અપેક્ષિત હતું એ રીતે એલાન એ જંગ થયું અને યલ્ગાર હો પણ થયું…
ભીષણ યુધ્ધ થયું શનિવારના દિવસે .. રવિવારની સવારે મળતા તાજા સમાચાર અનુસાર ઈરાનના સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું છે ,ઈરાને ચાલીસ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ..
જલદી કોઈને ગતાગમ પડે એવી ઘટનાઓ નથી , હું હંમેશા કહું છું કે ઇતિહાસ જેની આંખ સામે રચાઈ રહ્યો હોય છે એને એ ઘટના ની બિલકુલ ગતાગમ હોતી નથી…!!!
જગત અત્યારે માર બુધુ , કર સીધુ.. આ એક જ મંત્ર ઉપર ચાલી રહ્યું હોય એમ જગત જમાદારે રમખાણ મચાવી દીધું છે , સામ ,દામ ,ભેદ અને દંડ ચારેય નીતિઓ કામ કરી રહી છે ..
ભારત ક્યાં આમાં …???
અત્ર,તત્ર , સર્વત્ર ભારત અને ભારતીયો છવાયેલા છે..!!
દાદ આપવી પડે આપણે આપણી જાતને કે ચૂંટણીમાં મારેલા મત્તા ઊગી નીકળ્યા છે , એક સમયે ઘેર ઘેર જઈને મોદી મોદી કરનારા ગુજરાતીની છાતી ગર્વથી ફાટી જાય એવી ઘટના ઇઝરાઇલની સંસદમાં જે નારા લાગ્યા અને એ પછીના ઘટનાક્રમ ના ડોટસ જોડીએ તો થઈ છે …!!!!!
ઘણી ખમ્મા મારા મહાઅમાત્ય મુંજાલ , તને ઘણી ખમ્મા..!!
મહાન ગાયિકા લતાજી માટે એમના બેહન એટલા જ મહાન ગાયિકા એવા આશાજી કહે છે કે ઉનકો પતા થા કી કહા મુહ ખોલના હૈ ઔર કહા બંધ રખના હૈ ..!!
બિલકુલ આંતરરાષ્ટ્રીય સબંધોમાં મહાઅમાત્ય માટે બંધ બેસતુ..
એટલું બધું બોલાયું ભારત અને ભારતીયો માટે પણ એક હરફ ઉચ્ચારે એ બીજો..!
છેલ્લા દોઢ વર્ષથી બદલાઈ રહેલા વૈશ્વિક સમીકરણો , બીજા વિશ્વ યુધ્ધ પછી ગોઠવાયેલી પ્રસ્થાપિત મહાશક્તિઓ , હવે બધુ જ ધરાશયી થવા જઈ રહ્યું છે …!
ભારત અને ભારતીયો ખૂબ જ સાચવીને ચાલી રહ્યા છે , બે ચાર પાંચ સિવાય બકવાસ ક્યાંયથી નથી થઈ રહ્યો , જે રીતે યુધ્ધ થઈ રહ્યા છે એને ઘર આંગણે ના લાવીને મુકાય , અટલબિહારી બાજપાઈ સાચા હતા.. મૈં હિમાલય કો યુધ્ધ ભૂમિ નહીં બનને દુંગા..!!
અક્ષર સહ પાલન થઈ રહ્યું છે…
બહુ જબરજસ્ત રીતે ઇઝરાયલની સંસદમાં સંદેશો આપી દીધો ભારતને છેડશો તો છોડીશું નહીં , ઇઝરાયલના પ્રધાનમંત્રીની આંખો સુકાતી નોહતી ..!!!!
એ જ આંખ આજે અંગારા વરસાવી રહી છે..
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે..!
ગઈકાલે મિસાઈલ્સ સામસામે ફેંકાઈ રહ્યા હતા અને નરેન્દ્રભાઈ માઇક્રોનનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા..
મારા તમારા જેવાના હાંજા ગગડી જાય, ખાલી ફોટો અને વીડિયો જોઈ જોઈને એવા એવા સીન આવી રહ્યા હતા , પણ એ સમયે મુખ મંડળ પરની આભા જે હતી… અદ્દભૂત..!!
લાઉડ એન્ડ ક્લીયર મેસેજ ..
મને આગળ વધવામાં રસ છે…!!!
સંજય મેહરોત્રાના મંચ ઉપરથી વખાણ કરી અને ધંધાદારીઓને સંદેશો પહોંચાડી દીધો , તમે જો મારા દેશના વિકાસની વાત કરશો તો સારી વાત છે , પણ ખરેખર જમીન ઉપર ઉતારશો તો હું જાતે આવીને પડખે ઊભો રહીશ …!!
યુધ્ધ આગળ વધી રહ્યું છે , દુનિયાના દરેક યુધ્ધ પછી પ્રગતિના દ્વાર ખુલતા હોય છે ,
લાગે છે ભારતે એની તૈયારી કરી અને મૂકી દીધી છે , સવાલ એવા આવે છે કે યુધ્ધમાં શું થશે ??
વિનાશ .. અને પછી વિકાસ …
યુધ્ધનું પરિણામ જીતેલી પ્રજા ક્યારેય ભોગવી શકી નથી , એની આવનારી પેઢી જ એના ફળ ખાઇ શકે અને હારેલી પ્રજાના વારસદારો પેઢીઓ સુધીની યાતનાઓ ભોગવે …
છેલ્લા ત્રણ દાયકાથી ભડકે બળી રહેલું અખાતી રિજિયન કેમ ભડકે બળે છે ? એવા સવાલના જવાબમાં બમ્બૈયા ભાષામાં કહીએ તો સજોગી તો બજોગી..
જેટલા શણગાર વધારે એટલા તમને લૂંટવાના ઓરતા વધે અને એક દિવસ ચોક્કસ લૂંટાઈ જાવ , શણગાર ત્યારે જ થાય જ્યારે કાંડામાં કૌવત હોય , ભારત વર્ષનો ઇતિહાસ સાક્ષી છે નવ્વાણું ટકા યુદ્ધોમાં ઈર્ષ્યા અને ગદ્દાર ઘરના હતા જ્યાંથી યુધ્ધોના અને સામ્રાજ્યના પતન થયા..
આજે ગદ્દારી માટે નવો શબ્દ વપરાઈ રહ્યો છે ,
કોમ્પ્રોમાઇઝ …
કોણ કોમ્પ્રોમાઇઝ થયું ઈરાનમાં અને કેવી રીતે થયું ? આટલું સટીક રીતે ?
સમય આવ્યે જ્યારે હોલિવૂડ મૂવી બનશે ત્યારે ખબર પડશે કે લંકા કેમ લૂંટાઈ ..
અત્યારે જે રીતે દુબઇ , બેહરીન , અબુધાબી … આ બધા ઉપર જે રીતે હુમલા થઈ રહ્યા છે એ જોતા દુનિયામાં એક નક્કર મેસેજ બીજો જઈ રહ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ન્યુક્લિયર સ્ટેટમાં કરવું ,
તો જ જગતના ખેતરમાં ઊભા ઊભા વઢાઈ નહીં જવાય …!
ભારત આજે ઘણા બધા લોકોને સૌથી વધારે સેફ લાગી રહ્યું છે , આ ઘણા બધા લોકો એટલે અહીંથી આપણા જ ગયેલા લોકોને પણ ખરા એમ , એમને એમ લાગે બોમ્બ ધડાકામાં મરવું છે તો આપણા દેશમાં કેમ ના મરીએ ? આવા સવાલો અંતરમાં ઉછાળા મારવા લાગ્યા છે…
મારું માનવું છે કે યુદ્ધ હજી લંબાઈ જશે , ક્યાંક કોઈક છાંટો આપણી તરફ પણ આવે નહીં તેની પૂરેપૂરી તકેદારી રાખવી પડશે,
જોકે ભારતનું નેતૃત્વ સક્ષમ છે, પણ આટલું મોટું યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે આર્થિક જગતમાં પણ ભારતને અસર પડ્યા વિનાની રહેવાની નથી…
જરાક નાની અમથી અફવાહ આવે અને આપણા શેરબજારો ધડામ દેતા તૂટી પડે છે અને પછી બેઠા થતાં અઠવાડિયું લે છે એવા બજારોને સાચવવા થોડા અઘરા છે…
ફારસની ખાડી દુ:ખતી નસ છે દુનિયાની ,અમેરિકી જહાજી બેડા ત્યાંથી પાછા ખસી ગયા છે, સાવ નધણીયાતી નથી, પણ પારોઠ ના પગલાં ભર્યા એટલે સીન બગડેલો હોય એ નક્કી…
ઈરાને છેલ્લા ૧૦૦ વર્ષમાં ઈરાક સામે અને અંદર અંદર પણ બહુ જ જંગો ખેલ્યા છે , એટલે એમ અત્યારે ફટ દેતા મૂકે એ વાતમાં માલ નહીં…
દુનિયા અને ભારત માટે કપરો કાળ આવી શકે તેની તૈયારી રાખવી પડે…
ભારતીય નેતૃત્વ ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યું છે કારણ વિનાના અંટાઈ ના જવાય એની તકેદારી રાખી અને નિવેદનો આવે છે…
એટલું કહું સંકટ ભારી , ભરોસો પણ ભારી.. અને આ દિવસો પણ નીકળી જશે એમ કરીને ધીમે ધીમે નીકળવું નીકળવું રહ્યું…
ફક્ત રેજિમ ચેન્જ કે પછી ભૂગોળ બદલવાની ? કે પછી એ પ્રોજેક્ટ ૨૦૨૭ માં ????
ભૂગોળ બદલવાની વાત આવે ત્યારે બહુ જ સાબદા રહેવું રહ્યું , જે દિવસે દુનિયાનો નકશો બદલાયો એ દિવસે ભારતે પલકારો ઝપકાવવાનું પણ ભૂલવું રહ્યું … તૈયારી કરવાનો સમય..!
પણ સમય ઘણું બધું કહેશે…ઇતિહાસ લખાશે..!!
આપનો દિન શુભ રહે..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*