કા…ન…માં પ..વન કહીને ચાલ્યો, ..કે..હે… આવે મેહુલીયો..રે
ધીખ..તી ધરતીને માથે ભીનો..ભીનો વિઝ..ણલો વાયો..
કે હે આવે મેહુલીયો..રે
કા…ન…માં પવન કહીને ચાલ્યો..કે હે… આવે મેહુલીયો..રે..
દુર દુર.. દુર દુર દખ્ખણના ઢોલ વાગ્યા…
દુર દુર ..દુર દુર દખ્ખણના ઢોલ વાગ્યા…
મસ્ત મેહુલીયો આયો રે ..આયો રે આયો રે..
કેવી ઠંડક વેરાય કાનને અને મનમાં..જાણે બસ હમણાં આજે સાંજે જ દખ્ખણના ઢોલ વાગશે અને…કડાકાને ભડાકા સાથે તૂટી પડશે..!!
પણ હાયરે કિસ્મત આ દખણાદા વાયરા નથી વાલીડા,આ વાયરો મુઓ હજી તો આથમણેથી આવે છે..!
આ
તો ગિરનારી વા વાય છે..સોમનાથદાદા ને અડી અડી ને વાયરો વાય છે હજી..!!
પણ જે
દિ સાંજ પડ્યે દખણાદેથી આવે ત્યારે..
એ હા કેવો ગરજે છે વાલ્લો..!!
આથમણી તો જાણે નવલી નવોઢાની જેમ વાદળોની પાછળ મોઢા સંતાડતી સંતાડતી લાલઘુમ થઇને વાદળામાંથી ક્યાંક ક્યાંકથી કોરું એનું રૂપ દેખાડે..અને સિંહણને જેમ સામી ગરજે..આવી જ જા આમેહુલીયા આજે તો..તારી આ કાળમીંઢ વાદળાની સેના લઇને હું પણ જોઉં કે તું કેવો અને કેટલો વરસે છે મારા પર..!
અને છેવટે દખણાદીથી કાળમીંઢ..ઘરરરર ..ઘર..ઘર..કરે અને એક મોટી ત્રાડ પાડીને જોર નો કડાકો કરે..
દશે દિશા ફફડે અને મોરલા ટેંહું.. ટેંહું.. ટેંહું.. ટેંહું..કરીને જગ ગજવે..
ઓતરાંદે હિમાળે અથડાઈને એની ત્રાડ પડઘાય..
અને ઓતરાંદો સામે ગરજે ઘરરરર..ઘર..!!
ઉગમણી તો જાય ભાગી અંધારે અંધારે…! મારું કામ નહિ આજે તો..!
અને પછી દશે દિશા ને તરબોળ કરે…!!
અને મારું કામ ચાલુ થાય બાપલીયા..
નરેન્દ્ર મોદીના એક જમાનાના વાહલા એવા સુરેન્દ્ર્કાકાનો “મોડેલ” રોડ પ્રહલાદનગર રોડ,માતા આંનદમયી રોડ,કોર્પોરેટ રોડ,સો ફૂટ રોડ,
જે નામે ઓળખવું હોય એ નામે ઓળખો,એ આખો રોડ બે ચાર ફૂટ પાણીમાં ગરકાવ થાય..
અને હું સોસાયટીના બે ચાર ડોક્ટર, એન્જીનીયર છોકરા થયેલા જોડે પાવડો અને ત્રિકમ લઈને નીકળુ વરસાદી સો ફૂટ રોડના ગટર અને ચાલુ ગટરોના ઢાંકણા ખોલવા..!
વાર છે હજી તો, મુંબઈની રફતાર થંભી નથી, હિંદમાતા કોરું ધાકોર છે ..!
ટીવીવાળા કેવા જુના જુના ફોટા અને કલીપો બતાડે..મુંબઈ કી રફતાર થમ ગઈ લુચ્ચા સાલા..!
પ્રિમોન્સુન પ્લાનના ધજ્જિયા ઉડી જાય, હું તો ઔડા અને મ્યુનીસીપલીટી માં ફોન કરી કરીને સારુ એવું લોહી પી લઉં…
મારી આ લોહી પીવાની ડ્રેક્યુલા વૃત્તિ એક ઔડાના એન્જીનીયરથી સહન ના થઈ, તો બિચારા કહે હું ગમે તે હાલતમાં સાહેબ મળવા આવું છું તમને અને રૂબરૂમાં સમજાવું.. મેં કીધું પધારો
સાહેબ ઈજ્જતથી તરતા તરતા પલળતા પલળતા મળવા આવ્યા..ગરમ ચા અમે પીવડાવી એમને પછી ઔડાના સાહેબ ઉવાચ…
જુવો સાહેબ પશ્ચિમ અમદાવાદમાં આશ્રમ રોડ, પછી સીજી રોડ ,પછી નેહરુનગર માણેકબાગવાળો રોડ, અને પછી આ ૧૩૨ફૂટ રોડ, અને એસ.જી.હાઈવે આમ આ છ રોડ ઉપર સૌથી વધારે “વિકાસ” થયો
મેં ટાપશી પુરાવી હા સાહેબ સાચી વાત પણ આ “વિકાસ”ની જોડે “નિકાસ”ની વ્યવસ્થા તો તમારે ગોઠવવી જોઈએ ને પ્રભુ..! “નિકાસ” ને પ્રોપરલી પ્લાન કરાવી જોઈતી હતી ને સાહેબ..!
બસ..બસ..સાહેબ એ જ વાત પર આવુ.. આશ્રમ રોડ અને સી.જી.રોડતો નદીની પેરેલલ છે એટલે એ પાણીના “નિકાસ”ને માટે નદીનો સીધો એક્સ્સેસ મળી જાય છે..!
મેં કીધું હા ભાઈ એ તો સાચુ, પણ એક વરસાદમાં તમે બધા ગરનાળા તો ભરી મુકો છો..
અરે સાહેબ એ ગરનાળા ભરાય છે એમાં અમારો વાંક નથી ,એક સેપ્ટ અને એનઆઈડીની આખી “જમાત” અમારા પ્લાનીગ ડીપાર્ટમેન્ટમાં બેઠી છે, એમને ખાલી સપના જ જોવા છે પ્રેકટીકલ મુસીબતોનો એમને અંદાજ જ નથી, અને આ રીવર ફ્રન્ટ એમના જ ભેજાની પેદાશ છે સાહેબ , જે દિવસે ત્રણ લાખ કયુસેક પાણી આવ્યું નદીમાં ત્યારે તમે રીવર ફ્રન્ટના હાલ જોજો..પેલું ૧૯૭૩માં આવ્યું હતુંને એવું પૂર સાબરમતીમાં આવશે એ દા
ડે સીજી રોડને પણ સાબરમતી નહિ છોડે..
મેં કીધું એ વાત જવા દો અમારા સો ફૂટના રોડ પર આવો ને..
સાહેબ એમાં એવું છે કે નેહરુનગરવાળા રોડની નીચે જે મોટ્ટી ગટર છે એમાં છેક વાસણાથી ચાંદખેડા સુધીના એક લાખ ઘરોના “નિકાસ”વાળા પાણી લઈને જાય છે એમાં એક ઇંચ પણ જગ્યા નથી અને સ્ટ્રોમ વોટર લાઈનો તો ખુબ નાની છે..!
હવે પછી વારો આવ્યો ૧૩૨`ફૂટ રોડની નીચેની ગટરનો ..સાહેબ દોઢ લાખ કુટુંબોનું પાણી એમાંથી જાય છે, સવારે જો આઠ વાગ્યે એ ગટર ખોલી ને અંદર જો કોઈ પડ્યોને તો એને સુએઝ ફાર્મ પોહ્ચતા દસ મિનીટ લાગે એટલા ફોર્સમાં પાણી જાય છે ..
મને વિચાર આવ્યો આ ગટર પણ એક સારો વિકલ્પ છે,પરિવહન નો..! સ્ટાર્ટ અપ ખોલાય “ગટર પરિવહન”
મેં કીધું તો બીજો રસ્તો શું ભાઈ ?
સાહેબ બોલ્યા જુઓ તમારો ૧૦૦ ફૂટનો રોડ જે અમદાવાદનો કદાચ સૌથી પોશ અને મોંઘામાં મોંઘો રોડ છે એની નેચરલ ટ્રોપોલોજી નીચાણની છે,અહિયાં પેહલા એક નાની તલાવડી હતી..!
મનમાં ફાળ પડી હે રામ આપણે તલાવડીમાં રેહવા આવ્યા છીએ,એટલે જ નાના વરસાદમાં પણ ભોયરામાંથી ગંગાજી પ્રગટે છે અને ભોંયરું ભરાઈ જાય છે..
એટલે સાહેબ આજુબાજુનું બધું પાણી વહીને તમારે ત્યાં આવે છે,આ પાણી નો નિકાલ કરવા અમે જમીનમાં નીચે છ ફૂટે પાઈપો નાખી અને આ વરસાદી પાણી ને મકરબા ગામના તળાવે લઇ ગયા, હવે અમે જયારે એ વરસાદી પાણીની પાઈપ નાખી ત્યારે મકરબા તળાવ તેર ફૂટ નીચે હતું અને પાણી ગ્રેવિટીથી જતું રહે એવી ગણતરી હતી,પણ મુશ્કેલી ત્યાં આવી કે તળાવમાં એક જ વર્ષમાં એ પાઈપથી એટલી બધી માટી અને કચરો ઘસડાઈને આવી ગયો કે તળાવ તેર ફૂટ માંથી હવે આઠ કે દસ ફૂટે આવી ગયું… વસ્ત્રાપુર તળાવની પણ આ જ હાલત છે
બોલો તો હવે અમે શું કરીએ ..?સાહેબ સાબરમતીમાં પાણી જવા દેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને એના માટે આખો રીવરફ્રન્ટ ચોમાસામાં ખાલી રાખવો પડે સો વાતની એક વાત..!
અમે નિસાસો નાખ્યો ભલે ત્યારે બાપલીયા અમે એક નાવડી વસાવી લેશું હે બીજું શું ?
ઔડાના સાહેબ બોલ્યા હજી બીજી વાત કહી જ દઉં તમને..અત્યારે જે નવી પાઈપો નાખી છે એમાં પણ JNURM માંથી પૈસા આવ્યા છે અને એમાં ચોખ્ખી સુચના હતી કે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો પાણી ખાલી થઇ જાય એવું જ પ્લાનીગ કરવુ..અને હવે ના વરસાદની પેટર્ન તો તમને ખબર છે..!
કલાકમાં તો ચાર પાંચ ઇંચ ધબેડી નાખે છે..
સાહેબ મારી જોડે પાક્કી અમદાવાદી ભાષામાં આવી ગયા…!
મેં કીધું હશે ત્યારે દાળવડા જમો સાહેબ..
એકાદું દાલવડું ખાઈને મને કહે ભાગવું પડશે ભાઈ ,આ તમારા રોડ માટે તો બહુ ફોનો આવે છે ત્રાસી ગયા બધાને સમજાવીને ..!
નક્કી બધું કરે રાજકારણીઓ અને ગાળો ખાવાની અમારે અધિકારીઓને..!
સાહેબ જીંદગીમાં કોઈને મ્યુનીસીપાલીટી અને ઔડામાં નોકરીએ ના રખાવતા..!
મેં કીધું ભાઈ પારકા બૈરા અને ધંધા બધાને વાહલા લાગે, અને પોતાના દવલા..!
પણ તો ય સાંજ પડે ટુ વ્હીલર લઈને રખડવા નીકળીએ એટલે વાયરો વાય અને …પાછુ
કા…ન…માં પ..વન કહીને ચાલ્યો, ..કે..હે… આવે મેહુલીયો..રે
ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વિઝણલો વાયો..
કે હે આવે મેહુલીયો..રે
કા…ન…માં પવન કહીને ચાલ્યો..કે હે… આવે મેહુલીયો..રે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા