હીરામંડી ..
જોવા માટે ખાસ્સો સમય માંગી લ્યે એટલી લાંબી સીરીઝ બનાવી છે..પણ સુંદર છે..!
મીલેનીયર્સને કેટલી ગમશે એ ખબર નથી પણ પાકીઝા, મોગલે આઝમ જોવા અને સમજવાવાળી પેઢીને ચોક્કસ ગમશે..
સંજય લીલા હોય એટલે સેટિંગ્સની ભવ્યતા અપેક્ષિત , કપડા મેકઅપમાં પાછું વાળીને જોવાનું હોય જ નહિ..!
તવાયફ..
આ શબ્દ આવે એટલે આજેપણ ભદ્ર સમાજ મોઢું ફેરવી લ્યે .. કોઈ ને રસ નથી..
અને એ સિવાય અડધી મિનીટ્સની રીલ્સ જોઇને આનંદ મેળવતી પ્રજાને પણ આ બધામાં રસ ના પડે એ સ્વાભાવિક .. મુજરો ,નાચ આવા બધા શબ્દો ગ્રીક લેટીનમાંથી આવ્યા હોય એવું લાગે..
કદાચ એક દસકાથી વધારે તાનપુરા સાથે શૈશવ જીવનમાં રમ્યો ના હોત તો એને પણ એવું જ હોત..
એક સમયે જીવતરનો લાહવો અમે લુંટ્યો હતો , મુજરાની ચીજો માણી હતી ..
સપ્તકની એ રાત જ્યારે કથ્થકના મહારાણી સિતારાદેવીનો નાચ હતો અને તબલા સમ્રાટ પંડિત કિશન મહારાજજી તબલા ઉપર હતા..બંને જણા લગભગ એંશી વર્ષની ઉંમર પાર કરી ચુક્યા હતા..પણ એ જ ઉર્જા મંચ ઉપર હતી.. અદ્દભુત..!
સંજય લીલા ઘણી બધી જગ્યા ચુક્યા..
હીરામંડીમાં સ્વર્ગીય પંડિત બીરજુ મહારાજજીની ગેરહાજરી વર્તાઈ..લોંગ શોટ બહુ સુંદર એક્સ્ટ્રા પાસેથી ઘણું કામ લીધું તમામ મુજરામાં પણ કથ્થકની મજા ચેહરાના ભાવ છે..!
એક પણ હિરોઈનના મુજરા દરમ્યાન અપ ટુ ધ માર્ક નથી..
સોનાક્ષી ,મનીષા કોઈરાલાથી લઈને રીચા ચઢ્ઢા બીજી ઘણી બધી આજના આજના જમાનાની હિરોઈનો સાથે અભિનયમાં સારું કામ લીધું ,પણ અભિનયમાં આલમઝેબના લોચા, ભાવવિહીન ચેહરો અત્ય્યારે મિમ ફેક્ટરીમાં ફેવરીટ છે..
મને ગમ્યું તે વિષય અને કથાવસ્તુ ..
અકબરના જમાનાથી સંગીતની વટાળ પ્રવૃત્તિ ચાલુ થઇ અને મોટાભાગના ઉતર હિન્દુસ્તાની શાસ્ત્રીય પધ્ધતિમાં વપરાતા સાધનોની જોડે રમતો થઇ વીણામાંથી સિતાર અને પખાવજમાંથી તબલા થયા, સારંગીના સો રંગ ભુલાયા..
આખી સીરીઝનું ફ્લેગશીપ ગીત ઉર્ફે કવ્વાલી બહાર રાગમાં સકલ બન ફૂલ રહી સરસોં.. જે વસંતપંચમીને દિવસે ગવાતું એની કવ્વાલી સાતસો આઠસો વર્ષ પેહલા રચાઈ ગઈ..
મૂળે વસંત ઋતુમાં પીળા ફૂલ અને પીળા વસ્ત્રો પેહરી અને સરસ્વતી પૂજન થતું ..
એવું કેહવાય છે કે વંશ પરંપરાગત રીતે આ તવાયફોએ સંગીતને સાચવી રાખ્યું છેક ૧૯૪૭ સુધી અને ત્યારબાદ ફરી એકવાર સંગીતનું ડોકયુમેન્ટેશન થવાનું ચાલુ થયું..
તવાયફ પરંપરા ક્યાંથી શરુ થઇ ? એવો સવાલ મારી જાતને કરું તો જવાબ છેક ઇન્દ્રની અપ્સરાઓ સુધી પાછળ જવાબ જાય, સ્વર્ગમાં નાચગાન થતા અને પછી અપ્સરાઓનો ઉપભોગ થતો.. કૈક એવી જ વાત છે .. એમાં અપ્સરાઓ પાસે અધિકાર રેહતો કે ક્યા પુરુષને સ્વીકારવો, ત્યાં ચારિત્રની વાર્તા ભૂલી જવાની આવતી..
હીરામંડીમાં પણ એવું જ કૈક છે નવાબોના છોકરાઓને એમના પરિવાર સામેથી “તેહઝીબ” શીખવા હીરામંડી મોકલતા ..જય હો ..
અને એ જમાનામાં કોન્ટ્રાસેપ્ટીવના સાધનો હતા નહિ એટલે શકુંતલા હીરામંડીમાં મોટી થતી..આપણે કણ્વ ઋષિના આશ્રમમાં ..અને મેઈલ ચાઈલ્ડ વેચાઈ જતા..
મને હીરામંડીમાં મનીષા કોઈરાલા અને ફરીદ્દન ઉર્ફે સોનાક્ષી આ બે પાત્રો ગજ્જબ ગમ્યા..
ક્રૂર માર્કેટિંગ મેનેજર ,એચઆર , માલિક .. કાવાદાવા ,ઝૂઠ ,ફરેબ , કાવતરા .. કશ્શું જ બાકી નહિ..
બાપદાદા કેહતા કે આના ઝપાટે ના ચડાય..
હીરામંડી જોતા જોતા ભૂલથી પણ આપણી જાતને કોઈ નવાબની જગ્યાએ મૂકી તો ખલ્લાસ ..આ નહિ આવનારા સાત જનમની બરબાદી નજર સામે આવી જાય..!
એ સમયનું લાહોરની વાત છે, સંજય લીલાના સેટિંગ્સ જેટલી ભવ્ય હીરામંડી સો ટકા નહિ હો પણ લાહોરના રાજ્મેહલને અડીને આવેલી જગ્યા છે એટલે નવાબો અને રાજા મહારાજાઓને ખંખેરી તો સરખા લીધા હશે..
રહી વાત ઉર્દુની તો ક્યારેક કોઈક શબ્દ અધ્ધરથી જાય તો જાય પણ સમજણ પડી જાય કે શું કેહવા માંગે છે એટલે રસક્ષતિ નથી થતી..
મારા જેવાને કેવા વિચાર આવે ખબર છે ?
મલ્લિકાજાન જેવો ક્રૂર મેનેજર મળી જાયને તો કામ થઇ જાય ..
ગમ્મે તે થાય, શો મસ્ટ ગો ઓન કામ તો લેવાનું જ ..
અને ફરીદ્ન જેવા કોમ્પિટિટર.. તમને જપીને બેસવા જ ના દે.. એક દાવ પત્યો ના પત્યો નવો દાવ આવે..મલ્લિકાજાન નવરી જ ના પડે..જીવનમાં એક પછી એક પડાવ આવ્યા જ કરે..
લગભગ આખી સીરીઝ અંધારામાં છે ડાર્ક વધારે પડતું લાગે છે ક્યારેક જો સળંગ બે ચાર એપિસોડ જોવા બેસીએ તો..થોડાક પાકીઝા અને મુગલે આઝમ જેવા તડક ભડક કલર્સ વાપરી અને લાઈટ વધારે રાખી હોત તો મોજ આવતે..
છેલ્લા એપિસોડમાં અચાનક બધુ પોટલા સમેટી લેવાતા હોય એવું લાગે , સવાલો એવા ઉભા થાય કે જે હીરામંડી આટલી બધી પાવરફુલ હતી કે જ્યાં હાથ મારતા અંગ્રેજી સરકાર ડરતી એનો અંત આટલો આસાની થી કેમ ..?
કદાચ આગળ આ સીરીઝના હપ્તા આવે તો એમાં અંતનો આરંભ કેમનો થયો એ બધા તથ્યો જાણવા મળશે એવી આશા છે..
એકાદ બે સીનમાં મલ્લિકાજાનને નવી તવાયફોને ટ્રેનીંગ આપતી બતાવાય છે..
જબ્બર બાકી.. આખી ટ્રેનીગ તો કેવી હશે ? કલ્પના જ કરવી રહી..!!
બહુ ના વિચારશો હોં ..ખોટા ખોટા મનમાં ગલગલીયા કરવાનો મતલબ નથી.. ૨૦૨૪ની સાલ ચાલે છે હોં નવાબ સાહેબ..
હવે બીજી વાત સરહદ પારની ..
ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર સરહદ પારથી વિડીઓ આવવા માંડ્યા છે અને હિરામંડી માટે બચાવની મુદ્રામાં આવી ગયા છે ..
દાવો એવો કરે છે કે હીરામંડી કલ્ચરલ એક્ટીવીટીનું સેન્ટર હતું વેશ્યાલય નહિ..
અને અંગ્રેજોએ એમને વેશ્યા બનાવી..નોચ ગર્લ કેહતા અંગ્રેજો એમને , બાકી હીરામંડી તો બહુ મોટું સંસ્કૃતિક સેન્ટર હતું..!
ઓ..ત્તારી..ઠીકરું અંગ્રેજના માથે ફોડ્યું .. ઔરંગઝેબએ તો કલા અને કલાકારોને જાણે બહુ મોટું પ્રોત્સાહન આપ્યું હતું નહિ ..?
અંગ્રેજ તો પારકો હતો અને પારકો થઇને જ રહ્યો, પણ મુઘલોના તો મકબરા પણ હજી અહિયાં છે અને એમણે સંગીત અને કલા સાથે જે પાપ કર્યા એનું શું ? સંગીતને ઝલીલ કરવામાં ઔરંગઝેબએ ક્યાં કશું બાકી રાખ્યું હતું ,
આજે પણ સરહદ પાર “સારા ઘરાના”ના લોકો કલાનો અભ્યાસ નથી કરતા..એમ ઠીકરા અંગ્રેજના માથે ફોડવાથી કશું ના વળે..
ઠીક છે હવે ..
પોઝીટીવ વાતો રાખીએ ભારતીય સમજે તો પોતાની મેચ્યોરીટી દાખવી અને કલાને ફરી એકવાર ભદ્ર સમાજમાં પ્રસ્થાપિત કરી દીધી છે ,આજે ગર્વ પૂર્વક કહી શકું છું કે હું સંગીતમાં વિશારદ છું ..!
આપણે તો ચોક્કસ માનીએ જ છીએ ..
साहित्य-संगीत कलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम् ।।
જોઈ લેજો સમય મળ્યે હીરામંડી
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*