મારે ગધેડા જેવું છે કામ ..
ગધેડો ઉનાળામાં જાડો થાય અને શિયાળામાં પાતળો થાય …
પૂછો કયું ?
તો કહે ઉનાળામાં ઘાસ સુકાઈ જાય એટલે ગધેડો એમ માને કે આટલું બધ્ધું ઘાસ હું ખાઈ ગયો ..!!
એટલે એવું વિચારીને ગધેડો જાડો થઇ જાય..!
અને શિયાળામાં લીલું લીલું ઘાસ ચારે તરફ હોય એટલે એને ટેન્શન ટેન્શન થઇ જાય કે આટલું બધું ઘાસ હું ક્યારે ચરી લઈશ ? અને એ ટેન્શનમાં બિચારો દુબળો થઇ જાય…!!
જો કે હું તો કબૂલ કરું છું કે ઉનાળામાં આપણી ચરવાની કેપેસીટી જરાક વધી જાય છે, કેરી અને આઈસ્ક્રીમ ..,
બળ્યું આ બે નબળાઈ છે આપણી ..!!
એટલે આપણું ચરેલું જ આપણા પેટે ચડે છે, ગમ્મે તેટલા જીમ કરો પણ જીભડાના ચહડકા ના છૂટે ત્યાં સુધી ઠેર ના ઠેર જ આવો ..!
હા એટલો ફર્ક પડે કે મારા મિત્રો જેમ ડોહલા અને ડોશીઓ થઇ ગયા એમ હજી ડોહલા થવાનો સેહજ માત્ર અણસારો આવે, એ પણ બેતાલાને લીધે બાકી શરીરની સ્ફૂર્તિ જરાક પણ ઓછીના થાય..!
બાકી ખણખણતા ઓરીજીનલ રાણી છાપ ચાંદીના સિક્કા જેવા રણકતા..!!
પણ એક બીજી મોકાણ થતી જાય છે ..માથાના વાળ ખરતા જાય છે ..!
લોકો કહે રૂપિયા આવશે, અને અમારા કનકકાકા કેહતા ..
“ટાલિયો નર કોક દાતાર કોક દુઃખી”
એટલે કે ટાલિયો કોક જ દાન દક્ષિણા કરે અને કોઈ ક ટાલિયો દુઃખી હોય..!
પણ મને તો રોજ ગભરામણ થાય છે,
પેલા હેર ટ્રાન્સપ્લાન્ટના ભાવ પૂછ્યા તો એક નંગ વાળના કૈક પંદરથી લઈને પાંત્રીસ રૂપિયાનો ભાવ આવ્યો, અને સેહજે દસ વાળ રોજ સવારે ઓશિકા ઉપર મીનીમમ પડેલા હોય છે ..!
વાણીયાનો જીવ રોજ કળીએ કળીએ કપાય ..મુઆ રોજ સવાર પડ્યે અઢીસો ત્રણસો રૂપિયાનું નુકશાન પડે અને આપણે જોઈ રેહવાનું કઈ કરી જ ના શકીએ ?
દિકરીઓ ઘણી મેહનત કરી રહી છે એના બાપાને ટાલથી બચાવવા, પણ ગયેલું કોણ પાછું આવે છે ..?
હેં ભઈ ..?
સ્વીકારી લેવાનું હવે કે જ`તે ત`તે દા`ડે શૈશવ ટાલિયો થઇ જશે, મામાઓને પણ ટાલ હતી અને બાપુજીને પણ હતી , એટલે આપણે થવાનું જ છે એમાં જીમ કરો કે ના કરો કોઈ ફર્ક પડે નહિ ,
આંખ અને વાળ, આ બે ઉપર કિસી કા જોર ન ચલે..!
વાળ કાળા કરો તો જુવાન દેખાવાય, પણ વાળ હોવા તો જોઈએ ને ભલા ..!!
આવું છે જિંદગીમાં ..
સંસાર છે, કોઈને આ ગીત ગાવું ગમતું નથી ..
કહું છું જવાનીને પાછી વળી જા કે ઘર ઘડપણનું મારું આવી ગયું ..!!
હમણા એક બાણું વર્ષના વડીલ સાથે સત્સંગ થયો .. દાદાજી હજી કડેધડે છે ..!!
પોતાના બધા જ કામ જાતે કરે છે , હજી ઓફીસ જઈને બેસે છે અને હિસાબો જોવે છે, પીઝા પાસ્તા પણ જરાક ચાખી લ્યે છે ..એકદમ મોર્ડન દાદાજી વોટ્સ એપ ઉપર પણ છે અને આપણો બ્લોગ ફોલો કરે છે ..!
હવે દાદાજી એ મને જ્ઞાન આપ્યું કે પંચોતેર વર્ષ પછીની જિંદગી જીવવા જેવી નથી હોતી, શારીરિક મર્યાદાઓ ઘણી બધી આવી જાય છે ,જાત્તે ડ્રાઈવિંગ થાય અહીં અને દરેક જણ પૂછે તમારે ક્યાં જવું છે અને શું કરવા જવું છે ? જરૂર હોય કે ના હોય બધા દોડી દોડીને મદદ કરવા આવી જાય .. તમને ઘરડા હોવાનો પૂરેપૂરો એહસાસ કરાવે અને તે પણ સતત ..!
હવે મને પણ વિચાર આવ્યો કે સાલું આવું બધું તો મારી જોડે પણ થાય છે .. શારીરિક મર્યાદા ચોક્કસ આવી ગઈ છે, પેહલા જેટલું દેખાય એટલું બધું ખાઈ લેવાતું ,હવે ખાતા ખાતા અટકવું પડે છે, પેટ ના પાડે છે ,આફરો ચડે છે ..
ડ્રાઈવિંગ થાય છે, પણ દરેક જણ પૂછે ક્યાં જાવ છો ?
હજી શું કરવા જાવ છો ? એ સ્ટેજ નથી , પણ આવશે તો ખરું જ ,
અને જરૂર ના હોય તો પણ જેને ખબર છે કે શૈશવભાઈ ત્રેપ્પ્નના છે અને એમની ઉંમર મારાથી દસકો નાની હોય તો મદદ કરવા દોડી આવે છે..!
એરપોર્ટ ઉપર ખાસ.. બેગ હાથમાંથી લઇ લ્યે ..!!
ઘરડો કરી મુકે ..!!
તો પણ દાદાજી એ કીધું કે પંચોતેર પછીની જિંદગીમાં બહુ જીવવા જેવું નથી હોતું ..
એ જોતા હૈયે જરાક ધરપત થઇ કે હજી આપણે તો પંચોતેરમાં ઘણા બાકી છે..
ખેંચી કાઢો અલ્યા..!
મને મારા બુઢાપાનો એહસાસ સૌથી પેહલા મારા એક ભત્રીજાએ કરાવેલો..
મારા ફૈબાના દિકરાનો દિકરો આમ તો મારાથી બાર-પંદર વર્ષ નાનો પણ શરીરે ઉંચો અને પોહળો ..પુણેમાં ભણે..
હવે થયું એવું કે પુણે એરપોર્ટ ઉપર મારી ફ્લાઈટ ડીલે થઇ ,અને બીજી બધી ફ્લાઈટ પણ ડીલે એટલે પબ્લિક ફુલ્લ, મને થયું કે હીરો નવરો હોય અને આજુબાજુમાં હોય તો બોલાવું , એટલે ફોન લગાડ્યો અને મારો ભત્રીજો ત્યાં જ આજુબાજુમાં હતો પંદર મિનીટમાં મારતે ઘોડે હાજર થઇ ગયો ,
હું એને મળવા ટર્મિનલની બાહર આવી ગયો .. ચારેબાજુ પબ્લિક જ પબ્લિક , લોકો ટર્મિનલની અંદર જવા મથે અને હું બાહર આવું , એટલે આખી દુનિયા મારી સામે જ જોવે અને એમાં પેલો ઉંચો પોહળો હીરો આવી ને સીધો પગે પડ્યો ..
હું સેહજ પાછો હટી ગયો તો હીરો આગળ ધસ્યો પગે લાગવા..!
મેં કીધું યાર મને પગે ના લાગવાનું હોય ..
નીચે વળેલો વળેલો મને કહે તમને ના લાગુ તો કોને લાગુ ?
એણે સટ્ટ કરતો વડીલ કેટેગરીમાં મને ફેંકી દીધો ..
એનો બાપ મારો ભાઈ હતો અને એ ભરી જુવાનીમાં જતો રહ્યો હતો ..
દિકરો કાકામાં બાપ જોઈ રહ્યો હતો..!!
ઉમ્મર ગઈ ચુલામાં, યાદ આવી ગયું કે હજી તો આના ગઈકાલે જ ડાયપર બાંધ્યા છે, ભલે છ ફૂટ ત્રણ ઇંચનો આજે રહ્યો, પણ છે તો મારી એક હાથની હથેળીમાં માથું અને હાથના રેડીઅલ અલનામાં આવી જતો , એવડો જ..!!
બસ જીવનની આ જ મજા …!
ઘરડા થવાની મજા ..
આગલી પેઢી ઝુકે અને તમને સંપૂર્ણ માનપૂર્વક ખસેડે..
ભત્રીજા સાથેની ભાઈબંધી પાક્કી, એના બાપ જોડે હતી એથી વધુ, પણ “કાકા”ની મર્યાદામાં રહીને ..!
જગ્યા તો કરવી રહી..!!
ટાઈમે જતું પણ રેહવું ..પોણા બસ્સો વર્ષ જીવો તો પિતામહની જેમ તો બાણશૈયા મળે પછી..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*