ખતરનાક ડોહા ..
એક સાથે ઘણા બધા ટોપિક ચાલતા હોય છે મગજમાં ,પણ સૌથી વધારે અસર કરી ગયો એવો ટોપિક હોય તો વિજય માલ્યાનો ઈન્ટરવ્યુ..!!
હજી તો ઈન્ટરવ્યું જોવામાં અડધે માંડ પોહચ્યો છું,
પણ એમ થાય કે આપણે બહુ જ સાચ્ચા છીએ,
પેહલા લખી ચુક્યો છું કે “ઓર્ગેનાઈઝેશનના નામ ઉપર ક્રાઈમ કરવામાં આ દેશ અવ્વલ નંબર ઉપર આવે, મારી કંપની ઉઠી ગઈ છે હું નથી ઉઠયો બજારમાંથી..!!”
શું જવાબ આપવો..?
સરકાર કે બેંકો મારી પાસેથી ઘણા વધારે રૂપિયા વસૂલી કરી ગઈ છે છતાં પણ હું ચોર..???
“હું ચોર નથી ..”
ગાઈ વગાડીને એક જ વાત ઉપર આવે છે માલ્યા “જી” ..
મને લાગે છે કે બહુ મોટી ચૂક થઇ ગઈ..
બે રસ્તા હોય,
ક્યાં તો તમે મોટા, મોટા ,મોટા અને મોટા જ બનતા જાવ, સાથે સાથે તમારો પાવર પણ બેહિસાબ વધારતા જાવ, નડતા-અડતા રાજકારણીથી લઈને સીસ્ટમ ,દરેકને ખરીદતા કે રસ્તામાંથી હટાવાતા આવડવું જોઈએ ,
આ રસ્તામાંથી હટાવવાનો મતલબ એવો હરગીઝ ના કાઢતા કે બંધૂકની ગોળી…
ઘણા બધા એવા ઈમાનદાર હોય કે જેને ઝેર આપો તો ધરાર ના મરે,
પણ મધ પીવડાવો તો ગયો કામથી ,
ફટ્ટ કરતા ગુજરી જાય ..!!
બીજા પણ ઘણા રસ્તા છે, ધર્મગુરુઓ , મોટીવેશનલ , લેખક ,કલાકાર વગેરે વગેરે એમાં દારુ અને છોકરી કોમન , જો કે હવે તો છોકરા પણ સપ્લાય થઇ જાય છે એમ સ્ત્રીઓ થોડી પાછી પડે..? (છેલ્લું વાક્ય સસ્પેન્ડ થયેલી લેડી અધિકારીની કહાનીમાંથી .. સાભાર )
એક અધિકારીની વાત કરું,
આમ તો નખશીખ ચોખ્ખા પણ એમને ગાયનનો બહુ ચસ્કો, કોઈ મોટી કોન્સર્ટમાં એમને રાગડા તાણવા બેસાડો એટલે ખુશ..છેલ્લે કંઈ નહિ તો સોસાયટીના સુંદરકાંડમાં હાર્મોનિયમ વગાડે..!
આવા વૈવિધ્યપૂર્ણ ચસકા પૂરા કરતા પણ એ લોકોને સુપેરે આવડે..
મેનેજ કરવાની ફાવટ હોવી જોઈએ.. દુઃખતી જાણવી રહી..
એ સિવાય ક્યાં તો પછી ચૂપચાપ મોટા થાવ,
જે કરો એ સુમડીમાં કરો ,પછી ખોટા કોઈ જાતના ધખારા ના કરાય, રાજકારણી અને બીજી સિસ્ટમોને મૂંગે મોઢે ખંડણી આપ્યા કરો ..! સુખ છુપાવો ..
મને લાગે છે કે સુખ છુપાવાને બદલે છ્તારાયો થયો એમાં “આ માણસ” અને હેરાન થયો,
બીજું બધું જે કંઈ હોય તે ,પણ દેખાડા તો ચોક્કસ ભારે પડી ગયા..
આ એકદમ ટીપીકલ મિડલ ક્લાસ વાત છે,
નાના માણસની નાની સોચ અને વાત..
પણ ખરું એવું ..
એક બહુ સ્વાભાવિક તારણ છે કે જગતમાં જેના જેના દેખાડા થયા એ બધા કોઈને કોઈ પ્રકારે અત્યંત હેરાન થયા જ છે .. જે છાનામાના પડી રહ્યા ખૂણામાં એ બધા ખરેખર સુખી રહીને જીવતે જીવત મોક્ષને પામ્યા છે..( કથાનો અધ્યાય ચાલતો હોય એવું લાગ્યું ને છેલ્લું વાક્ય..???)
મારો એક ધંધાદારી મિત્ર,
નામે મૌલિક (કાલ્પનિક નામ) એની સાથે આ બાબતે ઘણી ચર્ચા થાય,
એ હંમેશા બોલે બહુ મોટા બંગલાની દિવાલો બહુ ઉંચી હોય, અને એ દિવાલોની આગળને પાછળ સભાનતાપૂર્વક ઊંચા ઊંચા ઝાડ વાવી દેવામાં આવ્યા હોય ..
હું એમાં ઉમેરો કરું, કે જો ભૂલથી પણ એમાં એન્ટ્રી મળે તો ફક્ત અને ફકત જરૂર પુરતું જ તમે “જોઈ” શકો એની ખાસ તકેદારી રખાય, જેવા અંદર દાખલ થાવ કે તમને આંજી દેવા માટે ગજ્જબ હોસ્પિટાલીટીની માયાજાળ બિછાવવામાં આવે,
અને એ ઉંચી દિવાલોનો માલિક અત્યંત સાદા વસ્ત્રોમાં અને મધ નીતરતી ભાષામાં તમને મળવા આવે..
પરંતુ એમના અંત:પુરના દર્શન મોટેભાગે તમારે માટે દુર્લભ જ રહે ..!!
આ બહુ જ સામાન્ય એવું મારું અવલોકન છે,
તમે પણ વિચારી જો જો ..
અતિધનાઢ્ય ગુજરાતી અતિ સાદગી દેખાડશે ,
સામાન્ય બોલચાલની ભાષામાં એને આપણે પચાવેલો પૈસો કહીએ ..!
આ જવાબની સામે મૌલિકનો એક બીજો પણ સવાલ હતો ..
યાર જો રૂપિયા દેખાડવાના જ ના હોય તો પછી એ રૂપિયા શું કામના ?
મારો જવાબ રેહતો ક્યાં ,ક…યા … અને કેટલા રૂપિયા દેખાડવાના છે એ મહત્વનું છે ,
તમારી પાસે ચૌદ-પંદર ગાડીઓ હોય તો એ ગાડીઓનો તબેલો પણ દરેકને ના બતાવાય,
દા.ત.મણીનગર ઈચ્છાબાની વાડીમાં લગન હોય ત્યાં તમે સી ક્લાસ મર્સિડીઝ લઈને જાવ તો ધમાલ ધમાલ થઇ જાય, અને માણેકબાગ હોલમાં લગન હોય ત્યાં મર્સિડીઝ એસ ક્લાસ મેબેક લઈને જાવ તો ધમાલ થાય, પણ સિંધુ ભવન તાજમાં તમે સ્વીફ્ટ લઈને જાવ તો પણ ધમાલ ધમાલ થઇ જાય કે પાર્ટી ઉઠી ગઈ ..
ક્યાં જાવ છો ,કોની સાથે ઉઠો બેસો છો , એ પ્રમાણેના વાણી વર્તન અને દેખાડા ચાલે, બાકી તો સોશિઅલ મીડિયા અને મીડિયાના રવાડે ચડ્યા પછી તો વારો પડે એ નક્કી..
મૌલિક ઉવાચ .. આમાં સોશિઅલ મીડિયા ક્યાં આવ્યું ?
મારો જવાબ “ ભૈલું , મારા લાલા અત્યારે તો કમબખ્તીની શરૂઆતનું મૂળ જ આ સોશિઅલ મીડિયા છે, જગત આખામાં છવાઈ જવાની વૃત્તિ બાળપણથી આપણા દિમાગ – દિલમાં છવાઈ ગયેલી છે બધાને અમિતાભ બચ્ચન બની જઈને હેમા ,રેખા, જયા ઔર સુષ્મા સબ કી પસંદ નિરમા જોઈતું હોય ..
અને એમાંથી કશુંય ના મળે એટલે એમાં ને એમાં આજકાલની જનરેશન જેને “ફેઇક લાઈફ” કહે છે એ જીવતી થઇ જાય છે વસ્તી..
હું માનુ છું કે તમારી આજુબાજુની વ્યક્તિઓની કલ્પનામાં જયારે તમે આવી જાવ ત્યારે બહુ જ ચેતવુ.. એ ગમ્મે ત્યારે નુકસાન કરે, કરે અને કરે જ ..
માલ્યાના કેસમાં ખબર નહિ એમણે કેટલું ક…ર્યું …?અને કે….ટલું બતાડ્યું ?
પેલું કેહવાય છે ને કે સત્ય કલ્પનાથી ઘણું આગળ હોય છે..
એટલે શું કર્યું અને શું બતાડ્યું , એ તો એ જાણે ,અને એમનો રામ જાણે ,પણ જે એમણે બતાડ્યું એ જનસાધારણ માટે બહુ અઘરું હતું..
એમની લક્ઝરી લાઈફ સ્ટાઈલ, જેમાં સૌથી વધારે સુંદરીઓ સાથે ..
બહુ જેલસીનું પાત્ર બન્યા ..!
મોટેભાગે પુરુષ કલ્પનાઓ ઉર્ફે ફેન્ટસી શોધતો હોય છે અને એ કેલેન્ડરમાંથી મળી..!
જનસાધારણને તો દારુ અને કેલેન્ડર..
ઐયાશી લગભગ દરેક પુરુષની કલ્પના રહી જ હોય છે, અને કેલેન્ડરમાં ઘણા બધા પુરુષ ઘુસી ગયા, પણ કલ્પના તો લાંબી ક્યાંથી ચાલે ?
છેવટે કલ્પના આપનારાને ગાળો પડે ..
ગાળ ,ગાળ ,ગાળ છે સાલ્લો ,નક્કામો છે..!
મહાપુરુષો પોતાની જાતને આ વાતમાંથી બાકાત રાખી શકે છે ..
એમને કંઈ જ ના કેહવાય..
જેટલી સાહેબને કહીને દેશ છોડ્યો છે એવો દાવો થયો ..
ભલે ત્યારે ,
મરેલાના નામે બીલ ફાડી દેવાય એટલે ચિંતા જ નહિ,
ક્યાં સાચુંખોટું કરવા આવવાના હતા હેં ..??
આવું છે જગતમાં ,બધું કરાય પણ કોઈની કલ્પનામાં ક્યારેય ના અવાય, જે દિવસે કોઈની ફેન્ટસીમાં ઉર્ફે કલ્પનામાં કોઈ પુરુષ આવ્યો એટલે એની બદનામી નક્કી..!
જગત ચોરી કરનારને ચોર નથી કેહતું ,પણ પકડાઈ જનારને ચોક્કસ કહે છે..!
અદાલતો બેઠી છે ન્યાય કરવા, કોઈને ક્લીન ચીટ કે ગુનેહગાર ઠેરવવાનો આપણો કોઈ જ ઈરાદો નથી, છતાં પણ કોઈને વાગે કરે લોહી ટીપું ..
જોવા જેવો ખરો ઈન્ટરવ્યું ,
અંગ્રેજી ઉપર પક્કડ હોય તો 2x સ્પીડ કરીને જો જો એટલે બે કલાકમાં પતશે..
બાકી ચાર કલાક થાય છે ..
ડોહા ખતરનાક છે બાકી..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*