થોડાક મહિનાઓ પેહલા એક “મહાલય”ના વાસ્તુપૂજનમાં જવાનું થયું હતું ,રાજપથ ક્લબની પાછળની બાજુમાં લગભગ ત્રણ હજાર વાર ના પ્લોટમાં એક “આલય” ઉભો કર્યો હતો,
આલય ની બદલે “મહાલય” શબ્દ વાપરવા પાછળ નું પ્રયોજન એટલું જ છે કે મારા જેવા મધ્યમવર્ગી માણસ ત્રણ હજાર વારનો પ્લોટ અને એની ઉપર હજાર વારનું બાંધકામ જોવે એટલે સત્તર વિચાર આવી જાય,એના મેન્ટેન્સથી લઈને સિક્યુરીટી સુધીના ..
આપણા માટે હજાર વાર ઉપરનું બાંધકામ એટલે “મહાલય” જ કેહવાય..!!
જેને સાચવતા તમારા ફીણ નીકળે, જેના અડધોઅડધ કમરા બંધ પડ્યા રહે ,જે ઘરમાં માલિકો કરતા નોકરોની સંખ્યા વધે ,અને સૌથી મોટી વાત સભાનઅવસ્થામાં (ઊંઘના કલાક બાદ કરતા) જે ઘરમાં માલિક કરતા નોકર વધુ સમય રહે એનું નામ “મહાલય”..!!
એ મહાલયમાં પેહ્લે માળે જવાની સીડી ની નીચે એક નાનકડું માર્બલનું “તળવાડું” એમની આર્કિટેક્ચરએ ઉભું કરી આપ્યું હતું..લગભગ દસેક ફૂટ લાંબુ અને સાત આઠ ફૂટ પોહળું એની બરાબર વચ્ચે માર્બલનો એકાદ ફૂટ ઉંચો એક ફુવારો ઉભો કરી નાખ્યો હતો ,થોડી એલઈડી લાઈટો ફુવારા ઉપર પડે તેમ મૂકી હતી..એલઇડી લાઈટોનું પ્રતિબિંબ એ તળાવડાના પાણી ઉપર પડે અને પછી રીફ્લેક્શન આખા હોલમાં આવે, ખુબ સરસ દેખાતું હતું..!!
એમાં થોડીક “કુઈ” પ્રકારની માછલીઓ ના બચ્ચા નાખવામાં આવ્યા હતા..
વખાણ કરવાના હેતુથી આપણે એ મહાલયના માલીક ને સવાલ પૂછ્યો તમને આ ફીશનો “શોખ” છે..? અતિઉત્સાહમાં તેઓ બોલ્યા નાં..ના..બાબા ને “શોખ” છે એટલે આ કરાવ્યું છે..!
“બાબો”..?
બાબો હજી માંડ બાર વર્ષનો..
આપડું મધ્યમવર્ગ નું દિમાગ ચકરી ખાઈ ગયું , આ બાર વર્ષનું છેંછીયુ કેવી રીતે સાચવશે આ “તળાવડી” ..?
અને એ તળાવડી બનાવવામાં પણ એક બહુ મોટી ભૂલ હતી એમની આર્કિટેક્ચર છો`ડીની,
એની ઊંડાઈ ખાલી એક ફૂટ હતી એટલે પાણી અડધા ફૂટથી વધારે ભરી શકાય તેમ નોહતું તો પછી આટલી ઓછી “ડેપ્થ”માં ફીશ સર્વાઈવ કેવી રીતે થાય ..?
થોડાક સમય બાદ જયારે એ જ મહાલયમાં ફરી જવાનું થયું ત્યારે જોયું તો પેલું તળાવડું ખાલી હતું અને અંદર રમકડા ભર્યા હતા..
મેં પૂછ્યું શું થયું કેમ ખાલી કરી નાખ્યું..અરે બહુ જથામણ હતી રોજ એક માછલી મરે અને સાફ સફાઈ ની બહુ ઝંઝટ થતી હતી, વાસ પણ એટલી આવતી હતી આખા ઘરમાં..!!!
શોખ પૂરો …!!!!
ટીપીકલ ગુજરાતી માનસિકતા..
રૂપિયા થયા,
તો બસ હવે બેફામ થઇને “શોખ” ના નામે વાપરવાના..!!
કોને “શોખ” છે ? એ “શોખ” ને કેટલો આગળ લઇ જવાશે ? ખરેખર એ “શોખ”ને મેન્ટેન કરતી વખતે મને એટલા જ આનંદની અનુભૂતિ થશે ? કોઈ જ પ્રકારના સવાલ પુછાતા નથી પોતાની જાતને..!!
શોખ કરવો..
બે શબ્દો બહુ અઘરા છે, જો સમજવા હોય તો..!!
કોઈપણ શોખ માટે એક જબરજસ્ત પેશન જોઈએ ,શોખ કરવામાં એક પછી એક પગથીયા આવતા જાય અને પછી ઉપર જવાય , પણ આપણે ત્યાં તો “ઘૂરી” ચડે અને પછી એને “શોખ”નું નામ આપી દેવાય..!!
હું માનું છું કે જીવનમાં કોઈને કોઈ પ્રકારનો “શોખ” ચોક્કસ હોવો જોઈએ, નહિ તો મોનોટોનસ જિંદગી બહુ ભારરૂપ થઇ પડે છે,કારણ કે જીવનમાં આપણે આપણા કામધંધાના અને બીજા પણ એક જ પ્રકારના રૂટીન થી એક સમય પછી અકળામણ નો અનુભવ થાય છે,
અને ત્યારે આ “શોખ” નામની વસ્તુ એ અકળામણ કે મોનોટોનસ જિંદગીમાંથી બહાર લાવી આપે છે..અને એ જ મોનોટોનસ કામ કરવાના નવા ઉત્સાહ આપે છે..
પણ “શોખ” માં જયારે “પેશન” નથી ભળતું ત્યારે “શોખ” પેલી ગાંગલીની “બાધા” જેવું કરે છે..ગાંગલીને મન થયું ને રોટલીની બાધા લીધી પણ રોટલી વિના જીરવાય નહિ, એટલે બાધા રે બાધા તું મારી માં..હવે તું રોટલી ઉપરથી ઉડ અને ભાત પર બેસ..અને ગાંગલી રોટલી ખાઈ લ્યે ,
શોખમાં પણ ઘણીવાર ગાંગલી ની જેમ “ભૂલ”માં કશાકની “બાધા” રખાઈ ગઈ, અને ગાંગલીનો જીવ ગમે તે ખાવાની ચીજ જોવે, તો પછી રહી શકે નહિ એટલે દર વખતે બાધાને માં બનાવી અને રોટલી પરથી ભાત પર ઉડાડે અને ભાત પરથી ભજીયા ઉપર..!!
એમ ઘણા બધા “ગાંગલા” લોકો ના “શોખ” ઉડતા રહે છે
“શોખડા રે શોખડા તું માઈ .. ક્રિકેટથી ઉડ અને બેસ સાઈકલ પર..”
હેઈ ફટાક કરતી ચાલીસ પચાસ હજારની સાઈકલ લાવશે અને પોતાની ગાડી પાછળ પેલું સ્ટેન્ડ લગાડશે થોડાક દિવસ પેલા સાયકલો વાળાઓની ક્લબના જોડાશે અને રવિવારે સવારે અને શુક્રવારે રાત્રે પચ્ચીસ કિલોમીટર સાયકલ ચલાવીને આવશે પછી થોડોક ટાઈમ જાય એટલે..
શોખડા રે શોખડા તું મારી માઈ સાયકલથી ઉડ અને બેસ ગોલ્ફ ઉપર ..
નવી નવી ગોલ્ફ કીટ ઘરમાં આવે અને સવાર પડ્યે ગોલ્ફ શીખવા જાય ..
ફરી પાછું એનું એ ..
શોખડા રે શોખડા તું મારી માઈ, ગોલ્ફથી ઉડ અને બેસ સંગીત ઉપર..
હેઈ મજાનું કીબોર્ડ ઘરમાં આવે, અને સંગીતના ગુરુઓ ને પગે લાગતા શીખે ..
ફરી પાછું ચક્કર ફરે,
શોખ્ડા રે શોખ્ડા…
બિલકુલ પેશન વિનાના શોખ..
“પેશીનેટ” શોખ હંમેશા જિંદગીને બહુ લાંબી કરી આપે છે, અને સારી પણ..
મને સંગીતના શોખનો સારો અને લાંબો અનુભવ છે, આજકાલ કરતા લગભગ ત્રણ દસકા થવા આવ્યા સા ધ પ ધ ,મ પ ગ મ ધ..કરતા કરતા.. પણ હજીએ એ જ અનેરો આનંદ આવે છે..
રૂપિયાથી થતા શોખ અને શોખમાં ખર્ચ કરાતા રૂપિયામાં ઘણું અંતર પડી જાય છે…!
ફક્ત અને ફક્ત રૂપિયા ખર્ચી ને કરેલા શોખની આવરદા ક્ષણોમાં હોય છે, અને શોખને સમજીને ખર્ચ કરેલા રૂપિયા પછી એ શોખની આવરદા વર્ષોમાં હોય છે..!!!
અઘરું છે એકના એક શોખને ધીરજથી પકડી રાખવો અને પછી એને આત્મસાત કરવો..!
પણ કરનારા કરે છે, અને “હોબીસ્ટ” (શોખીન) નામની જમાત ઉભી થાય છે,
જો કે કલા અને કલાકારનો જન્મ જ આ “શોખ”માંથી થાય છે ,એકદમ પેશનથી એક શોખ પકડી અને વ્યક્તિ ધીમે ધીમે આગળ વધે અને જો સાચો ગુરુ અને સાચો રસ્તો મળ્યો તો બેડો પાર ..
કોઈક અલભ્ય કૃતિ દુનિયાને ચોક્કસ મળે..
બાકી તો શોખડા રે શોખ્ડા ઉડ …
શુભ રાત્રી
શૈશવ વોરા