સરસ મેસેજ આવ્યો..
“બધી કંપનીમાં એક કટ્ટપ્પા હોય છે જે વફાદારી ની “પત્તર” રગડવામાં સારા એમ્પ્લોઇ ને મારી નાખે છે અને પછી આખી કંપની પૂછે છે એ આણે કેમ રાજીનામું આપ્યું હે..?”
આપણને બહુ ગમ્યો મેસેજ એટલે એક “વફાદાર” યાદ આવ્યો અને આજનો બ્લોગ લખી નાખ્યો.. વાત વફાદાર કટટપાની ..
થોડાક દિવસ પેહલા એક સેમીનારમાં હતો બે દિવસ, ત્યાં એક ભાઈ મળ્યા,મારા રેગ્યુલર રીડર, ઓળખાણ પેહલીવાર થઇ પણ એમનુ મોઢું જોયું અને એમ લાગ્યું કે ખુબ જાણીતો ફેઈસ છે..એમણે સામેથી ઓળખાણ આપી મારા ભાઈ ફલાણી કંપનીમાં પરચેઝ મેનેજર છે અને તમારો સપ્લાઈ છે ત્યાં..અને તમારા બ્લોગ્સ મને મારો ભાઈ રોજ ફોરવર્ડ કરે છે..!
લગભગ બંને ભાઈઓના ચેહરા એક સરખા એટલે તરત જ હું ઓળખી ગયો અને આત્મીયતા પણ થઇ ગઈ..!
પણ મને ખટક્યું કે “પરચેઝ મેનેજર”..?એ વાત મને જામી નહિ એમના ભાઈ તો જે કંપનીમાં નોકરી કરે છે અને જે કામ કરે છે એને “સ્ટોરકીપર” કેહવાય પણ આ ભાઈએ તો મને “પરચેઝ મેનેજર” કીધું..!
હવે એ “સ્ટોરકીપર” ભાઈ એટલે ખંભાતી તાળુ સમજી લ્યો..નખશીખ ઈમાનદાર, કંપનીમાં આવતા તમામ માલ અને એકે એક બીલને ઝીણવટપૂર્વક જોવે, અને જરાક પણ ભૂલ દેખાય તો સપ્લાયરનું લોહી પી જાય..એકદમ “કટ્ટપ્પા”..!
વર્ષે દા`ડે નહિ નહિ તોય “કટ્ટપ્પા” બાપડો સ્ટોરકીપર વીસેક કરોડ રૂપિયાના બીલો અને માલ તપાસતો હશે..અને કંપનીના વીસ પચીસ લાખ તો એમનેમ બચાવી આપતો હશે, પણ આટલી બધી ઈમાનદારીની કદર..?
તો કહે મહીને વીસ હજાર રૂપિયાની, અને કટ્ટપ્પાના દીકરાના લગનમાં શેઠ જાતે આવ્યા અને બે લાખ રૂપિયા આપી ગયા હતા..!
આખી કંપની રીતસરને એમને હડે હડે કરે અને શેઠ પણ..!
કટ્ટપ્પા કુતરા જેવી વફાદારી અને સામે કુતરા જેવું વર્તન પામે..!
શેરીના કુતરાને જેમ સાચવે એમ શેઠજી કટ્ટપ્પાને રાખે, પણ ઘેર તો કદાચ એમ કેહવાય નહિ કે હું મારી કંપનીમાં “શેરીનો કુતરો” છું, એટલે ઘેર એમ કીધુ કે હું શેઠનો પાળેલો “ઘરનો કુતરો” છું અને મને શેઠ એટલો જ લાડ પ્રેમ આપે છે..!
“સ્ટોરકીપર” અને “પરચેઝ મેનેજર” બંનેનો ફર્ક આટલો જ એક શેરીનું કુતરું જે વધેલી ઘટેલી રોટલી ખાય અને બીજું પાળેલું કુતરું “ટોમી” જેના માટે ડોગી બિસ્કીટ શેઠાણી જાતે ખરીદીને લાવે..!
નીતિવાન,ચરિત્રવાન,બધી રીતે સાદો સીધો અને સરળ માણસ,છાપરા નીચે બનેલા સ્ટોર્સમાં સામે પડેલી બે કરોડ રૂપિયાની ઇનવેન્ટરી સાચવતો ૪૫ ડીગ્રી ગરમીમાં માથે પલાળેલો નેપકીન નાખીને “કટ્ટપ્પા” બેઠો રહે, અને એસી કેબીનમાં બેસીને બીજો સ્ટાફ જલસા કરે ..!
આ આપણા શેઠિયાઓ ની કટ્ટપ્પાની કદર કરાવાની રીત..!
ઘોર કલિયુગમાં લગભગ દરેક જગ્યાએ નીતિવાન,ચારિત્રવાન માણસની આજની દુનિયામાં હાલત આવી થાય છે..
અને જેને આજકાલ “સ્ટ્રીટ સ્માર્ટ” કેહવાય છે, જેના માટે નીતિ અને ચરિત્ર બે શબ્દો તો ડીકશનેરીમાં રાખ્યા જ નથી,અને જે પાણીએ ચડે એ પાણીએ મગ ચડાવવા છે એના માટે દુનિયા “ઝૂક ઝૂક કરે જુહાર” એવી હાલત છે..!
કટ્ટપ્પા સ્ટોરકીપરે પશુવૃતિને હાવી થવા દીધી પણ પશુનો ગુણ લીધો પશુની જેમ વફાદારી કરી પણ પામ્યો પશુનું જ ફળ..!
અને જયારે કટ્ટપ્પા ને પોતાના સમાજમાં અને પોતાની આજુબાજુના લોકોને જ્યારે હિસાબ આપવાનો વારો આવ્યો ત્યારે કેહવુ પડ્યું કે હું તો “પરચેઝ મેનજર” છું જૂઠનો સહારો લેવો પડ્યો..!
સાપેક્ષ જીવન જીવવા ટેવાયેલા આપણે છ્મ અવસ્થામાં જીવી લઈએ છીએ..
હું નથી, છતાં પણ હું છું એવો આભાસ ઉભો કરી અને સમાજમાં સ્થાન મેળવી લઈએ છીએ, કે કોશિશ કરી લઈએ “સ્થાન” મેળવી અને “માન” લેવાની..!
મન, બુદ્ધિ, ચિત્ત અને માંહ્યલો બધાનું પ્રોપર બેલેન્સીંગ કરીને જીવીએ તો દોરડે ચાલતા નટની જેમ ધીમે ધીમે આગળ ચોક્કસ જવાય છે,ક્યારેક બુદ્ધિ વાપરીને પોતાનો ખરેખરો હક્ક લેવા માટે પણ જદ્દોજેહ્દ કરી લેવી જોઈએ અને મક્કમતા પૂર્વક પોતાનું સ્થાન ક્યાં છે એ સામેવાળાને બતાડવુ જરૂરી બની જાય છે..
અતિની ગતિ નથી હોતી, જીવન કસોટીઓ પાર કરતા કરતા જીવવું પડે છે પણ એક હક્ક આપણી પાસે રાખીએ કે આ કસોટી મારે આપવી છે અને આ નથી આપવી..
કયું જીવન સારું..?
નીતિવાન,ચારિત્રવાન,સંપૂર્ણ એથીકલ જીવન,જીવનના દરેક પગલે બચી બચીને ચાલે કે ક્યાય કોઈ ભૂલથી પણ ભૂલ ના થઇ જાય એનું ધ્યાન રાખીને જ ડગલું માંડવુ, જે જગ્યાએ એમ લાગે કે અહિયાં સેહજ પણ આઘુપાછું થવાશે એ જગ્યા કે વ્યક્તિ બધાનો ક્ષણભરમાં ત્યાગ કરી દેવાનો અને ત્યાગ પણ કેવો ?
ફરી એ તરફ વળીને જીવનભર જોવાનું જ નહિ..
ના આ આપણા કામનુ નથી જ..!
ચરિત્રને કસોટીની એરણ સુધી લઇ નહિ જવાનું..સ્ખલન આવે તો..?
બીજુ જીવન સત્ય અને અસત્યની વચ્ચે પિસાતુ જીવન,
ના મારે આ નહિ જોઈએ, નથી કરવું પણ મજબૂરી કરાવે છે,
હું પશુ નથી મને સારા ખોટા સમજણ છે,અને એ સમજણમાં રહીને જ મારે જીવવું છે, હક્ક અને અણહક્ક બંનેની મને ખબર છે, અને એ સમજણ મારામાં આવી છત્તા પણ મેં..!!
દુઃખ,શોક,ગ્લાનિ બધી ભાવનાઓ જીવનમાં ગમે ત્યારે આવે પશ્ચ્યાતાપ પણ થાય,અને નક્કી થાય હવે તો નહિ જ..
પણ ફરી ફરીને વળી વળીને ક્યાંક પશુ વૃત્તિ હાવી થઇ જાય..
ત્રીજું પણ એક જીવન નર પશુનું, રસ્તે પડેલુ પણ મારું, તારી પાસે છે એ પણ મારું, અને મારે જે કોઈ ચીજ વસ્તુનો ઉપભોગ કરવો છે તે વસ્તુ મારી, અને મને ના મળે તો યેન કેન પ્રકારેણ કરીને તે ચીજને મેળવુ જ અને એનો ઉપભોગ કર્યે જ છુટકો..
નીતિ,ચરિત્ર,એથીક્સ આ બધું વેદિયા લોકો માટે છે, હું માણસ છું મને ભગવાને બુદ્ધિ આપી છે અને મારે જે જોઈએ એ મેળવવા માટે એનો ઉપયોગ કરવાનો છે, મને ભગવાને બુદ્ધિ કેમ આપી..?
હું પણ વાંદરા ની જેમ ગમે તે ઝાડ પર લટકતા અને ગમે તેની માલિકીના ઝાડ પરના દાડમ તોડીને ખાઈ લેત, બિલાડીની જેમ ગમે તેના ઘરમાં જઈને દૂધ પી લેત અને ગાય કુતરાની જેમ જે મળે તે ખાઈ લેત..પણ મારી પાસે બુદ્ધિ છે અને હું તેનો ઉપયોગ કરીશ..!
ચોથું,પાંચમું …છઠ્ઠું .. કેટલી બધી રીતે જીવન જીવાય..!
વિચારવા બેસીએ તો જીવન જીવવા માટે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી અને બેહિસાબ રસ્તા ખોલી આપ્યા,જેટલી વધારે બુદ્ધિ ચલાવે એટલું કન્ફયુઝન વધે અને મોટાભાગના જીવન કયું જીવન સાચું અને કયું રસ્સ્તો ખોટો એટલુ નક્કી કરવામાં જ ખર્ચાઈ જાય છે..કયો ગુણ કોનો લેવો અને છોડવો..?
છેક અંત સુધી ખબર નથી પડતી કે જે રીતે જીવ્યા એ રીત સાચી હતી કે બીજી રીત સાચી..!
વચ્ચે જયારે સમય મળે ત્યારે ગુરુ,કેહવાતા ગુરુ,ચોપડીઓ,ધર્મગ્રંથો,માર્કેટિંગ, મોટીવેશનલ,ઇન્સ્પીરેશનલ,તત્વ,સત્વ,થી છેલ્લુ ગુગલ પ્રકારનું જ્ઞાન લઇને દિવસ પૂરો કરીએ..
સવારે ઠેર ના ઠેર..
અરે હા પેલા કટ્ટપ્પાએ પચ્ચીસ વર્ષ ચમચાગીરી કરીને કેટલાયની કેરિયરની પથારી ફેરવી છે એટલે હું પણ માનું છું કે કુતરો હડે હડે થવાને જ લાયક છે..!
નેશનલ બુક ફેરમાં આંટો મારવાની સાંજે ઈચ્છા ખરી જોઈએ જવાય છે કે નહિ એકાદી ફેક્ટરીથી શેઠના નામની “બુમ” આવે તો પછી હરી હરી..!
ધંધો પેહલો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા