મનમાં ઘણા બધા વિચારો એક સાથે ચાલી રહ્યા છે .
શેના ઉપર લખવું ?
તો હરીફરીને એક જ વિચાર આવે છે કે ભાજપની “ભવ્ય હાર” અને કોંગ્રેસની “ભવ્ય જીત” વિષે લખી કાઢો આજે તો ..
બંને ઇન્વર્ટેડ કોમામાં જ લખવું પડે તેમ છે..
પણ એવું છે “ઇક જીત ન માની ઇક હાર ન માની”..
પ્રજાનો મોટ્ટો વર્ગ આજકાલ ટીવી સામે બેઠો બેઠો નખ ચાવી રહ્યો છે , રોજ સંસદના બંને ગૃહો સમરાંગણ થાય છે , નકરા કકળાટ અને લાંબા લાંબા ભાષણો જેના મતલબ કદાચ બહુ બુદ્ધિશાળી લોકોને સમજાતા હોય તો ઠીક બાકી મારા જેવા ચેનલ બદલી નાખે , મુકો છાલ ભાઈ આમાં કંઈ શક્કરવાર વાલે એમ લાગતું નથી..
ઓવર ઓલ ભારતના રાજકીય પક્ષોએ પ્રજાને ઘોર નિરાશા આપી છે..
જે ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે પણ કોઈ ને જોવું જ નથી..!
આજકાલ ધંધાદારી હોય કે મીડિયા જગત હોય કે પછી કલાકાર જગત કે પછી સ્પોર્ટ્સ દરેક જગ્યાએ બે ચોખ્ખા ભાગલા પડી ગયા છે પક્ષ અને વિપક્ષ..
એક ખરાબ પરિસ્થિતિ ..
બહુ જાણીતી વાત છે કે જો તમારે મિત્રો બનાવવા છે તો દારુ કે છોકરીઓની વાતો કરો અને જો તમારે દુશ્મન બનાવવા છે તો રાજકારણની વાત કરો..
નાનામાં નાનો માણસ બજેટ અને ઈકોનોમી ચર્ચા કરતો થઇ ગયો છે અને પોતાનો મત દઢતાપૂર્વક મૂકવાને બદલે જડતાપૂર્વક મૂકી રહ્યો છે અને ચર્ચાઓ લગભગ મારામારી અને ચીસાચીસના લેવલે ક્યારેક ક્યાંક જતી રહે છે..
બિલકુલ સારી નિશાની નહિ ..
રૂપિયા ક્યાં ફરી રહ્યા છે ?
એટલી ખબર પડે છે લોકો ઉધારીએ ચડી ગયા છે , મેટ્રો સીટી હોય કે બી ટાઉન દર્રેક જગ્યાએ પબ્લિક લોનોના રવાડે ચડી ગઈ છે , ઘર હોય કે ગાડી મોર્ગેજ ના થાય એવા સોદા જૂજ પડી રહ્યા છે , નાની બચત કે અમુક રકમ તો બચાવવી જ પડે એવી વાતોને હવે કોઈ ગાંઠતું જ નથી, અરે વેકેશન કરવા માટે અને લગ્નોના ઠાઠમાઠ પોસવા માટે લોનો લઇ લ્યે છે ..
આજે ૩૧ જુલાઈ ગઈ એટલે પ્રજાના ઇન્કમટેક્ષ રીટર્ન ચડી ગયા હવે ઓડીટેડ અને મોટી કંપનીઓના વારા , સરકારી ચોપડે સરકારની આવકો વધતી જ દેખાય છે પણ પબ્લિક જોઈએ એટલી ખુશ નથી , એ પણ ખરું કે સરકાર પ્રજાના બધા જ વર્ગને ખુશ ના રાખી શકે પણ અમુક વર્ગ જે ખરેખર ટેક્ષ ભારે છે સદીઓથી ટેક્ષ ભરતો આવ્યો છે એને ખરેખર બધી જ સરકારોએ ઉપેક્ષિત રાખ્યો છે..
છાનોમાનો બીકનો માર્યો ટેક્ષ ભરી જાય છે તો ભલે ને બીતો અને ટેક્ષ ભરતો આપને લઇ લ્યો ચુપચાપ ,એને કશું આપવાની જરૂર નથી..
આવું કેહ્વાનું કારણ છે ..એકપણ સરકારે સતત પાંત્રીસ વર્ષ સુધી ટેક્ષ ભરનાર ઘરડા માણસને એમ નથી કીધું કે તારા મેડીકલેઇમ નું પ્રીમીયમ પચાસ ટકા હવેથી હું ભરીશ ..
ઉપરથી ઘરડો થાય ટેક્ષ પેયર એટલે એના મેડીકલેઇમ ના પ્રીમીયમ વધારે લ્યે..!
ભવિષ્યનું ઘડપણ ક્યારે વર્તમાન થઇને કોના જીવનમાં આવીને ઉભું રહે છે એની કોઈને ખબર હોતી નથી , જેટલું મૃત્યુ અનિશ્ચિત છે એટલું જ ઘડપણ અનિશ્ચિત છે ,
તમારી કમાણી ઓછી થાય કે વધતી અટકે ,અને શરીરના અંગો કીધું કરે નહિ એનું નામ ઘડપણ , બહુ લાંબી બુદ્ધિ મારી અને ફિલોસોફીની જરૂર નથી ઘડપણ કોને કેહવું એ માટે..
આજે કુટુંબ નિયોજને ભારતીય સમાજનો મુખ્ય આધાર એવા પરિવારને સાંકડો કરીને મૂકી દીધો છે , અને બાકી હતું તે ઈન્ટરનેટએ પૂરું કર્યું છે ,
સામાજિક અંતરો ખુબ વધી ગયા છે , કોઈ કોઈની વહારે આવે અને એકબીજાને ટેકો કરે એવી વાતમાં બહુ માલ રહ્યો નથી આ ભારત દેશમાં ..
આવી વેળાએ પ્રજા પરદેસની જેમ સોશિઅલ સિક્યુરીટી ઝંખે છે, પણ હાથ લાગે ઠાલા વચનો..
ટીવી ઉપર ભાજપ કોંગ્રેસની ડીબેટ હોય તો જવલ્લે જ જાઉં છું કારણકે બંનેમાંથી એક પણ પક્ષને ચૂંટણી સિવાય એમના કાર્યકર્તાઓને કેમ સક્રિય રાખી અને સામાજિક કાર્યો કેમ ઉકેલવા એમના થકી એવું કશું જ કરાવવામાં રસ નથી ..
અને હોય પણ નહિ ,કેમ કે ભારતના તમામ રાજકીય પક્ષો “આકાશત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ ..” જ કરતા શીખ્યા છે ..
નાના કાર્યકર્તાને નસીબે વૈતરાં જ છે ..
જો કે દરેક પક્ષના મોવડીમંડળની પણ એક મર્યાદા છે “સત્તાસુખ” આપી આપીને કેટલા ને આપવું ?
એક બહુ જ નાની વાત છે કે રસ્તાના ખાડાની કમ્પ્લેઈન શું રાજકીય પક્ષના કાર્યકર્તા ના કરી શકે ? શું રાજકીય પક્ષ ના કાર્યકર્તા ટ્રાફિક દબાણો નિવારણ આવી નાની નાની વાતોમાં કમ્પ્લેઇન કરીને નિવેડો ના લાવી શકે ?
ટ્રાફિકની અદ્દભુત સમસ્યા હોવા છતાં પ્રજા દંડાય , આટલી મોટી મેટ્રો અને બીઆરટીએસ થઇ પણ આજ સુધી ફીડર બસો કેટલી મુકાઈ ?
દેશના કોઈપણ રાજ્યમાં જાવ આ બધી સમસ્યા એક સરખી જ દેખાશે ..
સેવા ના નામે મેવા ,
કદાચ પંચોતેર વર્ષમાં આપણે આવું જ કલ્ચર ડેવલપ કરી શક્યા છે , ચૌદસો વર્ષની ગુલામી આજેપણ બહુ મોટા ભાગને દેશ પોતાનો લાગવા નથી દેતો અને પારકા દેશમાં રેહતા હોય એમ જ વાણી વર્તન દેખાય..!
ટેક્ષ ના ભરો ,અથવા બચાવવાના રસ્તા શોધો અને રાજકારણીઓ આજ નો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી ..
અફસરશાહી પણ એમાંથી બાકાત નથી ,હજી એમાં પણ મોટો વર્ગ રાણીની સરકાર લંડનથી ચાલતી હોય એમ વર્તે અને ભ્રષ્ટાચાર ભરપૂર ..!!!
પરદેસ જઈએ ત્યારે દેસનું નીચું ના પાડવા દઈએ ,
લોકો ને દેસમાં આંધળો રૂપિયો વાપરતા પણ જોઈએ છીએ પણ સાથે સાથે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગની દબાયેલા અવાજમાં ચીસો પણ સંભળાય છે ..
આર્થિક અસમાનતા જયારે જયારે વધી છે ત્યારે ત્યારે જે તે સમયના લોકલાડીલા નેતા પણ અળખામણા થયા છે ..
આત્મમંથનનો સમય મુખ્ય રાજકીય પક્ષો માટે, અને એ પણ મૂંગે મોઢે ..
હવે જો બોલ્યા તો બોર વેરાઈ જશે ,વેચાયા તો નથી જ એટલે નવ બોલ્યામાં નવ ગુણ જે રાખશે એ આવનારા સમયમાં ફાવશે ..
આવું મારું માનવું છે , તમારું માનવું તમારી પાસે રાખજો ..
મારે ચર્ચાઓ કરીને દુશ્મનો નથી ઉભા કરવા એટલે કોમેન્ટ્સ અસ્વીકાર્ય ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*