ઘણા વખતથી લખ્યું નથી ..
કોઈ એવું કારણ નહિ , પણ કામધંધો અને તાવડીના તેર વાના પૂરવામાં નવરાશ થોડી ઓછી ,અને બીજુ એવુ પણ થઇ ગયું હતું કે લગભગ વ્યસન થઇ પડ્યુ હતું લખવાનું..
વ્યસન, આદત કે લત થતી લાગે એટલે જરાક સમય માટે દૂર થઇ જવું ,
એ પછી એ કોઈ વ્યક્તિ કે વસ્તુ એનાથી જરાક અંતર કરી લેવું એટલે પાછા રૂટીનમાં આવી જવાય , આવું મારું માનવુ ખરું..
વ્યક્તિઓના પણ વ્યસન થતા હોય છે ,
મળ્યા વિના ચાલે નહિ અકળામણ અનુભવાય , એવે વેળાએ જેના થકી આવી લાગણી અનુભવાતી હોય એને દૂર કરી અને બીજા કોઈને જ હું મળી લઉં ,
એના ફાયદા પણ ઘણા થાય છે , નવી વાત અને વિચાર બધ્ધું જ મળે , સેહજ જીંદગીમાં આગળ વધ્યો હોઉં એવું ચોક્કસ લાગે..!
હવે લખવા બેઠો જ છું તો શરૂઆત જગત પંચાતથી કરી લઉં …
વર્ષોથી ભારત દેશને આઝાદી મળી એ વાત ઉપર હું પ્રશ્નાર્થ ચિન્હ લગાડતો આવ્યો છું, અને હજુ પણ લગાડું છું ..
મૂળે હું વેપાર-ધંધાનો જીવ એટલે એ બાજુ જરાક વધારે બુદ્ધિ દોડે..
સામ્રાજ્યવાદના પતન પછી આર્થિક સામ્રાજ્યવાદ એ જગતને ભરડો લીધો છે , આઝાદી કેટલી મળી એ આપણે સ્વસ્થ બુદ્ધિથી વિચારવાનું છે ,
તમે તમારા લશ્કર રાખી શકો ,પાસપોર્ટ વિઝાના લમણા લઇ શકો, આર્થિક નીતિઓ બનાવો , વગેરે વગેરે કરતા રહો ..
પણ તકલીફ ત્યાં કે,
ધારો એટલા રૂપિયા તમે છાપી ના શકો , તમારી ઈકોનોમી ઉપર કંટ્રોલ ચોક્કસ , તમને અને તમારા દુશ્મનના લશ્કરને હથિયાર કયા ક્યા મળશે એની ઉપર આજે પણ જગતના પાંચ સાત દેશોનો કન્ટ્રોલ ,
હવે સ્વતંત્રતા કેટલી એ જરાક ટાઢા મગજે વિચારી લેવાનું…
આજે ટ્રમ્પ જેવા મોફટ લોકો બોલી કાઢે છે કે ધંધો કરવાનો છે બીજી કોઈ વાત નહિ..!
વાત બસ્સો ટકા સાચી છે વેપારના દુકાળ હોય જ નહિ , જગત આખાને વેપારની જ પડી છે ,
તારા રૂપિયા મારે ઘેર કેમ ચડે એની જ પળોજણમાં જગત આખું રચ્યું પચ્યું છે , સૌથી વધારે જેમણે લૂંટ કરી છે એવા દેશો પણ હજી ધરાયા નથી અને ધંધાના નામે લૂંટફાટ ચાલુ રાખી છે ,અને એનું નામ જ “આર્થિક સામ્રાજ્યવાદ.”
તમારા મારા જેવા જનસાધારણને અનેકો અનેક પ્રકારના નશા કરાવે એટલે આપણે દિવાસ્વપ્નોમાં જીવનભર રાચતા રહીએ..
ઘટનાઓ ઘણી ઘટી છે છેલ્લા ત્રણ ચાર મહિનામાં અને એના વિષે ઘણું લખાયુ છે પણ મુખ્ય વાત એક જ નીકળીને આવે કે ટ્રમ્પ સાહેબને દુનિયાની ભૂગોળ બદલાવી છે ,નકશા બદલવા છે ..
એવે સમયે આપણે પણ આપણી મનીષા જાહેર કરી દીધી કે તમે નકશો બદલશો તો અમે પણ નકશો બદલીશું ..
ખોટું નથી ,દેશ તરીકે આપણો સ્વાર્થ જોવાનો આપણને હક્ક છે અને સત્તાધીશોની ફરજ છે ,ઈચ્છા જાહેર કરી અને એ તરફ જવાના સંજોગો ઉભા થાય એની તૈયારી કરવાની..
ઘટનાક્રમમાં ઉંધેથી જઈએ તો રાજા ચાર્લ્સ ત્રીજા એમના “નવા” આણેલા રાણી સાથે કેનેડાની સંસદના સત્રમાં ભાષણ આપવા ગયા , કેનેડા સહીત બીજા લગભગ 52 દેશોના આજે પણ બંધારણીય વડા રાજા ચાર્લ્સ ત્રીજા છે , ઓગણીસો સીત્યોતેરમાં એમના માતા મહારાણી એલીઝાબેથ બીજા આવી રીતે સંસદને સંબોધન કરવા ગયા હતા..
મોટેભાગે જેમ આપણે ત્યાં મહામહિમ સરકારે લખી આપેલું ભાષણ બોલી જતા હોય છે તેમ ત્યાં પણ એવું હોય, રાજા અથવા રાજાના પ્રતિનિધિ સરકારે લખેલું ભાષણ કરી અને સંસદનું સત્ર ચાલુ કરે, પણ આ વખતે રાજા ચાર્લ્સે એ ભાષણને બદલે પોતાનું લખેલું ભાષણ વાંચ્યું..!
ચેતવણી આપી કેનેડીયનોને કે પાડોશીની નજર તમારી ઉપર બગડી છે જરાક ધ્યાન રાખો..!!
પા – ડોશી , ભયંકર હલકી ,દુનિયાનું બધું જ વાપરે અને પછી ઉપરથી દુનિયા આખી ને ધમકાવે એવો લોંઠકો ..
પેલા ઇટલીવાળા મેલોનીબેન ટ્રમ્પકાકાને ખુરશીમાં બેસાડી ( જે ખુરશીમાં બેસાડીને ઝેલ્ન્સકીને ધમકાવ્યા હતા એ જ ખુરશીમાં ) અને પૂછે તમે એવું બોલ્યા હતા મિસ્ટર પ્રેસીડેન્ટ કે યુરોપિયન લોકો પેરાસાઈટ(લોહી ચૂસતા પરજીવી) છે ? ના નોહતા બોલ્યા બરાબરને ?
થુકેલું બિલકુલ ચટાવ્યુ ..
દેખાય છે કે યુરોપ અને અમેરિકા વચ્ચે તિરાડ પડી છે અને અધૂરામાં પૂરું ઝેલેન્સકીએ ડ્રોનથી ધબાકો બોલાવ્યો , છાપા એને પર્લહાર્બર જોડે સરખાવે છે , આ બાજુ ગાઝા ભડકે બળે છે ,
એટલે હવે આગળ કોણ કોનો ધંધો તોડે છે અમેરિકા યુરોપ છૂટા પડે છે અને રશિયાને કેક વોક આપે છે અમેરિકા કે પછી બીજું કઈ થાય છે જોવાનું રહ્યું ..
આખલે આખલા બાધી મરતા હોય ત્યાં આપણે હાકોટા પડકારા કરતા રેહવાય અને એ સિવાય બીજો ઓપ્શન નથી ..
હા ,ઘરમાં સાફસૂફી કરવી હોય તો કરી દેવાય અને ચાલી રહી છે..
સાંપ્રતમાં આજે આટલું ઘણું ,
બાકી ઓપરેશન સિંદૂર ચાલુ છે અને ચાલુ રેહવું જોઈએ ,એકની એક ઘીસીપીટી રેકોર્ડ વાગ્યા કરે એ ના ચાલે..
પાકિસ્તાન અને બંગલાદેશ મોરચે નતનવા પ્રયત્નો થઇ રહ્યા છે પણ બહુ લાંબો ખેલ ચાલે એમ લાગતું નથી , જગતના બદલાતા સમીકરણોમાં એમની જરૂરીયાત દુનિયાને પૂરી થઇ ગઈ છે એટલે અમેરિકાનોના એક સમયના ટુવાલ ,જે એમના ગુપ્તાંગો સાફ કરતા હતા એ પગલૂછણીયા પણ નથી રહ્યા ..
સ્વાર્થ વિનાના જગતની ફક્ત કલ્પના જ થઇ શકે બાકી આદર્શ વાતો દુનિયામાં બહુ લાંબી ચાલતી નથી ..
ગોલ પોસ્ટ બદલાઈ જાય છે..
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી ગઈ એવું સમાચારપત્રો લખે છે ..
કેવું કેહવાય નહિ ..????
કડવી સચ્ચાઈ ..
પશ્ચિમ છે આ ,
બૈરું પણ ઊંઘતો મૂકી ને જતું રહે અને માટીડો ગમ્મે ત્યારે ફાટી પડે..!
સારથી આવી ગયા છે એક મોટા કાર્યક્રમનું આમંત્રણ છે પણ હવે કંટાળો આવે છે એક ની એક રેકોર્ડ વાગશે એટલે નથી જવું એના કરતા વરસાદે બાર પંદર ઝાડ રોપી દઈશું અને જતન કરશું ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
લખ્યા તારીખ ૫/૦૬/૨૦૨૫
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*