સવાર સવારમાં ફેસબુક ખોલ્યું અને શ્રી પ્રહલાદભાઈ જાની ના દુ:ખદ અવસાનના સમાચાર જાણ્યા, તેઓ શ્રી માતાજી તરીકે ઓળખાતા ને એમનો એવો દાવો હતો કે તેમણે લગભગ ૭૬ વર્ષથી અન્નજળ ગ્રહણ કર્યા નથી, અનેક પ્રયોગો એમને હોસ્પિટલમાં રાખી ને કરવામાં આવ્યા હતા..
મારે એમની સાથે કોઈપણ પ્રકારનો ટચ નહિ , ફક્ત એકવાર એક મિત્રના લગ્નમાં એમને જોયેલા ને પછી એમના વિશે છાપાઓમાં અને થોડુંઘણું ટીવીમાં ક્યાંક જોયેલું, અને એટલી ખબર કે લગભગ કોઈ વાદ વિવાદ વિનાના સંત વ્યક્તિ..
પણ આટલું ઘણું થઇ ગયું એક જીવનના અંતને પ્રણામ કરવા માટે..!!
માં ભગવતી અંબા ભવાની એમને શરણમાં લ્યે ને મોક્ષ અર્પે એવી પ્રાર્થના..!
શ્રી પ્રહલાદભાઈ જાની ઉપર ના લેખો જયારે જયારે વાંચ્યા ત્યારે ઘણી વખત મનમાં વિચારોના વમળ ઉમટ્યા છે કે કોઈ વ્યક્તિ ખાધા પીધા વિના જીવી શકે ખરું ?
બહુ જ બાળપણમાં જયારે પીજ દૂરદર્શન કેન્દ્ર આવતું હતું ત્યારે એક પ્રયોગ દૂરદર્શન ઉપર આવેલો અને મને મનમાં કોતરાઈ ગયો હતો..!
એ પ્રયોગમાં મરઘીના ઈંડા ને મરઘી પાસેથી લઇ ને પછી એક કાચની પેટીમાં મરઘી જેટલા તાપમાને એને સેવે છે એટલું જ તાપમાન રાખવામાં આવ્યું હતું અને થોડોક ભેજ પણ રાખવામાં આવતો એટલું યાદ છે, ત્યાર પછી ચોક્કસ સમયે એ ઈંડામાંથી મરઘીનું બચ્ચું બાહર આવ્યું હતું..!!
એ સમયે મારો મારી મમ્મી ને પેહલો સવાલ એ જ હતો કે કશું ખાધા પીધા વિના ઈંડામાં ડેવલોપમેન્ટ કેવી રીતે થાય છે ? એને એનર્જી નો સોર્સ કયો ?
અમને બહુ જ બાળપણમાં હ્યુમન ફિટસ
(ભ્રુણ) ના પ્રિઝર્વ કરેલા સેમ્પલ્સ બતાડી દેવામાં આવ્યા હતા ,અને એમ્બ્રીયોલોજી ની આછીપાતળી સમજણ આપી દેવા માં આવી હતી , ડોક્ટર માતાપિતાના સંતાન હોવા નો આ ફાયદો હતો એટલે અમે અમારા માંબાપ ને એવા ફાલતું સવાલો ક્યારેય નોહતા કરતા કે મમ્મી હું ક્યાંથી આવ્યો ..?
એના બદલે એવું ચોક્કસ પૂછતાં કે જીવનું અસ્તિત્વ છે શરીરમાં તો એ શરીરમાં ક્યાં રહે છે..?
બેક ટુ મરઘીનું ઈંડું , ત્યારે મમ્મી એ એવો જવાબ આપ્યો હતો કે ઈંડું બ્રીધ કરે છે ,શ્વાસ લ્યે છે અને જ્યારે મરઘી ઈંડા ને શરીરની બાહર કાઢે છે ત્યારે એનામાં ઇનફ એનર્જી સાથે મુકે છે , જયારે પ્રોપર ટેમ્પરેચર અને ભેજ મળે ત્યારે ઈંડામાં બાયો-કેમિકલ રીએક્શન થાય અને એના ચોક્કસ સમય થયે બચ્ચું બાહર આવી જાય છે..
બાળપણની આ સાદી સમજણ..
પછી નો સવાલ મારો એવો હતો કે તો પછી એનો મતલબ એવો થયો કે ઈંડામાં જીવ છે, ઈંડું સજીવ છે..
ત્યારે મમ્મી નો જવાબ એવો આવ્યો કે જેને ઠંડી ગરમી ની અસર થાય છે એ સજીવ .. અને આજે મમ્મી એમ કહે છે કે જેને ઠંડી ગરમી ની અસર થાય છે એના માં ચેતના છે અને જેનામાં ચેતના હોય એને જીવ ગણી ને જ ચાલવું જોઈએ..!!!
અહિયાં અટકી જવાય છે ,
આવું વિચારીએ તો સમસ્ત બ્રહ્માંડ સજીવ છે અને જેમ એનર્જીના ફોર્મ બદલાતા જાય છે એમ પદાર્થ ના ફોર્મ પણ બદલાઈ જાય છે ,
અત્યારની જાણકારી મુજબ સૂર્યમાં હાઈડ્રોજન નું હિલીયમ અને હિલીયમનું હાઇડ્રોજન થાય અને ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય જોડે જોડે બીજા કોસ્મિક રે અને જાણ્યા અજણ્યા બીજા કિરણો આલ્ફા ,બીટા ,ગામા , યુવી,આઈઆર આવા બધા કિરણો ઉત્પન્ન થાય છે..
આજે વાત શરીરની કરીએ છીએ તો મારો સવાલ એવો છે કે નાક અને મોઢેથી જે લઈએ છીએ શરીરમાં એ સિવાય પણ બીજું કશું ક્યાંકથી શરીર પોતાનામાં શોષે છે ખરું, કશું બીજું ગ્રહણ કરે ખરું શરીર ?
તો હવે એટલી ખબર છે કે સવારના કુમળા તડકામાં જઈએ તો શરીર ને વિટામીન ડી મળે , એનો મતલબ એ થયો કે આખું શરીર સૂર્યનો પ્રકાશ પણ શોષે છે..!!
બીજું એવું પણ કહી શકાય કે આપણું શરીર બ્રહ્માંડમાંથી આવતા બીજા અનેકો અનેક જાણ્યાઅજાણ્યા કિરણો શોષી રહ્યું છે..
પણ આજ નું વિજ્ઞાન સબુત માંગે , આજના વિજ્ઞાન ને વિચાર ગમે છે , વિચાર પછી આવતો તર્ક પણ ગમે છે ,પરંતુ તર્ક ને પછી સિધ્ધાંતમાં પરિવર્તિત કરવો પડે , તર્ક જો સાબિત થઇ જાય તો એ સિધ્ધાંત કેહવાય અને સિધ્ધાંતથી આગળ બીજું ઘણું કરી શકાય.!
આજે આપણે આપણા જુના શાસ્ત્રોની દુહાઈ દઈએ છીએ પણ એમાંથી કોઈ સિધ્ધાંત બાહર નથી લાવી શકતા..
કારણ મને એવું લાગે છે કે પ્રાચીન વૈજ્ઞાનિકો એ રચેલા વૈજ્ઞાનિક શ્લોક ઉપર પછી કલાકારો એ ભરપુર કલાકારી બતાડી છે , અર્થના અનર્થ કરી મુક્યા છે અને ક્યાં તો એને લોક રંજન નું સાધન કરી મુક્યા છે અને ક્યાં તો લોકોના સુખ દુઃખ નું સાધન..
એક જ ઉદાહરણ આપું ..પેહલા લખી ચુક્યો છું ફરી એકવાર
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।
ભગવદ ગીતાના આ શ્લોકને કોઈ ગુજરી જાય એટલે ફટાક કરતો ચિપકાવી દેવાનો.. અર્થ બધા ને ખબર છે શસ્ત્રો ભેદી નથી શકતા અને અગ્નિ બાળી નથી શકતો.. વગેરે વગેરે..
આધ્યાત્મ અને બીજું બધીય કલાકારી ને બાજુ ઉપર મુકો તો એવું વિચારીએ કે આ તો આત્મા નું મોડેલ છે આત્મા ની એકાદી વ્યાખ્યાનો એક ભાગ છે..
શસ્ત્રો છેદી નથી શકતા તો પછી આત્મા બુલેટપ્રૂફ મટીરીયલ નો બનેલો છે , અગ્નિ બાળી નથી શકતો તો પછી આત્માનું મટીરીયલ ફાયરપ્રૂફ છે , પાણી ઓગાળી ના શકે એનો મતલબ કે વોટર સોલ્યુબલ નથી ,પવન સુકવી શકતો નથી એનો મતલબ કે ભીનો છે ,વેટ
છે…
સુક્વાય કોને ? ભીનું હોય એને ..
વેટ
…વોટર ઇન્સ્લોલ્યુબલ ..ફાયરપ્રૂફ ,બુલેટપ્રૂફ ..!!
કૈક ગેડ બેસે છે ?
વિચારો…વિચારો ..જુદા એન્ગલથી વિચારો..આત્મા નું ફોર્મેટ મળી જાય અને સાબિત કરી શકીએ તો ઘણા રોગ ના ઈલાજ હાથ લાગી જાય..!!
મૃત્યુ ને નચાવી શકીએ..!!
જુદી રીતે વિચારવું રહ્યું એમ ખાલી ખાલી પડારા કર્યે વિશ્વગુરુ નહિ થવાય..
કે પછી “બાધી” ખાવાથી..!! જયારે વિશ્વ ગુરુ હતા ત્યારે વિજ્ઞાન આગળ હતું નહિ કે કલાકારી.. પુષ્પક વિમાન હતું , તો હશે જ.., પણ આજે તો બોઇંગ અને એરબસ જ છે.. પુષ્પક વિમાન ને લગતા શ્લોક શોધી અને એમાંથી એનું મોડેલ બનાવો અને પછી ખરેખરું વિમાન પુષ્પક-૧ ,પુષ્પક-૨ એમ સીરીઝ દુનિયા ને આપો જેમાં કોઈક બેસી ને ઉડી શકે ,ત્યારે કોઈક ગુરુપદે બેસાડે..! અત્યારે બહુ પુંછડા પછાડીએ કે અમારા પૂર્વજો આટલા સારા અને અમે પણ આટલા સારા, તો બહુબહુ તો બે ટંક જમાડે દુનિયા એનાથી વધારે કઈ ના આપે..!! જે વિચાર તર્ક નથી બની શકતો એ વિચારનો કોઈ મતલબ નથી.. જે તર્ક સિધ્ધાંત નથી બની શકતો એ તર્ક ખોટો છે... અને જે સિધ્ધાંત પ્રોડક્ટ નથી આપી શકતો એ સિધ્ધાંત નક્કામો છે.. એટલે ઓવર ઓલ ઉપર નો આખો બ્લોગ નક્કામો જ્યાં સુધી હું કોઈ એવો સોર્સના આપું કે જેનાથી ખાધાપીધા વિના જીવાય અને એ પણ દરેક વ્યક્તિથી..!! ઘણા બધા મનમાં વિચાર છે ,તર્ક પણ આવે છે ,પણ સિધ્ધાંત નથી પ્રસ્થાપિત થતો.. હશે ત્યારે , કોઈક વીરલો તો ભારતભૂમિ ઉપર એવો પાકશે કે જે જુનામાંથી
નવુંકરશે કે પછી
નવામાંથી
નવું` કરશે..!!
આશા અમર છે..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)