પુરુષ-પિતા-પતિ
ગયા અઠવાડીયે મિત્ર પ્રશાંત (કાલ્પનિક નામ) ઘણા સમય પછી મને મળવા ઓફિસે આવ્યો ..
હું હજી બોલ્યો જ કે.. આવ આવ પ્રશાંત બહુ દિવસે ..
એનાથી કંઈ આગળ હું બોલું એ પેહલા જ એ બોલ્યો .. અરે યાર શૈશવ આ છોકરીઓ પરણે પછી દેખાતી જ નથી, આખો દિવસ એની મા જોડે ફોન પર વાત કર્યા કરે આપણને તો ગણતી જ બંધ થઇ જાય છે એના જીવનમાંથી.!
એક તો સાત-આઠ મહીને હું અને પ્રશાંત મળ્યા , એમાં સીધુ એણે છાશિયું કર્યું એટલે મને જરાક ગભરામણ થઇ ગઈ ..
હજી ગઈસાલ એની દિકરીને રંગેચંગે પરણાવી, અમદાવાદમાં જ ત્રણ-ચાર-પાંચ કિલોમીટર દૂર સાસરું, ભણેલું ગણેલું ફેમીલી ,બધી રીતે સારે સારું જોઇને દિકરી પરણાવી તો એક વર્ષમાં એવું શું થયું કે આ અચાનક આવી અને સીદ્ધ્ધો આમ છાશીયા કરવા બેઠો ..?
મારું મન મુઝાયું ..
ખોતરવાનો સમય હતો જરાક ..
મેં કીધું ..પ્રશાંત બધું બરાબર છે દિકરીના ઘરમાં ?
મારી સામે નજર મિલાવ્યા વિના આડું જોઇને પ્રશાંત બોલ્યો.. બધું બરાબર છે પણ મહીને એકવાર જ ઘેર આવે,અને એ પણ બે ત્રણ કલાક માટે બસ .. શરુ શરૂમાં અઠવાડિયે આવ્યા પછી તો જાણે મહીને એકવાર બસ ..
અમે બે જણ ઓફિસમાં એકલા, પણ પ્રશાંત મારી સામે ના જુવે, ઓફિસમાં આડીઅવળી નજર ફેરવે..
મેં જરાક કડક અવાજે કીધું …પ્રશાંત , મારી સામુ જો તો ,સરખા જવાબ આપ …
પ્રશાંતે મારી સામુ જોયું .. આંખની પાપણ આંસુથી ભરાઈ ચુકી હતી ,આંસુ ગાલ ઉપર સરી પડે તેમ હતા ..
મેં તરત જ લાગણીથી કીધું.. એઈ પશલા આમ ઢીલો ક્યાં થાય..?? આપણે કોઈની દિકરી પરણીને નથી લાવ્યા..? દિકરીને એના ઘરમાં મન ચોંટે એટલો સમય તો આપવો રહ્યોને ભૈલા..
પ્રશાંતના ગાલ ભીના થઇ ગયા..આપું જ છું પણ ખબર નહિ કે આટલું બધું વસમુ પડશે શૈશાવ્યા..જે દિકરીઓને સવાર-સાંજ ઘરમાં જોતા હોઈએ અને વાતો કરતા હોઈએ એને મહીને એકવાર મળવાનું એ તો કેમ ચાલે ..?
મેં પાણીનો ગ્લાસ ધર્યો ..
પ્રશાંત જોધપુર ગામ રહે, દિકરીનું સાસરું બોપલ, દિકરી-જમાઈ બંને પ્રહલાદનગર નોકરી કરે બંનેના પેકેજ સારા .. બધુ પાંચ-સાત કિલોમીટરમાં જ..
પાણી પીધું પ્રશાંતે એટલે મેં ફરી ખોતરવાનું ચાલુ કર્યું ..
સાસુ-સસરા જોડે જ રહે છે ને બંનેની .. ?
પ્રશાંત બોલ્યો.. હા હવે , એના કરતા એના સાસુ-સસરા વધારે આવીને મળી જાય છે અમને અમારે ઘેર આવીને ,અરે એની નણંદ અને એનો હસબંડ (નણદોઈ શબ્દ ઘણા બધા ગુજરાતીઓની જેમ પશલાની ડીક્ષનેરીમાંથી પણ ગાયબ થઇ ગયો છે ) પણ મહીને દિવસે અમને મળવા આવી જાય છે, પણ મારી છોકરીને ઘેર આવતા શું નડે છે એ ખબર નથી પડતી..!
મારા પાર્ટમાં એટલું ક્લીઅર થઇ ગયું કે કોઈ ફેમીલી પ્રોબ્લેમ તો નથી જ એટલે મેં પૂછ્યું ટાઈમિંગ શું બંનેના નોકરીના છે ?
પ્રશાંત બોલ્યો.. ત્યાં જ પત્તરફડાઈ છે , પેલીને સવારે નવથી છ અને પેલાને નવથી સાત ક્યારેક આઠ વાગે છૂટે એટલે પછી મેળ ના પડે ..ટાઈમ જ નથી બચતો બન્નેના જીવનમાં..
મોટેભાગે સમસ્યા લઈને આવનારી વ્યક્તિ એવું માનતી હોય છે કે એ સમસ્યાનું મૂળ લઈને જ આવતી હોય છે..
મેં કીધું તો રસોઈ કોણ કરે છે ?
પ્રશાંત બોલ્યો ..અરે એ તો બંને જણા સવારે ઉઠી અને સાથે જ રસોડામાં જતા રહે છે અને બાકી સાંજનું તો એના સાસુ સસરા ભેગા થઇ બનાવે, અને તૈયાર રાખે છે..એ કશો પ્રોબ્લેમ જ નથી ..
મેં કીધું તો શની-રવિમાં તમે મળી આવો,એકવાર એ આવે ,અને એકવાર આપણે જઈએ..
પ્રશાંત બોલ્યો …અરે એમને શનિ રવિમાં એમના ફ્રેન્ડસ હોય અને સાસરિયાના વેહવારો હોય..
સમસ્યા બિલકુલ નોહતી પ્રશાંતના મતે , જે કઈ હતું એ મને દિકરી જમાઈના જીવનમાં સમયનો અભાવ દેખાઈ રહ્યો હતો અને એના કારણે બાપનું હૃદય એકલતાથી પીડાઈ રહ્યું હતું…
મેં પ્રશાંતના હાથ ઉપર હાથ મુક્યો , મને બીજું પણ કૈક દેખાયું.. એટલે મેં કીધું આમ મારી સામે જો પશલા, રસ્તો આવી રીતે ના નીકળે..તારો પ્રોબ્લમ એ છે કે તને દિકરી` મીસ ` થાય છે, પણ જમાઈને તું જરાક પણ મીસ નથી કરી રહ્યો ,તે તારા જમાઈ વિશે ક્યારેય વાત જ નથી કરી મારી સાથે..અને તે એની સાથે કેટલીવાર વાત કરી ?
પ્રશાંત બોલ્યો .. એની સાથે શું વાત કરું ..??
મેં કીધું બસ આ જ પ્રોબ્લેમનું મૂળ છે.. તારા જમાઈ સાથે દોસ્તી કર ,એને તારો દિકરો બનાવ ,દિકરી ગઈ નથી ,એ એના જીવનમાં ગોઠવાઈ છે અને તારે હવે જમાઈને દિકરો ગણીને તારા જીવનમાં ગોઠવવાનો છે એના જીવનમાં તારી જગ્યા બનાવ.. આવું કરવા માટે તારે પેહલા તારા જીવનમાં એક દિકરાની જગ્યા બનાવવી રહી ,અને પછી એ જગ્યામાં તારા જમાઈને સેટ કર…
પ્રશાંત માટે આ ગુગલી બોલ હતો ક્યારેય વિચાર્યું જ નોહતું ..
મોટેભાગે દિકરીઓ મોટી કરી હોય એને દિકરો કેમ મોટો કરવો એની સમજણ નથી હોતી અને જેણે દિકરા મોટા કર્યા હોય એને દિકરીઓ કેમ સાચવવી એની સમજણ નથી હોતી ..
પ્રશાંતની દીકરીના કેસમાં એક શાંતિ હતી કે એની દિકરીને નણંદ છે એટલે એના સાસુ સસરા બેલેન્સ કરી જાણે, પણ પ્રશાંત અને ભાભીને દિકરી એક ની એક એટલે બેલેન્સીંગ કરવું પડે એ વિચાર જ નહિ…
મેં કીધું …જો પશલા લગ્ન થાય ત્યારે બોલવું સેહલુ છે કે દિકરી આપીને દિકરો લીધો છે, તું અને ભાભી લગ્ન સમયે બોલતા પણ હતા, પણ થતું એવું હોય છે કે જમાઈને દસમો ગ્રહ સમજીને દૂર “પ્લુટો” બનાવી દેવાય છે..!
આ સમય નથી એવો આ.. એક કે બે સંતાનોમાં વહુ દિકરી થતી હોય તો જમાઈને દિકરો ગણવો જ રહ્યો અને એના માટે સૌથી પેહલા આપણે સસરા તરીકેનો મેઈલ ઈગો બાજુ ઉપર મુકવો પડે , દિકરાના બાપનો મેઈલ ઈગોને દિકરો પચ્ચીસનો થાય ત્યાં સુધીમાં મારી મારીને તોડી નાખતો હોય છે ,પછી બાપ એમ સમજે કે આપણો છોકરો આપણા જેવો જ છે , સમય જતા ધીમે ધીમે બાપ એના દીકરામાં પોતાની જાતને જોતો થઇ ગયો હોય પણ જમાઈના કિસ્સામાં સમજવું રહ્યું તારે અને મારે…
પેહલા જમાઈ સાથે ટ્યુનીગ ગોઠવ , એને ડાયરેક્ટ ફોન કર કેમ છે બેટા કરી અને ચાલુ કરો , બીજો સાચો અને સારો રસ્તો એ છે કે દિકરી જમાઈને લઈને નજીકમાં બે ત્રણ દિવસ ફરવા જાવ એની પસંદ નાપસંદને ઓળખ સમજ અને પછી સેટ થા તું એના જીવનમાં અને એને તારા જીવનમાં લાવ..
તને એક વાત કહું પશલા.. અમદાવાદનું બહુ જાણીતું ડોક્ટર ફેમીલી ત્રણ બેહનો અને જમાઈઓ બધા જ ડોક્ટર્સ.. એ લોકોને હું દર સોમવારે સમર્થેશ્વર મહાદેવ મળતું વર્ષોથી જોઉં છું..ત્રણેય બેહનોનું પરિવાર સાસુ-સસરાને આખું પરિવાર અડધો કલાક કલાક મળી લ્યે છે, તું પણ એવી સીસ્ટમ ગોઠવ .. ઇસ્કોન મંદિરનો ઉપયોગ કર કોઈ એક ચોક્કસ વાર નક્કી કર કે એ લોકો ત્યાં આવે અને તમે પણ ત્યાં જાવ..ધીમે ધીમે આદતમાં બદલાશે તમારી એકલતા ભાંગશે..
બીજી વાત ..મારો એક મિત્રની પત્ની પણ એક ની એક છે ,એણે એવો નિયમ કર્યો છે કે રવિવારે સવારે ઉઠીને અથવા શનિવારે રાત્રે સાસરે જવાનું એના મિત્રો કોઈને પણ મળવા રવિવારે બોલાવવાના તો સાસરે જ બોલાવવાના અને સોમવારે પોતાના ઘરે ..
ઘણા ફાયદા થાય છે શનિ-રવિમાં એના મમ્મી પપ્પાને પ્રાયવસી અને અહિયાં સાસુ સસરાને ઘર ભરાઈ જાય ..
પશલા ,દોસ્ત આ દેશમાં લગ્નો બે વ્યક્તિ નહિ પરિવારોના થાય છે .. એકલી દિકરીએ નહિ આપણે બધાએ દૂધમાં સાકરની જેમ ભળવું પડે .. ચલ આવતે રવિવારે તારા દીકરી જમાઈ બપોરે ચા ઉપર તારે ઘેર બોલાવ અને ભાભીને કેહજે પેલા મસ્ત લસણીયા બાજરીના વડા કરે મને સખ્ખત ભાવે છે એમના હાથના વડા .. શરુ કર તારા જમાઈને આપણો દોસ્ત બનાવવાની શરૂઆત કરીએ હેન્ડ..!!
પશલાને બહુ ગમ્યું સજેશન … આંખમાં ચમક આવી ગઈ ..
આપણા બાજરીના લસણીયા વડા પાક્કા થઇ ગયા..!!
સ્વીકાર ..
એકબીજાનો એ જ સમાધાન .. !!!
પતિ હોય કે પિતા ..!
પુરુષ હોવાનો મેઈલ ઈગો બાજુ ઉપર મુકવો રહ્યો સસરાજી અને જમાઈ રાજાએ ..!!
પિતા-પુત્ર તરીકે એકબીજાનો સ્વીકાર કરવો રહ્યો..!
સામે પક્ષે પરણાવેલી દીકરીને “યુગલ” તરીકે જોતા શીખવું રહ્યું ..!
ફક્ત દીકરીનો સમય નહિ ,જમાઈનો સમય પણ માંગવો જરૂરી..!
આપનો રવિવાર શુભ રહે
જો તમને ગમે અને સહમત હોઉં આ વિચાર સાથે તો શેર કરજો આ બ્લોગ ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*