાલી થોડો જાય હેં..!
યાદ કરો અલ્યા કોના ડબ્બા ખોલી ખોલીને ખાઈ ગયા છો ?
કરો યાદ અને કરો ફોન કે મેસેજ ..!
હેપ્પી ફ્રેન્ડશીપ ડે સહુ નેશૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*