ગાંડી ગાભણી થાય અને ગામ આખું પોતાના કમાડ સજ્જડ રીતે બંધ કરે.. એવો ઘાટ કર્યો છે જેટલી સાહેબે..હવે નવી એપ બનાવશે સરકાર તમારા અને મારા ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિઅલ મીડિયા ઉપર નજર રાખશે અને કરચોરોને શોધશે..
અલ્યા તમારા ઘરમાં જ જુવો ને કરચોરો મળી જશે..! તમારા રાજકીય પક્ષના ફંડ્સ આટલા વર્ષમાં રોકડેથી કોણે કોણે આપ્યા એનું લીસ્ટ કાઢી લ્યો તમારા ખજાનચી પાસેથી એટલે દેશના એશી ટકા કરચોરો તમને મળી જશે..
દેશના બે મોટ્ટા રાજકીય પક્ષોના આશરે સિત્તેર ટકા ફંડ્સ રોકડેથી આવ્યા છે અને એ જેટલી સાહેબને દેખાતું નથી અને આવા ચારેબાજુ હવાતિયા મારે છે..
જેટલી સાહેબ અમારે જીમના ઘણા છોકરા મોડેલીંગ કરતા હોય છે અને એમને એમની પટાવેલી આંટીઓ એમના જાંગીયા સુધ્ધા અપાવતી હોય છે,તમને ખબરના હોય તો કહું કે એ મોંઘી બ્રાંડના જાંગીયા મારા જીન્સના પેન્ટ અને ટીશર્ટ કરતા મોંઘા હોય છે..!
અને એ બધા એમના જાંગીયામાં પડાવેલા ફોટોગ્રાફ્સ બિન્દાસ્ત ફેસબુક પર મુકતા હોય છે, મારા બેટા લાગે તો એવા કરોડપતિની ઓલાદો જેવા પણ હોય સાવ ભૂખડીબારશ, સિગારેટ પીવા માટે પણ કોઈને શોધતા હોય અને પ્રોટીનના ડબ્બા માટે નોકરી કરતી પણ કુંવારી શોધતા હોય છે..!ગમે તેની ગાડી પાસે ઉભા રહી ને બાપ નો માલ હોય એમ ફોટા મુકતા હોય છે,માઉન્ટ આબુ જતો હોય અને માઉન્ટ ફુજીના ચેક ઇન નાખે..!
અમે હમણા એક વોટ્સ એપ ગ્રુપમાં આવો ખેલ કર્યો હતો સીધું પટ્ટાયાનું લોકેશન શેર કર્યું હતું અને પછી નેટ પરથી બેચાર ફોટા ડાઉનલોડ કરી કરીને છોકરાઓને ઉત્તેજિત કરી મુક્યા હતા,પણ મુઈ આપણી મથરાવટી જ એવી મેલી કે એકેય મારો બેટો માનવા જ તૈયાર નાં થાય, ના શૈશવભાઈ બેંગકોક પટ્ટાયા ના જાય, એવી બોગસ આબરૂ ઉભી થઇ ગઈ છે ને કે શું કહું હવે..!
હવે આવી એપ બનાવી અને કરચોરો શોધવા જશો તો મારા જેવા લૂખા જ હાથમાં આવશે, હજી નોટબંધી કરીને ધરાણા નથી લાગતા જેટલી સાહેબ કે આવા ધખારા કરે છે..
એક જમાનામાં મુંબઈ એ મારું ફેવરીટ સીટી હતું અને એમા પણ ઓબેરોય હોટેલવાળો મરીન ડ્રાઈવ નો છેડાવાળો દરિયા કિનારો મારી અત્યંત ગમતી જગ્યા, ત્યાં હું ઘણી બધીવાર હું કલાકોના કલાકો બેસી રેહતો..પેહલા બાબુલનાથ ના દર્શન કરી આવું અને પછી સુખસાગર કે ક્રીમસેન્ટરમાં કૈક ઝાપટું પછી નરીમાન પોઈન્ટ ઉપર બેઠો રહું..અને ઘડીકમાં દરિયો અને ઘડીકમાં રાતના અંધારામાં ચમકતી માયા નગરીને નિહાળું…!! અને ત્યારે ઝગારા મારતા હોર્ડિંગ અને ક્વીન્સ નેકલેસની ઉપર ઉભેલા ફ્લેટો ની ટમટમતી લાઈટો જોતો ત્યારે મને થતું કે આ મુંબઈમાં રેહતા કેટલા બધા કરોડપતિ છે ? અને જીવનમાં હું કેમ ભિખારી..? મારામાં અને આ ફ્લેટમાં રેહતા માણસમાં ફરક શું છે ? આ કરોડપતિ અને હું કેમ ભિખારી ?નરીમાન પોઈન્ટ પર બેસો અને જેટલા ફ્લેટ તમને દેખાય એ બધા એ નેવુંના દાયકામાં કરોડ કરોડમાં વેચતા..!
બસ જેટલી સાહેબને પણ મારી જેવું ચિતભ્રમ જ થઇ ગયું છે કે આ મુંબઈમાં રેહતા કેટલા બધા લોકો કરોડપતિ છે..? અને આટલા બધા લોકો કરોડપતિ છે તો મને કેમ ટેક્ષ કોઈ નથી આપતું..?
બહુ કરી હો ..બાપલીયા..!
કેમ હજી પણ આવા અનાડી વેડા ચાલી રહ્યા છે ?
દશેરાએ સંઘ ખુલીને સમર્થનમાં આવ્યો,
ના જે કરો છો એ બરાબર છે, સંઘનો કાર્યકર્તા બાપડો ફરી એકવાર “રાષ્ટ્ર નિર્માણ” ના કામમાં જોતરાઈ જશે, ઘેર ઘેર ફરશે અને સમજાવશે લોકોને, જુના ઈતિહાસના હવાલા આપશે કે જુઓ ભૂતકાળમાં માંડ હિંદુઓ ભેગા થયા હતા અને ત્યાં જયચંદ આડો ફાટ્યો અને આપણે લુંટાઈ ગયા..! બધી વાર્તા પછી કોઈ પૂછશે કે નોટબંધી કેમ કરી..? તો બિચારો ગોળ ગોળ જવાબ આપશે..!
નોટબંધીના કપરા દિવસો સંઘે લાઈનોમાં ઉભેલા લોકોને પાણી અને બિસ્કીટ વેહચી ને કાઢી આપ્યા હવે સંઘ શું ધાબળા અને સુખડી વેહચશે..?(બધા ને રોડ પર લાવી દેવાના હોય તો પછી ધાબળા જ વેહ્ચવા પડે ને)
વોટ્સએપ ફેસબુક અને બીજા બધા સોશિઅલ મીડિયાની આ આભાસી દુનિયા છે, એવરેજ દરેક માણસ હું કૈક છું એમ બતાડવા માટે એનો ઉપયોગ કરે છે અને જેટલી સાહેબ તમને હવે તો ખબર પડવી જોઈએ કે આ દેશ ના સરદાર અને દેશ આખો મહાજુઠ્ઠો છે..!
જેવી લોકોને ખબર પડશે કે તમે હાવે ફેસબુક પર નજર રાખી રહ્યા છો એ ભેગા એકાઉન્ટ ડીલીટ થઇ જશે અને જે બચ્યા હશે એમાં તમને કઈ જ હાથમાં નહિ આવે..
સાચો અને સારો રસ્તો એક જ છે પોલીટીકલ ફંડ્સ સો ટકા ચેકથી લ્યો અને એમાં તમને જે તકલીફ પડી રહી છે એ તો તમારે રાજકારણીઓ એ જાતે જ સુધરવું રહ્યું..
તમે ક્યાંક એવું કીધું હતું કે ચેકથી ફંડ્સ લેવામાં પછી એક રાજીકીય પક્ષને કોઈકે કરોડ આપ્યા અને બીજાને પચાસ લાખ તો પેલો પચાસ લાખ વાળો પેલાને હેરાન કરે…મને કેમ ઓછા ?
બોલો હવે આમાં અમારે શું કેહવું ? તમે જ જાતે કબુલ કરો છો કે રાજકારણીઓ આટલા બધા હલકા છે કે રૂપિયા માટે ધમકીઓ આપે અને તંત્ર કશું કરે પણ નહિ..! તો શું કાયદો ફક્ત નાના માણસને રંજાડ કરવા માટે છે ? નાના માણસે ડરી ડરીને જ ચાલવાનું ?
બહુ જ ખરાબ થઇ રહ્યું છે બધું સમાજમાં, અમારા સાહેબે તેર તેર વર્ષ મેહનત કરીને ઉભી કરેલી આબારું ધૂળધાણી થઇ રહી છે, કેટલીવાર અમારા સાહેબને રડાવશો તમે ..?
નાં ફાવતું હોય તો છોડી દો ને ..! ક્યાં તમને દેશે મત આપીને ચૂંટ્યા છે તમે તો પાછલે બારણેથી ઘુસ્યા છો…!
આજે તો ફેસબુક પર અમારી શેરીમાં કચરા વાળવાવાળા ભાઈ પણ છે અને અમારા ડ્રાઈવર પણ છે.. કોઈ જ બાકી નથી
હા અંદરખાનેથી એવી ઈચ્છા થઇ હોય કે આ સોશિઅલ મીડિયા બહુ ચગ્યું છે તો હવે એને કન્ટ્રોલ કરો કે બંધ કરવો, તો ચાઈનાની જેમ સીધું જ બંધ કરાવી દ્યો..
ચાઈનામાં ફેસબુક અને વોટ્સએપ બને ઉપર કન્ટ્રોલ છે ,ફેસબુક ક્યારેક થોડું થોડું ચાલે છે જ્યારે વોટ્સ એપ પર લગભગ ગઈકાલથી જ પ્રતિબંધ મુક્યો..!
આજના છાપામાં આવેલું સ્ટેટમેન્ટ વાંચીએ તો ખરેખર એવું થાય કે આ ગાંડી ગાભણી થઇ છે ભાઈ ઘરની બહાર નીકળવામાં જોખમ છે ,ઘરની બહાર નીકળ્યા અને ગાંડીએ આંગળી કરી દીધી કે આ હતો .. તો તો થયું ત્યારે
જો કે હવે તો ડીએનએ ટેસ્ટ થાય છે પણ એ પછી તમારે સાબિત કરવાનું કે તમે નોહતા અને બીજું કોણ હતું એ પકડી આપો ત્યારે તમે નિર્દોષ..
આપડા કામધંધા મૂકી ને નકામા ધંધે લાગવાનું..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા