નદીની રેતમાં રમતું શહેર “વિકાસે” રીવર ફ્રન્ટમાં ડૂબ્યું
ભદ્રનો કિલ્લો ગુલાબી થયો , માણેક બુરજ અડધો રહ્યો
દરવાજા પડીને પાદર થયા ,કાંગરા ખરીને ડામર થયા
દલપત-અખો વાસી થયા ,સુંઠના ગાંગડે ગાંધી થયા
પોળના મોભીયા T(ટી)ગર્ડર થયા, મીનાર ઝુલતા હાલી ગયા
મિલના ભૂંગળા સન્નાટે પડ્યા , મોબાઈલ ટાવર ગુંજી રહ્યા
શ્રેષ્ઠી શેઠિયા પાયમાલ , શઠ બિલ્ડર માલામાલ
ઓટલો,ચોકડીને ખડકી ભુલાયા,સંબંધો સીજી રોડમાં વિલાયા
આશિષભાઈ સૌ પેહલા તો તમારો ખુબ ખુબ આભાર ,
મારા અમદાવાદને એક જુદી જ નજરે મને બતાડવા બદલ, આજ નો સવારનો તમારી સાથે ગાળેલો હેરીટેજ વોકનો સમય ખુબજ સુંદર રીતે પસાર થયો અને મનમાં એક સરસ મજાની જગ્યા કરીને વસી ગયો ..
આજે સવારના સાતથી તે અગિયાર વાગ્યા સુધી એક ટુરિસ્ટની જેમ હું મારા જ અમદાવાદમાં ફરતો રહ્યો,મને એવું લાગતું હતું કે કોઈ જુદા જ શેહરમાં હું ફરવા નીકળ્યો છું,સવારે સાત વાગ્યે ભદ્રકાળી માં ને પ્રણામ કરીને ભદ્રના કિલ્લામાં ઘુસ્યા,
બહાર પેલા સિપાઈની દરગાહ જોઈ .. જેના વચને લક્ષ્મીજી બંધાઈને હજી આ શહેરમાં જ ઉભા છે ..
ભદ્રન કિલ્લામાં ઉપર ચઢ્યા ,ફાંસીનો માંચડા વાળી જગ્યા અને રંગમંચ જોયો , કિલ્લાનો લીમીટેડ ઈતિહાસ જાણતા હતા ,એમાં થોડોક વધારો થયો , ફોટા પાડ્યા પણ અત્યારે રિસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે ,અને અત્યારે કિલ્લો લાપી અને અસ્તરને લીધે ગુલાબી લાગે છે , જીવ બળી ગયો કિલ્લાના ગુલાબી કલર જોઈ ને ,કિલ્લાની ઓરીજીનાલીટી મરવા પડી છે અત્યારે તો ,
વર્ષો ના વર્ષો ભદ્રના કિલ્લામાં સરકારી ચાવડી રહી હોવાને કારણે રાખ રખાવ એક હેરીટેજ સાઈટની જેમ બિલકુલ નથી થયું અને લગભગ કિલ્લાનું સત્યનાશ વળી ગયું છે ,
ભદ્રના કિલ્લેથી ઉતરીને સામે ફુવારા આવ્યા , જોયું તો “વિકાસ” ના નામે જુનો ફુવારો ગાયબ અને નવો ફુવારો બનાવવાની કોશિશ થઇ છે ,પણ વચ્ચે જે લક્ષ્મીજી ની મૂર્તિ હતી તે ગાયબ થઇ છે ..!
ત્યાં આગળ શ્રેષ્ઠી શ્રી રણછોડલાલ રેટીંયાવાળાનું પુતળું હજુ અકબંધ છે ,પણ જનતા જનાર્દન એના માથે ચડી ને પ્રેક્ટીકલી નાચે છે ,અને નરી ગંદકી ના ઢગલા …
આગળ વધ્યા બાપાલાલ મોદીનો બનડાવેલો ચબુતરો જોયો ,જે સારી અવસ્થામાં છે હજી અને ત્યાંથી સીધા ત્રણ દરવાજાની ઉપર ચડ્યા , જીવનના પિસ્તાલીસ વર્ષ દરમ્યાન કદાચ હજારો વાર ત્રણ દરવાજાની નીચેથી નીકળ્યો છું, પણ એની ઉપર ચઢીને અમદવાદ આજે પેહલીવાર જોયું ,
વર્ષોની ઈચ્છા હતી કે ત્રણ દરવાજાની ઉપર ચડું ,એના માટેનું કારણ ફક્ત એટલું જ છે કે હું ખાનપુરમાં રહીને મોટો થયો છું, એકદમ કોટની ઉપર ચડી અને રમીને મોટો થયો છું. અને એ કોટ ઉપર ઉભા રહીને સાબરમતીને પૂર ના પાણીથી ઘુઘવતી મેં ઘણીવાર જોઈ છે ,અને એ જમાનામાં નાનપણમાં થોડીક બીક લગતી કે તણાઈ તો નહિ જઈએને ..!!
ત્યારે એવા સમયે ખાનપુરમાં અમારા વડીલો એમ કેહતા કે જયારે ત્રણ દરવાજાનું માથું ડૂબે ત્યારે ખાનપુરના તળે પાણી આવે ..
એટલે ત્યારની ઈચ્છા હતી કે ત્રણ દરવાજાના માથે ચડવું …!!
ત્રણ દરવાજા પર પેલો છસ્સો વર્ષ જુનો અખંડ દીવો અને થોડું ઘણું બચેલું કાર્વિંગ …!!
ત્યાંથી જામા મસ્જીદ … જીવનમાં પેહલી વાર પગ મુક્યો …દુનિયાભરના પથરા જોયા અને ઘરઆંગણા ના પથરે પોહચતા પિસ્તાલીસ વર્ષ લાગ્યા, સંપૂર્ણ હિંદુ અને જૈન શૈલીથી થયેલું બાંધકામ..!!
મસ્જિદ હોવાથી ઇસ્લામિક કલ્ચર ક્યાંક દેખાતું પણ ,જૈન દેરાસરની જેમ તોરણ અને ગુંબજ..!!
સમય ખૂટ્યો એટલે અડધુ મૂકી ને ભાગ્યો , પોતના શેહરમાં હોવાની આ કમબખ્તી .. બીજા શેહરમાં હો તો કોઈ ના બોલાવે ,અહિયાં તો કોઈ ને કોઈ કમીટમેન્ટ હેરાન કરે …
ફરી પાછો જલ્દી નીકળીશ હેરીટેજ વોક પર …!
મારા જ શેહરમાં અજનબી બનીને ટુરિસ્ટ બનીને ..!
શુભ રાત્રી
શૈશવ વોરા