હાર્ટએટેક ..
ગઈકાલનો બ્લોગ તમે બધાએ ભેગા મળીને જબરજસ્ત વાઈરલ કર્યો છે અને લાગે છે કે હવે આગળ ચાલતો રેહશે..
પણ સાર્થકતા તો ત્યારે જ થશે કે જયારે આપણે એકપણ જુવાનીયાને ગુમાવ્યા વિના ૨૦૨૩ના નોરતા પાર કરી જઈશું..
ગઈકાલનો બ્લોગ વાંચીને આજે સાંજે એક ડોક્ટર મિત્રનો ફોન આવ્યો,
આમ તો મારા થી છ સાત વર્ષ નાનો, પણ એમડી કરી, અને પરદેસ જઈ જઈને આજે પણ ભણી આવે છે ને નવી નવી ટેકનોલોજી દેશમાં લેતો આવે છે..
મને શોધક લોકો પ્રત્યે ઘણો પક્ષપાત, ભલે ને તોછડો હોય તો પણ શોધક છે કંઈ સંશોધન કરે છે ? અને માનવજીવનને બેહતર બનાવવાનો પ્રયત્ન કરે છે તો એને દિલ ખોલીને પ્રેમ કરી લેવાનો..
પણ આ તો મિત્ર ,ડોકટર ,શોધક, અને ડાઉન ટુ અર્થ ,નમ્રતા ભારોભાર…
માનવજીવનને બેહતર બનવવા પાછળ સતત છેલ્લા ત્રણ દાયકાથી મચી પડેલો જીવ, એ મારો અખંડ પ્રેમી અને હું એનો ..
“શૈશાવ્યા તારો બ્લોગ દસ બાર જગ્યાએથી ફોરવર્ડ થયેલો મારી પાસે આવ્યો પણ અત્યારે તો મેં ડોક્ટર્સ પાસેથી પરમીશન લીધી છે તારી જોડે વાત કરવાની અને હું હોસ્પિટલના ખાટલેથી વાત કરું છું ..”
મારા પેટમાં ધગધગતું તેલ રેડાઈ ગયું .. લગભગ ફાટેલા અવાજે મેં કીધું.. “કેમ…???? શું થયું લ્યા તને ?”
ભાઈબંધ પણ મારો જ અને મને રગે રગથી ઓળખે ને પાછો પોતે આવડો મોટો ડોક્ટર “ અરે અરે શૈશવ તું તારું બીપી ના વધાર, હું હવે ઓકે થઇ ગયું છું પણ પરમદિવસે સવારે મને હાર્ટએટેક આવ્યો છે, લગભગ સવારે સાડા છ વાગ્યે છાતીમાં દુ:ખાવો ચાલુ થયો એટલે મને અનયુઝવલ લાગ્યું એટલે હું સીધો કેથલેબમાં જ પોહચી ગયો થ્રોમ્બોસીસ નીકળ્યું, બે ટોટલ બ્લોક, તરત જ મારી પ્લાસ્ટી કરી, હું આઠ વાગ્યે તો બાહર હતો, અને બીજું ક્યાય કશો લોસ નથી, ગોલ્ડન અવર મને ..મને.. મળી ગયા હું બચી ગયો.. નેક્સ્ટ વિકથી હોસ્પિટલ ફરી જોઈન કરી લઈશ ,ટેન્શન ના લે તું યાર ..બચી ગયો છું ..”
મારું હ્રદય લગભગ બેસી ગયું હતું .. “અરે યાર તને… ? ના દારૂ, ના સિગરેટ, ના કોઈ બીજા અપલક્ષણ છતાંય તને ?”
અમારી દોસ્તીમાં અપલક્ષણ નહિ પણ લક્ષણ મળ્યા હતા એટલે દોસ્તી થઇ છે..
“શૈશાવ્યા એટલે જ તને ફોન કર્યો છે યાર .. તારા બ્લોગમાં લખ્યું છે ને પેલું વેક્સીન વાળું, હું હમણાં જ ગયા મહીને પરદેસ ગયો હતો અને સાલાઓ એ ત્યાં મને ફરી વેક્સીન ઠોકી , પછી જ એમની હોસ્પિટલમાં કામ કરવા માટે આવવા દીધો ,હવે કાગનું બેસવું અને ડાળનું પડવું છે કે વેક્સીન અને પેલો ડોક્ટર ફાઉચી(કોવીડ વખતે અમેરિકાના સર્વેસર્વા હતા તે ) કલ્પીટ છે એ ભગવાન જાણે..”
મારો આઘાત હજી સર્યો નોહતો .. હું એવા ડોક્ટર મિત્ર જોડે વાત કરી રહ્યો હતો કે જે બિલકુલ નિર્વ્યસની છે, જેના ચેક અપ રેગ્યુલર થઇ રહ્યા છે, અને જેને વેક્સીન પરદેસમાં હમણાં મહિના પેહલા અપાઈ છે , એ મારો મિત્ર હોસ્પિટલના બિછાનેથી મને ફોન કરી રહ્યો હતો..!!
હાંજા ગગડી ગયા હતા મારા ..
એની ખબર પૂછવા મારે જવું જોઈએ એના બદલે મારી ખબર પૂછવા એણે આવવું પડે એવું થઇ ગયું , ગાત્રો ઢીલા મારા તો ..
મેં કીધું “અલ્યા ખરેખર ને સાચું બોલે છે કે ચલાવે છે?”
હસતો હસતો બોલ્યો “તું શાંત થતો હોય તો મજાક કરું બસ..”
મેં પૂછ્યું “કઈ હોસ્પિટલમાં છે ?”
એણે નામ આપ્યું અને કીધું આવતીકાલે ઘરે આવી જઈશ પછી ઘેર આવજે શાંતિથી કોફી પીશું..
મેં કીધું કાલે જ આવું છું .. એણે કીધું .. “ચલ વાત ઓછી કરવાનું કીધું છે પણ તારો બ્લોગ બિલકુલ તાકડે જ આવ્યો છે એટલે તને ફોન કર્યો છે..”
મેં કીધું “સાચવજે દોસ્ત ..”
ફોન કાપ્યો પણ આંખમાંથી એક આંસુડું સરકી ગયું મારે..
સાલું દોસ્તો વિના જીવવાની તો કેમ મજા આવે ?
શું ચાલી રહ્યું છે એ જ સમજાતું નથી ..સાવ ચાલીસીમાં ફરતા છોકરાને હાર્ટએટેક ?
કોવીડ પછીનું આ બહુ મોટું ટાસ્ક માથે આવીને ઉભું છે કૈક આગોતરા ટેસ્ટ અને ગાઈડલાઈન્સ માંગી રહ્યો છે સમાજ વૈજ્ઞાનિકો ,સરકાર ,ડોક્ટર્સ પાસે ..
જેથી વેળાસર ઉપાય થાય અને જીવન રોળાઈ ના જાય ..
મીડિયા તો પ્રેક્ટીકલી પેહલા ઝેલેન્સકી અને હવે ઈઝરાઈલમાં પડ્યું છે પણ જો આમ ને આમ ચાલ્યું તો ઘર આંગણે એમના યુદ્ધમાં નહિ મર્યા હોય એટલે છોકરડા કુટાઈ મરશે આ હાર્ટએટેકના અને બ્રેઈન સ્ટ્રોકના ચક્કરમાં..
આ અમેરિકાવાળા ડોક્ટર ફાઉચીની ઉભી કરેલી આ બધી મોકાણ તો નથી ને ?
અપલખણીયા ને કઈ નથી થતું અને સીધી ગાયો વધેરાઈ રહી છે આવું કેમ ?
સોપારી પાન મસાલા લોહીનું પાણી કરે છે એવું કેહવાય, એટલે એવું તો નથી કે એ બધું એન્ટીકોએન્ગ્યુંલન્ટનું કામ કરે છે અને એ બધા બચી જાય છે અને પેલા અમારા જેવા નિર્વ્યસની દેવાઈ જાય છે …???????????
પ્રશ્નાર્થ ચિન્હ છે ..સભ્યતાપૂર્વક જવાબ આપવાની છૂટ છે..
ડોક્ટર મિત્રો કશુંક તો શોધો ..
કોઈક પેપર તો સબમિટ કરો અને સબમિટ થયા હોય તો એની જાહેરમાં ચર્ચા કરી કસોટીની એરણે લાવો ..
વેક્સીન શોધવા મેહનત કરી હતી તો આડઅસરો અને એના ઈલાજ પણ શોધવા રહ્યા..
નિરંતર ચાલતી પ્રકિયા છે ..
રોગ-ઈલાજ-રસી-અસર-આડઅસર- ઈલાજ….નવોરોગ-ઈલાજ-રસી …
ડોક્ટર મિત્ર બચી ગયો એનો આનંદ ..
દોસ્ત ..
તું ભલે ડોક્ટર રહ્યો હું પણ કઈ કમ નથી, પપ્પા એમના પેશન્ટને એવું કેહતા કે દવા જોડે દુશ્મની ના ચાલે ખાવી જ પડે અને મમ્મી આજે પણ એમના પેશન્ટ્સને કહે છે દવા ખાવથી ક્વોલીટી લાઈફ મળતી હોય તો ખાઈ લેવી..વ્યસન નથી કર્યા છતાંય તારી છાતીમાં સ્ટેન્ટ ઘુસ્યા છે તો હવે સાચવી જાણજે એને , દવાઓ ખાઈ લેજે , દવાઓ ખવડાવવી અને ખાવામાં ઘણો ફર્ક છે , તું અત્યારે એ ફર્ક મેહસૂસ કરી રહ્યો હોઈશ , કદાચ તારી તારા પેશન્ટ પ્રત્યેની સદ્દભાવનાએ તને નવજીવન આપ્યું છે તો હવે જીવન પેશન્ટ્સને નામે કરી દેજે ..!
મા અંબા ભવાની તારી રક્ષા કરે અને આપણે બંને સો વર્ષના કોફી પીતા પીતા થઈએ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*