મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહિ રે..
ભાંગી રે પડે રે બ્રહ્માંડજી..
વિપદ પડે પણ વણસે નહિ જે રે, સોઈ હરિજન ના પરમાણ રે
ચિત્ત ની વૃત્તિ સદા નિરમળ રાખે ને, કરે નહિ કોઈની આશ રે
દાન રે દિયે પણ રહે અજાચક વચનમાં રાખે વિસવાસ રી
મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહિ રે..
ભાંગી રે પડે બ્રહ્માંડજી રે..
-ગંગાસતી પાનબાઈ
સાબરમતીના ધાવણ ધાયા અને કાલીંગરીના કાંઠે જઈને બેઠા પણ ગુજરાતની ગંગાસતી પાનબાઈની વાત કેમ ભૂલાય..
ગમે તેવી વિપદા આવે મેરુ ની જેમ અડગ રેહવા માટે મોકલ્યા છે..ભલે ભાંગી પડતું બ્રહ્માંડ..
ક્યાય રસ્તોના દેખાય તો વાલા હજી મોહનદાસ ત્યાં જ સુતો છે..હા
ક તો મારો જવાબ આપશે,
પણ આવું તે કેમ..? ડગ્યો તો એ ક્યારેય..? ગુજરાતી ખમીર ક્યારેય એનામાંથી ઓછું થયું..? ઓછી વિપદા હતી એના માથે..?
પણ ના સત્ય અહિંસા ચોરીના કરીએ..અંત સુધી પકડી રાખ્યું અને અંતે બોલ્યા તો હે રામ….
કાળા ચોરના ઘેર ચોરી કરવી એ પણ પાપ જ છે..
“ચોરી” તો “ચોરી” જ છે,એ ગમે તેના ઘેર કરો, કાળા ચોરના ઘરે કરો કે શાહુકારના ઘેર..તો એવું કહેવાની ક્યાં જરૂર પડી કે તમારા જનધન ખાતામાં રૂપિયા જેના પણ ભર્યા હોય એને પાછા આપવાની જરૂર નથી અને કોઈ માંગે તો મારું નામ આપી દેજો..!
બોલ શ્રી મહેશ શાહની જય..?
સત્પુરુષ,સજ્જન,નીતિવાન,નીતિમત્તા,એથીક્સ,મુલ્યો,નૈતિકતા..!!
તું એ બધું ભૂલી જા ધનંજય બસ..યુદ્ધ કર અર્જુન બસ યુદ્ધ કર..!
ના આ બધું બાજુ પર મુકવા જેવુ ભયાનક યુદ્ધ નથી..
ભોળી જનતા(ભોળી કે મૂરખ? ભોળપણ અને મુર્ખામી આ બંને વચ્ચેનો ભેદ બહુ ઓછો છે) પૂછે છે પ્રભો કોની સામે યુદ્ધ કરું..?
યુદ્ધ કર બસ કપિધ્વજ..!
પણ પ્રભો કેમ અને કોની સામે..?
ભય ભૂખ ભ્રષ્ટાચારની સામે..
હેં..!
પણ ભય તો ખરેખર તમારી રોજે રોજની ધમકીઓથી પચાસ કરોડના મધ્યમ વર્ગમાં વધારે ફેલાય છે અને ભૂખ તો રોજ સવારે,બપોરે અને સાંજે ત્રણ ત્રણ વાર લાગે છે..અને ભ્રષ્ટાચાર તો તમે જ કહો છો કે મફતમાં મળે એ ઠોકી લેવાનુ અને બઠાવી પાડવાનું અને કોઈ પાછું માંગે તો મારું નામ આપજો..!
જનતા બોલે છે..પ્રભુ બધું બહુ કન્ફયુઝિંગ છે..શું કહો છો એ સમજાતું નથી,તમારો મેળ નહિ બેસે પેહલા બાબાજીને પૂછી લ્યોને એકવાર કે શું કરવું? આમા કઈ મેળમાથા નથી, કઈ દિશામાં જવુ એ કળાતુ નથી..!
ચોખ્ખી વાત કરો કોઈના અણહકકના રૂપિયા લેવાય કે ના લેવાય..? જો ઠોકી લેવાય તો મહેશ શાહ શું ખોટા હતા, બિચારા વગર “વાંકે” કાકા આ ઉંમરે બદનામ થઇ ગયા..! એમને તો ખાલી બે પાંચ ટકા કમીશન જ “ખાવુ” હતુ..
આઠ નવેમ્બરે આશા જાગી હતી કે ભારત પર છવાયેલું ગ્રે કલરનું વાદળું હટશે અને કાળું અને ધોળું બંને ચોખ્ખા દેખાશે..પણ આ તો ગ્રે કલરમાં કાળો રંગ વધારે ઘાટ્ટો થઇ ગયો..!
ગધેડે ચડ્યો આખો દેશ..કરવા ગયા કંસાર અને થઇ ગયુ થુલું અને હવે ફરી કંસાર કરવો છે..કેવી રીતે થાય..?
પાછલા ટપકા જોડી અને “ભક્ત” અર્થશાસ્ત્રીઓ લીટીઓ ઉભી કરી અને લીટી જોડી જોડીને સરસ મજાનું ચિત્ર બનવવા જાય છે,પણ રોજ સવારે એક એવું નવું ટપકું કેનવાસ પર આવી જાય છે કે આખું ચિત્ર ડોહળાઈ જાય છે..! અને નવા ટપકા જોડવાના વારા આવે છે..!
છેલ્લા પચાસ પચાસ દિવસથી દુનિયા આખી ભારત તરફ જોઈ રહી છે દુનિયાની લગભગ ચોથા ભાગની વસ્તી અને આઠ ટકા માર્કેટ ભારત છે..ભારતની ઈકોનોમી બેસી જાય તો દુનિયાને અસર તો થાય..!
હવે તો દેશ દુનિયા આખી આપણા ભાષણો અને રોદણા યુટ્યુબ ઉપર જોવે છે..! પોતાના દેશબાંધવને ચોર કેહવાથી સામેવાળો આપણને સજ્જન નથી માની લેતો, એ પણ આપણો વ્યવહાર,વાણી,આચાર જોવે છે અને વાણી તો ખાસ..!
વીજળીના ઝબકારે મોતીડા પરોવે પાનબા..શું ખબર નોહતી કે વીજળીના ઝબકારે મોતીડા પરોવવાના છે..?
એક જુઠ સો જુઠ બોલાવે અને એક મોટું અને ખોટું પગલું સો બીજા પગલા ભરાવે..!
ભલે સારી નિયતથી ડીમોનેટાઇઝેશનનો નિર્ણય લીધો હશે અને ગ્રહો ખરાબ કે બધું રમણભમણ થઇ ગયુ એવું માની લઈએ,અને ગ્રહોમાં પણ હવે શનિ મહારાજ બિલકુલ રાશી પરિવર્તનના આરે ઉભા છે,સાવ હવે ૨૮ કે ૨૯ ડીગ્રી પર આવીને ઉભા છે,એટલે અચ્છા અચ્છાની ગણતરી ઉંધી પાડી દે આ શનિ મહારાજ..
પણ ગ્રહોમાં પણ શનિની પનોતી કાઈ એટલી ખરાબ નથી હોતી..શનિ તો કર્મફળ આપનારો ન્યાયનો દેવતા છે..તમે ક્યારેક જનતાને ઉલ્લુ બનાવી હશે તો જનતા તમને અત્યારે ઉલ્લુ બનાવી ગઈ,હિસાબ સરભર..! (એન્ટ્રી સાથે રૂપિયા ખાતામાં પ્રજાએ જમા કરાવ્યા)
થવાનું હતું તે થઇ ગયુ પણ લૂલીને સેહજ સાચવીને ચુપચાપ સુધારી લેવાની કવાયત થાય તો બે ચાર મહીને કદાચ ઘીના ઠામમાં ઘી પડી રહે..!
લગભગ બાર બાર સદીઓથી સમાજજીવન જે તે સમયની સરકારની સામે થઇને માલિકને અને સમાજના મોભીને વફાદાર રહીને જીવવા ટેવાયેલા સમાજ પાસે અપેક્ષા રાખી કે બધા “સત્યવાન” નીકળશે અને એક રાતમાં ચમત્કાર થઇ જશે.. ભૂલ હતી..સગાસબંધી,સમાજ મોટો કે દેશ અને દેશનો કાયદો?
સગાસબંધી અને સમાજ જીતી ગયો..!
દેશ અને કાયદો હારી ગયો..
અને કરારી હારમાં લૂલી લપસી..!
ના ચાલે મેરુ તો ડગે પણ મનના ડગે, હરામનું લેવાય નહિ અને લેવા દેવાય નહિ..!
જપ્ત કરો જ્નધનના રૂપિયા..
કાલે તમે બોલશો બોલશો એમ કરીને મીડિયા અને સોશિઅલ મીડિયા જબરજસ્ત પ્રેશર ઉભું કરી રહ્યું છે, પણ બિલકુલ જરૂરી નથી બોલવુ ચુપચાપ કામે વળગેલા રહો અને ૨૬મી જાન્યુઆરીએ બોલવાનો મોકો મળવાનો જ છે..
આગળ સોના ઉપર તરાપ મારતા પેહલા વિચારવું ઘટે છે જેમ ચૌદ લાખ કરોડની પ્રજા “એન્ટ્રી” લઇ આવી એમ દેશમાં પડેલા લગભગ છ હજાર ટન સોનાની પણ પ્રજા “એન્ટ્રી” લેતી આવશે..
બીજું કાળાબજારિયા અને કાળાનાણા વાળાઓની જોડે જોડે સામાન્ય લોકોના રૂપિયા કાઢવી લીધા એમાં સોનું પણ ઘરમાંથી કાઢવી લેશો તો એક બીજી સમસ્યા ભવિષ્યમાં ઉભા થવાની ખુબ મોટી શક્યતા છે..
ભગવાન તમને સો વરસના કરે પણ તમારા સો વરસ પુરા થાય પછી કોણ..? કેમ કે આપણા સો પુરા થાય એ ભેગા દેશના સો વરસ પુરા નથી થવાના, તમારા પછી આવેલો વેલ્થ ટેક્ષ કે બીજા ગમે તે ટેક્ષ ઠોકી ઠોકીને પ્રજાને લુંટીને કંગાળ કરી નાખશે તો શું..?
તમે કહો છો કે મારો વંશ હું અને વારસદાર પણ હું વાત સાચી પણ તમારી ભેગો તમારો વંશ અને વારસો ખતમ થઇ જશે.. પ્રજા વાંઝણી નથી મુઈ એના વસ્તારનું શું..?
ગુજરાતમાં તમારા પછીના કારભારા દેખાઈ રહ્યા છે..
વંશના ના હોય તો કઈ નહિ,પણ વારસદાર તો ઉભો કરવો જરૂરી છે જેથી પ્રજામાં થોડી ધરપત રહે અત્યારે તો તમારા વિના કોણ ? આવો સવાલ પૂછીએ તો પ્રજા ડરી જાય છે..
આઠમી નવેમ્બરે મેં લખ્યું હતુ નંદ ઘેર આનંદ ભયો જય હીરા બા ના લાલની..!
ના ડગતા ભલે મેરુ ડગે..
આપણા હરીજન ના પરમાણ હરી જ દેશે..!
શુભ રાત્રી
શૈશવ વોરા