“કેમ્બ્રિજ એનાલીટીકા” વાળી સ્ટોરી આગળ વધતી જાય છે અને એટલાન્ટીક મહાસાગરના બંને છેડેથી માર્ક ઝુકાર્બગ ને તેડા આવ્યા છે,આ તેડા નાના મોટા નહિ પણ સીધા ત્યાની સર્વોચ્ચ સંસ્થાઓ એ મોકલ્યા છે..અમેરિકન કોંગ્રેસ અને બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સની કમિટી..
અમેરિકા અને એમની વ્હાલી “મધર ઇંગ્લેન્ડ” કે જેના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકના રંગો પોતાના રાષ્ટ્રધ્વજમાં સમાવેલા છે એવા બંને દેશમાં ઉત્પાત મચી ગયો છે..લોલમ લોલ માં આપણે પણ જાસો મોકલી દીધો ..”હમમ ખબરદાર જો કઈ ગડબડ કરી છે તો ભડાકે દઈશું હો હા..”
જમ્બુદ્વીપે ભરતખંડે હજી કોઈને “વાક” લેતી નથી કે આ શું ચાલી રહ્યું છે..અલ્યા “જરાક અમથો” ડેટા “લીક” એમાં આટલો હોબાળો..???
પાંચ પાંચ દિવસે હજી પણ આખાય જમ્બુદ્વીપના છાપા ફિરંગી ના છાપાના ભાષાંતર કરીને છાપી રહ્યા છે,અને ચેનલો ભાષાંતર કરી કરીને તમારા અને મારા માથા ઉપર એમના લવારા ઠોકી રહ્યા છે..
સવાલ એવો પૂછવો જોઈએ કે ભારતમાં “કેમ્બ્રિજ એનાલીટીકા” જેવા “કામ” કરતી કંપનીઓ કેટલી ? કે જે ફેસબુક અને બીજા મીડિયામાંથી ડેટાનું દોહન કરી અને વેચી ખાય છે..?
અને એને પકડવાની આપડી પાસે કોઈ સીસ્ટમ ખરી ?
“કેમ્બ્રિજ એનાલીટીકા” એ તો અમેરિકા અને બ્રેક્ઝીટની ચૂંટણીઓ ને પ્રભાવિત કરી છે,
પણ આપણા દેશી “કોહીનુરો” એ શા ખેલ ખેલ્યા છે, અને “લોક” ને કેટલા ચુના લગાડ્યા છે એની કોઈ જ માહિતી ખરી ..??
દુનિયાભરના પ્રશ્નો ને બે થી પાંચ મિનીટની વાતમાં “સમજવા” માંગતી, અને પછી “સમજી” પણ જતી, એવી ભારતવર્ષની “ભોળી” પ્રજાના મુખેથી હજી..”લે હમ્જાઈ ગ્યું..” એવું આ કાંડ માટે નીકળતું નથી..!!
હિમશિલાની ટોચ છે આ “કેમ્બ્રિજ એનાલીટીકા” ..
અને આ હિમશિલાનો મોટો ભાગ કદાચ જમ્બુદ્વીપે દટાયેલો છે..
પણ અફસોસ ક્યારેય એ હિમશીલા બહાર નહિ આવે,
આ ડેટા ચોરીના કેસ છે, અને પાંચ દિવસ વીત્યા અને બીજા કદાચ પાંચ મહીને પણ જંબુદ્વિપ સુધી કોઈ આવે કે નાં આવે, એટલે ત્યાં સુધીમાં આ હિમશીલા જંબુદ્વિપની ગરમીમાં ઓગળી અને સ્વચ્છ નિર્મળ જ્લસ્વરૂપે ગંગા યમુનામાં વેહતી થઇ જશે ..
ગંગાસાગરથી હિમાલય..!!
ગોળ ગોળ લાગે છે આખો ફકરો ?
ફરી વાંચો ગોળ ગોળ નથી..ગરમી તો પેહલા જ દિવસથી ભારતના રાજકીય પક્ષોએ પેદા કરી દીધી અને ટીવી ચેનલો એ…હવે ઝટ બરફ ઓગાળો લ્યા..!!
સમજાયું ? ચાલો અભિનંદન
ના સમજાયું તો તમને વંદન ..!!
(વાપરવું પડે એવું છે આ “હર્રામી” ક્વોટ..કોઈક નો માહ્યલો જાગે )
એક ઘોર સરકાર વિરોધી ચેનલ ઉપર ગરોળીમુખાય એન્કરશ્રી આધાર કાર્ડ સાથે ડેટા લીકેજને જોડી રહ્યા છે,
એ નહિ યાર..ખોટી વાત છે અમેરિકાના વિઝા લેવા જાવ છો તો કેવા જખ મારીને ફિંગરપ્રિન્ટ આપો છો ?
દરેક રાષ્ટ્રને હક્ક છે પોતાના નાગરીકોનો ડેટા રાખવાનો અને પોતાના દેશમાં પ્રવેશતા અને વસતા ફોરેન સિટીઝન્સનો ડેટા રાખવાનો..દરેક વાતને ખોટી સાબિત કરીને સરકારને સવારે ઉઠ્યા ત્યારથી પાણી પી પી ને કોસવા નો મતલબ નથી ભાઈ.
આપણા તમામ ડેટા ફક્ત ચૂંટણીઓ માટે જ વાપરી શકાય છે એવું છે ?
બીજી કોઈ જ જગ્યાએ નહિ ?
શું અત્યારે ભારતના “કોહીનુરો” ડેટાને “વાપરી” નથી રહ્યા ?
ફક્ત સવાલો જ કરાય તેમ છે, જવાબ નાખો તો તમારે સાબિતી આપવી પડે અને પછી આપડે ફીટ થઇ જઈએ..
એક પંચતંત્રની વાર્તા હતી ..ટૂંક સાર
એક ગરીબ બ્રાહ્મણ એક બકરી લઈને જતો હતો ,રસ્તામાં ચાર ચોર મળ્યા વારાફરથી ચારેય ચોર એ અલ્યા આ કુતરું લઈને ક્યાં જાય છે એવું હેમરીંગ કર્યું છેવટે બ્રાહ્મણે બકરીને કુતરું માની ને છોડી મૂકી..
આજકાલ ભૂલથી પણ લોગ ઇન થઇને ગુગલમાં કોઈ મોટી ગાડીનું મોડેલ સર્ચ કરો તમને તરત જ બકરાની બદલે કુતરા દેખાડવામાં આવશે ..અને જે તે કંપનીમાંથી ફોન કોલ્સ આવતા થઇ જશે કે સાહેબ તમારે ફલાણી ગાડી લેવી છે ?
શિક્ષણનું ભારતીયકરણ કરવું હોય તો શરૂઆત પંચતંત્રથી કરો ..નર્સરી અને કેજીના છોકરાંવ ને ઓલ્ડ મેકડોનાલ્ડ હેડ આ ફાર્મ .. ઈયા ઈયા ઓ ..કરાવા નો કોઈ જ મતલબ નથી..
પેહલેથી જ અક્કલ આપી હશે કે આપણને બકરું લાગે એટલે બીજા ગમે તે કહે,પણ આપણે આપણું બકરું રેઢું નહી જ મુકવાનું તો જ છોકરું બચશે, અને જીવશે, બાકી તો આવા “કેમ્બ્રિજ એનાલીટીકા” જેવા વેચી ખાશે એમને..!!
“હાજા હુથાર” ના ઘડાયેલા રેહવું પડે તો તકલીફના થાય..!! કોઈ કશું “ઉખાડી” ના શકે..!!
સાજા સુથારના ઘડેલા એવા ઘણા બધા ભારતીયો આજે પણ ફેસબુક કે બીજા મીડિયા ઉપર પોતાની લીમીટેડ માહિતી નાખે છે,ભારતમાં બહુ ઓછા લોકો એવા છે કે એમની તમામ હરકતોને ઓનલાઈન રાખે છે..
આપણી પ્રજા અમુક કામમાં ખરેખર “ધીટ” છે , અને હવે જ્યારે ખબર પડી કે આ સોશિઅલ મીડિયાના ડેટાથી આવા કામ થાય છે એટલે હવે સાચા ખોટા બધા ડેટા ઠોકશે ..
ગઈકાલના બ્લોગ પછી સોશિઅલ મીડિયા સાથે જોડાયેલા બે ત્રણ મિત્રોના મેસેજીસ આવ્યા અને બીજા બેત્રણ લોકો સાથે વાત પણ થઇ આપણો મુદ્દો એ હતો કે ગુજરાતની ચૂંટણી તો લગભગ સોશિઅલ મીડિયા ઉપર જ લડાઈ હતી તો એમાં “કેમ્બ્રિજ એનાલીટીકા” ફેક્ટર કેટલું હતું ?
ગજ્જબ જવાબો આપ્યા એ લોકોએ ..
સો એ ૧૦૦% “કેમ્બ્રિજ એનાલીટીકા” ફેક્ટર હતું , અને બંને પક્ષો નહિ દસેય દિશાઓમાંથી આહવાન થયા હતા, અને સોશિઅલ મીડિયાના એકપણ અસ્ત્ર શસ્ત્રના ઉપયોગ થયા વિનાનું બાકી નથી રહ્યું અને ૨૦૧૯ની તૈયારીઓ અત્યારથી જ ચાલુ થઇ ગઈ છે ..
જે મતદાર “ફ્લોટર” છે એના દિમાગને જ ફેરવવાની વાત છે બાકી જેને માટે બકરું એટલે બકરું અને કુતરું એટલે કુતરું એનું કશું જ કોઈ ઉખાડી નથી શકતું..
પણ આપણે ત્યાં ફ્લોટર મતદારની ટકાવારી સારી એવી છે, અને એ જ ગેઈમ ચેન્જર છે,ગુજરાતની આ વિધાનસભામાં જો “કેમ્બ્રિજ એનાલીટીકા” ફેક્ટર ના હોત તો આંકડા ચોક્કસ જુદા જ હોત..
પત્રકાર ભાઈ લોગ આટલી આટલી હિંટ આપું છું કોઈક તો કૈક સ્ટીંગ કરો..
તલમાં જબરજસ્ત તેલ છે ..
પી`લો..બાપલીયા..પી`લો..
પૂરું કરતા પેહલા મુરબ્બી વડીલ ચિંતક એવા શ્રી વિક્રમ દલાલનું જેઓ રોજ એક ઈમેઈલ દ્વારા “આજ નું મંથન” મોકલે છે તે હું કન્ટ્રોલ સી કન્ટ્રોલ વિ કરીશ ..
પોતાનો કક્કો ખરો કરાવવાનો સૌથી કારગત (પરન્તુ અધમ) ઉપાય એ છે કે સામેની વ્યક્તીને ગુંચવવી. આ તરકીબનો ઉપયોગ વકીલો, રાજકારણીઓ, વાસ્તુશાસ્ત્રીઓ, જોશીઓ અને ધર્મગુરુઓ કરતા હોય છે.
—
Vikram Dalal
2/15 Kalhaar Bungaloz
Shilaj
L.L. No. (02717) 249 825
ખાલી ઉપર ની બેચાર લીટીમાં “કેમ્બ્રિજ એનાલીટીકા” શું કરતી હતી એનો સાર આવી જાય છે..
શું હમજાઈ ગ્યું ?
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા