આજે પ્રેક્ટીકલી બહુ નવરો દિવસ હતો , કોઈ મોટા ફોન કોલ નહિ ,બેંકો બંધ અને બીજુ કોઈ કામનું પ્રેશર નહિ એટલે થયું લાવ ને ગતકડું કરું ..બે મેસેજ વાંચ્યા ફેસબુક પર પેહલો મેસેજ
પેલા ટાયરવાળો ,જે અત્યારે મારી ફેન પેજ વોલ પર જ છે .. બોસ મસ્ત બીઝી થઇ ગયો આખો દિવસ , કોમેન્ટ્સનો મારો ચાલ્યો બસ્સો અઢીસો કોમેન્ટ અને એટલી જ લાઈક થવા આવી હું તો જવાબ આપતા થાક્યો ..
મારું નવરું મગજ અવળા ધંધે લાગ્યું અને ગામને લગાડ્યું ….
પછી બીજો એક મેસેજ વાંચ્યો અને મને મારી કોલેજની યાદ આવી ગઈ , આમ તો છે નવા જમાનાની વાત પણ વાતનો મોરલ તો આવો જ રેહતો એ જમાનામાં પણ ..
પણ એક વાત નક્કી કે છે કે આ લખનારો મારો વાલો છે ઘેલો અને મારા જેવો નવરો ..
એણે સીમકાર્ડ બદલ્યું હશે કે મન ? નંબર બદલ્યો હશે કે મુડ? એના સેલની બેટરી લો હશે કે મનમાં બીજો ફલો હશે ? કૈક તો છે નહીતર ઓપરેટર અમસ્તી તો ન કહે કે આપ જિનસે સંપર્ક બનાના ચાહતે હૈ વો અભી આપકી પહુચ સે બહાર હૈ …
લખનારો મારો બેટો હાથ ધોઈ ને પાછળ પડી ગયો હોય એવું લાગે છે ,
હવે આ લખનારા જેવો જ એક ઓપ્ટીમીસ્ટ મારો એક મિત્ર કોલેજ કાળ દરમ્યાન રોજ મારી આગળ આવી અને મારો વાલો હમેશા લવારી કરતો.. એ જો જો શૈશાવ્યા પેલી
મારી જ સામું જુવે છે ..
હવે એની પેલી
છોકરી હતી ઘણી રૂપાળી, સુંદર અને પાછી ટૂંકા ટૂંકા કપડા પેહરે એટલે લાગે ફટાકડી ..!!
પેહલા શરુ શરુમાં તો મેં એ મારા કાળા હીરાને કીધું …અલ્યા ના નથી જોતી એ તારી સામે ..શાંતિ રાખને યાર…
પણ એવું કહીએ એટલે એ કાળો હીરો પાછી સામી દલીલ કરે કે..ના ના તો તું એમ કહે કે મારી સામે નહિ તો કોની સામે જોતી હતી ..? લો પાછો એનો જવાબ પણ મારે આપવાનો ?
દરેક વખતે હું એની સામે મારા મોઢા પર પ્રશ્નાર્થ ચિન્હ લગાડીને મૂંગો ઉભો રેહતો કે પછી એક સવા મણની ગાળ આપું ..અને એને ભગાડું ..
પણ સાલો કાળો હીરો હતો અમર પ્રેમી બે દિવસમાં ફરી પાછો આવે …અને એ જ સવાલ .. જો જો પેલી મારી સામે ..
છેલ્લે એક દિવસ તો આપણે એનાથી કંટાળી અને આપણે સીધા પેલી રૂપાળી પાસે પોહચી ગયા મેં એ છોકરી ને કીધું.. હાઈ ..એક મિનીટ મારી સાથે આવીશ .. પેલી થોડું અચકાઈ ..
આપણે એ જમાનામાં સ્ત્રી મિત્રો અને પુરુષ મિત્રોની સંખ્યામાં આંકડો લગભગ મારે સરખે સરખો રેહતો અને બધા જ કલરના ટીશર્ટ મારી પાસે હતા ..એટલે એ છોકરી મને જોયે ઓળખતી હતી કે આપણી કોલેજનો નમુનો છે આ ..
મેં પેલી રૂપાળીને ..કીધું ડોન્ટ વરી ત્યાં પેલો મારો ફ્રેન્ડ છે ને ત્યાં સુધી જ, તો ખભા ઉલાળીને મને કહે ઓકે ચલ ..પેલી આવી ત્યાં અને સાલો કાળો હીરો પેલી રૂપાળીને મારી સાથે આવેલી જોઈને ઠંડોગાર થઇ ગયો ,એની બોલતી બંધ થઇ ગઈ ..બસ કબુતરની જેમ ટગર ટગર જોયા જ કરે ..
મેં પેલી રૂપાળીને કીધું ..અમે બંને જણા જયારે જતા હોઈએ છીએ ત્યારે આ મને કાયમ એવું કહે છે કે તું આની સામે જોતી હોય છે અને પછી હું એને ના પાડુ છું કે તું એને નથી જોતી હોતી ..તો તું જ હવે કહી દે કે તું આની સામું જો
તી હોય છે કે નહિ ..?
બિચારી પેલી રૂપાળી બોલી ..નઈ હું ટો એની નહિ ટાહરી સામું જોઉં છું તું તો ડોકટર વોરા નો પોયરો છે ને ..?
પારસણ નીકળી એ તો અને મારા બાપાની ઓળખીતી પેશન્ટ .. પેલો કાળો હીરો તો લગભગ બેભાન અને આપડા લીસ્ટમાં એક નામ વધી ગયું .. એક લેકચર વધારે બંક કરવાનો ચાલુ થયો …દોસ્તી થઇ ગઈ ..
ઉપરની લીટીઓવાળાનો જવાબ આઈ ગયો …એણે સીમકાર્ડ બદલ્યું હશે કે ..? બકા આખો મોબાઈલ જ બદલી નાખ્યો નંબર સાથે …હવે તું તારે કવિતાઓ લખ્યા કર …
ખુબ સારા દોસ્ત રહ્યા અમે થોડા સમય માટે ,કોઈ વિકાર નહિ શુદ્ધ દોસ્તી રહી પણ પેલો અડબંગ કાળો હીરો બસ …આજે પણ એમ જ માને કે શૈશવ્યો પટાઈ ગયો ..
હવે એનો કોઈ ઈલાજ ના થાય ..મેં એ છોકરી ને દસબાર વાર પૂછ્યું કે પેલા મારા મિત્રને ખુબ રસ છે તારી સાથે દોસ્તી કરવામાં પણ દરેક સ્ત્રીને ઈશ્વરે એક વરદાન આપેલું હોય છે ,તરત જ પુરુષની નજરને પારખી જતી હોય છે ..
એટલે જેટલી વાર મેં કીધું એટલી વાર શુદ્ધ પારસી બોલીમાં મેં ગાળો ખાધી અને ઘણી વાર માર પણ ..
મોટેભાગે ટીનએજ કે એના પછીના ગાળામાં આવા ઇલ્યુઝન થતા હોય છે પણ ઘણી બધીવાર એ ઇલ્યુઝન ને અમુક લોકો જીવનભર ઝાલી રાખે છે ..
અને કેટલાક લોકો માટે એ આવી કવિતાઓ લખવાનું કારણ ,
પ્રેમ કરનારા પણ ઘણા જોયા છે અને નિભાવનારા પણ જોયા છે એના માટે ફરી ક્યારેક ..
સાંજ પડી ગઈ છે નારોલ ચોકડી વટાવી છે ,એટલું બધું મોટું ચકરડું છે છતાં પણ સખત ટ્રાફિક જામ થાય છે ,બિચારો મારો ડ્રાઈવર ગાડીના હોર્ન અને બ્રેકો મારી મારીને થાકી જાય છે અને હું બ્લોગ લખીને ટાઈમ પાસ કરું છું ..!!
પ્રેમ કર્યો હોય તો .. ભાઈ તમે કર્યો હોય તો તમે જાણો યાર મારી ઉપર હથોડા ના મારતા હું તો બ્લોગ પર લખી નાખીશ હા …!!
શુભ રાત્રી
શૈશવ વોરા