હાઈકોર્ટે દારૂબંધી વિશે ની કોઈક અરજી ને ધ્યાને લીધી..!!
દંભના પડદા ચીરવા હાઈકોર્ટ કેટલી સક્ષમ છે એ હવે ખબર પડશે..!
મારી ઉપર હંમેશા એક જોરદાર તંજ કસવામાં આવે છે ..અલ્યા શૈશવ તારે દારુ-બારું પીવો નહિ ને તો તું આ આબુ ને ઉદેપુર કે પછી આ મુંબઈ બેંગ્લોર પુના જઈને કરે છે શું ? ખોટા ટીકીટ ભાડા અને હોટેલો ના રૂપિયા ના આંધણ કરવાની ક્યાં જરૂર છે ?
મને ખરેખર દયા ખુબ દયા આવે આવી માનસિકતાઓ ની કે જે એમ માની લ્યે કે કોઈ ગુજરાત બાહર જાય છે એટલે દારુ પીવા જાય અને બેંગકોક જાય એટલે ગણિકાઓ પાસે જાય છે..!!
પણ છે..
ગુર્જર પ્રદેશે અઢળક નરનારીઓ વસી રહ્યા છે કે જેમના ટાર્ગેટ ગુર્જર પ્રદેશની બાહર નીકળ્યા એટલે છાકટા થવા ના હોય છે ,
અરે..નાથદ્વારા જેવી ધાર્મિક જગ્યાએ દર્શન કરવા ગયા હોય અને એકવાર દર્શન કરી લ્યે પછી પણ છાંટો પાણી કરવાનું ચુકે નહિ..!!
ક્યાં સુધી ગુજરાત દંભ ને પાળી રાખશે દારૂબંધી નો એ જોવાનું છે..!!
એકાવન વર્ષની જિંદગીમાં અનેકો અનેક સ્ત્રીઓ ને બોલતા સાંભળ્યા છે કે હું તો મારા ઘરમાં જ પીવા નું એલાઉડ કરું છું ,બાહર જઈ ને પીવે અને ધાંધલ ધમાલ કરે એના કરતા આપણું માણસ આપણી નજર સામે પીવે એ સારું..!!
અને આવું બોલનારી એક આખ્ખી પેઢી અત્યારે સ્વર્ગે સિધાવી ગઈ અને એક આખ્ખી નવી પેઢી નજર સામે પેદા થઇ રહી છે , જૂની પેઢીમાં પીવા બેઠા હોય તો જોડે બેસી ને કંપની અપાતી અને અત્યારની પેઢીમાં જોડે પીવા જ બેસી જાય છે ..!!
ફર્ક આવ્યો ગુર્જર નારી આગળ વધી છે ,જોડે સિગારેટ પણ સળગાવે અને અંદર નાખવા ની વસ્તુ હોય તો એનો પણ કશ બિન્દાસ્ત મારી લ્યે છે..!!
આપણે બોલ બોલ કરીએ કાયદાના હાથ બહુ લાંબા હોય છે પણ કાયદા ના હાથ તમારા અને મારા ઘરની બારી દરવાજા ની અંદર નથી જઈ શકતા ,
સાચ્ચું બોલજો ,
બે પરિસ્થિતિ મુકું છું તમારી સામે..તમારા પાડોશી એની પત્ની ને મારઝૂડ કરતા હોય અને એમના ઘરમાંથી બાહર સતત અવાજો આવતા હોય તો તમે શું કરો ?
બારણું ખખડાવશો ને ?
ચોક્કસ ..!
પણ જો પાર્ટી ચાલતી હોય તો ?
બારણું નહિ ખખડાવો ..!!
મૌન રહી ને સામાજિક સ્વીકૃતિ આપી દીધી છે આપણે જ..!!
દારુ જયારે પેદા થયો ત્યારે એને દૈત્ય લઇ ગયા હતા, તો તમાકુ કે બીજા સેવન કરવામાં આવતા ઘણા બધા દ્રવ્યો પણ એ જ છે , છતાં પણ દુનિયા આખીમાં સ્વીકાર્ય છે અને બિન્દાસ્ત સેવન થઇ રહ્યું છે..!
આજે રોજ સવાર સાંજ અફઘાન ની ચર્ચાઓ થાય છે , શું છે ત્યાં એવું કે સિત્તેર હજાર મારાઓ ની સામે દુનિયા નો એકપણ દેશ સામો નથી થઇ રહ્યો ? અચ્છી અચ્છી મહાસત્તાઓ હારી ને બેઠી છે..!!
નશો અને નશા નો કારોબાર ..!!
એક સમાંતર દુનિયા છે જેને કેહ્વાતો સભ્ય સમાજ પાછલા બારણે પોષી રહ્યો છે..!!
દુનિયા આખી જાણે છે કે શ્રેષ્ઠત્તમ નશા કરવાની વસ્તુઓ અફઘાન ભૂમિ ઉપર પેદા થાય છે અને એના વેપલા દુર સુદુર સુધી થાય છે , દુનિયાનો દરેક સત્તાધીશ જાણે છે આ વાત ને, છતાં પણ જેમ બાજુના ઘરમાં પાર્ટી ચાલતી હોય ત્યારે મૌન રહીએ તેમ ઘણા દુનિયા આખી મૌન છે..!!
કારણો અનેક છે ..
પશ્ચિમના અનેક દેશો માં દારૂ તમાકુથી આગળની નશો કરાવતી વસ્તુઓનું સેવન લીગલી કરી શકાય છે..!
તમારા મારા કરતા વધારે હોશિયાર પ્રજા છે છતાં પણ પશ્ચિમના સત્તાધીશો તો કેમ નશો કરવા દે છે ?
એક કારણ .. નશામાં ડૂબેલી પ્રજાની વિચારશક્તિ ક્ષીણ થઇ જાય છે અને રાજ કરવામાં આસાની રહે ..!!
મારા જેવા ગુર્જર નરો ને હું નથી પીતો , ગમ્મે તે થાય તો પણ નથી પીતો , ધંધો ના થાય તો ના થાય પણ પીવા નું નહિ , આ પણ એક બહુ મોટો નશો છે ..!
પીધેલાઓ ને તુચ્છ નજરે જોવા નો વિકૃત આનંદ હું લઇ ચુક્યો છું અને સમય સમય પર લઉં પણ છું , ગુજરાતીઓ ની ખાસિયત છે પોતે નોનવેજ ના ખાતો હોય તો સામેવાળા ને અપરાધ ભાવ ના આવે ત્યાં સુધી એને જપ ના વળે ..!!
સામેવાળા ને અપરાધભાવ આપી અને મુઠ્ઠી ઊંચેરા થવાની મજા મારા જેવા ગુજરાતી બહુ આવે..!!
સમદર્શી ને તૃષ્ણા ત્યાગી .. એ ભજનમાં ચાલે..!!!
સો વાત ની એક વાત ,તમારે બહુ મોટો ધંધો કરવો છે ગુજરાતીઓ ? ગીફ્ટ સીટીમાં નરીમાન પોઈન્ટની જેમ મોટી મોટી મલ્ટીનેશનલ લાવવી છે તો પછી દારૂબંધી ની નીતિમાં ક્યાંક કોઈક ફેરફાર કરવો રહ્યો અને મારી જેમ હું તો પીતો જ નથી માટે બીજા અપરાધી એ ભાવમાંથી સામેવાળા ને મુક્ત કરવો રહ્યો..!!
દુનિયાના કટ્ટર ધર્માંધ પ્રદેશો એ પણ પોતાને ત્યાં દારૂના વેચાણ કરવા પડે છે ત્યારે વેપલા ચાલે એમના ,
જે દારૂ નથી વેચતા એ બીજા જુદા જુદા પ્રકારના નશા બહુ પ્રેમથી કરે છે ..!!
વૈશ્નવજન તો તેને રે કહી એ રે પીડ પરાઈ જાણે રે ..!!
આ ઘોર કલિ માં પોતાની પીડ સહન થતી નથી અને એ પીડ ને ભૂલવા માણસ માણસ ક્યાંક ને ક્યાંક કોઈક નશો કરવા જાય છે..!!
રામ સભામાં અમે રમવા ને ગ્યા પસલી ભરી ને રસ પીધો રે ..!
હરિ નો રસ ..!!
આ પણ બહુ મોટો નશો છે .. અચ્છા અચ્છા એમાં પણ બરબાદ થઇ જાય છે અને સામ્રાજ્યો તૂટી ગયા..!!
અફઘાન પ્રદેશ શ્રેષ્ઠ ઉદાહરણ થઇ ને ઉભો છે..!!
અફઘાનો માટે અમે જે નશામાં ચુર ચુર છો અને બીજા ને કરાવવા ઈચ્છે છે,
નશો ચાહે ધર્મ નો કે કોઈ ચીજ વસ્તુ નો પણ નશામાં પ્રચુર રીતે ડૂબેલી પ્રજા નવા જમાનાને બિલકુલ સ્વીકારવા તૈયાર નથી ,અરે ત્યાં સુધી કે પોલીયોની રસી સુધ્ધા નથી પીવડાવવી ..!!!
કરી ને ટીકા ..!!
ફરી એકવાર સમદર્શી ને તૃષ્ણા ત્યાગી ..
પ્રયત્ન કરું છું સમદર્શી થવાનો ..! દારૂ કે બીજા નશા કરતા નશેડીઓ પ્રત્યે ઘૃણા નો ત્યાગ કરું , મુઠ્ઠી ઊંચેરો ફક્ત અને ફક્ત હું એટલે છું કે હું નથી પીતો કે ખાતો એ ભાવના દૂર કરવાનો પણ અંદર નો દંભ બાહર આવી જ જાય છે..!!
અમેરિકામાં વસતા એક ગુજરાતી પરિવારની સોશિઅલ મીડિયાની સ્ટોરીમાં પાર્ટી કરતા જોયા અને ગુજરાતી ગરબા ના તાલે નાચતા જોયા , મારી અંદર નો દંભી જાગી ગયો મને યાદ આવ્યું કે હું જયારે નવરાત્રીના નવે નવ દિવસ ગરબે ઘૂમતો ઇન ફેક્ટ માતાજીની મેહરબાની રહી ને આ વખતે નવરાત્રી થઇ તો હજી પણ જવાનો ત્યારે એ પરિવાર દ્વારા મારી ટીકા થતી ,પણ આજે એ પાર્ટીના દ્રશ્યો જોયા પછી મને એમ લાગ્યું કે હિંમત નોહતી એમની ખુલી ને ગરબે ભમવા ની , જરાક છાંટોપાણી થયા એટલે પગ એમના ફરવા લાગ્યા..!!
મુઠ્ઠી ઊંચેરા નો ભાવ આવ્યો… અલ્યા બહુ વર્ષો કાઢી નાખ્યા તે તો ગરબે ઘુમવામાં , ગરબે ઘુમવા માટે છાંટા ની જરૂર થોડી પડે ? એના માટે તો સૂર અને તાલના દરિયે ડૂબવાનું હતું પેહલા ફાટ્યો હોત તો આ ત્રીસ ત્રીસ વર્ષના નોરતા તારા બેરંગ ના ગયા હોત ને તારા..!!!
અટક, શૈશવ..અટક ..!! સમદર્શી ..!! સંજોગ એના હવે થયા હશે બે છાંટા લઇ ને એને પરદેસમાં ફાઈવસ્ટાર ભાડે રાખી ને ત્યાં નાચવું હશે તો તું શું કામ સળગી જાય છે ,તારી જાત ને મોટી કેમ માને છે ?
ટીપીકલ ગુજરાતી છું ,ક્ષણભર નો વિલંબ નહિ કરવાનો બીજા ને નીચો ધારી લેવામાં..!!
હું નથી પીતો એ નશો ચિક્કાર કર્યો મેં ..!!!!
મંથન જરૂરી છે નશા ઉપર નું ..!!!
અંતે તો સમુદ્રમંથનમાંથી નીકળેલી ચીજ જ છે ને..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*