હુક્કાબાર ઉપર પ્રતિબંધ અને દારૂબંધી કડક કરાશે..
લ્યો ત્યારે નવરા બેઠા કઈ કામ નોહતુ તો પછી લાવો ત્યારે આ કામ કરીએ,
અચાનક બધા હુક્કાબારને બંધ કરવાના હુકમો છૂટયા,અને જુવાનીયા પેટ ભરીને ગાળો આપે છે..
એક જુવાન છોકરાએ એવું કીધું કે સરકારનું ચાલે તો નવરાત્રીના ગરબા રોજ ગવડાવે અને એ પણ ફક્ત રાતના બાર વાગ્યા સુધી જ અને હા એમાં પણ ઉભા ઉભા તાળીઓ પાડવાની ખબરદાર જો બીજું કઈ કર્યું છે તો..!અને નજર તો “આડીઅવળી” તારી થવી જ ના જોઈએ હા..!
આમ જુવો તો વાત તો સાચી હો એ બાળકની..અમદાવાદમાં આમ પણ હેંગ આઉટની કોઈ જગ્યા તો છે જ નહિ,અને ઉપરથી આવો હુકમ..ચાલો ચાલો બધા જઈએ સરિતા ઉદ્યાનમાં રોજ અને રાસ કરીએ ને ગરબા ગાઈએ..
વનરાવનમાં અંધકાર થયો..
મને વનરાવન તે વ્હાલું રે વૈકુંઠ નહિ રે આવું..
અને ત્યાં પણ પોલીસ આવી જાય..એ એ આ બધું શું છે…? બંધ કરો ભાઈ બંધ કરો..!
હા..પણ કેમ એવુ ..? અરે જવા દો એ બધી ઝંઝટ છોડો..તમારે ખાલી ને ખાલી રામચન્દ્રજીનું જ નામ લેવાનું..
આપણે તો રામરાજ્યની પરિકલ્પના છે,
અને હા ચાલો ચાલો બધાના મોબાઈલ લાવો “ટીંડર” ને અનઇન્સ્ટોલ કરો, ડેટીગ ફેટિગ અને બીજા લફરા પણ નહિ ચાલે..
બપોરના ચાલતી બધી હોટેલો અને સ્પા સેન્ટરો પણ બંધ કરો,અને જુવો કૂટણખાના તો ગાંધીના ગુજરાતમાં એકપણ છે જ નહિ, એક બીજું કામ પણ બાકી રહી ગયું પાસપોર્ટ ચેક કરો બધાના થાઈલેન્ડ જઈને પાછો આવેલો છે તો એને રિપબ્લિક ઓફ ગુજરાતમાં એન્ટ્રી નહિ..ચરિત્ર નિર્માણ કરવાનું છે, બસ જ તું અભડાઈ ગયો ચલ હટ..!
નબળો ધણી બૈયર પર શૂરો..
ક્યારેક દારૂબંધી હળવી કરવી છે,તો ક્યારેક ફાઈવસ્ટારમાં પરમીશન આપવી છે બાર ખોલવાની,અને ક્યારેક દારૂબંધીનો કડક અમલ કરાવવો છે..
કરવું છે શું..? કોઈ એક ચોક્કસ નીતિ ખરી કે જેનો લાંબાગાળા માટે નો અમલ કરી શકાય..?
દારૂબંધી કરી ચાલો સારી વાત છે,એક સામાજિક સૌહાર્દ જળવાય છે અને ગુજરાતી માનસને અનુરૂપ છે, પણ એનો અમલ કેવી રીતે કરાવવાનો અને એમાં કેટલી “ઢીલાશ” રાખવી એ વખતો વખત બદલાયા કરે છે એટલે બીજું કઈ થાય કે નાં થાય પણ એની સીધી અસર દારુના ભાવ પર પડે છે..
પેલો બુટલેગર ફોનમાં એમ બોલે સાહેબ બહુ ટાઈટ છે એટલે…હજી આટલુ પેલો બુટલેગર બોલ્યો ના બોલ્યો ત્યાં તો પીવાની તલપવાળો બોલે અલ્યા બસ્સો રૂપિયા વધારે લઇ લેજે હેંડ ઝટ ઘેર પોહ્ચાડ..!
બસ પત્યુ તરત જ ઘેર “કબુતર” ડીલીવરી કરવા આવી જાય..
આવી છે ગુજરાતની દારૂબંધી..!
ઘણા બધાના આ શિયાળામાં બજેટો ખોરવાઈ જશે..! એક તો “નોટબંધી” ઉપરથી હવે કડક દારૂબંધી..
એક ભાઈએ સરસ કીધું આ પેહલા પકડી પકડીને “નસબંધી” કરી હોતને તો અત્યારે આ “નોટબંધી” નો વારો ના આવતે..! વધતી વસ્તી જ બધી સમસ્યાનું મૂળ છે..
પાછો દારૂબંધી અને હુક્કાબાર ઉપર આવુ..
ગુજરાતે પબ કલ્ચર તો જોયું જ નથી અને બીજા ઘણા બધા નશાથી ગુજરાત અને ગુજરાતી ઘણો દુર રહ્યો છે..અત્યારે ચાલતા હુક્કાબારમાં ક્યાંક ક્યાંક ૧૯ -૨૦ થતું હોય છે,પણ સરવાળે હુક્કાબારમાં કઈ બીજું લાંબુ કોઈ કારસ્તાન નથી થતુ..
ગુજરાતી છોકરડો એની ચકી ને લઈને હુક્કાબારમાં જાય અને ફ્લેવર્ડ હુક્કાનો જોડે ઊંચા અવાજે વાગતું મ્યુઝીક અને થોડુ પબ જેવું એમ્બીય્ન્સ આ બધાનો ભરીદુનિયા ની સામે આનંદ લઈને ઘર ભેગો થાય..
હવે કોની “નજર” માં શું આવ્યું અને શું “ખટક્યું” એ તો રામ જાણે..પણ એક વાત નો સ્વીકાર તો સમાજે કરવો જ રહ્યો કે તમે દરેક જુવાન છોકરાને પકડી પકડીને જીમમાં કે અખાડાના મોકલી શકો ..
જા કસરત કર અને શરીર બનાવ કે પછી ક્રિકેટ રમો ,વોલીબોલ રમો,ફૂટબોલ રમો પણ કોઈપણ જાતના હુક્કાબાર કે હોટલોમાં નહિ જવાનુ..
જુવાન છોકરા છોકરીને હેંગઆઉટ માટે ક્યાં જવું અને શું કરવું એ કોણ નક્કી કરે..?
મુંબઈમાં રેહતો ગુજરાતી છોકરો દારુ નથી પીતો કે નથી ડાન્સબારમાં જતો, ડાન્સબાર તો હુક્કાબારનો બાપ છે અને અમદાવાદનો છોકરો મુંબઈ જઈને પાર્ટી કરે છે હવે આ બધામાં વાંક કોનો? અને એમાં સરકારે જબરજસ્તી કેટલી હદ સુધી કરવી જોઈએ..?
સરકારની અને સમાજ વચ્ચે કોઈ ભેદરેખા ખરી કે દરેક વખતે સરકારે પોતાનું દરેક જગ્યાએ નાક ખોસી જ દેવાનુ ..?
દારૂબંધીના અમલ કરવાના કડક કાયદા વાંચ્યા તો એવું લાગ્યું કે ન્યાયતંત્રને આટલા બધા પાવર આપી દીધા પણ તદ્દન શિથિલ અવસ્થામાં જીવતુ ન્યાયતંત્ર આ કાયદાનો અમલ કરાવી શકશે ખરુ ..?
છાપું લખે છે દારૂબંધીના બે લાખ કેસો પેન્ડીંગ છે..અને બીજા નવા ઉભા કરવાના થશે..ક્યારે પોહચી વળશે જ્યુડીસ્યરી આ માથાના વાળ કરતા વધારે કેસોને..?
અને બીજી વાત કડક કાયદા કરો અને એનો અમલ જો ચોક્કસ સમયમાં ના કરાવી શકો તો શું થાય..?
એ કડક કાયદાની બીક બતાડી અને પોલીસવાળા તોડપાણી “મોટા” કરે..અને કડક કાયદાના અમલના ભયે તોડ કરવાની રકમ ખુબ મોટી થઇ જાય..
અત્યારે છાપું જે રીતે લખે છે એ રીતે જો દારુ પીતા પકડાવ અને જે દંડ થાય એટલા રૂપિયામાં તો સપરિવાર આબુ કે દમણ કે દીવ જઈને દારૂ પી અને બે દિવસ રહીને આવો તો પણ સસ્તું પડે..!
ગુજરાત સરકારને દારૂના દૈત્ય પર “વિજય” હાંસલ કરવો લાગે છે..!
ભ્રષ્ટાચારને ડામવા માટે કોઈપણ કાયદાનો સમયસર અમલ અને એવા કાયદા પણ હોવા જોઈએ કે જેનો પ્રેક્ટીકલી અમલ કરી શકાય..!
આ વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે કેટલા ફોરેન ડેલીગેટ્સ આવશે..? શું કરશો..? એમની જોડે એમના ગુજરાતના કોલોબ્રેટર પણ હશે તો તમે શું કરશો..? દરેકના મોઢા સુંઘવા જશો..? અને શું ધોળિયાઓને પણ જેલમાં ઘાલી દેશો..? સાઉદી અરબસ્તાન છે કે ગુજરાત..?
દારૂબંધી છે તો છે જે કાયદા હતા તે બરાબર હતા પણ અમલના કરાવી શકાય એવા કડક કાયદા બનાવી અને છેવટે તો ભ્રષ્ટાચારને વધારવાની જ વાતો ને..!
આજે હુક્કાબાર આંખમાં આવ્યા છે કાલે કોફીબાર પણ કોઈકને ખટકશે..છેવટે કોઈ નહિ તો હેલ્થ ડીપાર્ટમેન્ટ જાગશે…
પરભુ..દેવ..ઇજ ઓફ બિજનેસ (ઈઝ ઓફ બીઝનેસ)ક્યાં ગઈ..?નાસી ગયા ફોરેન ઇન્વેસ્ટર્સ ધોતિયું મુકીને…શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી ના આંકડા જોવો જરા..!
ખબર નથી પડતી કે કોણ કોને સારો કેહવડાવવા માંગે છે..!
શું કરું તો હું સજ્જન અને દેશભક્ત એ જ ખબર નથી પડતી..
મેં તો જિંદગીમાં દારુ ચાખ્યો નથી, પણ એનો મતલબ એવો કે હું એવું ગામમાં કહુ કે દારુ પીનારા બધા નાલાયક,હલકટ આવડે તેટલી ગાળો આપું એમ કેમ ચાલે.?
પુરા કરી નાખો મનોરંજન અને આનદપ્રમોદના સાધનો અને લાવી દો તાલેબાની શાસન એટલે પુરૂ થાય..અને નામ તો જે આપવુ હોય તે અપાય “રામ રાજ્ય” પણ કેહવાય..!
બધાએ નિશાળે થી નીસરીને પાસરું ઘેર જાવું રે..!
મુઆ ત્યારે મારે શું..?
ના દારુ પીવી ના સિગરેટ પીવી હુક્કો તો ઘણો દુર છે, પણ યાર બધા મારા જેવા થઇ જશે તો મને સારો કોણ કેહ્શે ?મારે પછી સારા કેહવડાવવા શું કરવાનું..?
બાવા બનાવાનો વારો આવે પછી, તો હું સારો લાગુ અને યાર મારે બાવા નથી બનવુ એટલે મેં આજ નો બ્લોગ લખ્યો, કે આ બધા મારા જેવા થઇ જશે તો મારે સારો લાગવા બાવો બનવું પડશે..
ના ના બાવા તો ના બનાય હો..!
શુભ રાત્રી
શૈશવ વોરા