એ ઘણી ખમ્મા..ઘણી ખમ્મા રાજ ના ધણી ને..!!
જય હો..જય હો ..જય હો ..!!!
થોડામાં ઝાઝું જાણજો..,
કેદાર ની કંદરામાં ભગવા અંગે ઓઢ્યા હતા એની લાજ રાખજો ધણી..!!
આપણા ગુજરાતની પરંપરા રહી છે `હર` ની આરતી એકલી ક્યારેય નથી થતી, હરિહરા ની આરતી એક સાથે થાય છે ..!
ત્રિકમ ને વા`લા તુલસી શિવજી ને બીલી પત્ર ..
હરિહરાની આરતી જે કોઈ ગાશે ભવસાગર તરશે..!!
`હર` ની સેવા ઘણી થઇ..!!
હવે `હરી` નો વારો છે,
નાના મોઢે મોટી વાત પણ મારો રામ હજી ઝુપડીમાં જ બેઠો છે ધણી..!!
આજ ના ભવ્ય વિજયમાં સૌથી વધારે મેહનત જો કોઈએ કરી હોય તો એ વોટ્સ એપ મેસેજીસ ફોરવર્ડ કરનારા છે..
ભાજપના આઈટી સેલ કરતા પણ વધારે મેહનત આ વોટ્સ એપ મેસેજીસ ફોરવર્ડ કરનારાની છે..!
દેશભરમાં દરેક વોટ્સ એપ ગ્રુપમાં બે ચાર પાંચ એવા હતા કે જ્યાંથી પણ એકાદું મીમ આવે અને એ એના તમામ ગ્રુપ અને કોન્ટેકટસમાં ફોરવર્ડ કરે ..
નરેન્દ્ર મોદીની ફેવર માટે મારવા અને મરવા સુધી પોહચી જાય, કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઝલીલ કરવામાં સેહજ પણ કસર ના રાખે..!!
વિજય માટે ભાજપ નો કાર્યકર્તા તો ચોક્કસ મચેલો રહ્યો જ છે પણ જોડે જોડે સંઘ આખો મેહનત કરતો રહ્યો ..
સંઘની કદાચ પાંચ દસકાઓની દેશની સામાજિક સમરસતા માટેની મેહનત આજે રંગ લાવી છે, *આ ચૂંટણીમાં જાતિગત રાજકારણનો ખો નીકળી ગયો છે અને એનો શ્રેય સંપૂર્ણપણે સંઘ ને જાય છે..!*
વિપક્ષે સામાજિક સમરસતા ખોરવાઈ જાય તેવા ભરપુર પ્રયત્નો કર્યા, હિંદુ મત નું વિભાજન થાય એવા એકપણ મોકાને વિપક્ષ એ ધુણાવ્યા વિનાનો નથી મુક્યો, પણ ખુબ ખુબ અભિનંદન ના અધિકારી છે સંઘ અને એના અનુયાયીઓ કે જેમણે સામાજિક સમરસતા અને સૌહાર્દ જાળવી રાખવા માટે તનતોડ મેહનત કરી છે..
મારો અનુભવ કહું તો અમદાવાદના એક સંઘ ચાલક પોતે જન્મે બ્રાહ્મણ હોવા છતાં પણ પોતાના પરિવાર દ્વરા દલિતો સાથે સો વર્ષ પેહલા થયેલા અન્યાય નો એકરાર કરી અને સામાજિક સમરસતા માટે સતત પ્રયત્નશીલ રહ્યા..!
હું જ્યારે એમને સાંભળતો ત્યારે મને એમ થતું કે પોતાની જાત ને ગાળો આપવાની આ કઈ રીત છે ? પણ પોતાના બાપદાદાઓ દ્વારા થયેલી ભૂલ ને સમજી અને એકરાર કરવો એ તો સંઘના સંસ્કાર જ કરી શકે..!
વિપક્ષની હારના ઘણા કારણો છે પણ જીતનું બીજું પણ એક કારણ મારી નજરમાં છે , આખે આખો સંઘ એક એક ઝીણી ઝીણી ઘટનાઓ અને લખાણો ઉપર નજર રાખી રહ્યો હતો, જ્યાં જરૂર લાગી ત્યાં ફીડ બેક લીધા અને કરેકટીવ મેઝર્સ લીધા..
ઉદાહરણ આપું તો રાષ્ટ્રીય સ્તરના એક સંઘના અધિકારી જેઓ આજે ખુબ ઊંચા હોદ્દા ઉપર છે ,અને કદાચ નવી સરકારમાં મંત્રી ની જવાબદારી પણ નિભાવશે એવી વ્યક્તિ મારા જેવા સાવ નાનકડા બ્લોગર ને મેસેજ મોકલે અને કહે રાત્રે સાડા નવ પછી હું તમને ફોન કરીશ, અને જયારે આવો સંદેશો આવે ત્યારે રાતના આઠ ને પંચાવન થઇ હોય અને નવ વાગ્યે તેઓ ટીવી ની એક રાષ્ટ્રીય ચેનલ ઉપર તેઓ ડીબેટ કરી રહ્યા હોય..
મજાની વાત તો એવી થાય કે એ અધિકારીશ્રી ડીબેટ પૂરી કરી ને તરત જ ફોન કરે અને ચર્ચામાં સેહજ લંબાણ આવે કે તરત જ એમ કહે કે રાત્રે મોડે ફોન કરું છું , મારે બીજી ડીબેટ છે અને પછી રાતના બાર વગ્યે ફરી મેસેજ આવે શું તમે જાગો છો ? અને પછી તમારો શૈશવ એક્સાઈટ થઈને તરત જ સામેથી ફોન લગાડે અને રાતના દોઢ વાગે ચર્ચામાં ..!!
તમામ વિષય ઉપર ફીડ બેક લ્યે અને પછી જણાવે કે સામાજિક સમરસતા ઉપર કશું લખી શકો તો પ્રયત્ન કરજો ..!
બસ આટલી જ સલાહ કે આગ્રહ..!!
લગભગ એ આખી રાત હું જાગ્યો હતો કે હું શું લખું ? કઈ સમજણ ના પડી એટલે મેં મેસેજ નાખ્યો કે કઈ સૂઝતું નથી,
પછી એમનો મેસેજ આવ્યો જે લખો છો તે ચાલુ રાખો ..!
એક એક નાની નાની જગ્યાએ જઈ જઈ ને સંઘના નાના મોટા તમામ અધિકારીઓ એ ફીડ બેક લઇ અને જ્યાં ખોટી ધાર દેખાઈ એને વાળવાની ભરપુર કોશિશ કરી અને આજે એ બધા જ સફળ થયા છે..
પણ હું જ્યાં સુધી એ લોકો ને જાણું છું ત્યાં સુધી આ સફળતા ને નજરમાં લીધા સીવાય એ લોકો એમનું કામ ચાલુ રાખશે..
આજે વિજયની રાત્રી છે મહાભારતનો નિયમ છે વિજય રાત્રી એ ઊંઘાય નહિ ..
જો ઉંઘ્યા તો તમારું ભવિષ્ય બરબાદ ..!
યુદ્ધથી થાકેલા પાંડવો અને એમના બચેલા દ્રૌપદીના પાંચ પુત્રો ઘોર નિંદ્રા માં નિંદ્રાધીન હતા અને અશ્વસ્થામા એ દ્રૌપદી હણી નાખ્યા..!
કેહવા નું તાત્પર્ય એટલું જ છે કે વિજયના નશામાં કઈ ના લેવા જોઈએ એવા નિર્ણયના લેવાઈ જાય..!
એપ્રિલ મહિનો ઘોર મંદીનો રહ્યો છે ઇન્ડસ્ટ્રીઝ માટે, અને મે મહિનામાં કઈ સારાવાટ નથી દેખાયા , કામ કામ ના ઢગલા પડ્યા છે ..
એમએસએમઈ સેક્ટર જે આજે પણ સાહીઠ ટકાથી વધારે રોજગારી પૂરી પાડે છે એને એક કલાકમાં લોન આપવાની એપ લોન્ચ કરી હતી પણ હજી એકેય બેંક નો મેનેજર ગેરેંટી વિના લોન આપી રહ્યો નથી ..
નવી સ્કીમમાં કૈક સરકાર પચાસ ટકા ગેરેંટી આપવાની છે એવી વાર્તાઓ સંભળાય છે એટલે હવે ઝટ કામે ચડી અને એમએસએમઈ સેક્ટરને બુસ્ટ કરવું જરૂરી છે નહિ તો પકોડા આખું ગામ તળશે તો ખાશે કોણ ?
શેરબજાર કોઈનું થયું નથી અને થવાનું નથી..મોદી સાહેબ આવવાના છે એવો અણસાર આવ્યો તો ૧૪૦૦ પોઈન્ટ ઉપર ગયું અને આજે જ્યારે આવી ગયા તો બજાર નીચે બંધ આવ્યું..
સમ્રાટ અશોક કે જલાલુદીન મોહમદ અકબર કરતા ક્ષેત્રફળમાં વધારે મોટું ભારતવર્ષ આજે આપને ભોગવવા મળ્યું છે..અને વધારે શક્તિશાળી સેના આપની સેવામાં રત છે..!
ભારતના સીમાડાઓ આપ વિસ્તારો એવી અપેક્ષા..!!
ઘણી અપેક્ષાઓ છે પ્રજાની , આ બધી અપેક્ષાઓ ને પૂર્ણ હરિહર આપને શક્તિ પ્રદાન કરે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા