કેટલા કલાક કામ કરવું જોઈએ ?
બહુ ચાલ્યું છે , પણ કોઈ એમ પૂછતું નથી કે કેવું કામ કરવું જોઈએ ..!
કોર્પોરેટ મજૂરો તૂટી પડ્યા જયારે કોર્પોરેટ શેઠિયાઓ એમને વેઠિયા બનાવવા ગયા ત્યારે ..
આ બહુ જુનો દાવ છે જગતનો શેઠિયા મજૂરોને વેઠિયા બનાવવા માટે સખત મેહનતનો કોઈ બીજો વિકલ્પ નથી એવું શીખવાડે અને પોતાના છોકરાવને ક્રિયેટીવ બનવાનું શીખવાડે ..!
તમે તમારો સમય લ્યો બેટા પણ વેઠિયા નથી બનવાનું ,
હવે આ સમય લ્યો એટલે શું ?
તો કહે રખડી ખાવ અને આ રખડી ખાવાને નામ આપે અનુભવ લેવા ગયો હતો ,મેહનત કેમ કરવી એ શીખવાડવા મોકલ્યો હતો ..
મોટેભાગે મજૂરોને એ ખબર જ નથી હોતી કે એ લોકો મજૂરી કેમ કરી રહ્યા છે,
એ લોકો એમ જ સમજે છે કે પાપી પેટ કા સવાલ હૈ અને કોર્પોરેટ મજૂરો માટે પાપી મન કા સવાલ હૈ ,જે ઝડપથી કોર્પોરેટ મજૂરો મુકાદમ બનવા તરફ આગળ વધે એનાથી ત્રણ ગણી ઝડપથી એના મનના ઘોડા દોડી અને એના ખર્ચા વધારી મૂકતા હોય છે , ક્યાં તો એને એસઆઈપી નો રવાડો ચડી ગયો હોય અથવા કોઈક મોટી કેહવાતી મિલકત લોન લઇને ઉભી કરી મૂકી હોય એટલે જોર ભરાય ..
પછી એને કોઈ કહે કે સિત્તેર કલાક અને નેવું કલાક કામ કરો એટલે છટકે..
ભવિષ્યના દુઃખની કલ્પના વર્તમાનને ખરાબ કરી મુકે છે પણ ભવિષ્ય ના સુખની કલ્પના પણ વર્તમાનને ભયંકર રીતે ખરાબ કરી મુકે છે..
ઉદાહરણ રૂપે મરી મરીને કરેલી એસઆઈપી ..!
હાથમાં રૂપિયા આવે ત્યાં સુધીમાં તો શરીર પૂરું કરી મુક્યું હોય ..
એક બીજી વાત પણ જોડું હું આમાં ,
લોનો લેવી એટલે ભવિષ્યની કમાણી ઉપર દાવ ખેલવો અને જે લોકો આ દાવ ખેલે એને પણ સિત્તેર ,નેવું કલાક કામ કરવું ધરાર ના ગમે ..
ભવિષ્યને વર્તમાનમાં લાવી ટેસડો કરી લીધો પણ ભવિષ્યનું કામ વર્તમાનમાં કરવાનું આવે તો ટાઇઢ લાગે ..
એટલા બધા દાવ ઉપર દાવ જગતમાં ખેલાઈ રહ્યા છે કે એમાં ક્યાં તમે ભરાયા છો એની ખબર જ ના પડે , તમારી આજુબાજુના ત્રીસ ચાલીસ કે પછી બસ્સો પાંચસો લોકો , મોટેભાગે તમારી ફોનબુકમાં પાંચસોથી છસ્સો નંબર સેવ કરેલા હોય અને એ બધામાં હું કૈક છું એ બતાવવા હોડ લાગી હોય જૂની પેઢીમાં અને હવેની નવી પેઢીના ઇન્સ્ટા સ્ટોરીને કેટલા વ્યુ આવે એ એના ધખારા છે ..
બહુ મોટો વર્ગ એવો છે કે જે પૂછે છે સિત્તેર કલાક કામ કરીને અધ્ધ્દ્ધ મિલકતોના માલિક બન્યા પછી પણ સાદગી અપનાવવી હોય તો વૈતરાં શાને કરવા ?
છે આવા સવાલનો પણ જવાબ છે ,
પણ જગત જોણા જોવાની મજા આવે , કોઈ કશું કહે એની વાત અને એની પાછળનો વિચાર પકડાય અને આપણા માટે અનુકુળ છે કે નહિ આટલું સમજી લઈએ એટલે ઘણું..
જગતમાં આવ્યા છીએ એટલે કામ તો કરવાનું જ છે પણ એ જ કામ આપણા મનને ગમતું હોય તો એકસો અડસઠ કલાક થાય તો શું વાંધો ?
મારી મરજી ..
કાકાઓ અને આકાઓ એકસો અડસઠ કલાક કામ કરે તો પણ ચાલે, પણ મજૂરો પાસે એટલું કામ ના લેવાય ,એમને એમની પોટલી પીવાનો , પોટલી પીધા પછી પબમાં નાચવાનો સમય આપવો પડે ,એને ઉધારીએ લીધેલા ફ્લેટમાં ઊંઘવા દેવો પડે પછી એ વૈતરે લાગે ..
શેઠ-મજૂરનો ઉંદર-બિલાડીનો ખેલ જગતમાં ચાલ્યા જ કરે છે અને ચાલતો રેહશે , જગતમાં બે ચાર વેઠિયા શેઠિયા બને એટલે આખા જગને ઉદાહરણરૂપ લાગે ,
એવા બે ચાર ને જોઇને પાછા વેઠિયા દોડે અને પડે ..
પેટ ભરાય પછી મન ભરાય ,
મન ભરાય એવી ખબર ક્યારે પડે ?
તો કહે બસ હવે ઘણું બધું મને આવડી ગયું ઘણું બધું મેં જોઈ જાણી લીધું અને જાત્તે ને જાત્તે નક્કી કરી લ્યે કે મેં ઘણું કર્યું ..
બસ એક્સોય અડસઠ કલાક તારા ..!!
જીવન બહુ અદ્ભુત વસ્તુ છે ,
પાંજરાપોળના ચાર રસ્તે ઉભેલી મેડીકલ ભાષામાં “ઓબેઝ” અને આપણી ભાષામાં પાંચ મણ એટલે કે સો કિલોની પૂરી ભિખારણ ગાડીએ ગાડીએ કાચના ટકોરા મારી મારીને ખાવાની ભીખ માંગે ..
બોલ મજૂરીયા પેટની ભૂખ છે કે મનની ભૂખ ?
કેટલા કલાક કામ કરતી હશે ? અને મરે ત્યારે કેટલા લાખ એની ચાદરમાંથી નીકળશે ? કેટલા લારીવાળાને એ ભિખારણ વ્યાજે રૂપિયા આપતી હશે ?
હજી આગળ ગંદી વાત પૂછું ?
રૂપિયા માટે એણે શરીર વેચ્યું હશે ? અને પછી રૂપિયા આવ્યા ત્યારે શરીર ખરીદ્યું હશે ?
બધા ખેલ પેટ ભર્યા પછી મન ભરવાના છે ..
અટકવું ક્યાં એ ખબર પડશે તો છટકાશે બાકી તો યુગો યુગો થી ધરતી સૂર્યના ચક્કર કાપે છે અટક્યા વિના અને રખડતા ધૂમકેતુઓ અંતહીન દિશાહીન ભટકે છે ..
બાકી તો ગમ્મે તેટલું કામ કરશો અને છેલ્લે તો લોકોએ જે એમના મનમાં હશે અને નક્કી કરેલું હશે એ જ પ્રમાણે તમારા મારા માટે વિચારશે ..
સુખ ને છુપાવતા શીખવું રહ્યું અને દુઃખને ખપાવતા શીખવું રહ્યું ..!
આટલું આવડે તો ત્રીસ ચાલીસ પચાસ કે નેવું કલાકના ચક્કરમાંથી બહાર..!
અને હા બાહર નીકળીને પોટલી જ મારવાની છે કે બીજું કશું ક્રિયેટીવ હોબી પાળી છે ..?????
જય હો
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*