ક્યારેય એવું બને છે કે કોઈ પ્રસંગ કે મીટીંગ કે મેળાવડામાં તમારી હાજરી કરતા ગેરહાજરીની વધારે નોધ લેવાય.?
એવું બને છે કે કોઈ વાતની હા પાડવા કરતા ના પાડવાનો નિર્ણય વધારે સાચો અને સારો લાગે..? કે યથાર્થ થતો લાગે .?
મને ઘણી વખત એવો અનુભવ થાય છે, કે મારી હાજરી કરતા ગેરહાજરીની અમુક જગ્યાએ વધારે સારી રીતે નોંધ લેવાતી હોય છે અને જયારે આવું થતું ત્યારે મારા કનકકાકાને હું પૂછતો કે આવું કેમ ?
તો કાકા એવું કેહતા કે જયારે તારી ગેરહાજરીની નોધ લેવાય ત્યારે સમજવું કે હવે તારી ગણતરી પાંચમાં થઇ કે તારી કોઈને કદર છે..! બાકી તો શેઠ આવ્યા તો કહે નાખો વખારે..! મતલબ તમે ભાજીમૂળા..!
ખરેખર પછી ઘણી બધી વખત , ઘણી જગ્યાએ હું જાણી જોઈને ક્યાંક ક્યાંક નથી ગયો અને એ વખતની મારી ગેરહાજરીની નોંધ ખરેખર લેવાઈ છે ..!
અને ત્યારે મારો અહમ એવો સરસ રીતે સંતોષાય છે કે ના પૂછો ને વાત.. પણ ક્યારેક હું મારી જાતને પણ પુછુ કે આવું તું કેમ કરે છે શૈશવ ત્યારે ઢગલાબંધ એક્પ્લેનેશન મળે છે..
એક કિસ્સો શેર કરું બહુ વર્ષો પેહલા હું જયારે એલીસબ્રીજમાં ન્યુ બ્ર્હામ્ક્ષત્રીય સોસાયટીમાં રેહતો ત્યારની વાત છે ..
લગભગ સાલ ૧૯૮૮ પછીનો સમયગાળો અને આવો જ સરસ જામેલા શિયાળાનો સમય ,મારો ભાઈ જલગાંવ ભણે અને બેન મારી જામનગર ભણે ,
સાંજ પડે સી.જી. રોડ પર રખડી અને સાત ,સાડા સાતે વાગ્યે હું ઘેર આવું ,મમ્મી પાપા દવાખાને હોય અને ઘરમાં હું એકલો હોઉં એટલે મારી રીતે જમી ને હું ગેલેરીમાં હિંચકે બેસું અને કઈક કઈક એકાદો રાગ પકડીને ગણગણતો હોઉં..
બાજુ ના બંગલામાંથી મસ્ત મસ્ત મોહરેલી રાતરાણી ની મેહક આવતી હોય
અને ત્યારે.. જ
ક્યારેક એવા જ સમયે સો બસો મીટર દુરથી એક સરસ મજાનો એક સ્ત્રીનો મીઠો મધુર અવાજ આવે, એકદમ હલકથી ભજન ગાતી હોય અને મારા કાન સરવા થાય ..એ પેલી મીના આવી..
મોટેભાગે મીના મીરાબાઈના ભજનો ગાતી ,પણ એટલા સુંદર ભજનો ગાય કે બસ એમ જ થાય કે સાંભળ્યા જ કરો …
મીના એક ભિખારણ હતી, દર બે ત્રણ મહીને એકવાર મીના ગાતી ગાતી અમારી સોસાયટીમાં ભીખ માંગવા આવે,અને અમારી બાજુમાં રેહતા રેડિયો આર્ટટીસ્ટ દિલીપકાકા અને વર્ષાકાકી એ મીનાને એમના કંપાઉંન્ડમાં બેસાડે ,જમાડે અને સો રૂપિયા આપે,અને મીના એક ભજન ગાય અને જતી રહે..
હું પણ ક્યારેક દિલીપ કાકાના હોય તો સો ની નોટ છૂટી કરી દેતો અને મીનાને આપતો ..
એ દિવસે દિલીપકાકા કે કાકી નોહતા ,એમના ઘરે તાળું હતું એટલે મેં બુમ મારી એ ઉભી રહે મીના હું આવું છું..હું થોડું જમવાનું લઈને એની પાસે ગયો એને કીધું જમી લે.. એણે જમી લીધું અને પાણી પીધું ..અને એ ગાવા બેઠી એક સુંદર મીરાંનું ભજન ગાયું મીનાએ ..
મેં સો રૂપિયા આપ્યા એને ,અને મીના ને કીધું બીજું ગીત ગા ..મીના એ મને સો રૂપિયા પાછા આપ્યા ..જોઈતા હોય તો પાછા લઇ લો હું બીજું ગીત નહિ ગાઉં..
મેં કીધું કેમ અલી શું છે ? બહુ ચરબી ચડી છે .? તો એણે મને કીધું સાહેબ કલાકાર છું ભિખારણ નહિ મારી મરજીથી જ ગાઈશ..પૈસા જોઈએ તો પાછા લઇ લો ..!!
પણ એની આંખની ખુમારી અને વાતમાં ની સચ્ચાઈ અંને અવાજ નો રણકો જોઈને સો રૂપિયાની નોટ મેં એની પાસે જ રેહવા દીધી ..
અને મેં મીના ને પૂછ્યું તે હેં મીના તું દર મહીને એકાદ બે વાર કેમ નથી આવતી ..? બે ત્રણ મહિના વચ્ચે કેમ જવા દે છે ..?
જે જવાબ આવ્યો એ સંભાળી અને હું હલી ગયો..મીના બોલી ..સાહેબ રોજ આવુંને તો મારી કદર જતી રહે ,તમે આમ મારી રાહ ના જોવો …એક ભિખારણ મને કેટલું બધું શીખવાડી ગઈ,,!!
પછી મીના ઉભી થઇ કંપાઉંન્ડમાંથી બહાર ગઈ અને દસેક મીટર દુર જઈ અને ચાલતા ચાલતા ફરી એક દર્દીલું ભજન એણે ઉપાડ્યું અને પ્રીતમનગરના અખાડાની પાછળવાળી સાવ અંધારી ગલીમાં ગાતી ગાતી જતી રહી ..
હું થોડેક સુધી એની પાછળ ગયો એ ભજન એણે પૂરું કર્યું અને એને ખબર પડી ગઈ કે હું પાછળ એનો પીછો કરું છું .. ઉભી રહી ગઈ ..તમે જતા રો સાહેબ હું નહિ ગાઉં ..
અને મને લાગ્યું કે આમ રસ્તા વચ્ચે એક ભિખારણ જોડે મારાથી મગજમારી ના કરાય એટલે હું ખસીયાણો પડી ને પાછો વળી ગયો .
રોજ આવું તો મારી કદરના રહે ..કેવી સરસ વાત ..!!! છેક અંદર સુધી ઉતરી ગઈ મને મીનાની વાત..
આપણે પણ જયારે આપણી ભલમનસાઈથી ક્યારેક કોઈને ,દરેક વાત માટે હા પડતા હોઈએ અથવા તો કોઈનો કોઈ પણ પ્રસંગ નાનો કે મોટો ,ગમે તે હોય ત્યાં આગળ પાડીને કામ કરતા હોઈએ અને એમ વિચારતા હોઈએ કે ના મારી તો આ ફરજ છે અને એ ફરજના ભાગ રૂપે હું આ બધું કરું છું ..!!
પણ ક્યારેક મીનાની જેમ વિચારીને જોઈએ ને, તો જ સામેવાળાને તમારી કદર થાય નહિ તો કનકકાકા કેહતા ને એમ જ થાય ..શેઠ આવ્યા છે તો કહે નાખો વખારે..!
જીવનમાં દરેક વસ્તુ અને વ્યક્તિની કદર હોવી બહુ જ જરૂરી છે,પણ એક સાવ ઉલટો કિસ્સો ..
એક સાવ સામાન્ય પટાવાળો ભાઈ છે , કોઈપણ ગુજરી જાય તો ઠાઠડી દરેક જગ્યા એ એ ભાઈ જ બાંધે અને પછી એ પટાવાળાભાઈ ક્યાય ઓગળી જાય ..
ઠાઠડી બંધાવી બિલકુલ અણગમતી વાત ,કોઈ થેંક યુ ની પણ અપેક્ષા નહિ બસ મારી ફરજ છે અને એનો ભાગ રૂપે હું આ કામ કરું છું..
કોણ કદર કરે છે એની ..?
પણ એ પટાવાળો કામ કરે છે અને લોકો ને અંતિમ યાત્રાએ મોકલે છે..
નિસ્વાર્થ ,નિસ્પૃહ ,અયાચક ..કયો શબ્દ ?
શું સાચું અને શું ખોટું ..? કદર કરાવવી એ સારી વાત કે પછી
તમે મારી હાજરી કે ગેરહાજરીની નોધ લેશો કે નહિ લો, પણ હું તો આવીશ અને મારું કામ કરીને પડદા પાછળ જતો રહીશ..!!
બોટમ લાઈન એવી આવે છે..
અપેક્ષા છે ત્યાં કદર જોઈએ જ ,અને જ્યાં અપેક્ષા જ નથી ત્યાં કદર થાય કે ના થાય કોઈ જ ફરક ના પડે..!
નક્કી આપણે કરવાનું છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા