હાર્ટએટેક ..
નાની ઉંમરના હાર્ટએટેક વધતા જાય છે, ચારેય બાજુથી સમાચારો અને સર્વે આવી રહ્યા છે એવે સમયે સરકારી ગાઈડલાઈન્સની રાહ જોવાઈ રહી છે કે કારણ શું અને કેમ..?
જન્મથી મેડીકલ બેકગ્રાઉન્ડ મળ્યું છે શૈશવને એટલે ભલે `લે-મેન` નું બિરુદ “હાંસલ” કરેલું હોવા છતાં પણ સબ્જેક્ટમાં ઉતારવાનું મન થાય..
મેડીકલ ટર્મિનોલોજી એવું કહે છે એક વત્તા એક ક્યારેય બે થાય નહિ, વધારે પડતું કોમર્સ જેમના દિમાગમાં છે એ અને મગજના અઠ્ઠાઓને સમજણમાં નહિ આવે એટલે અહીંથી આગળ વાંચતા નહિ..
સ્ક્રોલ કરી મુકજો..
હાર્ટના ડોક્ટર્સને હાર્ટએટેક આવે અને મૃત્યુ થાય ત્યારે વિચાર માંગે એવી પરિસ્થતિ ચોક્કસ છે, ઘણા બધા ડોક્ટર્સ વિટામીન બી-૧૨ સાથે જોડે છે આ બધી ઘટનાઓને અને બી-૧૨નું લેવલ ઘણું ઓછું હોવાને કારણે હોમો સીસ્ટીન લેવલ વધે છે ને ક્લોટીંગ ચાલુ થઇ જાય છે, બીજું કારણ ડી-ડાઈમર વધી જાય છે અને કલોટીંગ ચાલુ થઇ જાય છે.. આવી ચર્ચાઓ થાય છે પણ ચોક્કસ તારણ નથી આવ્યા કોઈ ..
પારિવારિક સબંધી અને ખુબ સીનીયર એવા ડોક્ટરને કોવિડ બે વાર પોઝીટીવ આવેલો, કોવીડ પોઝીટીવ આવ્યો ત્યારે એમનું ડી-ડાઈમર ઘણું હાઈ આવ્યું હતું,
ઘોર કલિયુગમાં માંડ માંડ એમને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો, બધું ધીમે ધીમે કન્ટ્રોલમાં આવ્યું હતું , તે પછી ઘણા બધા મહિનાઓ બાદ રૂટીન બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે ડી-ડાઈમર કોઈ જ કારણ વિના ખુબ જ વધારે આવ્યું ,તાત્કાલિક ઘણી બધી એગ્રેસીવ ટ્રીટમેન્ટ શરુ કરી અને જીવ બચાવી લેવામાં આવ્યો..
બીજો કિસ્સો .. કોવીડકાળના ઘોર કળિયુગમાં પારિવારિક મિત્ર સિક્સ પેક્સ બોડી ,કશું જ બાહરનું ખાવાનું નહિ, અત્યંત સાધનસંપન્ન એવા મિત્રને ટ્રેડમિલ ઉપર જ હાર્ટએટેક આવ્યો અને બચવાની કોઈ જ ગુંજાઇશ રહી નહિ ..!
એકવાર દેહ છૂટે એટલે સાદી ભાષામાં કહીએ તો લોહીનું પાણી થવાનું ચાલુ થઇ જાય પછી ગમ્મે તેટલા પીએમ (પોસ્ટમોર્ટમ) થાય તો આવા કેસમાં કશું નક્કર તારણ મળતું નથી ..
અત્યારે જેટલા નાની ઉંમરમાં હાર્ટએટેક આવ્યા છે એટલી જ માત્રામાં બ્રેઈન સ્ટ્રોક પણ હવે સંભળાય છે અને એનું કારણ પણ કલોટીંગ જ આવે છે ..
જીમમાં હાર્ટએટેક ,કે રમત રમતા આવતા હાર્ટએટેક, લગ્નમાં નાચતા નાચતા આવતા હાર્ટએટેક આ બધી ક્લિપ્સ આપણને સહુને વોટ્સ દ્વારા અનહદ મળી રહી છે…
હવે આજે ક્યાંક સમાચાર મળ્યા છે પોલીસના જવાનોને સીપીઆર (કાર્ડિયો પ્લ્મ્નારી રીસસીટેશન )ની ટ્રેનીંગ આપવામાં આવશે ..
એકલા પોલીસના જવાનોને નહિ પણ તમામ જુવાન છોકરા છોકરીને આ ટ્રેનીગ ફરજીયાત કરાવવી જોઈએ, વત્તા તમામ પબ્લિક પ્લેસ ,જીમ, હોટેલ ઉપર AED મશીન રાખવા ફરજીયાત કરવાની જરૂર છે ..
પરદેસમાં દરેક જીમમાં AED મશીન રાખવા ફરજીયાત છે .. તે લાગતાવળગતાની જાણ સારું..!
આજે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જીમ ને ડાયટીશયન,
અને ઉધઈના રાફડાની જેમ ફાટી નીકળેલી હોટલો ,રેસ્ટોરન્ટ કશોક કન્ટ્રોલ માંગે છે..!
સરકારી દખલ માંગે છે,
પણ ઈમાનદારીપૂર્વકની ,
નહિ કે ભ્રષ્ટ હડકાયા કુતરાઓની ફોજ..
દવાની દુકાને કેમિસ્ટની હાજરી ફરજીયાત કરી તેમ દરેક જીમ કે અખાડામાં ફીઝીયોથેરાપીસ્ટની હાજરી ફરજીયાત કરવી રહી,
ડાયટના નામે જે તૂત ચાલે છે ત્યાં જરાક પ્રોપર કોર્સ થવા જોઈએ અને જેની પ્રોપર ઓથોરીટી મોનિટરીંગ માટે ..
ખાધાની ખબર તો આપણને અમથી પણ નથી, કેમ કે હવે ઘરમાં જે જમવાનું આપણા ભાણામાં પડે છે એ ક્યાં ઉગ્યું હશે અને એમાં કેટલા ખાતર અને કેટલા પેસ્ટીસાઈડ પડ્યા હશે એ તો ખુદ ઉપરવાળો નીચે આવે તો ન આપણને કહી શકે તેમ નથી ..
ભેળસેળ કે સેળભેળ ?
પરંતુ રેસ્ટોરન્ટની અંદર શું ખેલ ચાલે છે એની તપાસ તો પ્રોપર સાયન્ટીફીક રીતે થવી જોઈએ ..
રેગ્યુલર સેમ્પલિંગ થવા જ જોઈએ જેમ દવાઓ `આઈપી` પાસ હોય પછી જ બજારમાં આવે તેમ ખાવાના હોટેલ હોય કે લારી બધું ક્યાંક તો પાસ કરાવવા પડે જ , અમુક તમુક માત્રાથી વધારે ચીઝ ,બટર કે ખાંડ બધું ઝેર સમાન છે ..
વિવેકભાન ,પ્રમાણભાન કરાવવાની જરૂર છે ખાવાના વેચનારને ..ભુખડાઓ એ જનમારામાં નાં ભાળી હોય એમ જેની અને તેની ઉપર ચીઝ ઠોકે છે ..
હવે પાણી ઉપર આવીએ .. નદીઓના નીર તો હવે દુર્લભ છે ,પર્વતોના જંગલ કાપી ખાધા એટલે હવે નદીઓની સરવાણી ફૂટતી જ બંધ થઇ ગઈ અને ઉપરથી નદીઓમાં ગટરના નાળા છોડ્યા એટલે એ પાણી પીવા લાયક રહ્યા નહિ ..
પછી નાખ્યા આરઓ..
લોક મોઢે એવું કેહવાય છે કે આરઓ પાણી પીવાને લીધે બી-૧૨ ઘટી જાય છે , કોઈ પ્રમાણભૂત સર્વે થયા નથી અને થયા છે તો મારી જાણ બાહર છે, પરંતુ મારો અનુભવ કહું તો ઘેર નર્મદાજીના નીર આવ્યા પછી આરઓને કાઢીને રીતસર ફેંકી દીધું છે ..
સાચો અને સારો ઉપાય છે જૈન થવું .. પાકું પાણી પીવું , ઉકાળેલા પાણીને ઠારી અને પછી વાપરવું ..
હું કેહતો આવ્યો છું કે ખેડૂત જગતનો તાત છે તો ઉદ્યોગ એ જગતની માત છે,સુખાકારી ઉદ્યોગો એ આ દુનિયાને પૂરી પાડી છે ,
જેમ આરઓ સીસ્ટમ બનાવી તે જ રીતે અત્યારે તો ઉદ્યોગ જગત પાકું પાણી બનાવવાનું મશીન પૂરું પાડી શકે તો અત્યારના સંજોગોમાં માર્કેટ પણ છે અને નીડ ઓફ ધ અવર પણ છે ..
કરવાનું બહુ કશું નથી, ઇલેક્ટ્રિક કે ગેસથી નાની ટાંકીમાં પાણી ઉકાળી અને ઠંડું થાય તેવી મીકેનીઝમ ગોઠવવાની છે , ટેકનોલોજી બંને અવેલેબલ છે પાણી ગરમ કરવાની અને ઠંડું કરવાની ખાલી સીન્ક્રોનાઈઝ કરવાની વાત છે બંને ને ..
એક સાથે ઘણા બધા મોરચા ઉપર આ હાર્ટએટેક અને બ્રેઈન સ્ટ્રોક માટે લડવાનું આવી ગયું છે ,
સૌથી પેહલી વાત છે કે દર છ મહીને કશું હોય કે ના હોય પણ બ્લડ રીપોર્ટ ચોક્કસ કરાવો જેથી કરીને અંધારામાં ના રેહ્વાય ..
અને સરકારી લેવલે પેહલા તો જો ખુલીને સમસ્યાનો સ્વીકાર થશે તો જ સમાધાન તરફ આગળ જવાશે ..
કોવીડ થોડોક સ્ત્રીઓ માટે ભલો રહ્યો હતો, પુરુષોને આકરો પડ્યો હતો અને એની આ સાઈડ ઈફેક્ટ છે ?
ઘણા બધા ફેક્ટર્સ છે અને એમાંથી કોઈ અગમ્ય કારણ પણ બાહર આવે તો પણ નવાઈ નહી..
પરંતુ સમસ્યા છે એવો સ્વીકાર થાય તો જ સમાધાન તરફ આગળ જવાશે …
બાકી તો જીભ સાજી તો ઉત્તર ઝાઝા ..!
સાચવજો ..
ટેસ્ટ કરાવતા રેહવાના તમારા ફીઝીશીયનને પૂછીને ,
હું `લે-મેન` છું માટે કોમેન્ટો ઠોકીને મારી મેથી ના મારતા ..!!
ક્યા ક્યા ટેસ્ટ કરાવીએ ? એવું પૂછી ને ..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*