ઈન્ડિગોનો કકળાટ માંડ પત્યો , પણ બીજો એક મુદ્દો બહુ ચર્ચાય છે દેશમાં અને પરદેશમાં .. મુદ્દો છે ભારતીયો વિના કારણ વ્હીલચેર બુક કરાવે છે …!
એક સર્વ સામાન્ય આરોપ ..પણ મને અમાન્ય..
અનહદ હવાઈ યાત્રાઓ કરી , મુંબઈ પૂના જેવી ટુકડી ઢૂંકડી ફ્લાઇટથી લઈને સાન ફ્રાન્સિસ્કોથી દિલ્લીની ઓગણીસ કલાકની ફ્લાઇટો લીધી , મારો અનુભવ એવો કે ડોમેસ્ટિકમાં વ્હીલચેર ઓછી દેખાય પણ ઇન્ટરનેશનલમાં વ્હીલચેર ઘણી દેખાય ..
કારણ ??? વાતમાં મોણ ઘાલ્યા સિવાય કહી દઉં..
એક, સાહીઠ ઉપરના લોકોમાં બહુ પગ લટકતા રહે તો જેને ડીપેન્ડડન્ડ ઇડીમા કેહવાય તે થઈ જતો હોય છે , સાદી ભાષામાં પગમાં સોજા ચડી જવા અને એને કારણે ઊભા થઈ અને ચાલવામાં ઘણી તકલીફ રહે છે ..બધાને બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ના પોસાય , છોકરા વૈતરા કરવા ગયા હોય ત્યારે પાંચ સાત હજાર ડોલરની ટિકિટો ના ખર્ચી શકે ..
બે , જરાક સાધનસંપન્ન ભારતમાં રહેતા ઉચ્ચ મધ્યમવર્ગી ભારતીયો માટે ભાગે ખાટલે થી પાટલે જીવવા ટેવાયેલા હોય છે જેને કારણે ઘણું કરીને પચાસ પાર કરે પછી હાડકા હરામના થઈ જાય છે , કસરત ?એટલે શું ? નવરો પડારા ઠોકે ગામ આખામાં જઈ જઈને પણ કસરત નામે જિંદગીમાં નહીં , એરપોર્ટ ઉપર ટર્મિનલ ગેઇટ ઉપર પહોચવાના લાંબા લાંબા અંતરો કાપવા એમને માટે અઘરા થઈ જતા હોય છે .. ગુજરાતી બૈરાને કહો કે ત્રીસ માણસનું જમવાનું બનાવવાનું છે તો રમતા રાંધી નાખે પણ ત્રણ કિલોમીટર કોઇપણ પ્રકારના ભક્તિ ભાવ વિના ચાલવાનું કહો તો જરાક અઘરું ..
ત્રણ , ભારત દેશ ડાયાબિટીસની રાજધાની , ડાયાબિટીસની પાછળ નાના નાના હાર્ટ પ્રોબ્લેમ કે બીજો રોગ ઘૂસે જ, પપ્પા એમના પેશન્ટને હંમેશા કહે જાડું શરીર અને ડાયાબિટીસ બધ્ધા રોગ ની મા …
ચોથું , ધણી બાયડી પરણ્યા ત્યારથી ભેગાને ભેગા હોય એટલે દીકરી ,વહુની સુવાવડો કરવા જવાનું હોય અને એમાં ડોશી ને એકલા જવાનું હોય એટલે એરપોર્ટની અને ઇમિગ્રેશન પ્રોસેસમાં ક્યાંક ભૂલ થશે તો ? એવી બીક ,અને ઇમોશનલી બહુ દુઃખ દુઃખની લાગણી હોય , હવે એમાં ગેઇટ સુધી પહોંચી કે નહી એ ટેન્શન અને હવે ડોલર થયો સો રૂપિયાનો ઓલમોસ્ટ એટલે મોંઘા ભાવની ફ્લાઇટ ચૂકી જવાય એના કરતા વ્હીલચેર આસિસ્ટન્સ લઈ લેવાનું એટલે બીજી કોઈ માથાકૂટ નહીં , ઈન્ડિયાવાળા અને અમેરિકાવાળા બધાને ધરપત ..
પાંચ , ભણતર ઓછું અને ટેક્નોલોજી બહુ વાપરતા ના ફાવે એટલે એરપોર્ટ જરાક અઘરું પડે .. નાનું ઉદાહરણ .. અમે પરિવાર સાથે ટોરોન્ટો એરપોર્ટ ઉપર ઉતર્યા , હજી જહાજમાંથી બહાર નીકળ્યા ત્યાં તો મારી બંને દીકરીઓને રીતસર ચાલીસ પચાસ બા દાદાઓ એ ઘેરી લીધા , બેટા મારા ફોનમાં વાઇફાઇ નાખી દે .. બાહર છોકરો લેવા આવ્યો છે એને કહી દઉ , બા દાદાઓ ને વાઇફાઇમાં લોગ ઇન ના ફાવે , વ્હીલચેર ખેંચવાવાળો કે વાળી આવા નાના નાના કામ કરી આપે …
છ, લગેજ હંમેશા વધારે જ હોય , એટલે બેલ્ટ ઉપરથી વ્હીલ ચેર વાળો લઈ આપે ઉતારી આપે , 23 કિલોની બેગો પચાસ વર્ષ ઉપરના થી ખેંચવી અઘરી થઈ જાય છે અને આપણે 23 કિલોની બે અને એક સાત કિલોની હેન્ડ બેગ વત્તા એક પર્સ હોય એટલે વ્હીલચેર હોય તો શાંતિ ..
સાત , પેસ મેકર કે એકાદ જોઇન્ટ શરીરનો એવું કોઈ ઇમ્પ્લાન્ટ નાંખેલું હોય શરીરમાં ત્યારે સિકયુરિટી કરવામાં ઝંઝટ ઘણી , વ્હીલચેર હોય તો એરલાઇન અથવા જે તે એરપોર્ટ નો સિકયુરિટી કરાવે એટલે માથાકૂટ નહીં ..
આઠ , ટ્રાન્ઝિટ નું પેસેન્જર હોય તો વ્હીલ ચેરમાં બધી ઝંઝટ એરલાઈન કરે પાટિયા ઉર્ફે સાઈન બોર્ડ જોવાની ચિંતા નહીં , ડીલે થાય કે ફ્લાઇટ કેન્સલ થાય એ બધું એરલાઈન જોવે..
નવ , દસ , અગિયાર … આવા તુંડે તુંડે મતિ ..
બીજા પણ ઘણા બધા કારણો હોય છે એટલે પચાસ ઉપરનો કોઈપણ વ્હીલ ચેરમાં બેઠો છે અને ખાલી સહેલગાહ કરવા વ્હીલચેર લીધી છે એવો આરોપ તદ્દન ખોટો ..
આજકાલ હવાઈ યાત્રાઓ એટલી સેહલી અને આનંદદાયક નથી રહી , નકરી દોડાદોડી છે , દુનિયાના તમામ એરપોર્ટ ઉપર કીડીયારું ઉભરાય છે , અને લગભગ એરપોર્ટ ટર્મિનલ ઉપર જેવો જણો એન્ટ્રી લ્યે કે એ ભેગો એની અંદર એરપોર્ટ ઇગો પેદા થઈ જાય છે , આજકાલ તો પાયજામા પણ એરપોર્ટ ઉપરના જુદા વસ્તી પેહરી આવતી હોય છે.. એરપોર્ટના ડ્રેસ કોડ … લ્યો બોલો ..!!
આ એરપોર્ટ “ઇગો” જણને બનાવી દે બહુ પોલાઈટ , કારણ વિનાનો સોરી થેંકયુ બોલતો થઈ જાય પણ માટીડાને મદદ માટે આજુબાજુ જોતા ફાંફા મારતા વડીલ એની આંખે ના ચડે … અને અમુક ને બાઝકણીઓ/ બાઝકણાં પણ બનાવે … તૈયાર જ બેઠી હોય આખું ટર્મિનલ ગજવવા..
જે ચીસો પાડે બાપરે … જાણે એના બાપે તો એને પેદા થઈ ત્યારથી પ્રાઇવેટ જેટમાં જ ફેરવી હોય ..!!
મુંબઈ એરપોર્ટની વાત કરું એકવાર જૂની સરકારી એર ઈન્ડિયાનું જહાજ પકડીને પાછો આવતો હતો , પણ કંઈક ગડબડ થઈ જહાજમાં આપણે હતા ડોમેસ્ટિક પેસેન્જર પણ આગળથી એનઆરઆઈ આવેલી .. કાગડી..!!!!
ટેક્નિકલ ફોલ્ટ ને લીધે જહાજ નજરની સામે ઊભું હતું અને રિપેરિંગ પણ ચાલે ,ગ્રાઉન્ડ સ્ટાફ અને બીજા બધા રનવે ઉપર દોડાદોડી કરે , આપણને દેખાય , બધા શાંતિથી બેઠા હતા સુમડીમાં, પણ કાગડીને શું શૂરાતન ચડ્યું એણે કા ,,કા.. કરીને કેકારવ ચાલુ કર્યો , અટકે જ નહીં પછી તો કાગડી એ અચાનક ચીસો પાડવાનું ચાલુ કર્યું .. ધખી ગઈ આખી અને ધ્રૂજે… પણ ચીસો બંધના થાય ,મને લાગ્યું કે જહાજનું જે થયું તે થયું પણ આ બેનની ગળાની હોસ પાઇપ ફાટી છે, કુલંટ ઢોળાઇ ગયું છે એટલે હવે એના એન્જિનને ઠંડુ કરવા પાણી રેડવું પડશે બાકી ગાસ્કેટ બળી જશે .. નહી તો બેન નું એન્જિન ફેઇલ જશે ..
મજાની વાત હતી કે જોડે એમનો બાપડો ,બિચારો ,”ધણી” છોકરું પકડીને શાંતિથી ઊભો હતો અને બાઈ એરપોર્ટ ગજાવી રહી હતી ..
આપણે ધીરેકથી ભાઈ પાસે ગયા અને પૂછ્યું ” મોટીબેન” ને કંઇ મેડિકલ ઈશ્યૂ છે ? કે તમારે વડીલ..? પેલાએ માથું ધુણાવી ના પાડી એટલે મેં જરાક બેનને સંભળાય એમ કીધું મારી સીટ ફ્યુઅલ ટેન્ક ઉપર જ છે એટલે જહાજ રિપેર કર્યા વિના ઉડ્યું અને પડ્યુને તો મારા તો અસ્થિ પણ નહીં મળે ..અને બેન હું જાણું તમારે ત્યાં તો બહુ ચીસો ના પડે નહીં તો હવે નાઇન ઇલેવન પછી સીધા ઘાલી જ દે છે નહીં ? પણ સગવડ એટલે ત્યાંની ..ત્યાં ડોમેસ્ટિકમાં અમુક એરલાઇન્સ તો સીટોના નંબર પણ ન આપે જામ ખંભાળિયાની બસ પકડવાની હોય એમ દોડવું પડે નહીં ?
બાઈ ઠરી ગઈ …છેક અમદાવાદ સુધી મૂંગી મંતર…!!!
છેલ્લું કારણ આવી કકળાટયણ કે કકળાટીયો કકળાટ કેમ કરે છે એ જાણવું હોય પંચાત કરવી હોય તો પણ વ્હીલ ચેર ઉપયોગી થઈ પડે વ્હીલ ચેર ચલાવતા છોકરા કે છોકરી સાથે વડીલો દોસ્તી કેળવી લેતા હોય છે , હુંફ મેળવી લ્યે છે ઘડી બે ઘડી ની ..!!
છેલ્લી ટ્રિપમાં અમારા માતૃશ્રી અને મારી દીકરીની ટિકિટમાં ડોકટર લખાવેલુ તે એટલા માટે કે કોઈને જહાજમાં ઈમરજન્સી હોય તો કામ લાગે .. નહીં કે ઈગોને પોષવા, ઉંમરના આઠમાં દાયકામાં જ્યારે સત્તાવન વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોઉ ત્યારે એવી જરૂર નથી રહેતી પણ ઓગણીસ કલાક અને પચાસ મિનિટની ફલાઈટમાં બેનપણી થઈ ગયેલી એરહોસ્ટેસ એમની સમસ્યા લઈને ડોક્ટર્સ પાસે આવી ગયા હતા અને અમદાવાદ ની જાણીતી થઈ ગઇ હતી , એટલી વાતો મા’ડી એ એમની સાથે કરી લીધી હતી…
નહીં સમજાય એ લાગણીશૂન્ય લોકોને કે વ્હીલચેર ભારતીયોને કેમ જરૂરી છે..!!!
યાયાવર પંખીડાઓ ની સીઝન આવી ગઈ છે , આવો રહો મજા કરીને જાવ.. કકળાટના કરતા..
હમણાં નાથદ્વારા ગયા હતા , દર્શનની સરસ મજાની લાઇનમાં પાછળ એક એન આર આઈ કાકા કાકી હતા .. કાકા એ આદત પ્રમાણે દેશને વખડયો , જે દેશના રૂપિયે ડોકરો ભણીને ત્યાં ગયો છે તેને વખોડે.. સર્ટન થિંગ્સ વીલ નેવર ચેન્જ ઇન ઈન્ડિયા..
મનમાં કીધું પડ્યો રે ને ડોહા… તારો છોકરો કઈ કૂતરી લઈને પડ્યો રહે છે અને છોકરી કયો બિલાડો , એમાં તો બોલી નથી શકતા અને અહીંયા આખા દેશ ની/ નું માંડવા બેઠા છો…!!!!!!!!
પણ કાળિયાને આંગણે હતો .. સમય હતો ધનાશ્રી રાગનો ,ચીજ મનમાં ફરતી હતી રાની તેરો ચિર જીયો ગોપાલ.. મારો લાલ સુંદર મજાના લાલ પીળા વાઘા સજીને ગ્વાલ ના દર્શન દેવાનો હતો ત્યાં કોણ કકળાટ કરે …
બૂમ પડી બો…. લ… શ્રી…… ગિરિરા…… ધરણ…. કી જે…. पूंछरी का लौठा की हुप हुप प्यारे…!!
રાધે ..રાધે..
रानी तेरो चिर जियो गोपाल ।
वेगि बडो बढि होय बिरध लट महरि मनोहर बाल ।।
उपजि पर्यो यह कूंख भाग्यबल समुद्र सीप जैसे लाल ।
सब गोकुल के प्रान जीवनधन वैरिन के उर साल ।।
सूर कितो जिय सुख पावतहें निरखत श्याम तमाल ।
रज आरज लागो मेरी अंखियन रोग दोष जंजाल ।।
આજ કે આનંદ કી જે , આનંદ કરવાને વાલે કી જે..!!!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*