અમદાવાદના વૃદ્ધ દંપત્તિ ની આત્મહત્યા નો કેસ બહુ ગાજ્યો છે , સોશિઅલ મીડિયામાં આત્મહત્યા કરનારા વૃદ્ધના વિદ્યાર્થીઓ ઓઝપાઈ ગયા છે, બધું ગોળ ગોળ લખે છે ખોંખારી ને બોલવાની હિંમત કોઈ કરતુ નથી..!!
એમનું ડાઈંગ ડેકલેરેશન સારું એવું ફર્યું છે સોશિઅલ મીડિયામાં અને એમાં સ્પષ્ટ લખ્યું કે અમારા મૃત્યુની ટીકા નિંદા થવી જોઈએ અને ચર્ચા પણ થવી જોઈએ ..!
તો હું મોત નો મલાજો છોડું છું અને ટીકા કરું છું, કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવું છું, જન્મ મરણ અને પરણ ત્રણ ને જ્યારે આપણે પ્રભુ ને શરણ ( કુદરત ને આધીન બીજા શબ્દો માં ) માનતા હોઈએ ત્યારે એકેય ને આપણે આપણા હાથમાં લઇ ને `ટર્મિનેટ` કરવાનો આપણને અધિકાર નથી..!!
પરણ ને `ટર્મિનેટ` કરવા માટે અદાલતો ઘણો સમય લ્યે છે, એ તરફ નો ઓપ્શન આપણે ખુલ્લો રાખ્યો છે, પણ એ ઓપ્શન છે ..નહિ કે સગવડ..!!
આખી નોટ વાંચતા મૃતકની પંડિતાઈ નો બહુ સહજ એહસાસ થઇ જાય તેમ છે ,એક એક શબ્દમાં વિદ્વતા નીતરી રહી છે અને હું માનું છું કે એ વિદ્વતા એ જ એમનો ભોગ લીધો..!!
વધારે પડતું જ્ઞાન કોઇપણ વિષયનું અંત તરફ ધકેલી દે છે ..!!
કદાચ ભારતભૂમિ બચાવનાર પણ આધ્યાત્મ વાદ છે, અને ડુબાડનાર પણ એ જ છે..!
મારે ઘણી વાર મારી મમ્મી જોડે ચર્ચા થાય અને મારું એક જ સ્ટેટમેન્ટ હોય કે ભારતભૂમિ નું નખ્ખોદ વાળવામાં સૌથી મોટો ફાળો હોય તો એ છે આધ્યત્મ તરફ જવાની ખેવના..!!
એક સરસ મજાની બુદ્ધિ શક્તિ ધરાવતું પ્રાણી શાંતિ ની શોધમાં નવરૂ થઇ જાય ને જન્મારો એમાં કાઢી નાખે ..!! મોક્ષ ,સ્વર્ગ ,નર્ક , નિર્વાણ જેને તમે જોયું જ નથી એની પાછળ દોડી જાય ને છેવટે ઉકલી જાય ..!! એની બદલે વિજ્ઞાન ની પાછળ દોડ્યો હોત ને તો આજે મોદી સાહેબ ને અમેરિકા પાસે ટેકનોલોજીઓ ભેગી કરવા નાં દોડવું પડતે..!!
ક્યારેક નાસ્તિક પણ થવું પડે જીવનમાં , કેમકે વધારે પડતા “ઇનર લાઈફ” માં ઘુસી જાવ અને પોતાની જાત ને રામ કૃષ્ણ જોડે સરખાવી ને સરયુ કે સાબરમતીમાં ઉતરી જાવ એ વળી શું ?
દુનિયા નો એકપણ ભગવાન કે એનો જાત્તે બની બેઠેલો એજન્ટ વિવાદથી પર નથી તો એને આદર્શ માની ને મૃત્યુ જેવો નિર્ણય કેમ લઇ લેવો ? એ પણ પોત્તે જાત્તે ? અલ્યા મર્યા પછી ચર્ચા થાય એવું ઈચ્છો છો એના કરતા જીવતે જીવત ચર્ચા કરી હોત તો તમે પણ બે શબ્દો સામા તરફેણ તો તરફેણમાં બોલી શક્યા હોત ..!!
કમબખ્તી છે કે દુનિયાની કે મડદા ક્યારેય બોલ્યા નથી , હવે તો જેને જે તર્ક વિતર્ક કે કુતર્ક કરવો હોય તે કરશે..!!
પોતાની જિંદગી ને જાત્તે જાતે મુલવી લીધી અને નક્કી કરી લીધું કે હું સમાજ ઉપર ભારરૂપ છું, વસ્તી વધી ગઈ છે દુનિયા ઉપર ભારરૂપ કેમ થવું ? લો તમે મરી ગયા તો દુનિયા નો કેટલો ભાર ઘટયો ?
અને હવે તમે જે કારણો આપ્યા એ કારણો ને જો માન્ય ગણીએ તો તો જેમ ભૂતકાળમાં બંગાળમાં પરાણે સતી કરવાનો કુરીવાજ હતો એમ દરેક ઘરડાઓ ને ઢોલ નગારા લઇ ને જીવતે જીવત ઠાઠડીમાં બાંધી ને સળગાવી મારવા પડે ..!!
સળગાવી મારવા શબ્દ નો પ્રયોગ સમજી વિચારી ને કરું છું .. પવિત્ર અગ્નિના હવાલે કરવા એવો પણ શબ્દ પ્રયોગ થઇ શકતે..!!
આ બંને મૃત્યુ ને આત્મહત્યાની બદલે ઈચ્છામૃત્યુ ની કેટેગરીમાં પણ મૂકી શકાય ,
ઘણા બધાએ મર્સી કિલિંગ નો પોઈન્ટ પણ ઉઠાવ્યો છે , મર્સી કિલિંગ કદાચ એવા લોકો માટે જરૂરી છે કે જે અસાધ્ય રોગ થી પીડાતા હોય અને પારાવાર પીડા ભોગવતા હોય , મોટેભાગે ન્યુરોલોજિકલ ડીઝીસથી પીડાતા હોય ,જેનો કોઈ જ ઈલાજ વિજ્ઞાન પાસે ના હોય ,ત્યાં કદાચ મર્સી કિલિંગ યોગ્ય ,પણ ઈચ્છા મૃત્યુ ? કેમ ?
જે રોગો નું લીસ્ટ ગણાવ્યું એ રોગો ની દવા અને ઈલાજ છે અને જ્યાં દવા અને ઈલાજ પાછો પડે ત્યાં પછી ભગવાન ના વારા આવે દવા ની પાછળ દુવા આવે છે પેહલા દુવા કરી ને દવા લેવા જાવ તો એપોઇન્ટમેન્ટ ફિક્સ થઇ જાય..!!!
વિજ્ઞાન ને ક્યાંય ગણવાનું જ નહિ ? આ તો એવી વાત થઇ કે વિજ્ઞાન એ આપેલી સગવડો ભોગવી અને પછી એ જ વિજ્ઞાનથી મોઢું ફેરવી ને ભાગી છૂટ્યા..!
કોઈ પણ પ્રાણી ને ધરતી ઉપર અવતરવા નો અધિકાર એની પાસે છે જ નહિ તો એને ધરતી પરથી વિદાય લેવા નો અધિકાર પણ પોતાની પાસે નથી એ માની ને જ ચાલવું જોઈએ…!
અને ઘડપણ આ દેશમાં ભારરૂપ ક્યારથી થઇ ગયું ? મહાભારત અને રામાયણના પાત્રો ના હવાલા વિદ્વાનો આપી રહ્યા છે…ડફોળો છે ,બેવકૂફ છે ..!! એકે એક પાત્ર ઓવર ટાઈમ જીવતું હતું સામાન્ય મનુષ્યના જીવન ની અવધી કરતા એ બધાય કૈક વધારે પડતું લાંબુ જીવ્યા હતા તો પછી સામે ચાલી ને સળગવા જાય જ ને એમાં શી નવી વાત હતી , વળી રામાયણ હોય કે મહાભારત હોય જે પાત્રો ની વાત કરીએ એ બધા જ ને અવતરવા માટે કેટલી જદ્દોજેહાદ કરાવી પડી હતી ..!!
જે ભગવાન રામ ની વાત કરે છે એ કોઈ નેચરલ રીતે નોહતા જન્મ્યા એમના પિતાશ્રી એ કાયદેસરના યજ્ઞ કર્યા હતા અને માંગી ને લીધા હતા , એમનો જન્મ પણ કુદરતી નોહ્તો તો મૃત્યુ કેમ કુદરતી હોય ? એમને કદાચ સરયુ નદીમાં ઉતરવા સિવાય એમની લાઈફ ટર્મિનેટ કરવા નો બીજો કોઈ ઓપ્શન પણ નોહતો…!!
ઘડપણ હોય કે જુવાની કે બાળપણ બધું જ જીવવા માટે છે ,સંઘર્ષ માટે છે, કુદરત ની સામે પડી ને જીવવા માટે છે , ઘડપણ નું બીજું નામ અનુભવ અને અનુભવ વેહચવા માટે હોય છે આવનારી પેઢી ના ઘડતર માટે હોય છે પણ અહિયાં તો માની લીધું કે ઘણું કરી લીધું .. કમબખ્તી અતિજ્ઞાનની ..!!
મને બધું આવડી ગયું કે પછી અમને જેટલું શીખાય એટલું શીખી લીધું ..અરે જિંદગી નું નામ જ અધુરપ છે અધૂરા જ રેહવું ,છલકાઈ ને તો ખાલી થઇ જવાય .. મને તો અર્ધ ઘટો ઘોષમૂપૈતી .. કરી ને લોકો બોલાવે છે .. !
અલ્યા છું અડધો ઘડો જ છું ભરાઈ ને ફાટી નથી જવું તૂટી નથી જવું વેરાઈ નથી જવું..!!
જિંદગીમાં એક વિષય થી કંટાળો આવે તો બીજો પકડો ,એક મિત્ર થી કંટાળો આવે તો બીજો ..!! ઘર ની બાહર નીકળો તો દુનિયા ઘણી મોટી છે ..!!
છેલ્લે પૂરું કરતા પેહલા કહું તો આજે સવારે બે મિત્રો જોડે બ્રેકફાસ્ટ ઉપર એક દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટમાં ગયો ગયો સવારે સાડા સાત ની આજુબાજુ .. બે મસ્ત ડોહલા પ્રેમથી ઈડલી ને મેંદુવડા ઝાપટતા ઝાપટતા શેર બજારની કૂટતા હતા અને એટલામાં ત્યાંથી મુખ્યમંત્રી નો કાફલો નીકળ્યો તો બંને એ એમની ચટણી કુટી ઘાલી ..!
હું અને મારો મિત્ર જોઈ રહ્યા ..બંને ને અને મારાથી બોલાઈ ગયું જો એ કૌલા ,ઘોડા આ એંશી એંશી ઉપરના બંને છે આપણે પણ આવી રીતે આવવા નું છે ..!! સાલો કૌલો સામે મને કહે જા જા .. તું આવજે આવા ધોળા રાખી ને આપણે તો પ્રોપર કલરમાં હો એંશી નો કોઈ શેનો કહી જાય ? અત્યારે પચ્ચા ના છીએ તો લોકો પાંત્રી ના કે છે તો ..!!
સ્પીરીટ જોઈ સ્પીરીટ .. બાકી તો પચ્ચીસ વર્ષે લટકી ને ચાલતી લાશો જીવે કે મરે શું ફેર પડે..!!
મેં તો વીસ-ત્રીસ વર્ષ નાના નહિ નહિ તો ય પચ્ચીસ મિત્રો ભેગા કરી રાખ્યા છે, હું સો એ પોહચીશ ત્યારે એ બધા હજી એંશી ને સિત્તેર એ પોહચ્યા હોય ..! સાલા સરખી ઉંમરના આવા ગાંડા કાઢી ને ગુજરી જાય તો એકલા કેમ નું જીવાય ?
હું ને મારી ડોશી “એકલા” કરીએ શું..? આપઘાત ? ઈચ્છામૃત્યુ ? મર્સી કિલિંગ ?
હેંડ હેંડ હજી તો કૈક ને ઊંચકી ઊંચકી ને ભડકાવાળી મસાણી મેલડી ને ધામ મુકવા જવા ના છે , આપણને મુકવાવાળા તો હજી વીસ વર્ષ પછી પેદા થશે ..!!
સો વાત ની એક વાત જીવવા નો સ્પીરીટ ,તમન્ના ખૂટી પડી અને લટકી ગયા ..!!
નસીબ એમના બીજા કોઈ હરગીઝ આવું વિચારતા નહિ ..!!
તમારો જન્મ તમારા હાથમાં નથી તો મૃત્યુ ને હાથમાં લેવાય જ નહિ ..!!
સાચવજો ઘરના અને આજુબાજુ ના વડીલો ને , ફરી એકવાર ઘડપણ સમય ,ટાઈમ માંગે છે એ સિવાય ક્શ્શું જ નહિ..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*