“જોડે લાકડામાં ..!!”
“શૈશવ અંકલ એક પ્રોબ્લેમ છે..!!”
“જનમ જ મારો ગામ આખાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થયો છે, તું તારે બોલ હેંડ બોલી નાખ શું થયું ?”
“મારી ફીયોન્સી એમ કહે છે કે આપણે એકબીજાને આપણો પાસ્ટ
કહી દેવો જોઈએ, એટલે પછી પાછળથી કોઈ બીજો પ્રોબ્લેમ ઉભો ના થાય..!!”
માર્યા ઠાર…,હવે શું કરવું ..?
હા પાડો તો હાથ કપાય અને ના પાડો તો નાક ..!!
પણ મોટે ઉપાડે ભસી માર્યું હતું કે આપણો તો જનમ જ સમસ્યાના સમાધાનો માટે થયો છે એટલે જવાબ આપ્યે જ છૂટકો..!!
એટલે મેં કીધું “પેહલા તું બોલ જોઉં ,તારો પાસ્ટ ઉર્ફે ભૂતકાળ કેટલો ખરડાયેલો છે એમ મને કહે જોઉં તો..!”
“હવે અંકલ એ તો પછી જમાના પ્રમાણે તો હોય ને અમારે કઈ તમારા જમાના જેવું થોડી કઈ હોય ,અત્યારે જે બધું ચાલે એ બધું તો હોય જ ને..!”
લલ્લનટોપ ગોળ ગોળ બોલ્યો એટલે આપણી જરાક તપેલી ગરમ થઇ ..”ચાંપલી થયા વિનાની સીધી બોલને હવે કેટલી જોડે ભટક્યો ? અને હોટેલોની રૂમ સુધી ગયો છે કે પછી કોફા પીધા કર્યા છે ? કે પછી પેલા મસાજ પાર્લરોની ટેવ છે ?”
“અંકલ તમે પણ શું ? એવો સાવ ધારી લીધો મને ? હું તો કઈ એવો લાગુ છું તમને ? આ તો ખાલી ફ્રેન્ડ હોય અને ક્યારેક થોડું આગળ ગયા હોઈએ અને બ્રેકઅપ થઇ ગયું હોય..”
લલ્લન હજી ટોપ ગીયર
માં આવતો નોહતો એટલે મેં કીધું ..“જો ભઈ તારે નક્કી કરવાનું ,ઘણીવાર એવું પણ બને કે આપણા કરતા સામેવાળા વધારે ધૂળેટી રમ્યા હોય અને ખરડાયેલા વધારે નીકળે, ને ક્યારેક એવું પણ બને કે ખાલી ચિઠ્ઠી ચપાટી..., તમારા જમાનામાં મેસેજીસ ઉપર બધું ચાલ્યું હોય અને એમાં જ બધું પૂરું થઇ ગયું હોય એટલે તારે નક્કી કરવાનું કે રિસ્ક ફેક્ટર કેટલું છે અને કેટલું રિસ્ક ઉઠાવવું છે તારે ..” “એમ નહિ અંકલ તો પછી જાણીને કામ શું છે ?” “કશુય નહિ લલ્લન, અભણ માણસ એ આ દુનિયાનો સૌથી સુખી માણસ છે એને જરાય ચિંતા નથી કે ઝેલેન્સકીનું હવે શું થશે , પુતિન એને મારી નાખશે કે જીવતો છોડશે, પરમાણુ યુદ્ધ થશે કે નહિ ? કોઈ ટેન્શન નહિ..!! જેટલું જાણો એટલા વધારે દુઃખ એટલે અજાણ્યા રેહવામાં જ માલ છે અને સાર છે..જાણ્યા ના જ દુઃખ છે દુનિયામાં !” “અંકલ મને પણ એવું જ લાગે છે ,ખોટે ખોટા
પાસ્ટના ચક્કરમાં
પ્રેઝન્ટક્યાં ખરાબ કરવો..!” મને લાગ્યું લલ્લનને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે તો ભલે રહ્યું, પણ સેહજ ચેતવી દઉં એટલે મેં કીધું .. “જો લલ્લન એમાં એવું છે ને કે પછી ફ્યુચરમાં તારે કે એને શંકાનો કીડો એકબીજા માટે સળવળ થવાનો હોય તો આજે ફેંસલો પાડી દો અને નહીતર એને કહી દે તારું જે હતું તે તું ભૂલી જા અને મારું હું ભૂલી ગયો , એમ કરીને જલસા કરોને લલ્લન બકા...” લલ્લન બોલ્યો “એ જ બરોબર છે અંકલ..” મેં કીધું .. “હોઉં દેખાવું ય નહિ અને દાઝવું ય નહિ, જલસા કર ,અને જો લલ્લન એમાં કેવું છે તમારી આજુબાજુ ચોર ,હરામી ,ષઠ ,ઠગ , પીંઢારો ,હરામી ,બદમાશ ,નાલાયક આવી બધી જાતી પ્રજાતિ રેહતી હોય અને એ તમારા માટે પણ વિચારતો હોય ને તો પછી આપણે શાંતિથી સાદાસીધા થઈને જીવવાનું કેમ કે બાકીનું કામ આપણા વતી એ બધા કરી લેશે, હા ખાલી એ બધા જોડે જોડાયેલું રેહવાનું ?” લલ્લન એ દાઢી ખંજવાળવાનું ચાલુ કર્યું .. મેં આગળ ચલાવ્યું.. “”જો લલ્લન ફરીવાર.. ચોર ચોરીથી જાય પણ હેરાફેરીના જાય તારા વાળી ગમે તેવી ચોર ,ઠગ .. વગરે વગેરેમાંથી એકાદી હશે તો તારે નિરાંત તારી બદલે દુનિયા આખી જોડે એ એના કારસ્તાન કર્યા કરશે ,લડતી રેહશે ,તારે ખાલી એટલી ચેતવી દેવાની કે મારી જોડે તારા લખ્ખણ ના બતાડીશ..! તો પણ થોડી હેરાફેરી કરી લેશે ..સમજ્યો ?” લલ્લનને હજી મેળ નોહ્તો પડ્યો એટલે મેં કીધું ..”ભૂલી જા મેં જે હમણાં કીધું તે ચલ.. શિફ્ટ ડિલીટ ..રીસાયકલ બિનમાં પણ નથી મોકલવાનું ઉડાડી જ દે..!” લલ્લન બોલ્યો ઇન શોર્ટ અંકલ એને ના પાડી દઉંને ને કે કઈ પાસ્ટ બાસ્ટ મારે જણાવો નથી અને તારે કેહવાનો નથી ભૂલી જા જે હોય તે અને મોજ કરીએ ચલ.. મેં કીધું શાબાશ .. યા હોમ કરી ને પડો ..!! ધક્કો મારી દીધો જોઈએ હવે ક્યારે કંકોત્રી આવે છે..!! નવા ચક્કર ચાલુ થયા છે આ બધા નવી પેઢીમાં , બે ચાર ગાયો તો એવી હતી કે જેમને પોતાનો
પાસ્ટ` નાં હોવા માટે અફસોસ હતો બોલો ..!!
“અમારે અમારી વાળી પાસે કન્ફેસ શું કરવાનું ?”
હરે રામ રામ રામ ..હરે કૃષ્ણ કૃષ્ણ ..!!!
એક જમાનો હતો કે લોકો ભૂતકાળ સંતાડતા અને હવે પ્રજાને ભૂતકાળ નથી તો દુઃખ છે..!!
મજા આવે છે આ નવી પેઢીને જોવાની અને મચડવાની ,એમાં પણ છેલ્લા બે વર્ષના લોકડાઉનએ મેરેજ માર્કેટમાં આગ ઝરતી તેજી લાવી દીધી છે, જનતા જનાર્દન પોતાના પરણવા યોગ્ય છોકરા છોકરીને પરણાવવા માટે રીતસર ઝુંબેશ ઉપાડીને બેઠી છે , પતાવી જ દો ..!!
એરેન્જ મેરેજમાં આવા બધા સવાલો અને પ્રોબ્લેમ્સ આવે છે બાકી લવમાં તો બાપ રે .. નાં હોય એ પણ મગજના બધા ફિતૂર એકબીજાને કહી દેતા હોય છે ..!
આપણે તો એક જ વાત માનીએ કે દાટેલા ઉભા ના કરવા ,કેમ કે દાટ્યા હોય ત્યારે આખા હોય અને જમીનમાં પડ્યા પડ્યા ઓગળ્યા હોય એટલે જયારે સમય વીત્યે ખોદી કાઢો ત્યારે એકલા બિહામણા હાડપિંજર જ હાથ લાગે એના કરતા એને પણ પડ્યા પડ્યા અંદર ઓગળી જવા દો ને..!!
એકવાર મને કુબુદ્ધિ સુઝી હતી એક મિત્રને પચ્ચીસ વર્ષ પેહલાનો એક સવાલ પૂછી નાખ્યો..
મેં પૂછ્યું અલ્યા પેલી સ્કુલમાં તારી જોડે બેસતી એની જોડે તારું જોર સેટિંગ હતું નહિ..?
ભાઈબંધ પણ મારો જ ને .. મસ્ત જવાબ આવ્યો ..”એવું છે ને શૈશવ બકા અમુક વાત છે ને આપડી જોડે જ લાકડામાં જાય ને એ સારી ,આપણી પણ ના બગડે અને સામેવાળાની પણ ના બગડે..!!”
મારો પંચાત રસનો આનંદ લેવાનો ઢઢડીયો એક જ લાઈનમાં પૂરો કરી નાખ્યો અને જોડે જોડે બ્રહ્મજ્ઞાન પણ આપી દીધું..!!
આવું છે જીવનમાં ..એ દિવસથી નક્કી કર્યું કે આખા ગામનું જોયું જાણ્યું એ બધું ભસી કે ઘસડી નહિ મારવાનું આપડી જોડે લાકડામાં આવે એ બરાબર , બધા ને શાંતિ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)