ધનારક ઉતર્યાં ને હવે મીનારક બેસે ત્યાં સુધી લગ્નસરાની ધૂમ રહેવાની , દર વર્ષે લગ્નની સીઝનમાં કઈક અવનવું જોવા મળતું હોય છે ,યાદ કરીએ તો ઘણાબધા લગ્નોમાં ગયા આજદિન સુધી…
નાતની વાડીઓમાં થાળી, વાટકા, પાટલાથી શરૂઆત , પછી આવ્યા ટેબલ ખુરશી, એના પછી ચાલુ થયું બૂફે…પાર્ટી પ્લોટો , અને હવે ફાર્મ , પણ એમાં બૂફે પકડાયેલું રહ્યું છે હજી , જાતજાતના અને ભાત ભાતના વાના આવ્યા , જરૂર છે કે નહીં એટલા બધા વાના અને વાનગીઓની , પણ એ જુદો વિષય છે ,પણ ગઈકાલે મિત્ર પ્રિતેશ અને પૂર્વીની દિકરીના લગ્નના સંગીતમાં એક અદ્દભુત કાર્ય જોયું , આ ચીલો પાડવા જેવો ..! ખૂબ પ્રેરણાદાયી ઘટના જોઈ ..
બૂફેમાં જમ્યા પછી તમારો કચરો તમે જાતે જુદો પાડી અને જુદો જુદો નાખો , સહાયતા માટે માણસો ઊભા પણ હોય પરંતુ જમ્યા પછી બાટલીઓ , ચમચીઓ પ્લાસ્ટિકની ,લાકડાની , માટીની કુલડીઓ , વગેરે વગેરે તમામ વસ્તુઓ તમારે જ છૂટી પાડી અને જુદી જુદી બેગોમાં નાખવાનું …!!! જેથી તેને જુદા જુદા રિસાયકલરને ત્યાં ડાયરેક્ટ મોકલી અપાય..
યજમાનનો બીજા દિવસે સંદેશો પણ આવી ગયો જે કોપી પેસ્ટ કરું છું..
Yesterday’s waste we prevented dumping in Ahmedabad
Food waste 120 Kgs
Pet Bottles 12 Kgs (Approx 2000 bottles)
Matti Kuladi 80 Kgs
Plastic 6 Kgs
Paper Tissue 6 Kgs
Plastic Cutlery 8 Kgs
Biodegradable Cutlery 2 Kgs
Paper Cup 1 Kgs
જન સાધારણ તરીકે તમને થશે કે એમાં વળી શું મોટી વાત…???
તો સાંભળો કથા કચરાની ..!!! અમદાવાદને કચરાથી બચાવવું કેમ જરૂરી થઈ પડ્યું છે …!
ડોમેસ્ટિક કચરો જેમાં ઇવેન્ટ અને હોટલો પણ આવી જાય એના ડુંગરાને આપણે નગરી અમદાવાદના પીરાણા ખાતે સર્જન થતો અને હવે વિસર્જન થતો આપણા જીવનમાં જ જોયો છે , આ પીરાણાના કચરા ડુંગર એ અમદાવાદને ખરાબ હવાની “ભેટ” આપેલ છે , રાક્ષસનું સર્જન કરો તો બદલામાં અનિષ્ટ જ મળે ,
આખા શહેરમાં સૌથી વધારે “એકયુઆઈ” ( હવાની ગુણવત્તા નું માપ બતાવતો ઈન્ડેક્સ )ખરાબ પીરાણાના કચરા ડુંગરે જ હોય છે , પાલડી વાસણામાં એસીની પાઇપો ખવાઈ જવાનું કારણ આ ખરાબ હવા,જે એસી વેચનારા અને રહેનારા માને છે અને જે ઘણા અંશે સત્ય પણ છે , ત્રણ ચાર વર્ષમાં ઘણા એસી બગાડી જાય છે આ વિસ્તારોમાં …
હવે આ કચરા ડુંગરનું સર્જન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી અમદાવાદીઓની જ છે , સરકાર કોઈની પણ હતી અને છે પણ મૂળે તો જે સત્તા ઉપર બેઠાં છે તે અને જેમને ઉઠાડ્યા એ આપણે જ છીએ , એટલે જવાબદારી આપણી જ બને..
પીરાણાનો આટલો મોટો કચરા ડુંગર અમદાવાદ શહેરની હવા કેમ બગાડે છે ????
તો એના જવાબમાં એવું છે કે કચરો જુદો કર્યા વિના આપણે એક જ જગ્યાએ વર્ષો સુધી ઠોક્યો , બાયો ડિગ્રેડએબલ કચરો એટલે કે સડી જાય એવો કચરો એક જ જગ્યાએ ભેગો થયો અને એમાં સડો થયો , પરિણામ શું ?
તો કહે ગંધ ગંધના ગોટા ઉડે એટલે નગરી અમદાવાદના માણસો એ ત્યાંથી નીકળતા નાકે રૂમાલ બાંધ્યા …!!!
શું એ સાચો ઉકેલ ખરો ? ના ..
એ કચરામાં સળગી શકે એવી ઘણી વસ્તુઓ પણ હતી , અને ભંગારની પણ ઘણી વસ્તુઓ હતી , કચરો વીણવાનો વ્યવસાય કરતા લોકો ત્યાંથી કચરો વીણી અને રિસાયકલ કરવાવાળાને આપતા , પણ સાથે સાથે વ્યસન કરતા , બીડીઓ પીતા પીતા આ કામ થતું અને પરિણામ સ્વરૂપ એમાં આગ લાગવાનું શરૂ થયું…
બહુ જ ગંદુ પરિણામ આવ્યું … પીરાણાના કચરા ડુંગરે આગને છેક એની છાતી સુધી અંદર ઉતારી લીધી …
હવે ગમ્મે તેટલો વરસાદ પડે કે પછી પાણી રેડો કચરા ડુંગર માનવા તૈયાર નથી , એ હૈયે ધધગતી આગને એ સેહજ સરખી હવા વાય એટલે બાહર ઓકી કાઢે છે , અમદાવાદની હવાને ખરાબ કરી મૂકે છે , અત્યારે પીરાણાના કચરા ડુંગરનું વિસર્જન ચાલુ છે પણ ઘણો સમય લાગશે …
પણ આ બધા ખોટા ખર્ચા નહીં …??? પેહલા કચરાના ડુંગરા કરવાના અને પછી એને કાપવાના ..આવા ધંધા કેમ કરવા ?????
હવે આપણી ફરજમાં શું આવે …????
શરૂઆત આપણે કરીએ … આપણી થાળીઓમાંથી જ કચરો જુદો કરી અને જુદી જુદી બાસ્કેટોમાં ફેંકીએ, સરકારી લેવલે દરેક પાર્ટી પ્લોટ અને હોટલોમાં આ થવું ફરજિયાત હોવું જોઈએ , જેટલી મોટી ઇવેન્ટ એટલો મોટો બગાડ ..! સરકાર ઘરમાં પણ આ કરવા માટે કહે છે પણ કીધું કરીએ એવા તો આપણે છીએ નહીં પણ લગ્નોમાં અને ઇવેન્ટોમાં જમ્યા પછી પ્લેટ ફેંકતી વખતે જ જો કચરો જુદો થઈ જશે તો પછી બહુ માથાકૂટ નહીં રહે , એકવાર કચરો અને એંઠવાડ ભેગા થઈ ગયા ,તો પછી એ ગંદકી ઉલેચવી અઘરી પડે, એ સીધી પીરાણાના કચરા ડુંગરે જ જાય, પણ જો જુદુ જુદુ ફેંકાય તો કામ થઈ જાય ..!!!
એ રીતે હોટલોમાં પ્લેટો ઉપાડે પછી એમાંથી કચરો જુદો જુદો જ ફેંકાય તો કામ થઈ જાય … રિસાયકલરો પાસે જે તે વસ્તુઓ પહોંચાડવી સરળ બને ..!!
એંઠવાડ અને કચરો આ બે ભેગા થવાને બદલે છૂટા પડે કામ થાય …
તમને થશે કે શૈશવભાઈ એક તો લગ્નોના ખર્ચા અને એમાં આ વધારાનો ખર્ચો ક્યાં ? પણ નથી એવો મોટો ખર્ચો ..લગ્નોમાં દેખાડા ઘણા કર્યા સુધારા પણ કરવા જરૂરી …
જરાક તપાસ કરી તો આવી એજન્સીઓ ચાલુ થઈ ગઈ છે , અમદાવાદના નવા નવા ધંધા શોધ્યા કરતા લોકો માટે આ ધંધો કર્યા જેવો , વચ્ચે ક્યાંક ઉત્તર પ્રદેશમાં મોટા મંદિરોમાંથી ફૂલો ભેગા કરી અને એને છૂટા પાડી એમાંથી અત્તર બનાવવાની એક ક્લિપ ફરતી જોઈ હતી , એમ જ દરેક ઇવેન્ટમાં આ બધા કચરા ત્યાંથી જ છૂટા પાડી અને લઈ જવાની એજન્સી ખોલવામાં માલ બે બાજુ મળે ..
એક તો જેને ત્યાં ઇવેન્ટ હોય તે “પર પ્લેટ ” તમને રૂપિયા આપે અને બીજું પ્લાસ્ટિક હોય કે લાકડા એના રિસાયક્લર પણ તમને કચરો ખરીદવાના રૂપિયા આપે , આવતો અને જતો બંને બાજુ મુંડવા મળે …!!!
આ અમદાવાદ છે અહીંયા દર વર્ષે નવું અવનવું થાય અને જોવા મળે , આ વર્ષે આ જુદો ચીલો ચીતર્યો છે તો ચીલો દરેક હોટલ અને ઇવેન્ટમાં ફરજિયાત થાય એવી આશા સહ ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*