કરોના ગો , કરોના ગો અને એમાંથી થયું …કરો નાગો ..કરો નાગો..!!
મુંબઈ લોકલનું ફેવરીટ થઇ ગયું છે આજકાલ ..કરો નાગો , કરો નાગો..!!
“કોરોના ગો” નું “કરોના ગો” અને એમાંથી થયું “કરો નાગો”..!!
શબ્દો અપભ્રંશ કેટલા જલ્દી થાય છે..!! અને કેટલા જલ્દી પોપ્યુલર થાય છે,
હજી કોરોના ને જન્મે જુમ્મા જુમ્મા ચાર દિવસ નથી થયા અને દુનિયાભરમાં એના નામના ડંકા વાગ્યા..!!
બે ત્રણ દિવસ પેહલા ધાર્મિક સ્થાન ઉપર ભેગા થતા લોકો માટે લખ્યું હતું અને મંદિરો બંધ થયા છે પણ હજી મસ્જીદો અને ચર્ચમાંથી પેહલ થવાની બાકી છે..!
જો કે કેજરીવાલ સાહેબે તો સ્પસ્ટ (સ્પષ્ટ) રીતે કહી દીધું કે કોઈ નું નહિ ચાલે અને જરૂર પડ્યે કાયદાનું રુએ મળેલી સત્તા નો ઉપયોગ થશે..!
શુભસ્ય શીઘ્રમ ..!!
ગુજરાત હજી દૈવયોગે બચેલું રહ્યું છે અને હજી પણ આગળ બચેલું રેહવું હોય તો થોડા બીજા ચાંપતા પગલા લેવા રહ્યા ,
એ પણ લગભગ દરેક ગુજરાતી ને ગમે તેવા..!
આપણી ફેવરીટ એક્ટીવીટી છે બાજુવાળાના ઘરમાં નાક ખોસવાની ..!!
આ એક્ટીવીટી ને થોડી વધારે બુસ્ટ
કરવાની જરૂર છે ..!
ઓન સીરીયસ નોટ ..
દરેક સોસાયટીમાં એક સમિતિ કે થોડાક લોકો ભેગા થઇ ને સોસાયટીમાં આવતા જતા લોકો ઉપર નજર
રાખે ,અને એમાં પણ જે સોસાયટીમાં પીજી માં રેહતા હોય કે કોઈ પરદેસથી આવતું હોય તે તો ખાસ..!
એક સાંભળેલી વાત કહું છું ,આધિકારિક પુષ્ટિ નથી પણ મહારાષ્ટ્ર ના એક મોટા શેહરમાં ગલ્ફ કન્ટ્રીમાંથી પાછા આવેલા ફેમીલીને પોતાના ઘરમાં એમની સોસાયટીવાળાઓ એ ઘુસવા જ ના દીધા ,પેહલા સર્ટીફીકેટ લાવો કે તમને કોરોના નથી પછી જ વાત..!
અથવા તો ૧૪ દિવસ કોરોન્ટાઇન થઇ ને આવો પછી રેહજો નિરાંતે…!!
આમ જુવો તો એમના બંધારણીય અધિકાર ઉપર તરાપ છે,પણ પેલા સમાચાર વાંચીએ કે ઇટલીથી આવેલો દિલ્લીમાં બે હોટલમાં રહ્યો અને પછી રાજધાની એક્સપ્રેસમાં ભુવનેશ્વર ગયો અને ત્યાં કોરોના પોઝીટીવ આવ્યો ત્યારે એમ લાગે કે વાત ખોટી નથી..
ગાઝીયાબાદમાં આખી સોસાયટી લોકડાઉન કરીને સેનેટાઈઝ કરવી પડી તો પછી આવું કરવામાં કઈ ખોટું નથી લાગતું..!!
દરેક સોસાયટી કે ફ્લેટમાં કોણ આવ્યું કોણ ગયું એનું ઠાલું રજીસ્ટર નહિ ટેમ્પરેચર અને શરદી ઉધરસ નથી ને ? અને કોઈ રહીશ ને પણ હોય તો તાત્કાલિક દવા લઈ લો ભાઈ તમે , અને તમારા બેન..!
સોરી ,સોરી, બેન અમારા..!
આમ તો એકબીજા ઉપર આપણે “નજર” રાખતા જ હોઈએ છીએ પણ હવે જરાક વધારે રાખવી રહી જેવી કે ..
પેલા બી બ્લોકના ૩૦૨ નંબરવાળા દાદી નથી ? પેલા જયશ્રી દાદી ..
હા ..
અરે આખ્ખી રાત ખાંસી ખાતા હોય છે ,તાત્કાલિક દવાખાને લઇ જવા જોઈએ..
હા ..રે.. હા ..ભઇ શાબ આજકાલ તો કોનો ચેપ કોને લાગે અને કોનું શું થાય એ કઈ કેહવાય નહિ બેન..!! તમને શું કહું બેન અમારે એફ બ્લોકમાં પણ પેલા જશુદાદા છે .. એ ..કોણ ..? અરે પેલી હમણાં નવી ગાડી ના લીધી મોટ્ટી , પેલી જોલી જોડે નથી ઉભો રેહતો બંટી ,એના દાદા.. અરે ..રે.. એમની તો વાત જ જવા દો આખા કમ્પાઉન્ડમાં જ્યાં ને ત્યાં થુકતા ફરે છે.. બેન એટલે જ કહું છું કે મીટીંગમાં વાત ઉપાડવી જ પડે, મેં વોટ્સ એપમાં વાંચ્યું હતું આ બધાથી જ કોરોના ફેલાય છે..! કરો , કરો , આવી બધી પંચાતો આડોશીપાડોશીની...અને પકડો ડોહા ડોહીઓ ને અને કરો દવાખાના ભેગા દવા લેવા ,એટલે એમની જિંદગી ઉપર અને તમારી જિંદગી ઉપરનું પણ કોરોના નું જોખમ ઘટે..! કેમ કે સરકાર કઈ દરેક ઘરમાં “ડોકિયું” કરવા નથી આવવાની એટલે આપણે જ
ડોકિયાકરવા અને
પંચાતો` કરવી રહી..!!
બીજું જે કોઈ રેહણાકવાળી સોસાયટીઓ કે ફ્લેટો છે અને એની નીચે બિલ્ડરે દુકાન બનાવી ને વેચી મારી છે અને એમાં પાછા હોટેલ કે રેસ્ટોરન્ટવાળા ઘુસ્યા છે એ બધું તાત્કાલિક અસરથી બંધ કરાવો..
પાણીપુરી અને પકોડીવાળો હોય તો એ પણ નહિ,
એક ઓફિસોમાં દસ થી વધારે ના ભેગા થવા દેતા હો તો આ બધી જગ્યાએ પંગતો પાડવાની ક્યાં જરૂર છે..?
ત્યારે શું વળી ?
નહિ મરી જાય બાહર ખાધા વિનાના ..!!
મારું બેટું સાંજ પડ્યે એક એક ખુમચે પાંચ પાંચ ઝાપટતા હોય અને દસ લાઈનમાં ઉભા હોય..!
અમદાવાદ જેવા શહેરમાં લગભગ દરેક જગ્યાએ રેસિડેન્શિયલ ફ્લેટોની નીચે દુકાનો ઉતારી મૂકી છે અને એમાં દરેકમાં એકાદ બે ખાણીપીણી વાળા ઘુસ્યા છે,
દરેક જગ્યાએ ભીડ ભીડના ભડાકા હોય છે બારેય મહિના અને ચોવીસ કલાક,
આ બધી જગ્યાઓ કોરોનાના નું કોગળિયું ફેલાવા માટે ઉત્તમ વાત અને આવરણ પૂરું પાડે છે..(વાત+આવરણ =વાતવરણ )
નાની નાની રેસ્ટોરન્ટમાં જે ગંદી રીતે વેઈટરો ને રાત પડ્યે ખોસવામાં આવતા હોય છે અને એમને જે રીતે એકદમ “હાઈજીન” રાખવામાં આવે છે એ બધું જરાક ધ્યાન માંગે એવું છે..!
ગુજરાત કોરોના મુકત હજી રહ્યું છે એ સારી વાત છે , પણ હજી આગળ પણ રાખવું જ પડે એમ છે અને એના માટે ની આ બધી વાર્તા છે..!!
એકવાર ઘૂસ્યું પછી જડબેસલાક ઘરોમાં ઠુંસાઈ જવું પડશે એટલે અત્યારે થોડું સમજવું સારું..
બાકી તો વખાણ કરવામાં ભારતીય જમાઈ પાછા ના પડે , પેહલા જમાઈ એ જાત્તે વખાણ કરી જ લીધા છે કે કોરોનામાં ભારતે બહુ સારા પગલા લીધા છે બીજા દેશો કરતા..અને હવે જમાઈના વખાણ ને એમની સાસુમા એવી ડબ્લ્યુએચઓ એ કર્યા છે..!
એટલે હવે તો ફૂલ્યા ના સમાઈ એ આપણે ,
પોતાની જાત ને આપણે થાબડી લીધી હોય તો હવે આગળ વધવું રહ્યું , થોડા વધારે કડક થવું રહ્યું આપણી જાત માટે અને આજુબાજુના લોકો માટે જો કમ્પ્લીટ લોકડાઉનમાં ના જવું હોય તો..!
બાકી તો હળદર ,સુંઠ ,ગંઠોડા વગેરે વગેરે જે ખાવું હોય તે ખાજો પણ તાવ ચડે તો ડોક્ટર..!!!
સેલ્ફ મેડીકેશન બિલકુલ નહિ , ને દવાની દુકાનનો કેમિસ્ટ એ તો ડોક્ટર નથી જ..!!
ગુગલ તો જરાય નથી ..!!
ગુજરાતના બીજા મંદિરો ,મસ્જીદો અને ચર્ચ બધું ય ઝટ બંધ કરો..અને રેહણાકમાં આવેલી હોટેલો પણ..!!
એક થોડો સમય જાળવી જઈશું તો બધું આપણું જ છે..!
ફરી એકવાર જીવતો નર ભદ્રા પામે ..!
રાત ના રઝળપાટ બંધ ..!
આપણે પંચાતો કરવાની અને ચોખ્ખું બોલવાનું ગો કોરોના ગો .. કોરોના ગો ..
અભદ્ર શબ્દો બોલાય ..?
ના બોલાય..!!!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)