મારા જીવનની પેહલી ઉધારી…!!
ઘણા દિવસે લખવા બેઠો છું એટલે જુનો ચિઠ્ઠો ખોલવાનું મન થયું..!
સાલ હતી ૧૯૮૨ની.. શૈશવ સાતમાં ધોરણમાંથી હજી આઠમાં ધોરણમાં આવવાનો હતો, સ્કુલમાંથી એક ટ્રીપનું આયોજન થયું ..!
એક મહિનાની ટ્રીપ ..!!
દક્ષિણ ભારત અને શ્રીલંકા..!!
પ્રવાસ ફી હતી એક હજાર રૂપિયા ..!
રેલ્વેના ડબા મારફતે જ જવાનું હતું આખે આખા પ્રવાસમાં..!!
એકપણ હોટલમાં રાત્રી રોકાણ નહિ આખે આખા મહિના દરમ્યાન..!!
પાપાએ પૂછ્યું ..જવું છે ? મેં કીધું ..શું કરું ? પાપાએ કીધું જવુ જ જોઈએ અમે પણ તમારી જેવડા હતા ત્યારે છેક હરદ્વાર સુધી એકલા જતા , જાવ ઉપડો..!!
ક્લાસમાંથી બીજો એક મિત્ર તૈયાર થયો સાથે આવવા ,અશ્વિન..!
બોત્તેર છોકરાઓ આખી સ્કુલમાંથી જવા તૈયાર થયા એક ડબ્બો ભરાઈ ગયો અને એમાં સૌથી નાના ઉંમરમાં હું અને અશ્વિન..!!
એ પેહલા નેપાળ અને બીજી ઘણી બધી ટ્રીપ થઇ ચુકી હતી મારે, પણ મમ્મી પપ્પા વિનાની આ પેહલી ટ્રીપ હતી, જીવનમાં પેહલી જ વાર મમ્મી ,પપ્પા અને ભાઈ-બેહન વિના રાત કાઢવાનું આવ્યું હતું અને એ પણ આખો મહિનો..!!
કાલુપુર સ્ટેશને પપ્પાએ પૂછ્યું રૂપિયા જોઈએ છે ? મેં કીધું હા .. મમ્મી બોલ્યા તારા સાહેબને એક હજાર રૂપિયા તને વાપરવા માટે આપ્યા છે, તને સમય સમય ઉપર આપશે એમની પાસેથી લઇ લેજે..તું સાચવી ના શકે ..!
છતાંય પપ્પાએ મને પાંચસો રૂપિયા આપ્યા વાપરવા..!!
મેં મનમાં ટોટલ મારી લીધું કે મારી પાસે હવે પંદરસો રૂપિયા છે જેમાં મારે એક મહિનો કાઢવાનો છે , રેહવાનું ટ્રેઈનના ડબ્બામાં જ હતું અને ફરવાના ,ખાવાના રૂપિયા અપાઈ ચુક્યા હતા,
કાલુપુર સ્ટેશનેથી ટ્રેઈન ઉપડી, ભક્છુક ભક્છુક કરતુ સ્ટીમ એન્જીન ઉપડ્યું અને મારી આંખોમાંથી ધાર ચાલુ થઇ,
બહુ જ મન થઇ ગયું બાર વર્ષના શૈશવને કે મમ્મી કહી દઉં કે મને નથી જવું પ્લીઝ ઘેર પાછો લઇ જા એવું કેહ્વાનું ,પણ જીભ ના ઉપડે,
મમ્મી પૂછે છે કેમ રડે છે ? અને હું કહું કોલસી આંખમાં ઉડે છે ..!
ટ્રેઈન ઉપડી ધીમે ધીમે બધા છોકરા સેટલ થવા લાગ્યા..આખો ડબ્બો કૈક અલગ જ પ્રકારનો બનેલો હતો, એક પણ કમ્પાર્ટમેન્ટ હતા જ નહિ,ખાલી બેસવાની સીટો અને એ પણ આડી સળંગ અને ઉપર સમાન રાખવાની જગ્યા ..!!
મારા સામાનમાં એક બિસ્તરો અને એક બેગ, જેમાં અગિયાર જોડ શોર્ટ્સ ટીશર્ટ ને એક જોડ પેન્ટ-શર્ટ, એક થાળી,એક વાડકો, ત્રણ ચમચી ,એક કોફી મગ ,એક ગ્લાસ,એક વોટરબેગ , એક જોડ શુઝ ,ત્રણ જોડ મોજા ,છ અન્ડરવેર ,એક જોડ ચપ્પલ, એક જોડ સ્લીપર અને એક ટુવાલ ..!! ટુથ બ્રશ ને ઉલિયું..!! નિરમાનો સાબુ કપડા ધોવા ને એક બ્રશ,લાઈફબોય સાબુ નાહવા ત્રણ ત્રણ નંગ..! થોડોક નાસ્તો ..!!
સવારી ઉપડી ,રોજ કોઈ ને કોઈ સ્ટેશને ટ્રેઈન રાત રોકાણ કરે અને યાર્ડમાં ડબ્બો પાર્ક થાય , સ્ટીમ એન્જીનના પાણી ભરવાના ધધુડા નીચે સાતથી દસ ધોરણ સુધીની બોંતેર વાંદરાઓની આખી વાનરસેના જાંગીયા પેહરીને ઉભી રહી જાય, નાહી લેવાનું ..!!
એક પછી એક દિવસો વિતતા ગયા, અમારો ડબ્બો કાયમ એ જ રહે પણ જુદી જુદી ટ્રેઈન જોડે એને જોડી દેવામાં આવતો, અને એમાં ઘણીવાર ટ્રેઈન ચુકી જવાય તો કોઈ એક સ્ટેશને એકાદ રાત અને દિવસ પડી પણ રેહવું પડતું એવા સંજોગોમાં ડબ્બાને જે તે સ્ટેશનના યાર્ડના પ્લેટફોર્મ ઉપર પાર્કિંગ અપાતું ,
નક્કી કરેલા શિડયુલ પ્રમાણે આગળ વધી રહ્યા હતા પણ એ જમાનો ટ્રેઈનને લેઇટ થવાનો હતો અને અમે મોડા પડ્યા પણ ખરા પૂરા પાંચ દિવસ ..
મંડપમ સ્ટેશનથી અમારો ડબ્બો જે ટ્રેઈનને લાગ્યો હતો એ ટ્રેઈન સાથે અમે પંબન બ્રીજ ક્રોસ કરી રહ્યા હતા બરાબર એ જ સમયે જે દરિયાઈ જહાજમાં અમારે રામેશ્વરમથી જાફના જવાનું હતું એ જહાજે લંગર ઉપાડ્યું અને સીટી મારી ..!
અમે મોડા પડ્યા ..
હવે એ જહાજ એક અઠવાડિયું જાફના રોકાવાનું હતું અને પછી પાછુ રામેશ્વરમ આવે ત્યારે અમારે એમાં બોર્ડીંગ કરવાનું હતું..!!
પૂરા સાત દિવસ અને રાત રામેશ્વરમ્ ના રેલ્વે સ્ટેશન ઉપર કાઢ્યા..!!
સવારે પાંચ વાગે પેહલી ટ્રેઈન આવે અને પ્લેટફોર્મ ઉપર બિસ્તરા પાથરીને સુતેલા અમને બધાને જગાડે .. દોડી ને બિસ્તરા ડબ્બામાં મૂકી દઈએ અને ભક્તોની જોડે અમે પણ ટેણીમેણી દોડીએ મંદિરમાં, આરતી કરવાની દર્શન કરવાના ,દુંદુભી ,નગારા ,શરણાઈઓ ,નાલ ,ઘટમ , શંખ ,ઝાલર બધુય વાગે અને મજા પડે ..!!
પછી પાંચ પાંચ પૈસા ભેગા કરીને અમે આઠ આના આપીએ ને રામેશ્વરમ્ મંદિરમાં આવેલા બધા જ કુંડમાંથી પાણી કાઢી કાઢીને ત્યાંના લોકલ માણસો અમારી ઉપર રેડે, નહિ નહિ તો ય ત્રીસેક કુંડ તો ખરા..
અમદાવાદી વાણીયો શૈશવ રોજ સવારે પોહચી જાય..! પાંચ પૈસામાં કોણ તમને ત્રીસ ડોલ રેડી રેડી ને નહવડાવે ?
પછી પડવાનું દરિયામાં …!! લગભગ દસ અગિયાર વાગે દૂધ પીવા જઈએ ત્યારે ખતમ થઇ ગયું હોય એટલે પંદર પૈસાનું “હોટ કાઉસ હોટ મિલ્ક” એવું લખેલી એક દુકાને જઈને દૂધ પી લઉં ..!!
પછી જમવામાં આપેલી રોટલીઓ જોડે તીખું તમતમતું શાક હોય એટલે છેવટે રોટલી, મીઠું અને કાંદો ખાઈને પેટ ભરતો, બપોરે ભૂખ લાગે તો પચ્ચીસ પૈસામાં સ્ટેશન ઉપર જે મળે તે ખાઈ લેવાનું ,રાત્રે પણ એવો જ ઘાટ…!
એ સમયે રામેશ્વરમ ફક્ત ત્રણ જ ટ્રેઈન આવતી દિવસની ,બીજી ટ્રેઈન બપોરના બારની આજુબાજુ અને છેલ્લી ટ્રેઈન સાંજે પાંચ વાગ્યે , એના પછી પંબન બ્રીજને ખોલી દેવાતો દરિયાઈ જહાજોની માટે..!!
છેવટે અમે શ્રીલંકા પોહચ્યા ,ત્યાંથી પાછા પણ આવ્યા પણ મારું ખિસ્સું લગભગ ખાલી, કોલંબોમાં મને વાપરવા માટે સત્તાવીસ બ્રિટીશ પાઉન્ડ મારા સાહેબો એ આપ્યા અને પછી થોડા ઘણા બીજા રૂપિયા આપ્યા પણ ટ્રીપ લંબાઈ જવાને કારણે એમની પાસે પણ રૂપિયા ખૂટ્યા એટલે અમને વાપરવા આપેલા અમારા મમ્મી પપ્પા આપેલા રૂપિયા અમને ના મળ્યા ..!!
એક મહિનાની ટ્રીપ હતી પણ ઓલરેડી સવા મહિનો વીત્યો ગયો હતો , ખિસ્સામાં રૂપિયો નહિ ,રાતની જમવામાં આપેલી ભાખરીઓ ચડ્ડીમાં સંતાડી દઈએ , કેમકે સવારે પાણી જેવી ચા જ મળતી, નાસ્તો નોહતો મળતો અને ભૂખ લાગે તો કરવું શું ? પેલી સંતાડેલી ભાખરીઓ ખાઈ લેવાની..!!
મદુરાઈ સ્ટેશને પપ્પાનું પોસ્ટકાર્ડ મળ્યું .. બેંગ્લોરનું કોઈ એડ્રેસ હતું અને એવું લખ્યું હતું કે રૂપિયા જોઈએ તો ત્યાં જઈને લઇ આવજે..!!
પોસ્ટકાર્ડ મેં અને અશ્વિને વાંચ્યું જોડે બેસીને, બંનેની આંખમાં ચમક આવી , અશ્વિને પોસ્ટકાર્ડને વાળીને ખિસ્સામાં મૂકી દીધું કોઈ જોઈ ના જાય, એટલે કેમકે રૂપિયા છે અમારી પાસે એવી કોઈ ને ખબર ના પડવી જોઈએ ,અને અમને લોકોને કોઇપણ સ્ટેશન છોડી ને એકલા બાહર નીકળવાની સખ્ખત મનાઈ હતી..!
બેંગ્લોર આવ્યું .. જાણી લીધું કે કેટલું રોકાણ છે બે રાત્રીનું રોકાણ હતું ..એક દિવસે સવારે મેં અને અશ્વિને ખિસ્સા ફંફોસ્યા સવા રૂપિયા નીકળ્યા , મેં કીધું જોયું જશે નીકળ બાહર , રીક્ષાના રૂપિયા કદાચ થઇ રેહશે..!!
અગિયાર પૂરા અને બારમું વર્ષ ચાલતું હતું અમને બન્નેને , બેંગ્લોર સ્ટેશનના પાટા કુદી કુદીને અમે કોઈની નજરે ના ચડીએ એ રીતે સ્ટેશનની બાહર ..
હિન્દી અને અંગ્રેજી ઉપર પૂરો કમાન્ડ મારો પણ સામે કોઈ સમજે તો ને ? પપ્પાએ એડ્રેસ ઈંગ્લીશમાં લખ્યું હતું એટલે ઘણી મેહનત પછી છેવટે કોઈક ઈંગ્લીશ સમજનારે એક રીક્ષાવાળાને સમજાવી દીધું કે અમારે ક્યાં જવું છે..!
રીક્ષામાં બેસી ગયા .. નામ ન જાનું તેરા દેશ ન જાનું ..કોને મળવા જઈ રહ્યો છું એની પણ ખબર નહિ ,બસ એટલી જ ખબર કે પપ્પા એ લખ્યું છે એટલે રૂપિયા મળશે..!!
બેંગ્લોરના કોઈ ગીચ વિસ્તારમાં એક ઈલેક્ટ્રીકલ ની દુકાન પાસે રીક્ષા ઉભી રહી , રીક્ષાવાળા એ ઈશારો કર્યો જાવ ત્યાં .. હું અને અશ્વિન મૂંઝાયા પણ અશ્વિનને એ બધી દુકાનોમાં એક દુકાનમાં મહાવીર સ્વામી ભગવાન નો ફોટો દેખાયો મને કહે ચલ આ રહી દુકાન અમે પોહચી ગયા ..!
અને ખરેખર એ જ જગ્યા હતી કે જ્યાં અમારે જવાનું હતું મેં પોસ્ટકાર્ડ ધર્યું વાંચીને દુકાન માલિક બોલ્યો વોરા સાહેબ નો બાબો છે એમ?? ..!!
મને તો હરખના આંસુ આવી ગયા ,સવા મહીને કોઈ ત્રીજી વ્યક્તિના મોઢે ગુજરાતી સાંભળ્યું અને કોઈકે મને વોરા સાહેબ નો બાબો કીધો .. નાસ્તો કરશોને ?
ના પાડવાની જગ્યા જ નોહતી ,જે આવે એ અમે દુકાળીયા ખાતા જ ગયા ભરપેટ અમને જમાડ્યા અને પછી પૂછ્યું બેટા કેટલા રૂપિયા જોઈએ છે .. મેં અશ્વિનની સામે જોયું એણે મને આંગળીથી ઈશારો કર્યો સો માંગી લે ,પણ મને લાલચ જાગી મેં કીધું દોઢસો આપો ..!
ફટાક કરતા ગલ્લામાંથી દોઢસો રૂપિયા કાઢીને મને આપી દીધા .. હું અને અશ્વિન જાણે કરોડપતિ થઇ ગયા હોઈએ એવા ઉછળતા કુદતા રીક્ષામાં દોડીને બેસી ગયા ..!! બીજા દસ દિવસ હવે આરામથી નીકળશે ..અને નીકળી પણ ગયા ..!
જીવનની પેહલી ઉધારી કરી હતી , એ પણ ૧૭૦૦ કિલોમીટર દૂર છેક બેંગ્લોરમાં ૧૯૮૨માં ..!!
અમદાવાદ આવ્યો ..દોઢ મહીને .. ઘરે મમ્મી કહે ચલ થાળી પીરસું ..
મમ્મીએ શાક, દાળ અને ભાત બધું ભાવતા ભોજન પીરસવાના ચાલુ કર્યા પણ મેં આડો હાથ ધર્યો .. મેં કીધું ના મમ્મી આટલું બધું ના જોઈએ રોટલી, મીઠું અને કાંદો આપી દે બહુ મસ્ત લાગે , આ બધાની જરૂર નથી..!!
મમ્મી જબરજસ્ત રડે અને પપ્પા પોરસાયા ..!!
એમનું ટાર્ગેટ એચીવ થયું હતું ..!!
પાણીથી પણ પેટ ભરાય એની ખબર પડી..!!
પાંત્રીસ કિલોનો શૈશવ છ કિલો વજન ઉતારીને આવ્યો હતો..!!
અમન ચમનમાં રેશમની તળાઈમાં ઉછરેલાને રોટલી, મીઠું અને કાંદાથી પેટ ભરતા આવડી ગયું હતું, ધરતીના અજણ્યા ખૂણે બાર વર્ષના છોકરાને ૧૭૦૦ કિલોમીટર દૂર એક ચિઠ્ઠીના સહારે પોહચીને પાછા આવતા આવડી ગયું હતું..!!
ચીન ,જાપાન ,યુરોપ,અરબ દુનિયાની ગમે તે જાતિ જોડે કુટી લેતા, ફોડી લેતા આવડી ગયું..!!
એ દિવસથી શરમ અને બીક જતી રહી છે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)