મુકેશ અંબાણીએ રિલાયન્સ “જીયો” ૪G નું ઓફીશીયલ લોન્ચિંગ કર્યું…
વોડાફોન,આઈડિયા અને એરટેલના લૂગડાં ઉતારી લીધા..!
જોડે જોડે અંબાણી પરિવારની આવનારી પેઢીનું પણ લોન્ચિંગ કર્યું..ઈશા અંબાણી અને આકાશ અંબાણીને પણ દુનિયાની સામે ઉભા કરી દીધા..!
એક કાંકરે ઘણા બધા પક્ષીઓ માર્યા..!
પણ હવે કાંકરાની સામે ગોળીઓ ના આવે એ જોવાનું રહ્યું..!
તેર વર્ષ પેહલા આવો જ એક હાઈપ અને યુફોરિયા ઉભો કર્યો હતો ધીરુભાઈ અંબાણીએ “આર-કોમ” બનાવી ને, અને “આર-કોમ” અત્યારે શોધી જડતી નથી બજારમાં..!
ત્યારે કર લો દુનિયા મુઠ્ઠીમેં કરીને એક સ્લોગન આવ્યુ..અને એવા લોકો કે જે બીજાને અહોભાવથી મોબાઈલ પર વાત કરતા જોતા હતા એ લોકોના હાથમાં મોબાઈલ આવી ગયો..!
મારી પાસે સાલ ૧૯૯૬-૯૭થી મોબાઈલ છે, અને જાહેરમાં મોબાઈલ પર વાત કરી જાહેર જનતા કરતા મુઠ્ઠી ઊંચેરા હોવાનો એહસાસ કરેલો છે..
ત્યારે ભારતનું હેશ ટેગ (સ્લોગન) બદલાઈ ગયું હતું ,બેઝીક જરૂરીયાતમાં રોટી કપડા ઔર મકાનની જોડે રોટી કપડા મકાન ઔર મોબાઈલ જોડાઈ ગયુ હતું..!!
કર લો દુનિયા મુઠ્ઠી મેં થી બીજી બધ્ધી મોબાઈલ કમ્પનીની વાટ લાગી ગઈ હતી, અને અમારા જેવાના ખીસ્સ્સામાંથી મોબાઈલ કંપનીઓ એ એક મિનીટના લગભગ સોળ રૂપિયા મોબાઈલ કંપની ખંખેરી લેતી હતી એ બધું બંધ થઇ ગયું હતુ..!
ત્યાર પછી દુનિયામાં સૌથી સસ્તા વોઈસના પ્લાન અસ્તિત્વમાં આવ્યા, જયારે દુનિયા પાંચ રૂપિયાની મિનીટ ચુકવતી ત્યારે ભારત પચાસ પૈસા ચૂકવતુ..!
યુરોપ અમેરિકાના લોકો ભારત આવીને મોઢામાં આંગળા ઘાલી જતા તમારી પાસે બીજું કશું છે કે નહિ ,પણ મોબાઈલ છે..!
છેવાડાનો માણસ મોબાઈલ પર વાત કરતો થઇ ગયો.
પણ “આર-કોમ” ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઇ ગઈ..!!
ગઈકાલ સાંજથી સોશિઅલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર ધમ્માલ ચાલી રહી છે..!
ડેટા એ ભારતના યુવાધનની દુ:ખતી નસ છે..!
અને ખાલી દુઃખતી નસ કેહવાથી નહિ ચાલે, થોડું ઊંધુંચતુ કરવું પડશે..!
ભારતની ધોરી નસ અત્યારે ડેટા છે અને એ જ ધોરી નસ યુવાઓની દુઃખતી નસ પણ છે..!
અને મુકેશ અંબાણીએ દુ:ખતી નસ પર હાથ મુક્યો છે,
અહિયાં પણ એવું કહીશ કે હાથ મુક્યો નહિ રીતસરની જેમ સિતાર કે તાનપુરાનો તાર છેડીએને એમ મુકેશ અંબાણીએ દુ:ખતી ધોરી નસને છેડી છે એટલે રણકાર અને પડઘા બધું જ લાંબો સમય ચાલવાનું અને પડઘાવવાનું..બીજી બધી સેલ્યુલર કંપનીને કળ વળતા વાર લાગશે..!
વાણીયાએ કોથળામાં રાખી ને પાનશેરી ફટકારી છે..!
હવે વારો પણનો ..
ભાઈ મુકેશ અંબાણી અને મારી બંનેની નસોમાં એક લોહી છે શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વણિક એટલે વિચાર આવે..
પણ યાર આટલુ બધું ગજબ રીતે મોટાભાઈએ કેમ માર્કેટ તોડયુ..? એકદમ એવી તે શી જરૂરીયાત આવી પડી કે માર્કેટની માંબેન એક કરી નાખી..?
તો જવાબ મળે છે..લોહીમાં છે ..!
એકવાર આંખની સામે માર્કેટ દેખાય અને પછી વાણીયો ઝાલ્યો ઝલાય નહિ..!
ખેલી જ લેવાનું..!
ટેક્ષટાઇલ થી લઈને પેટ્રોલીયમ લગભગ દરેક જગ્યાએ જબરજસ્ત જીવ સટોસટના દાવ ખેલ્યા, સરકારની સામે પડીને કે સરકારને ખીસ્સ્સામાં રાખીને..
માર્કેટ આંખની સામે હતું કપડાની ભૂખ દેશમાં ઠેર ઠેર હતી..અને ધીરુભાઈએ સર્વસ્વ દાવ પર લગાડી અને ખેલ ખેલ્યો..જીત્યા ફરી વારો આવ્યો..
દેશની પેટ્રોલીયમની ભૂખને ઓળખી અને ખેલ ખેલ્યો ..!
એક જમાનામાં એવું કેહવાતું કે ભારતના દરેક બજેટમાં બસ્સો ત્રણસો કરોડની સગવડ રિલાયન્સ માટે કરવામાં આવે છે..એ જમાનો એશીના દાયકાનો હતો..!
રિલાયન્સની આ ખેલી લેવાની વૃત્તિને લીધે શેરબજારે શરૂઆતના ઘણા વર્ષો રિલાયન્સને પરપોટો કીધો ..અરે જુવો ને સાહેબજી વરસ કે બે વરસ આ પરપોટો ફૂટશે અને કઈ “ક” લોકોને લેતો જશે…!
પણ પરપોટો એવો મજબુત નીકળ્યો કે અચ્છા અચ્છા ઉડી ગયા ફૂટી ગયા.. રિલાયન્સની જોડે ચાલતા ટેક્ષ્ટાઇલના શેરોમાંથી નેવું ટકા તો અત્યારે પસ્તીમાં પણ અવેલેબલ નથી..!
અને આ પરપોટો હવે આખા દેશને ખેંચી જાય છે..!
ફરી એકવાર દેશની “વાત” કરવાની ભૂખ જોઈ અને આર-કોમ બનાવ્યું પણ
આર-કોમ માં જીત નસીબમાં નોહતી, માંડ માંડ કદાચ સરભર ગયા..ઝટકા સમાન નીવડી ધીરુભાઈ માટે આર-કોમ..!
અને એમના દીકરાએ ફરી એકવાર દાવ ખેલ્યો છે.. રિલાયન્સ “જીઓ”
એક જગ્યાએ હું બેઠો હતો ત્યારે એક વેહ્પારી મિત્રએ વાણીયાની વ્યાખ્યા કરી હતી, તમે લોકો છે ને વહાણીયા કેહવાતા દેશ પરદેશ વહાણ લઈને ફરતા વેપાર કરવા..અને વહાણીયામાંથી અપભ્રંશ થઇને વાણીયા શબ્દ આવ્યો..!
અંબાણી પરિવારનો ઈતિહાસ જોતા તો આ વ્યાખ્યા બરાબર બંધ બેસે છે..!
એકસમયે મારો ભાઈ કેનેડા માઈગ્રેટ કરી ગયો અને બેહન અમેરિકા ત્યારે હું રડ્યો પણ મમ્મી એક જ શબ્દ બોલ્યા દીકરા તો દેશાવર ભલા..!
એમાં રડવાનું નાં હોય એવા વેવલાવેડા ના શોભે..!
કદાચ ત્યાં ચોરવાડના ડેલે પણ આવી જ કોઈ ક મમ્મી બેઠી હશે અને ધીરુભાઈ છેક એડન સુધી નીકળી ગયા..!
થોડી શંકા કુશંકા પણ કરી લઉં..મોટાભાઈ તમે કદાચ મેનેજરોના ભરોસે ખેલ ખેલ્યો હશે, પણ અત્યારે દેશમાં ૪G સપોર્ટ કરે એવા મોબાઈલ બહુ ઓછા છે, મોટાભાઈ તમે મફતના ભાવમાં જે ફોન આપવાના છો એ તમારી ડેટા ટ્રાન્સ્ફર કરવાની સ્પીડ અને લીધે બહુ જલ્દી ગરમ થઇ જશે, અને મફતના ભાવમાં આપેલા ચીના પાસેથી લીધેલા આ ફોનના કોનફીગ એવા હાઈ નહિ હોય એટલે એ સસ્તા ચીનાઓ પાસેથી લીધેલા ફોન હેંગ થઇ જશે ,બીજું તમે એટલા બધા જીઓમાં ફીચર્સ આપ્યા છે કે જનતાનું દિમાગ પણ હેંગ થઇ જશે..
એટલે જેટલું દેખાય છે એટલું પીળું નથી..માર્કેટ રેડીમેઈડ નથી, ઉભું કરવાની વાત છે અને દરેક નવો ધંધો હજાર દિવસ માંગે..નાના મોઢે મોટી વાત કરું છું મોટાભાઈ પણ આર-કોમને આપણે હજાર દિવસ ટકાવતા ફીણ પડી ગયા હતા, અને આઈટીમાં બધું બહુ જ ફાસ્ટ હોય છે,
નવી કોઈ ટેકનોલોજી આવે અને આપણી હવા બગાડી નાખે અને પેટ્રોલના કમાયેલા “જીઓ” ના ખાઈ જાય એ જોવું ઘટે નહિ, તો પ્પછી મર્જર કરી કરીને બહુ લાંબું નહિ ટકાય..!
આપણા ખર્ચા પણ હવે બહુ વધી ગયા છે એટલે કમાણી ઓછી થાય તો તકલીફ તો પડે..!
દુ:શ્મની કરી છે પણ એ લોકો પણ કઈ ગાંજ્યા જાય એવા નથી,દુનિયા આખીને નચાવે છે એમના તાલ પર અને આપણા ખેલની એમને ખબર તો હોય જ એટલે બધા ભેગા બેસીને ખેલ તો કરશે..
અત્યારે તો બધું મફત છે એટલે જનતા મફતનું લેવા જેમ છાપાની કુપનો ભેગી કરીને અને ગીફ્ટ લેવા લાઈનો લગાડે છે, એમ આપણા ભારતદેશ વાસીઓ મફતની “જીઓ” સર્વિસ લેવા લાઈનો લગાડશે, પણ મફત પૂરું કરી અને તમે જેવું લાંબુ બીલ મોકલશો એટલે આ જ પ્રજા આપણને ગાળો દેશે અને રૂપિયા નહિ આપે..!
અને મોટાભાઈ ધંધામાં બધાને પોચાય પણ ઘાલખાધને તો બિલકુલ ના પોચાય..! આપડી મૂડી તૂટે ઈ નો હા`લે ..!
બાકી હાચી વાત તો ઈ સે કે ..ઘેર ઘેર ફરીને માલ વેચતા અને રૂપિયા ભેગા કરતા આપણને નથી આવડતું, કેટલા બધા ધંધામાં હાથ નાખ્યા પાછલા વર્ષોમાં પણ બધાના પાટિયા ઉતારી લેવા પડ્યા રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ પ્લાઝા અને પેટ્રોલ પમ્પ ને કૈક કૈક ઉધામા કર્યા પણ..પણ
એટલે “જીઓ” ઉધામો સાબિત ના થાય એ જોવું ઘટે..
મોટાબા ની અને ભાભીની શ્રીજીબાવાની ભક્તિ “જીયો”ને પાર પાડે એવી શ્રીજીબાવાને અરજ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા