શું લખવું આજે એ જ સમજાતું નથી ..!
પોલીસ દમન .. અસહ્ય માર માર્યો છે લોકો ને , પણ કોઈ નવી વાત નથી ગુજરાત પોલીસ માટે ગુજરાત પોલીસની દમન કરવામાં મથરાવટી પેહલેથી મેલી છે .. ૧૯૮૫માં પણ બુરી રીતે લોકોને ટીચી ઘાલતી હતી પોલીસ ,
પોળો અને સોસાયટીઓમાં ઘરમાં જઈ જઈ ને લોકોને પોલીસ મારતી હતી સ્કુટરોની લાઈટો ફોડી નાખતા …
ગુજરાત સમાચારની ધુ ધુ કરતી આગ અત્યારે પણ મને બીવડાવે છે , ગગન વિહારના દસમાં માળના ધાબેથી ગુજરાત સમાચાર ને બળતું જોયું હતું મેં ,પંદર વર્ષ નો હતો ત્યારે હું , પણ હજી એ દિવસનો પોલીસનો આતંક મને આજે પણ ડરાવે છે …
બહુ બધી કલીપો જોઈ પોલીસના આતંકની લોકો ને જબરજસ્ત માર્યા છે , ચીસો સાંભળી ને હ્રદય અને મન બંને કંપી જાય છે , ક્યારેક એકાદ બે લાકડી મેં પણ પોલીસની ખાધેલી છે કર્ફ્યુંમાં ,એટલે એક ને પકડીને એની ઉપર ચાર તૂટી પડેલા એ બિચારા એકની શું હાલત થાય એની મને ખબર છે .
પોલીસ દમનની કલીપો જોઇને આંખમાં પાણી આવે છે ..મિલેટ્રી ને બહુ મોડી બોલાવી અને પોલીસ ને છુટ્ટો દોર મળી ગયો ..
કોણ છે આ બધા ની પાછળ ..?? નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે જોરદાર કડક શબ્દોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર ને ખખડાવ્યા છે , અડતાલીસ કલાક માં રીપોર્ટ આપવા તલબ કર્યા છે …
શું ગુજરાત પોલીસે કાયદો પોતાના હાથ માં લઇ લીધો ..? શું ગુજરાત પોલીસ ભૂલી ગઈ કે કોર્ટ હજુ જીવતી બેઠી છે ..? અને ગુજરાત પોલીસ પોતે જજ બની ગઈ ..? અને ચુકાદો અને સજા બંને એક સાથે આપી દીધા ..??
અને ચુકાદો પણ કેવો જાડો નર જોઈ શૂળી ચડાવો …!!
આનંદી બેન સંપૂર્ણ નિષ્ફળ રહ્યા આ આંદોલન ને ન્યાય આપવા માટે .. આખુ આંદોલન પટેલ વિરુદ્ધ પોલીસ થઇ ગયું ..
આજે પટેલ સમાજની પડખે આખુ ગુજરાત ઉભું છે , છતાં પટેલ સમાજ ના મનની મોટપે આજે અમદાવાદ અને ગુજરાત ને શાંત કરી નાખ્યું ,આ ફક્ત પટેલ સમાજના મનની મોટપ જ કરી શકે .. સલામ છે ..
બીજી સલામ રાષ્ટ્રીય સેવક સંઘના એ કાર્યકર્તાઓ ને છે જેનો હું ફોટો મૂકી રહ્યો છું , આટલી તંગદીલી હોવા છતાં સફાઈ કામ સંઘ પારીવારના વડીલો એ ચાલુ કરી દીધું ,
મેં એ સફાઈ કરતા સંઘ ના કાર્યકર્તાઓ નો એક ફોટો પડયો અને બીજો પાડવા જતો હતો તો મને રોકયો એક ખાખી ચડ્ડી પેહરેલા એક દાદાએ ,મેં પુછ્યું શા માટે રોકો છો દાદા મને ..? લગભગ સીતેર વર્ષના દાદા હતા તે …તમે ખુબ સારું કામ કરી રહ્યા છો .. દાદા , ફક્ત એક સરસ મજાની સ્માઈલ આપી અને મારા ખભે પ્રેમથી હાથ મુક્યો અને માથું ધુણાવ્યું ના .. બસ એમના મોઢા ઉપર પ્રસિધ્ધી થી દુર રહી ને કામ કરવાની ખુમારી જોઈ ..!!
મનમાં અને મન એમને પ્રણામ કરી અને હું ગાડી આગળ હંકારી ગયો …
છેલ્લા બે દિવસમાં જોયેલા દ્રશ્યોથી તદ્દન વિપરીત દ્રશ્ય જોઈ ને મારું મન અને આંખો બધું ભરાઈ ગયું …હૈયું હળવું થઇ ગયું
જૈન બનવાનું મન થયું છે …
સૌને મિચ્છામી દુક્કડમ
શૈશવ વોરા